ડ્રીમ ક્લેરવોયન્સ અને ટેલિપથીએ સ્વજનના જીવનનું રક્ષણ કર્યું
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- ચાર્લ્સ બર્લિટ્ઝે 'ધ મિસ્ટ્રી ઓફ એટલાન્ટિસ'માં જણાવ્યું છે કે એટલાન્ટિસ ખરેખર અસ્તિત્વ ધરાવતો હતો. તેમણે બર્મ્યૂડા ત્રિકોણને એટલાન્ટિસ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો હતો
મા નવ મન અનંત શક્તિઓનો ભંડાર છે. એમાં ઈન્દ્રિયાતીત જ્ઞાાનશક્તિ કે અતીન્દ્રિય બોધની શક્તિ તો વિસ્મયકારક છે. અનેક ઈન્દ્રિયાતીત શક્તિઓમાં ટેલિપથીની શક્તિનો પણ સમાવેશ થાય છે. ટેલિપથી એટલે દૂર - સંવેદન અને પરસ્પર ભાવ-બોધ. ઈન્દ્રિયોના માધ્યમ વિના બે પ્રાણીઓના મન વચ્ચે થતું વિચાર અને ભાવનું આદાન-પ્રદાન. ઈ.સ.૧૮૮૨માં 'સોસાયટી ફોર સાઈકિકલ રિસર્ચ'ના સ્થાપકોમાંના એક એવા મનોવિજ્ઞાાની ફ્રેડરિક માયર્સે 'ટેલિપથી' શબ્દનો પહેલીવાર પ્રયોગ કર્યો હતો. તે રીતે ઈ.સ.૧૯૩૪માં બોસ્ટન સોસાયટી ફોર સાઈકિક રિસર્ચના મનોવિજ્ઞાાની ડૉ. જોસેફ ર્હાઈને ઈ.એસ.પી. (ESP) શબ્દનો ૫હેલીવાર પ્રયોગ કર્યો હતો. આ ટૂંકાક્ષરી શબ્દનું આખું રૂપ છે. Extra Sensory Perception એટલે ઈન્દ્રિયાતીત બોધ કે અતીન્દ્રિય જ્ઞાાન-સંવેદન.
અમેરિકન બહુભાષી (Polyglot) ભાષાશિક્ષક, લેખક અને સંશોધક ચાર્લ્સ ફ્રેમ્બાચ બર્લિટ્ઝ (Charles Frambach Berlitz) દ્વારા ૫ેરાનોર્મલ બાબતો પર ઘણું લેખન કાર્ય થયું છે. ચાર્લ્સ બર્લિટ્ઝે તેમના પુસ્તક 'ધ મિસ્ટ્રી ઓફ એટલાન્ટિસ'માં ભૂભૌતિકી (geophysics), ચૈતસિક અભ્યાસો, ક્લાસિકલ લિટરેચર, આદીવાસી વિદ્યા અને પુરાતત્વ (archeology) ની ૫ોતાની વ્યાખ્યા મુજબ જણાવ્યું છે કે એટલાન્ટિસ ખરેખર અસ્તિત્વ ધરાવતો હતો. તેમણે બર્મ્યૂડા ત્રિકોણને એટલાન્ટિસ સાથે જોડવાનો પણ પ્રયાસ કર્યો હતો. તેમનું એવું માનવું છે કે બર્મ્યૂડા ટ્રાયન્ગલના ક્ષેત્રમાં સમુદ્રની નીચે એટલાન્ટિસ છે. તે એવું પણ માનતા હતા કે પ્રાચીન અંતરીક્ષ યાત્રી, પરગ્રહવાસીઓ (extrater restrials) અવારનવાર ૫ૃથ્વી પર આવ્યા છે.
