Get The App

હોપ ડાયમન્ડ- એક અભિશાપિત હીરો જેણે સેંકડો લોકોના જીવન બરબાદ કરી એમને મોતના મુખમાં ધકેલી દીધા!

- ગોચર-અગોચર- દેવેશ મહેતા

- આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં આ હીરો દક્ષિણ ભારતની કૃષ્ણા નદીના કિનારે આવેલા ગોલકોન્ડા પાસેની કોલુર ખાણમાંથી મળ્યો હતો

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
હોપ ડાયમન્ડ- એક અભિશાપિત હીરો જેણે સેંકડો લોકોના જીવન બરબાદ કરી એમને મોતના મુખમાં ધકેલી દીધા! 1 - image


હી રો અબજો રૂપિયાની કિંમતનું અજબ રત્ન ! હીરો છે બધા રત્નોનો રાજા, બધા મણિઓનો શિરોમણિ ! હીરો રાજા- મહારાજા,સમ્રાટ અને સામન્તોના મુગટને શોભાવે અને રાણી- મહારાણી, સામ્રાજ્ઞાીઓના ગળાના હારને પણ શોભાવે ! હીરો એટલે સુંદરીઓનું સ્વપ્ન, સ્ત્રી માત્રનું પ્રબળ આકર્ષણ ! પ્રિયતમાને પ્રસન્ન કરવાનું મોંઘામાં મોંઘું નજરાણું ! કમનીય કામિનીની કોમળ કરાંગુલિની સ્વર્ણમુદ્રિકામાં અચૂક જડાતું રમણીય રત્ન !

જો કે, રત્નો જેને સદે એને જ સદે. એમાં ય હીરો તો ખાસ. સદે તો રંકમાંથી રાજા બનાવી દે અને ના સદે તો રાજામાંથી રંક પણ બનાવી દે. જો એની સાથે હકારાત્મક ઊર્જાનું વરદાન જોડાયેલું હોય તો તે સિદ્ધિ- સમૃદ્ધિના શિખર પર બેસાડી દે, એનાથી ઉલટું જો એની સાથે નકારાત્મક ઊર્જાનો અભિશાપ જોડાયેલ હોય તો તે બરબાદી અને વિનાશની ખાઈમાં નાંખી દે ! વિશ્વ વિખ્યાત અનેક હીરાના કલંકિત ઇતિહાસ જોવા મળ્યા છે.

ભૂરા પ્રકાશ કિરણો પ્રસ્ફૂટ કરતો સુંદર અને સંમોહક 'હોપ ડાઇમન્ડ' દેખાવમાં જેટલો આકર્ષક છે એટલો ખતરનાક અસર કરનારો પણ જોવા મળ્યો છે. અત્યારે અમેરિકાની 'સ્મિથસોનિયન ઇન્સ્ટિટયૂશન ઓફિસિઝ' સંસ્થાની માલિકીમાં રહેલ આ હોપ ડાયમન્ડનું વજન ૪૫.૫૫૨ કેરેટનું છે. તેની અંદાજિત કિંમત ૨૦૦થી ૩૫૦ મિલિયન યુ.એસ. ડોલરની છે. આ એક અભિશાપિત હીરો છે જેણે અનેક લોકોના જીવન બરબાદ કરી દીધા અને એમને મોતના મુખમાં ધકેલી દીધા હતા.

આજથી લગભગ સાડા પાંચસો વર્ષ પહેલાં આ હીરો દક્ષિણ ભારતની કૃષ્ણા નદીના કિનારે આવેલા ગોલકોન્ડા પાસેની કોલુર ખાણમાંથી મળ્યો હતો. કેટલાક એવું માને છે કે તે હીરો ભગવાન વેંકટેશ્વરની પ્રતિમાના મુગટમાં જડવામાં આવ્યો હતો ત્યાંના પૂજારીએ એ ચોરી લીધો હતો અને એને વેચીને પુષ્કળ સંપત્તિ પ્રાપ્ત રકરી લીધી હતી. જો કે, લોકોને આ વાતની જાણ થતાં તેમણે તે પૂજારીની હત્યા કરી નાખી હતી. એક એવો મત છે કે તે હીરો ભગવાન શ્રીરામની પત્ની સીતાજીની મૂર્તિની આંખ રૂપે જડવામાં આવ્યો હતો તેને ત્યાંથી ઉખાડીને ચોરી લેવામાં આવ્યો હતો અને તે વેચી દેવામાં આવ્યો હતો.

