- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- કેટલાય એવા પ્રોતાત્માઓ અને પિતૃઓ હોય છે જે અભિશાપ નહીં, આશિષ આપતા હોય છે. એમના આશીર્વાદ વરદાનરૂપ બની જતા હોય છે
મરણ પછી પણ જીવન ચાલુ રહે છે એના અનેક પુરાવા મળે છે. મૃતાત્મા કાં તો મરણ પછી પ્રેત, પિતૃ કે દેવ યોનિમાં ગતિ કરે છે અથવા આરંભની પ્રેત-પિતૃ જેવી સ્થતિમાં રહ્યા બાદ પુનર્જન્મ લઇ ફરી શરીર ધારણ કરે છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પ્રેત યોનિમાં રહેલા મૃતાત્માઓ બીજાને હેરાન-પરેશાન કરી મુસીબતો સર્જતા હોય છે. પણ આ વાત સાચી નથી. કેટલાય એવા પ્રોતાત્માઓ અને પિતૃઓ હોય છે જે અભિશાપ નહીં, આશિષ આપતા હોય છે. એમના આશીર્વાદ વરદાનરૂપ બની જતા હોય છે. આવા શુભકર્મી પ્રેતાત્મા અને પિતૃઓ માર્ગદર્શક બની મદદકર્તા બનતા હોય છે.
સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચના સભ્યો એવા અને લબ્ધપ્રતિષ્ઠિત લેખકો એડમન્ડ ગુર્ની (Edmund Gurney), ફ્રેડરિક માયર્સ (Fredric Myers) અને ફ્રેન્ક પોડમોર (Frank Podmore) દ્વારા એક સંયુક્ત રીતે 'ફેન્ટાસમ ઑફ ધ લિવિંગ (Phantasm of the Living) નામનું દળદાર પુસ્તક લખવામાં આવ્યું છે જેમાં આવી અનેક ઘટનાઓ રજૂ કરવામાં આવી છે. એમાં મ્યુઝિયમ ઑફ ધ હોલી સોલ્સ ઇન પર્ગેટરી (Museum of the Holy Souls in Purgatory) ની પણ ચર્ચા કરવામાં આવી છે. આ રોમમાં આવેલું એક અદ્ભુત અને અજાયબ સંગ્રહસ્થાન છે જેમાં પ્રેતાત્મા અને પિતૃઓ સંબંધિત વસ્તુઓ સંગૃહીત કરી રાખવામાં આવી છે. તેમાં અનેક પ્રકારના છાયા ચિત્ર, તૈલ ચિત્ર, વસ્ત્રાભૂષણ, પુસ્તકો, મૂર્તિઓ વગેરે સંગ્રહાયેલા છે. જેમને મરણ પછી પાછા આવેલા સૂક્ષ્મ દેહધારીઓના આત્માઓની નિશાનીઓ કહેવામાં આવે છે. આ બધા પારલૌકિક સૃષ્ટિના પુરાવાઓ પૂરા પાડે છે. આ મ્યુઝિયમને 'પિતૃઓના ઘર' તરીકે પણ ઓળખવામાં આવે છે. આખું સંગ્રહાલય પ્રેતાત્મા અને પિતૃ આત્મા સાથે સંબંધિત, એમના સંપર્કમાં આવેલી આશ્ચર્યજનક વસ્તુઓથી ભરેલું છે. મ્યુઝિયમ ઑફ ધ હોલી સોલ્સ ઇન પર્ગેટરીમાં વિચિત્ર વાતાવરણ પ્રવર્તે છે. તેનો ઘણો બધો ભાગ આછા અજવાળાવાળો કે અંધકારમય રખાય છે. ત્યાં પ્રેતાત્મા કે પિતૃ આત્માઓ અવારનવાર આવતા અને થોડા સમય માટે વસતા હોય છે. એટલું જ નહીં, પણ ત્યાં એવા સાધનો પણ રખાયા છે જેના થકી મૃત પિતૃઓનો સંપર્ક સાધી શકાય છે. ઘણા લોકોએ આ મ્યુઝિયમમાં એમના મૃત સ્વજનોનો સંપર્ક સાધ્યો છે અને એમની પાસેથી સહાય પ્રાપ્ત કરી છે.''
