Get The App

'ગ્લૂમી સન્ડે'નામના હંગેરિયન ગીતે અનેક લોકોને આત્મહત્યા કરવા પ્રેરિત કર્યા હતા!

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
'ગ્લૂમી સન્ડે'નામના હંગેરિયન ગીતે અનેક લોકોને આત્મહત્યા કરવા પ્રેરિત કર્યા હતા! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- બી.બી.સી.એ 66 વર્ષ સુધી આ ગીત રેડિયો અને ટેલિવિઝન પરથી પ્રસારિત કર્યું નહોતું. છેવટે 2002માં એના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

'Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origins from emotion recollected in tranquillity.

કવિતા શક્તિશાળી ભાવનાઓનો સહજ, સ્વયંસ્ફૂરિત ઊભરો (પ્રવાહ) છે : તે શાંતિમાં સ્મરણ કરાયેલી ભાવનાઓમાંથી ઉદ્ભવે છે.' 

- વિલિયમ વર્ડ્સવર્થ 

(લિરિકલ બેલેડ્સ)

માનવીનું મન ઉદાસીનતા, ગ્લાનિ, દુ:ખથી ભરેલું હોય ત્યારે કવિતા, ગીત, સંગીત અને ભાવનું પરિવર્તન કરી એને પ્રસન્ન અને શાંત કરી એનું અતિક્રમણ-ઉદ્દાતીકરણ કરે છે. શોકમાંથી પ્રગટ થયેલું કાવ્ય શ્લોક બની શાંતિ પ્રદાન કરે છે એટલે જ રામાયણના સંદર્ભમાં વાલ્મીકિ મુનિનો શોક અનુષ્ટુપ છંદના શ્લોકરૂપે પ્રગટ થયો એમ કહેવાય છે. 'શોક: શ્લોકત્વમાગત: ।'

દુનિયાની દરેક ભાષામાં ઉદાસ ગીતો (Sad Songs) તો લખાયા જ છે પણ હંગેરિયન ભાષામાં લખાયેલું - ગવાયેલું 'ગ્લુમી સન્ડે  (Gloomy Sunday) નામનું ગીત આ બાબતમાં સૌથી ચડી જાય તેમ છે. અત્યંત ગમગીની અને વિષાદ ઉત્પન્ન કરતા આ હંગેરિયન ગીતને સાંભળીને સેંકડો લોકોએ આત્મહત્યા કરી નાંખી હતી એટલે એ 'હંગેરિયન સ્યુસાઈડ સોન્ગ' તરીકે ઓળખાતું હતું. માર્ચ ૧૯૩૬ના 'ટાઈમ' મેગેઝિનમાં અને એ જ અરસાના ન્યૂયોર્ક ટાઈમ્સમાં પણ 'ગ્લૂમી સન્ડે' ગીતના કલંકિત ઇતિહાસનો અહેવાલ રજૂ થયો હતો. એ ગીત સાંભળીને થતી આત્મહત્યાની સતત ઘટનાઓને લીધે યુનાઈટેડ કિંગ્ડમ અને અમેરિકાના કેટલાક ભાગમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આના પરિણામે બી.બી.સી.એ ૬૬ વર્ષ સુધી આ ગીત રેડિયો અને ટેલિવિઝન પરથી પ્રસારિત કર્યું નહોતું. છેવટે ૨૦૦૨માં એના પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