ભગવાનની કે દેવીની મૂર્તિમાંથી એને ઉખાડીને, ચોરીને વેચી દેવામાં આવ્યો એટલે દેવ-દેવીનો શાપ અને દુર્ભાગ્ય એની સાથે જોડાઈ ગયા. એક ઝવેરી પાસે આવેલા એ હીરાને ઇ.સ. ૧૬૬૬માં ફ્રેન્ચ રત્ન વેપારી જીન બેપ્ટિસ્ટ ટેવરનિયર (Jean Baptiste Tavernier) એ એના ભારત પ્રવાસ દરમિયાન ખરીદી લીધો. જે ઝવેરીએ હીરો વેચ્યો હતો તેનું રોડ અકસ્માતમાં મરણ થઈ ગયું. ટેવરનિયરે ફ્રાંસ જઈને એ હીરો ફ્રાંસના રાજા લૂઈ- ચૌદમાને વેચીને પુષ્કળ ધન પ્રાપ્ત કર્યું. તે પછી તે કોન્સ્ટન્ટિનોપોલ આવ્યો. એક જંગલમાં શિકાર કરવા નિકળ્યો હતો ત્યારે જંગલી કૂતરાઓએ તેને ફાડી ખાધો આમ તે કમોતે મર્યો.

લૂઈ ચૌદમાના એક દરબારી 'ઇનટેન્ડન્ટ ઓફ ફ્રાંસ' નિકોલસ ફોકેટે  (Fouquect) થોડો સમય તે પહેરવા ભાડે લીધો તો હિસાબમાં ગોટાળા કરવાના આશયથી તેને જેલમાં પૂરી દેવામાં આવ્યો અને ત્યાં એનું મરણ થઈ ગયું. પછી તે હીરો પાછો લૂઈ ચૌદમા પાસે આવી ગયો. લૂઈ ચૌદમાનું પણ ગેંગરિન થવાથી પીડાજનક મૃત્યુ થયું હતું.

પ્રિન્સેસ ડી લેમ્બાલેએ એ હીરો થોડા સમય માટે પહેર્યો હતો એની પણ ટોળા દ્વારા હુમલો કરી એના શરીરના ટુકડા કરી નિર્દયપણે હત્યા કરી નાખવામાં આવી હતી. એ પછી એ હીરોના વારસામાં ફ્રાંસના રાજા લૂઈ- સોળમા પાસે આવ્યો. તેને પણ શાસન દરમિયાન ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. તેની અને તેની પત્નીની તિક્ષ્ણ હથિયારથી ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી.

તે પછી હોપ ડાયમન્ડ ફરતો ફરતો જોકવિસ કોલેટ નામના ઝવેરી પાસે આવ્યો. તેણે અકારણ માનસિક સંતુલન ગુમાવી દીધું અને આત્મહત્યા કરી નાખી. તે હીરાને પેરિસમાં રહેતા એક રશિયન રાજકુમાર ઇવાન કાનિતોવ્સ્કીએ ખરીદ્યો અને તેની પ્રિયતમાને ભેટ આપ્યો. કોણ જાણે કેમ ઇવાનને તેની પ્રિયતમાના ચારિત્ર્ય ઉપર શંકા ઉભી થઈ અને તેની હત્યા કરાવી નાખી. ઇવાનનું પણ તેના ક્રાંતિકારી દરબારીઓ થકી મોત નિપજાવી દેવામાં આવ્યું.

રશિયાની મહારાણી કેથરીને આ હોપ ડાયમન્ડ પહેર્યો અને થોડા દિવસો બાદ એ અસ્થમાનો શિકાર બની અને મરણ પામી. તે પછી ૧૮૬૦માં તે હીરો વિલિયમ ફોલ પાસે આવ્યો તેનો સાવકો પુત્ર તેની તિજોરીમાંથી તે હીરો ચોરીને જતો રહ્યો. તેના આઘાતમાં તે ઝવેરીનું મરણ થઈ ગયું અને તે હીરાની ચોરી કરનાર તેના પુત્ર હેન્ડ્રિકે નદીમાં કૂદીને આત્મહત્યા કરી નાંખી.

