Get The App

ઈકોલોજી વિજ્ઞાન દર્શાવે છે કે પર્યાવરણ અને માનવ મન વચ્ચે અતૂટ સંબંધ પ્રવર્તે છે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
ઈકોલોજી વિજ્ઞાન દર્શાવે છે કે પર્યાવરણ અને માનવ મન વચ્ચે અતૂટ સંબંધ પ્રવર્તે છે 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- આજની પર્યાવરણીય સમસ્યા માત્ર હવા, પાણી અને વાતાવરણના પ્રદૂષણ પર જ સમાપ્ત થતી નથી, પરંતુ તે માનવીની વિચાર શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિની અનિવાર્યતા પર ભાર મૂકે છે

'ભૂમિરાપોડનલો વાયુ: ખં મનો બુદ્ધિરેવ ચ ।

અહંકાર ઈતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટ ધા ।।

અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ ।

જીવભૂતાં મહાબાહો યયેદં ધાર્યતે જગત ।।

પૃ થ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર- આમ આઠ પ્રકારે વિભાગ પામેલી મારી આ પ્રકૃતિ છે. આ પ્રકૃતિ અપરા (જડ) છે, પણ હે અર્જુન ! આથી બીજી મારી પરા અર્થાત્ ચેતન પ્રકૃતિને તું જીવરૂપ જાણ, જેના વડે આ જગત ધારણ કરાય છે.'

- ભગવાન શ્રીકૃષ્ણ, શ્રીમદ્ ભગવદગીતા, અધ્યાય-૭, 

શ્લોક- ૪, ૫

શ્રીમદ્ ભગવદગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે અપરા અને પરા પ્રકૃતિની વાત કરી છે તે સમજવા જેવી છે. આપણે જે પ્રકૃતિમાં રહીએ છીએ તે અપરા પ્રકૃતિને અષ્ટધા કહેવામાં આવી છે કેમ કે તે આઠ તત્ત્વોથી બનેલી છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આખાસ એ પાંચ તત્ત્વો બહારના પર્યાવરણનાં તત્ત્વો છે અને મન, બુદ્ધિ તથા અહંકાર એ ત્રણ તત્ત્વો આપણી અંદરના તત્ત્વો છે. જો કે આ ભેદ ઉપરછલ્લાં છે. બહારના પંચ તત્ત્વોની અંતર્ગત ભીતરના ત્રણ તત્ત્વો પણ તિરોહિત ક્રમમાં રહે છે અને ભીતરના ત્રણ તત્ત્વોમાં બહારના પાંચ તત્ત્વો તિરોહિત ક્રમમાં સમાયેલાં રહે છે. બન્ને એકબીજા સાથે જોડાયેલા તો રહે જ છે. બહારની પ્રકૃતિની હલચલ આંતરિક પ્રકૃતિમાં પણ હલચલ મચાવી દે છે. તે જ રીતે આંતરિક પ્રકૃતિમાં લાવવામાં આવેલું પરિવર્તન બહારની પ્રકૃતિને પણ બદલી નાખે છે. અર્વાચીન ભૌતિક વિજ્ઞાન કહે છે કે આખા બ્રહ્માંડમાં બધે જ અવિભાજ્ય સમગ્રતા પ્રવર્તે છે જગતમાં કશું જ એકબીજાથી પૃથક્ તો નથી જ.

વિજ્ઞાને તાજેતરમાં સિદ્ધ કર્યું છે કે માનવ જીવન અને પ્રાકૃતિક વાતાવરણ એકબીજાની સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલાં છે. આ બેમાંથી એકમાં અવ્યવસ્થા ઊભી થાય તો બીજા પર તેની અસર થયા વિના રહેતી નથી. પારિસ્થિતિકી (Ecology) જીવો અને તેના વાતાવરણ વચ્ચેના સંબંધોનું અધ્યયન છે. તે જુએ છે કે જીવ-જંતુ, વૃક્ષો-વનસ્પતિ, પશુ-પક્ષીઓ, મનુષ્યો, અન્ય જીવો કઈ રીતે એકબીજા અને પોતાના પરિવેશ (હવા, પાણી, માટી, સૂર્ય વગેરે) સાથે જોડાયેલા છે. ઈકોલોજીમાં બધા તત્ત્વો (જીવિત અને નિર્જીવ) એકબીજા પર નિર્ભર હોય છે. કોઈ એક ભાગનું પરિવર્તન આખા તંત્રને અસર પહોંચાડે છે. જેમ કે જંગલો દૂર કરવાથી માત્ર વૃક્ષો ઓછા થાય છે એવું નથી, પણ પશુ-પક્ષીઓના ઘર, વર્ષા અને જળ, વાયુ વગેરે અસરગ્રસ્ત થાય છે.