૧૯૯૫માં પ્રકાશિત થયેલ ચાર્લ્સ બર્લિટ્ઝના પ્રસિધ્ધ પુસ્તક 'વર્લ્ડ ઓફ સ્ટ્રેન્જ ફિનોમિના' (World of Strange Phenomena)માં સ્વપ્ન દ્વારા ઈન્દ્રિયાતીત દર્શન (Dream clairvoyance) ટેલિપથી અને દૂરશ્રવણ (Clairaudience) ને લગતી એક અદ્ભુત ઘટનાનું નિરૂપણ થયું છે.
એટલાન્ટિકના કેરેબિયન ઈડિઝ દ્વીપ સમૂહમાં એક સુંદર સ્થળ છે હૈતી. ફ્રેડ સ્પેડલિંગ નામનો એક વેપારી હૈતીમાં વિવિધ વસ્તુઓ ખરીદવા - વેચવા અવારનવાર આવ-જા કરતો હતો. ૨૨ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ એક અસાધારણ ઘટના બની જેને તે જિંદગીભર ભૂલી શક્યો નહોતો. સ્પેડલિંગ તેની મોટરકાર દ્વારા હૈતી તરફ આગળ વધી રહ્યો હતો ત્યાં એકાએક વાતાવરણમાં પલટો આવતાં ભારે વાવાઝોડું આવ્યું અને તેમાં તે ફસાઈ ગયો. જો કે હિંમત દાખવીને તેણે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. તે રસ્તો ભૂલી ગયો. નક્શાની મદદથી તે આગળ જઈ રહ્યો હતો. ત્યાં તેને તેની પત્નીનો અવાજ સંભળાયો - 'ફ્રેડ, આગળ ના જઈશ. આગળ રસ્તો ખૂબ જ ખરાબ છે.' અવાજ તેની પત્નીનો જ હતો અને એકદમ સ્પષ્ટ હતો. એમ છતાં સ્પેડલિંગના મનમાં વિચાર આવ્યો કે આ મારી પત્ની નો અવાજ કેવી રીતે હોઈ શકે ? મારી પત્નીતો અહીંથી હજારો માઈલ દૂર અમેરિકાના કનેક્ટિક્ટમાં છે. કારમાં તો તે એકલો જ છે. આવું સંભળાવું એ તેના મનનો ભ્રમ હશે એમ માનીને તેણે કાર આગળ ચલાવવા માંડી.
બે-ચાર મિનિટ બાદ વળી પાછો તેની પત્નીનો અવાજ સંભળાયો - 'ફ્રેડ આગળ ના વધીશ. ત્યાં મોટું જોખમ છે.' તેના કાનમાં તેની પત્નીના શબ્દો પડયા હતા તે હકીકત છે પણ તેની પત્ની હજારો માઈલ દૂર છે તે પણ વાસ્તવિકતા છે. છતાં આવું સંભળાવું એ મનનો વહેમ જ કહેવાય એમ વિચારી તે આગળ વધવા લાગ્યો. સ્પેડલિંગ એક પુલ પાસે આવી પહોંચ્યો. તેની મોટર કાર પુલ પાસે પહોંચી એ સાથે એની પત્નીની ભયંકર ચીસ તેના કાનમાં ગૂંજી ઉઠી - 'ફ્રેડ, કારને પુલ પર ના લઈ જઈશ. સહેજ પણ આગળ ના વધીશ. તને મારા સોગંદ છે. મારી વાત માન. આગળ જઈશ તો જીવનું જોખમ છે.'