ભારતનો આ હીરો ફ્રાંસમાં આવ્યો ત્યારેે 'ફ્રેન્ચ બ્લ્યુ ડાયમન્ડ' તરીકે ઓળખાવા લાગ્યો હતો. પહેલા તો તે ઘણો મોટો હતો પણ તેને કટ કરવામાં આવ્યો હતો. પૂર્વે તેનું કદ કબૂતરના ઇંડા જેટલું મોટું હતું. ટેવરનિયરે તે ખરીદ્યો ત્યારે તેનું વજન ૧૧૨ કેરેટ જેટલું હતું. તેને બે વખત કાપીને નાનો કરનારાઓ પણ દુર્ભાગ્યનો ભોગ બન્યા હતા. યુનાઇટેડ કિંગ્ડમના કિંગ જ્યોર્જ- ચોથા પાસે પણ આ હીરો થોડો વખત રહ્યો હતો તેની પડતી થઈ અને દેવું એટલું વધી ગયું કે તે હીરો ખાનગી રીતે વેચીને ધન મેળવવું પડયું હતું.

તે પછી તે હીરાનો માલિક બન્યો લંડનનો બેન્કર હેનરી ! ફિલિપ હોપ તેની પાસે ૧૮૩૯માં આ હીરો આવ્યો ફ્રેંચ બ્લ્યુ તરીકે ઓળખાતો તેનું નામ 'હોપ'ના નામ પરથી 'હોપ ડાયમન્ડ' પડયું. ઘણા બધા અભિયોગ, કાનુની ઝઘડા બાદ તે ડાયમન્ડ તેના ભત્રીજા હેનરી થોમસ હોપ પાસે આવ્યો તેની પાસેથી તેના પૌત્ર લોર્ડ ફ્રાન્સિસ હોપ પાસે આવ્યો. તેણે તે લંડનના ડીલરને વેચી દીધો. તે ડીલરે ન્યૂયોર્ક સીટીના જોસેફ ફ્રેન્કલ એન્ડ સન્સને તે વેચી દીધો. તે કંપનીએ તે તુર્કી સુલતાન અબ્દુલ હમીદને વેચ્યો. સુલતાન હમીદે તે હોપ ડાયમન્ડ તેની બેગમને પહેરવા આપ્યો. એ પહેર્યા બાદ એટલા બધા ઝગડા થયા કે સુલતાન હમીદે તેની બેગમની ગોળી મારીને હત્યા કરી નાખી. ૧૯૦૯માં સુલતાનના વિરધીઓએ સુલતાન હમીદને પણ ગોળીઓથી વીંધીને મારી નાખ્યો.

પછી તો આ અભિશાપિત હોપ ડાયમન્ડને ૧૯૧૧માં અમેરિકાના એડવર્ડ મેકલીન અને એવેલીન વોલ્શ મેકલીન દંપતીએ ખરીદ્યો તે પછી તેમની વચ્ચે ઘરેલુ ઝઘડા વધી ગયા દંપતીએ છૂટાછેડા લઈ લીધા. એડવર્ડ માનસિક રોગનો ભોગ બન્યો અને એવેલીન ન્યુમોનિયાનો ભોગ બની ગઈ. તેમનો યુવાન પુત્ર વિન્ટસેન્ટ કાર હેઠળ કચડાઈને મરણ પામ્યો. એડવર્ડે ઝેર પીને આત્મહત્યા કરી નાખી અને જીવનનો અંત આણી દીધો એમની પાસેથી એ હીરો ૧૯૪૭માં હેરી વિન્સ્ટન પાસે આવ્યો. તેણે તેના કાળા કરતૂતો બતાવવાના શરૂ કર્યા એટલે ઝવેરી વિન્ટસ્ટને ૧૯૫૮માં તે હોપ ડાયમન્ડ વૉશિંગ્ટનના સ્મિથસોનિયન સંગ્રહાલયને દાન રૂપે ભેટમાં આપી દીધો.

ત્યાં તેમણે તેને સુરક્ષિત રીતે પ્રદર્શન હેતુ મૂકી રાખ્યો છે. અભિશાપિત હીરાને પહેરવાનો સિલસિલો બંધ થઈ ગયો દેવમંદિરના દ્રવ્યરૂપ તે હીરાને ચોરીને તેને વેચી સંપત્તિ બનાવવાની સદીઓથી ચાલતી પ્રક્રિયાનો અંત આવી ગયો. ઈ.સ. ૧૯૬૬થી ૧૯૫૮ સુધીના ગાળામાં આ અભિશાપિત હોપ ડાયમન્ડે સેંકડો લોકોને દુર્ભાગ્યની ખાઈમાં ધકેલી, મુસીબતો અને દુઃખોના દલદજલમાં ફસાવી મોતના મુખમાં ધકેલી દીધા હતા ! હોપ ડાયમન્ડની આ રક્તરંજિત કથા અભિશાપ અને દુર્ભાગ્યમાં આપણને માનતા કરી દે તેવી છે !

Tags :