આપણું માનસિક સ્વાસ્થ્ય પર્યાવરણ (Environment) થી પ્રભાવિત થાય છે. સ્વચ્છ અને પ્રાકૃતિક વાતાવરણમાં મન શાંત અને પ્રસન્ન રહે છે. પ્રાકૃતિક અને માનવ નિર્મિત બન્ને પ્રકારના પર્યાવરણ આપણા જીવનમાં મહત્વપૂર્ણ છે. જળ, વાયુ, માટી, વનસ્પતિ અને પશુઓ પ્રાકૃતિક પર્યાવરણનો ભાગ છે, શહેરો, રસ્તાઓ, મકાનો માનવ નિર્મિત પર્યાવરણનો ભાગ છે અને સમાજ, સંસ્કૃતિ, પરંપરાઓ વગેરે સામાજિક પર્યાવરણ છે. પારિસ્થિતિકી (Ecology), મન અને પર્યાવરણનો સંબંધ સદા કાળ છે. મનુષ્યનો વ્યવહાર પર્યાવરણને પ્રભાવિત કરે છે. ખરાબ પર્યાવરણ માનસિક તણાવ અને બીમારીઓનું કારણ બની શકે છે. સંતુલિત પર્યાવરણથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.

વ્યવહાર વિજ્ઞાની (Behavioural Scientist) જ્હોન સ્ટેનલી રોવે (John Stanley Rowe) ઈકોલોજી પર ઘણા સંશોધનો કર્યા છે. તેમના ૨ પ્રસિદ્ધ પુસ્તકો છે - હોમ પ્લેસ: એસેઝ ઓન ઈકોલોજી  (Home Place - Essays on Ecology) અને અર્થ એલાઈવ: એસેઝ ઓન ઈકોલોજી (Earth Alive - Essays on Ecology). તે જણાવે છે - 'પ્રકૃતિ અને મન વચ્ચેનો સંબંધ માત્ર બાહ્ય નથી, પણ ઊંડાણથી માનસિક અને આધ્યાત્મિક છે. માનવ મન પર્યાવરણથી જુદું નથી. જે રીતે વૃક્ષો, જળ, માટી અને વાયુ એકબીજા સાથે જોડાયેલા છે, તે જ રીતે માનવ વિચાર અને ચેતના પણ આ તંત્રનો ભાગ છે. પર્યાવરણનું રક્ષણ ત્યારે જ શક્ય છે જ્યારે મનુષ્ય પોતાની અંદર પર્યાવરણીય ચેતના  (Consciousness) વિકસિત કરે. પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ મન જ પર્યાવરણીય સંતુલન રાખી શકે છે.'

જ્હોન સ્ટેનલી રોવ કહે છે - 'જ્યાં જ્યાં પણ આ સંતુલન તૂટયું છે, વાતાવરણ અસ્તવ્યસ્ત થયું છે ત્યાંના રહેવાસીઓના માનસિક સ્તરની અસ્તવ્યસ્તતા પ્રત્યક્ષ જોવા મળે છે. તેમના વર્તન-વ્યવહારમાં વિસંગતિ આવે છે. તેમના વર્તનમાં ચીડિયાપણું, ક્રોધ, હિંસા અને આક્રમકતા સ્પષ્ટ જોવા મળે છે. એમની વર્તન વિકૃતિના બીજ તેમના મનમાં પડેલાં છે. તેમની માનસિકતાને અનુરૂપ જ શરીરની ભિન્ન ભિન્ન ગતિવિધિઓ અને કાર્ય વ્યવહારો ઉદ્ભવે છે. પર્યાવરણની અવ્યવસ્થાની સીધી અસર માનવીના અચેતન, અવચેતન અને સામૂહિક મન પર પડે છે.  Environment is really a creation of mind... we are in reality intimately connected to this thing we call ‘environment.’ :પર્યાવરણ વાસ્તવમાં મનની સંરચના છે... આપણે વાસ્તવમાં એ વસ્તુથી ઊંડાણથી જોડાયેલા છીએ જેને આપણે 'પર્યાવરણ' કહીએ છીએ.

