- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- અનેક વ્યક્તિઓને ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો પૂર્વાભાસ એમની અંત:સ્ફૂરણાના આધારે સ્વપ્ન, દિવા સ્વપ્ન કે વિશ્રાંતિની સ્થિતિમાં થઈ જતો હોય છે.
અ મેરિકાની સરે યુનિવર્સિટીના ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પ્રોફેસર અને સ્કૂલ ઑફ કેમેસ્ટ્રી એન્ડ કેમિકલ એન્જિનિયરિંગના હેડ, રસાયણ વિજ્ઞાની ડો. એડ્રિઅન ડોબ્બસ (Adrian Dobbs) કહે છે કે માનવીનું અચેતન મન ચેતનાની બદલાયેલી દશામાં સાઇકોટ્રોનિક વેવ ફ્રન્ટ નામના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે જે ભવિષ્યમાં બનનારી ઘટનાના સંકેત આપી દે છે. એને પરામનોવિજ્ઞાનમાં પ્રિકોગ્નિશન (Precognition) કે પ્રિમોનિશન (Precognition) તરીકે પણ ઓળખવામાં આવે છે. એને 'ભવિષ્યનું પૂર્વજ્ઞાન' કહેવાય છે. અનેક વ્યક્તિઓને ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો પૂર્વાભાસ એમની અંત:સ્ફૂરણાના આધારે સ્વપ્ન, દિવા સ્વપ્ન કે વિશ્રાંતિની સ્થિતિમાં થઈ જતો હોય છે.
સાઉથ આફ્રિકા અને બ્રિટનની રાષ્ટ્રીયતા ધરાવતી મોડેલ, રિયાલિટી સ્ટાર અને પેરાલિગલ રીવા રેબેકા સ્ટીનકેમ્પ (Reeva Rebecca Steenkamp) ના જીવનમાં પણ આવી ઘટના બની હતી. રીવાનો જન્મ ૧૯ ઓગસ્ટ ૧૯૮૩માં થયો હતો. ઘોડેસવારીનું પ્રશિક્ષણ આપતાં તેના પિતાનું નામ બેરી સ્ટીનકેમ્પ અને માતાનું નામ જૂન હતું. રીવાએ ૧૪ વર્ષની ઉંમરે જ મોડલિંગ ચાલુ કરી દીધું હતું. તે ૨૦૦૪માં વીક એન્ડ પોસ્ટ ફેસિઝ ઑફ ધ ફયુચર પ્રતિયોગિતા અને ૨૦૦૫માં હેરાલ્ડ મિસ પોર્ટ એલિઝાબેથ પ્રતિયોગિતામાં ફાઇનલિસ્ટ હતી. તે એફ.એચ.એમ. મેગેઝિનમાં એક મોડલ અને કવર ગર્લ તરીકે જોવા મળી હતી. તે દક્ષિણ આફ્રિકામાં એવોન કોસ્મેટિક્સનો પહેલો ચહરો હતી. તેણે જ્વેલરી કંપની સિવાના ડાયમંડસ માટે પણ મોડલિંગ કર્યું હતું. રીવાએ દક્ષિણ આફ્રિકામાં ફેશન ટીવી માટેલાઇવ રોમિંગ પ્રેઝન્ટરના રૂપે પણ કામ કર્યું હતું. તેણે ટોયોટા લેન્ડ ક્રૂઝર, ક્લોવર ધ વન રેડસ અને એલ્ડોર પિન પોપ સાથે અનેક પ્રોડકટ્સ માટે ટેલીવિઝન એડવર્ટાઈઝમેન્ટમાં અભિનય કર્યો હતો. ૨૦૧૧માં સાઉથ આફ્રિકન એફએચએમ રીડર્સના એફએચએમ હન્ડ્રેડ સેક્સિએસ્ટ વીમેન ઇન ધ વર્લ્ડ' પોલમાં રીવાને ચાલીસમું સ્થાન પ્રાપ્ત થયું હતું અને ૨૦૧૨માં પિસ્તાલીસમું. રીવા સ્ટીનકેમ્પ નવેમ્બર ૨૦૧૨ થી દક્ષિણ આફ્રિકન ઓલિમ્પિક અને પેરાલિમ્પિક દોડવીર (runner) ઓસ્કાર પિસ્ટોરિયસ (Oscar Pistorius) સાથે 'ડેટ' પર જતી હતી. તે પહેલાં તેણે સ્પ્રિંગવોક રગ્બી ખેલાડી ફ્રેન્કોઇસ હોઉગાર્ડ સાથે પણ ડેટિંગ કર્યું હતું.