આ ગીત કોણે અને કેમ રચ્યું તેના ઇતિહાસનું અવગાહન કરીએ. ઈ.સ. ૧૯૩૨ના ડિસેમ્બર મહિનાના એક રવિવારે પેરિસ ખાતે રેઝસો સેરેસ (Rezso Seress) નામના એક હંગેરિયન પિયાનોવાદકે આ ગીતની ટયુન, સૂરાવલીઓ રચી હતી. મૂળ ગીત વેગે અ વિલાગ્નાક (Vege a Vilagnak) અર્થાત્ 'દુનિયા નાશ પામી રહી છે' એ શીર્ષક સાથે રચાયું હતું અને યુદ્ધથી ઉત્પન્ન થયેલ નિરાશા વિશે હતું જેનો અંત લોકોના પાપો માટે એક શાંત પ્રાર્થના રૂપે થાય છે. કેટલાક એવું માને છે કે તે જેને અત્યંત પ્રેેમ કરતો હતો એવી એની ગર્લફ્રેન્ડે એની સાથે સંબંધ તોડી નાંખતા તે હતાશ-નિરાશ થઈ ગયો હતો ત્યારે ભારે વિચિત્ર-ગમગીન સૂરાવલી તેના ચિત્ત પર સવાર થઈ ગઈ હતી. તે વખતે ગીતના શબ્દો પણ તેના અવચેતન મનમાંથી પ્રકટ થઈ ગયા હતા.

જો કે મહદંશે એવું મનાય છે કે એ ગીતના શબ્દો (lyrics) એના નથી પણ ૧૯૩૩માં એને મળેલા લાસ્ઝલો જાવોર (Laszlo Javor) નામના કવિએ રચેલા છે. લાસ્ઝલોને પ્રણયભંગ થતાં ભયંકર આઘાત લાગ્યો હતો. એની મંગેતર (fiance) સાથે બ્રેકઅપ થવાથી તે ભારે ઉદાસીનતા અનુભવતો હતો અને તે મનોદશા થકી એણે એ ગીતના શબ્દો રચ્યા હતા. આ ગીતના શબ્દો તે દુ:ખાન્ત ઘટનાનું વર્ણન કરતા હતા જેમાં એક પુરૂષ તેની પ્રિયતમાનું અણધાર્યું મરણ થવાને કારણે ભારે શોકમાં ડૂબી ગયો હતો અને તેને ફરી મળવાના એકમાત્ર ઉપાય તરીકે આત્મહત્યા કરી જીવનનો અંત લાવવાનો પ્રયત્ન કરે છે. તે એની મૃત પ્રિયતમાને પોતે આયોજિત કરેલી પોતાની મરણોત્તર વિધિ (funeral)માં નિમંત્રિત કરે છે. એવું કહેવાય છે કે રેઝસો સેરેસે આ ગીતની સૂરાવલી (tune, Melody) રચી ત્યારે અને લાસ્ઝલો જાવોરે એના શબ્દો (lyrics) રચ્યા ત્યારે કોઈ દુષટ્ મૃતાત્મા વ્યક્તિત્વ પર સવાર થઈ ગયો હતો અને તેના પ્રભાવને આસુરી બનાવી દીધું હતું. ગીતની સૂરાવલી અને શબ્દો બન્નેનું સંયોજન એવું થયું કે જાણે કોઈ શેતાની છાયા મન પર હાવી થઈ જાય તેમ તે સાંભળનાર ઉદાસ અને દુ:ખી થઈ જતો અને જો એ દશામાંથી બહાર ના નીકળે તો આત્મહત્યા કરવા પ્રેરિત થઈ જતો. લાસ્ઝલોએ આ ગીતનું શીર્ષક રાખ્યું હતું - 'સોમોરું વાસર્નૈપ (દુ:ખદ કે ઉદાસ રવિવાર).