બિહેવિયરલ ઈકોલોજિસ્ટ જ્હોન એલકોક (John Alcock) દ્વારા Animal Behavior - An Evolutionary Approach :નામનું પુસ્તક લખાયું છે. તેમાં તેમણે દર્શાવ્યું છે કે વ્યવહાર કઈ રીતે જીવોના અનુકૂલન (adaptation) નું કારણ છે. જીન  (Gene) અને પર્યાવરણ બન્ને મળીને વ્યવહાર બનાવે છે, મસ્તિષ્ક અને હોર્મોન વ્યવહારને કઈ રીતે નિયંત્રિત કરે છે. એલકોક માને છે કે માનવી પણ એક જૈવિક જીવ છે એનો વ્યવહાર પણ પારિસ્થિક અને વિકાસવાદી દબાણોથી પ્રભાવિત થાય છે. એક જગ્યાએ તે લખે છે - ‘Change your Perspective and you may change your behaviour, change your behaviour and you may change the evolutionary outcome -   તમારો દ્રષ્ટિકોણ બદલો અને તમે તમારો વ્યવહાર બદલી શકો છો, તમારો વ્યવહાર બદલો અને, તમે વિકાસવાદી પરિણામ બદલી શકો છો. આજે એ જાહેર થઈ ચૂક્યું છે કે આપણે પ્રાકૃતિક જગત પર આપણા અંતહીન આક્રમણ અને વિચાર્યા વગરના પરિવર્તનો થકી એ અધિકારનો અવિવેકપૂર્વક ઉપયોગ કરી શકતા નથી અને આપણે કરવો પણ ન જોઈએ. અર્વાચીન સંશોધનોથી એ જાણવા મળ્યું છે કે જૈવ મંડળ પર મનુષ્યના સતત એકતરફી અને મોટા પ્રમાણમાં અનિયમિત પ્રભાવથી આપણી સભ્યતા એક એવી સભ્યતા બની ગઈ છે જે વેરાન ભૂમિને બગીચામાં ફેરવવાને બદલે બગીચાઓને વેરાન ભૂમિમાં ફેરવી નાંખશે.'

ઈકોલોજી દર્શાવે છે કે જ્યારે માનવી એની ભીતરની સહાનુભૂતિ, નૈતિકતા કે સામૂહિક જવાબદારીને ગુમાવી દે છે ત્યારે એનો પર્યાવરણ અને પારિસ્થિતિકી (ecology) પર ગંભીર પ્રભાવ પડે છે. આજની પર્યાવરણીય સમસ્યા માત્ર હવા, પાણી અને વાતાવરણના પ્રદૂષણ પર જ સમાપ્ત થતી નથી, પરંતુ તે માનવીની વિચાર શુદ્ધિ અને વ્યવહાર શુદ્ધિની અનિવાર્યતા પર ભાર મૂકે છે. વિચાર અને વર્તનના દુષિતીકરણથી વાતાવરણનું પણ દુષીતીકરણ થાય છે તે હવે સ્વીકારાવા લાગ્યું છે.

વર્તમાન સદીમાં પર્યાવરણ નષ્ટ થવાની સાથે મનુષ્યનું વર્તન પણ વધારે આક્રમક બન્યું છે. પ્રકૃતિ સાથે સંતુલન સાધનાર પહેલાના માનવીમાં જે સૌમ્યતા અને સહકારિતા હતી તે આજે ઓછી થઈ ગઈ છે. અત્યારે અમાનવીકરણ (Dehumanisation) ચિંતાજનક પ્રમાણમાં વધવા લાગ્યું છે. અમાનવીકરણ દૂર કરવા માટે એ જરૂરી છે કે પ્રકૃતિની સાથે મનુષ્યના વ્યવહારની રીત રસમો બદલાય. સ્નેહ, સદ્ભાવ, સહયોગ અને સંરક્ષણનો વ્યાપ વધે તો જ પર્યાવરણની વિકૃતિ દૂર થઈ શકે. અત્યારે વિભિન્ન જીવ જાતિઓનો નાશ થવાનો દર વધી ગયો છે. છેલ્લા ૩૫૦ જેટલા વર્ષોમાં દર દસ વર્ષે પ્રાણીઓની એક જાતિ કે ઉપજાતિ નાશ પામી છે. અત્યારે તો દર વર્ષે એક જાતિ કે ઉપજાતિ લુપ્ત થઈ રહી છે. જીવવિજ્ઞાનીઓ કહે છે કે હાલમાં પશુ-પક્ષીઓની લગભગ ૧૦૦૦ જાતિઓ લુપ્ત થવાની અણી પર આવી ગઈ છે. આ બધામાં એક જૈવિક નબળાઈ આવી ગઈ છે એટલે તે નાશ પામવાની તૈયારીમાં છે. જો માનવી હજુ પણ પ્રકૃતિ સાથે ચેડાં કરશે અને પર્યાવરણનું સંતુલન બગાડશે તો મોટા વિનાશ માટે તેણે તૈયાર રહેવું પડશે. બિહેવિયરલ ઈકોલોજીના વિજ્ઞાનીઓ કહે છે કે જો મનુષ્ય એની માનવતા અને સદ્ભાવો ગુમાવી દેશે તો તે પ્રકૃતિ અને પર્યાવરણને પણ મોટું નુકસાન પહોંચાડી દેશે.