૨૦૧૩ના વેલેન્ટાઇન ડે (૧૪ ફેબુ્રઆરી)ના રોજ રીવા સ્ટીનકેમ્પના બોયફ્રેન્ડ ઓસ્કાર પિસ્ટોરિયસે રીવાને તેના પ્રિટોરિયામાં આવેલા ઘેર બોલાવી હતી. રીવા ઓસ્કારના ઘરના બાથરૂમ ક્યુબિકલ (મોટા ઓરડામાં પાર્ટિશન કરી બનાવેલા નાની કેબિન જેવા બાથરૂમ)માં હતી. તે વખતે ઓસ્કારે બંધ બાથરૂમના દરવાજા પર ધડાધડ ચાર ગોળીઓ છોડી જેનાથી અંદર રહેલી રીવાની સુકોમળ કાયાને ત્રણ ગોળીઓએ વીંધી નાંખી. ગોળીઓ છોડયા બાદ પિસ્ટોરિયસે ક્રિકેટના બેટથી બાથરૂમનો દરવાજો તોડી નાંખ્યો. તેણે ઇમર્જન્સી મેડિકલ હેલ્પ આપવાનો પ્રયાસ કર્યો અને એના પડોસી ડૉક્ટર જોહાન સ્ટિપને બોલાવી લાવ્યો. તેમણે રીવાના શરીરનું પરીક્ષણ કર્યું અને જોયું તો તેની પેરિફિરલ નાડી ચાલતી નહોતી, તેના શ્વાસ બંધ થઈ ગયા હતા, તેની આંખની કીકીઓ સ્થિર અને વિસ્ફારિત થઈ ગઈ હતી. તેમણે જણાવ્યું કે એ યુવતીનું મરણ થઈ ગયું છે.
૧૯ ફેબુ્રઆરી ૨૦૧૩ના રોજ પોર્ટ એલિઝાબેથના વિકટોરિયા પાર્કના સ્મશાનગૃહમાં રીવાના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરાયા. પિસ્ટોરિયસને ગિરફતાર કરી લેવાયો અને તેના પર રીવાની હત્યા કરવાનો આરોપ લગાવાયો. તેણે એ વાત સ્વીકારી લીધી કે તેણે જ બાથરૂમના બારણા પર ગોળીઓ છોડી હતી પણ પોતાના બચાવમાં એમ કહ્યું કે એને તો એમ લાગ્યું હતું કે રીવા તો બીજા ઓરડામાં છે. બાથરૂમમાં કોઈ બીજી વ્યકિત ઘૂસી ગઈ છે. તેણે તો એ ઘૂસણખોરને મારવા ગોળીઓ છોડી હતી. ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ તેણે રીવાની ઇરાદાપૂર્વક હત્યા નથી કરી એવો ચૂકાદો આપવામાં આવ્યો. ૨૧ ઓકટોબર ૨૦૧૪ના રોજ ઓસ્કારને પાંચ વર્ષની જેલની સજા આપવામાં આવી. જો કે ડિસેમ્બર ૨૦૧૫માં સુપ્રિમ કોર્ટ ઓફ અપીલ્સે ઇરાદા વગર હત્યા થયાના ચૂકાદાને બદલી કાઢ્યો. ૬ જુલાઈ ૨૦૧૬ના રોજ ન્યાયાધીશ માસિયાએ પિસ્ટોરિયસને હત્યા માટે છ વર્ષની જેલની સજા સંભળાવી, જો કે દક્ષિણ આફ્રિકામાં આ અપરાધ માટે ન્યૂનતમ સજા ૧૫ વર્ષની છે.
એવું કહેવાય છે કે ઓસ્કાર એના બાળપણથી 'એન્કઝાઇટી ડિસ ઓર્ડર'નો ભોગ બનેલો હતો. એના લીધે જ કોઈ કારણસર આવેશમાં આવીને તેણે રીવાની હત્યા કરી નાંખી હશે એવું માનવામાં આવે છે. ઘરમાં કોઈ ઘૂસણખોર આવીને ઓસ્કારના બાથરૂમમાં ભરાઈ ગયો હોય એવી થિયરી ન્યાયાધીશના ગળે ઊતરી નહોતી. મનોરોગનો ભોગ બનેલા ઓસ્કારને રીવા સાથે શું વાંધો પડયો અથવા કયા કારણસર ઝગડો થયો જેના લીધે તેણે તેની હત્યા કરી નાંખી એ કોઈની જાણમાં આવ્યું નહીં.