ફ્રેડ સ્પેડલિંગે મોટરકાર ત્યાં જ અટકાવી દીધી. તેણે વિન્ડ સ્ક્રીનમાંથી જોયું તો પુલ પર કોઈ જોખમ દેખાતું નહોતું. તેની બુદ્ધિ કહેતી હતી કે તેણે આગળ વધવું જોઈએ. આમ, અકારણ અધવચ્ચે અટકી જવું યોગ્ય ના કહેવાય. ફરી વરસાદ શરૂ થાય તો મુશ્કેલી સર્જાય. તેનું હૃદય કહેતું હતું કે આ રીતે તેની પત્નીનો અવાજ વારંવાર સંભળાય છે એ અવગણવું ના જોઈએ. તેની પત્નીના અવાજમાં કેટલો ડર અને કાકલૂદીનો ભાવ હતો. તે કિંકર્તવ્યમૂઢ બની ગયો. હજુ તે અવઢવમાં હતો કે શું કરવું ત્યાં જ એની આંખો સામે એક અકલ્પ્ય દ્રશ્ય ખડું થયું. નદીના પાણીના દબાણથી પુલ પત્તાના મહેલની જેમ કડડભૂસ કરતો તૂટી ગયો. તેના શરીરમાંથી ભયની કંપારી છૂટી ગઈ.
ફ્રેડ સ્પેડલિંગ વિચારવા લાગ્યો - 'જો તે અહીં અટકી ગયો ના હોત, તેણે મોટર કાર આગળ ચલાવી હોત તો તે પુલની વચ્ચે પહોંચ્યો હોત. એ સંજોગોમાં આ પુલ તૂટતાં તેની કાર નદીમાં પડી હોત અને તે ડૂબીને મરણ પામ્યો હોત! તેણે તરત કાર પાછી વાળી અને દૂર ભગાવી. પછી એક ખુલ્લા મેદાનમાં સલામત જગ્યાએ આખી રાત વિતાવી બીજે દિવસે રસ્તો બદલી હૈતી પહોંચ્યો હતો. એના મનમાં સતત એ પ્રશ્નો ઉઠતા રહ્યા હતા કે અમેરિકામાં રહેલી તેની પત્નીનો અવાજ તેને કેવી રીતે સંભળાયો ? તેની પત્નીને દુર્ઘટના બનતાં પહેલાં તેની જાણકારી કેવી રીતે થઈ ગઈ. તેણે ચીસ પાડીને મને અટકાવ્યો ન હોત તો હું અત્યારે જીવતો ના હોત.'
થોડા સમય પછી ફ્રેડ સ્પેડલિંગ અમેરિકા પાછો ફર્યો ત્યારે તેણે તેની પત્નીને આ વિશે પૂછ્યું. તેની પત્નીએ કહ્યું - ૨૨ ઓગસ્ટ ૧૯૬૪નો દિવસ તારી જેમ મને પણ બરાબર યાદ છે. એ રાત્રે મને ભયંકર સ્વપ્ન આવ્યું હતું. એમાં મેં જોયુેં તો તું વાવાઝોડામાં ફસાઈ ગયો છે. તું ખોટા રસ્તે મોટર ચલાવી રહ્યો છે. આગળ મોટી નદી છે જેમાં પૂર આવેલું છે. મને એ નદી પર ઉભો કરાયેલો પુલ તૂટી જતો દેખાયો. બધા કહે છે કે હું સ્વપ્નમાં બૂમો પાડતી હતી - 'ફ્રેડ આગળ ના વધીશ. જ્યાં છે ત્યાં અટકી જા. આગળ મોટું જોખમ છે.' પુલ તૂટી ગયો એવું જોયું ત્યારે ભયંકર ચીસ પાડી ફ્રેડને અટકવાનું કહી ઊંઘમાંથી જાગી થઈ હતી. મારું સ્વપ્ન તૂટી ગયું હતું. આ ઘટનામાં સ્પેડલિંગની પત્નીને તેના પતિ પર આવનાર સંકટનો સ્વપ્ન થકી પૂર્વાભાસ થાય છે. બન્ને વચ્ચે ટેલિપથી થાય છે અને પછી સ્પેડલિંગને એની પત્નીના સ્વપ્નના અનુભવમાં બોલાતા વાક્યો અને ભયથી ભરેલી ચીસો સંભળાય છે. આમ ઈન્દ્રિયાતીત, ટેલિપથી અને દૂર-શ્રવણની શક્તિ પ્રકટ થઈ જાય છે.