આ મ્યુઝિયમમાં મેડમ લીલિયો નામની એક મહિલાના પુત્રનું શર્ટ પણ રાખવામાં આવ્યું છે જેની બાંય પર એની એ મૃત માતાની હથેળીનું સળગી ગયેલું ચિહ્ન જોવા મળે છે. આ ઘટના ૨૧ જૂન ૧૯૮૭ના રોજ બની હતી. ૨૭ વર્ષ પૂર્વે મરણ પામેલી મેડમ લીલિયો તેના પુત્રને મળવા આવી હતી કેમ કે તે તેને સમજાવીને તેનામાં સુધાર લાવવા માંગતી હતી. તેનો પુત્ર દુ:સંગના પ્રભાવથી ખરાબ વ્યસનનો શિકાર બની ગયો હતો. પ્રેત યોનિમાં હોવા છતાં તે તેના પુત્ર માટે ચિંતિત હતી. તે અવારનવાર તેની સમક્ષ સાકાર રૂપે પ્રગટ થઇ તેને વ્યસન છોડી દેવા સમજાવતી. તે દિવસે પણ તેણે તે રીતે તેને સમજાવ્યો અને છેલ્લે કહ્યું - 'જો તે દુર્વ્યસ્ન છોડી દેશે તો જ તેના આત્માને શાંતિ મળશે અને તેનો પ્રેતયોનિમાંથી છુટકારો થઇ શકશે. નહીંતર આ રીતે તેને પ્રેત અવસ્થામાં જ ભટકતા રહેવું પડશે.' આ વાત તેના પુત્રના હૃદયમાં ઊતરી ગઈ. તેણે તેણે તેની માતાને પ્રેત યોનિમાંથી મુક્તિ અપાવવા દ્રઢ નિર્ધાર કરી તેનું દુર્વ્યસ્ન છોડી દેવાનું વચન આપ્યું. મેડમ લીલિયોએ પ્રેતલોકમાં જતાં પહેલાં તેના પુત્રના શર્ટની બાંય પર પોતાના હથેળી મૂકી. તેણે હથેળી મૂકી હતી એટલા ભાગ પર તેના પંજાની નિશાની પડી ગઈ. શર્ટનો તેટલો ભાગ એ રીતે સળગી ઉઠયો કે જેથી પંજાની નિશાની ઉપસી આવી હતી. જો કે તેને અદ્ભુત બાબત એ લાગી કે તેના વસ્ત્રનો તેટલો ભાગ સળગ્યો તેમ છતાં ન તો તે દાઝ્યો હતો કે ન તો તેને ત્યાં કોઈ ગરમીનો અનુભવ થયો હતો.
ઇ.સ. ૧૯૨૦ના વર્ષ દરમિયાન આ મ્યુઝિયમમાં એક પ્રાર્થના પુસ્તિકાનો સમાવેશ કરાયો હતો. તેમાં માર્ગારિટા ડેમર નામની એક મહિલાના પ્રેતાત્માના હસ્ત સ્પર્શથી તે પુસ્તિકાના પાના સળગી ઉઠયા હોય તેવું ચિહ્ન અંકાયેલું જોવા મળે છે. એને લગતી ઘટના એવી છે કે માર્ગારિટની સાસુને મરણ પામ્યે ત્રીસ વર્ષ વીતી જવા છતાં એને પ્રેત યોનિમાંથી છુટકારો મળતો નહોતો, તે પ્રેતયોનિમાં છે તેવો સંદેશો આપતી રહેતી. તેણે માર્ગારેટને આ વખતે કહ્યું -'મારી શાંતિ અને સદ્ગતિ માટે તારે એક એક તીર્થાયત્રા એન બે પ્રાર્થના સભાઓનું આયોજન કરવું પડશે.' માર્ગારિટાએ તે પ્રમાણે કર્યું પણ ખરું. તે પછી તેની સાસુનો આત્મા ત્યાં સશરીર પ્રગટ થયો અને તેણે કહ્યું - હું પ્રેતયોનિમાંથી છુટીને પિતૃયોનિ આવી છું. ત્યાંથી દેવયોનિમાં જઇશ. માર્ગારિટાએ તેને કોઈ સ્મૃતિ ચિહ્ન મૂકીને જવાનું કહ્યું. તેણે ત્યાં સામે રહેલી એક પ્રાર્થના પુસ્તિકાના મુખપૃષ્ઠ પર પોતાના હાથની હથેળી મૂકી. તે સાથે તેના પર હાથના પંજાનો આકાર ઉપસી આવ્યો. મુખુપૃષ્ઠના તેટલા ભાગનો કાગળ એ રીતે સળગી ગયો જેનાથી હથેળીની છાપ ઉપસી આવી હતી. મુખપૃષ્ઠ પછીના થોડા પૃષ્ઠો પર પણ આવું જ બન્યું હતું. મ્યુઝિયમમાં અત્યારે પણ આ પ્રાર્થના પુસ્તિકા સંગ્રહાયેલી છે.
મેરી કોડિંગ્ટન (Mary Coddington) તેમના પુસ્તક 'ઇન સર્ચ ઑફ ધ હિલિંગ એનર્જી (In serarh of the Healing Engergy)માં જણાવે છે કે આફ્રિકામાં કેટલાક લોકો એવી વિદ્યા જાણે છે કે જે પ્રેત કે પિતૃલોકમાં રહેતા અશરીરી આત્માઓની સહાય લઇ તૂટેલા હાડકાંને તત્ક્ષણ જોડી આપે છે તે કોઈ પાટાપિંડી કે ઓપરેશન કરતા નથી, એમ છતાં એ તૂટેલા હાડકા સંધાઈ જાય છે. સ્ટ્રેચર પર કે વૉકર લઇને આવેલાં દરદી પગે ચાલતા પાછા ફરી જાય છે. હવાઈ ટાપુ પર વસનારી કેટલીક જનજાતિના લોકો શુભ ભાવનાવાળા મૃત પિતૃઓને સાધી એમના થકી જુદા જુદા રોગ ધરાવતા દરદીઓને સ્વસ્થ કરવાનું કામ કરે છે ! '