રીવા સ્ટીનકેમ્પની હત્યાની ઘટના 'ભાવિના પૂર્વ સંકેત' સાથે જોડાયેલી છે એની જાણ એની હત્યાના થોડા સમય બાદ થઈ. ફેબુ્રઆરી ૨૦૧૪માં 'ઇએનસીએ' દ્વારા રીવાના જીવન વિશે એક અડધા કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી જેનું શીર્ષક હતું - 'રીવા : ધ મોડેલ યુ થોટ યુ ન્યૂ (Reeva - The Model You Thought You Kenw) એમાં રીવાના માતા-પિતાએ રીવા ચૌદ વર્ષની હતી ત્યારે તેણે દોરેલું એક પેન્ટિંગ રજૂ કર્યું હતું. એ પેન્ટિંગમાં રીવાએ એના જેવા જ દેખાવવાળી, જ્યારે તે ૨૯ કે ૩૦ વર્ષની બને ત્યારે જેવી દેખાય તેવી યુવતી દોરી હતી. એને દેવદૂત (Angel) જેવી પાંખો પણ દોરી હતી. એની બરાબર બાજુમાં સ્વર્ગમાં જતી હોય એવી પગથિયાવાળી સીડી પણ દોરી હતી.
ચિત્રની બીજી તરફના છેડા પર રમતવીર (athlet) જેવો એક યુવાન દોરવામાં આવ્યો હતો. તે યુવાનના હાથમાં ગન હતી અને તે તેમાંથી ગોળી છોડી રહ્યો હતો એવું દર્શાવવામાં આવ્યું હતું. આશ્ચર્યજનક રીતે તે એથ્લેટનો ચહેરો ઓસ્કારના ચહેરાને એકદમ મળતો આવતો હતો. પોતાના જેવા દેખાવવાળી તે યુવતીના ચહેરા પર આશ્ચર્ય, આઘાત અને ભયની મિશ્રિત લાગણીઓ વ્યક્ત થયેલી હતી. એના ચહેરાને એણે હાથથી ઢાંકી દીધો હતો.
એથ્લેટ જેવા કપડાં પહેરેલો કોઈ યુવાન એના પર ગોળી છોડી એને મારી નાંખશે. મરણ બાદ તે એન્જલ બનીને સીડી પર ચડીને સ્વર્ગારોહણ કરશે. એવો નિર્દેશ ચિત્રમાંથી પ્રગટ થતો હતો. કોઈ પરિચિત, નિકટની વ્યક્તિ તેના પર ગોળીઓ છોડી રહી છે એ જોઈ જે આશ્ચર્ય, આઘાત અને ભય અનુભવાય એ ભાવ એ યુવતીના ચહેરા પર આલેખાયા હતા એવા જ એને અનુભવાયા હોવા જોઈએ. રીવાએ ક્યારેય એવો વિચાર નહીં કર્યો હોય કે એનો બોયફ્રેન્ડ ઓસ્કાર એને એના ઘેર બોલાવી, એના બાથરૂમમાં પૂરી, બાથરૂમના બારણા પર ગોળીઓ છોડી એને મારી નાંખશે !
રીવા રેબેકા સ્ટીનકેમ્પની હત્યાની જે વાસ્તવિક ઘટના બની એ વકતની પરિસ્થિતિનો ઘણો બધો નિર્દેશ અજ્ઞાતપણે સૂક્ષ્મ સંકેતો દ્વારા વર્ષો પૂર્વે રીવાએ દોરેલા પેન્ટિંગમાં રજૂ થઈ ગયો હતો. રીવાના આંતર મને એટલે કેઅચેતન મને ભવિષ્યમાં થનારી એની હત્યા અંગે જાણકારી મેળવી લીધી હતી અને તે ચિત્રમાં દોરાવી દીધી હતી. કોઈ એથ્લેટ જેવી દેખાતી વ્યકિત એને ગોળીઓથી વીંધી ને મારી નાંખશે એ બાબતનું પ્રિમોનિશન એ ચિત્રમાં પ્રકટ થઈ ગયેલું હતું.