ગ્લૂમી સન્ડે (Gloomy Sunday ને પહેલીવાર ૧૯૩૬માં હેલ કેમ્પ દ્વારા અંગ્રેજીમાં રેકોર્ડ કરાયું હતું. જેના શબ્દો સેમ લૂઈસે લખ્યા હતા એ જ વર્ષે પૉલ રોબસન દ્વારા પણ તે રેકોર્ડ કરાયું જેના શબ્દો ડેસ્મંડ કાર્ટરે લખ્યા હતા. ૧૯૪૧માં ઝાઝ અને સ્વિંગ મ્યુઝિક સિંગર બિલી હોલી ડે દ્વારા એક સંસ્કરણ લાગુ કરાયા બાદ તે અંગ્રેજી બોલનારા દેશો-પ્રદેશોમાં પ્રસિદ્ધ થઈ ગયું હતું. લૂઈસના શબ્દો આત્મહત્યાનો ઉલ્લેખ કરે છે અને રેકોર્ડ લેબલે એને હંગેરિયન સ્યુસાઈડ સોન્ગ જણાવ્યું છે.  આ ગીતને સાંભળીને અનેક લોકોએ આત્મહત્યા કરી નાંખી હતી તેમાંય ખાસ કરીને હંગેરિયન લોકોએ.

બે યુવાન મિત્રો બુડાપેસ્ટના કાફેમાં બેસીને કોફી પી રહ્યા હતા અને મોજ-મસ્તી કરી રહ્યા હતા. એ વખતે કોઈએ ત્યાંની સંગીત વગાડનાર ટુકડીને ગ્લૂમી સન્ડે ગીત વગાડવાનું કહ્યું. તે સાંભળતાવેંત પેલા બન્ને યુવાનો અકારણ ઉદાસ થઈ ગયા અને પોતાની રિવોલ્વર કાઢી પોતાની જાતને વીંધી નાખી. એ જ અરસામાં એક સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પણ બન્યો - ડેનુબે નદીમાંથી કેટલાક લોકો મૃત અવસ્થામાં મળી આવ્યાં જેમણે હાથમાં હાથ પરોવી એક સાથે નદીમાં કૂદીને જીવનનો અંત આણ્યો હતો. તે બધાના હાથમાં જે કાગળ હતો તેમાં ગ્લૂમી સન્ડે ગીતની પંક્તિઓ લખાયેલી હતી. લંડનના એક ફલેટમાં રહેતી એક યુવતીએ આ ગીત સાંભળતાં સાંભળતા આત્મહત્યા કરી લીધી હતી. ગ્લૂમી સન્ડેની અભિશાપિત સૂરાવલી બનાવનાર રેઝસો સેરેસ અને તેને વિષાદગ્રસ્ત કરનાર તેની ગર્લફ્રેન્ડ પણ આ ગીતના દુષ્પ્રભાવનો ભોગ બન્યા હતા. ૧૩ જાન્યુઆરી ૧૯૬૮ના રોજ રેઝસો સેરેસે એક ઊંચા મકાન પરથી કૂદીને આત્મહત્યા કરી નાંખી અને તેની ગર્લફ્રેન્ડે પણ એક સ્ટ્રીટમાં પોતે જ પોતાના જીવનનો અંત આણી દીધો.

ગ્લૂમી સન્ડેનો દુષ્પ્રભાવ હંગેરિયન ગીત સાંભળવા પર હંગેરીમાં જ વિશેષ જોવા મળ્યો હતો. સેમ લૂઈસે એનું અંગ્રેજીમાં રૂપાંતરણ કર્યું અને બિલી હોલી ડે એ એની રેકોર્ડ પ્રસિદ્ધ કરી તે પછી એ ગીતનો કોઈ દુષ્પ્રભાવ રહેવા પામ્યો નથી. ૧૯૩૫થી ૨૦૧૫ સુધીમાં આ ગીતના આશરે ૮૭ જેટલા રેકોર્ડિંગ પ્રકાશિત થયા છે. ૨૮ ભાષાઓમાં ૧૦૦થી વધારે ગાયકોએ તે ગાયું છે. આ ગીતની વાર્તા પર આધારિત ફિલ્મ ગ્લૂમી સન્ડે ૧૯૯૯માં હંગેરી અને જર્મનીમાં રિલીઝ થઈ હતી જે એની ભયાનક હકીકત અને અધૂરા પ્રેમ, પ્રણય ભંગનો દુ:ખદ અંજામ બતાવે છે. 

Tags :