- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- બાળકોએ જણાવ્યું કે તેમણે મોં ખોલીને શબ્દો ઉચ્ચાર્યા વગર માનસિક સંવાદ રૂપે ટેલિપથીથી વાતચીત કરી
'We are not the only intelligent beings in the universe : આપણે બ્રહ્માંડમાં એક માત્ર બુધ્ધિમાન પ્રાણી છીએ એવું નથી.
- H.G.Wells
(એચ.જી.વેલ્સ,
વિજ્ઞાન કથા લેખક)
'The probability of extraterrestrial civilizations increases with the number of stars in the galaxy : આકાશગંગામાં તારાની સંખ્યા જેટલી વધારે હશે એટલી જ પરગ્રહવાસીઓની સભ્યતાઓ હોવાની સંભાવના વધી જશે.
- Frank Drake (ફ્રેન્ક ડ્રેક), ખગોળશાસ્ત્રી, ખગોળ ભૌતિકવિજ્ઞાની, સર્ચ ફોર એકસ્ટ્રાટેરેસ્ટ્રિઅલ ઈન્ટેલિજન્સ (SETI) ના સંસ્થાપક
To my mathematical brain, the numbers alone make thinking about aliens perfectly rational : મારા ગણિતીય મસ્તિષ્ક માટે માત્ર આંકડા જ પરગ્રહવાસીઓ વિશે વિચારવાને માટે પૂર્ણતયા તર્કસંગત બનાવે છે.
- stephan Hawking (સ્ટિફન હોકિંગ), સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાની, કોસ્મોલોજિસ્ટ
- The universe is not only stranger than we imagine, it is stranger than we can imagine : બ્રહ્માંડ માત્ર એટલું અજબ નથી જેટલી આપણી કલ્પના કરીએ છીએ પણ તે એનાથી પણ અજબ છે જેટલું આપણી વિચારી કે કલ્પી પણ શકતા નથી.
- Neil qegrasse Tyson
(નીલ ડીગ્રેસ ટાયસન), પ્રસિદ્ધ ખગોળ ભૌતિકવિજ્ઞાની
- We must be careful about aliens. They may be smarter than us : આપણે પરગ્રહવાસીઓ અંગે સતર્ક, સાવધાન રહેવું જોઈએ. તે આપણા કરતા વધુ બુધ્ધિમાન હોઈ શકે છે.
- Elon musk (ઈલોન મસ્ક), સ્પેસએક્સ અને ટેસ્લાના સ્થાપક)
પરગ્રહવાસીઓ અવારનવાર આપણી પૃથ્વીની મુલાકાતે આવે છે તેવા સમાચાર આપણને સાંભળવા મળે છે. અમેરિકન અને રશિયન સરકારના ગુપ્તચર વિભાગ પાસે આવી અસંખ્ય ઘટનાઓના ફોટોગ્રાફ્સ સાથેના અહેવાલો એમની ગુપ્ત ફાઈલોમાં પડયા છે. ૧૯૭૩માં જિમી કાર્ટર જે એ સમયે જોર્જિયાના રાષ્ટ્રપતિ બનતાં પહેલાં એક રાજનીતિજ્ઞા અને ખેડૂત હતા તેમણે થોમસ ટાઉન પાસે એક અજબ પ્રકારની ચમકતી ઊડતી વસ્તુ જોઈ. તેમણે આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તે સાંજના સમયે તેમના ખેતરમાં હતા તે વખતે અચાનક તેમણે ચાર કે પાંચ ચળકતા પ્રકાશવાળી વસ્તુઓ આકાશમાં આમ તેમ ઊડતી જોઈ હતી. તે ઊડતી રકાબી જેવા અવકાશયાન લાગતા હતા. તે સ્થિર ન હોતા. અચાનક દિશા બદલી રહી હતી. કોઈ સાધારણ વિમાન કે હેલિકોપ્ટર આવું ના કરી શકે. તેમણે તે દ્રશ્યને અસામાન્ય અને રહસ્યમય જણાવ્યું. આ ઘટના બની ત્યારે જિમી કાર્ટર અમેરિકાના ગર્વનર હતા તેમણે તે વખતે કહ્યં હતું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો તે અનભિજ્ઞા ઉડ્ડયનયાન (UFO) અને એલિયન્સ અંગેના દસ્તાવેજોને સાર્વજનિક કરશે. થોડા સમય પછી તે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમણે ૨૦ મિલિયન અમેરિકી ડોલરવાળી એક રિસર્ચ સમિતિની રચના કરી જે અનભિજ્ઞા ઉડ્ડયન યાનો (Unidentified Flying objects) ની સાચી ઘટનાઓનો અભ્યાસ કરે.
૧૧ ઓક્ટોબર ૧૯૭૩ની સાંજે મિસિસિપીના પાસ્કાગૌલા (Pascagoula) નદીના કિનારે ચાર્લ્સ હિકસન અને કેલ્વિન પાર્કર માછલી પકડી રહ્યા હતા તે વખતે તેમને તેમની પાછળ અજબ પ્રકારનો અવાજ સંભળાયો તે જ વખતે ભૂરો-સફેદ પ્રકાશ ચારે તરફ ફેલાઈ ગયો. તેમણે પાછળ ફરીને જોયું તો એક અંડાકાર ઊડતી રકાબી જેવું અવકાશયાન જમીન પર ઊતરી રહ્યું છે. તેમાંથી ત્રણ પરગ્રહવાસી જેમનો દેખાવ વિચિત્ર હતો, બહાર આવ્યા હતા. તેમની ચામડી કરચલીવાળી હતી. આંખોની જગ્યાએ નાના છિદ્રો હતા. હાથના પંજા માનવી જેવા નહીં કોઈ અન્ય અજાણ્યા પ્રાણી જેવા હતા. તેમને જોઈને હિકસન અને કેલ્વિન ગભરાઈ ગયા. તે કોઈ પ્રતિક્રિયા કરે તે પહેલાં તેમને પેલા ત્રણ પરગ્રહવાસીઓએ પકડી લીધા અને તેમને તેમના અવકાશયાનમાં લઈ ગયા. ત્યાં એક અજબ પ્રકારના મશીનથી તે બન્નેના શરીરનું સ્કેનિંગ કરવામાં આવ્યું. એમને લાગ્યું કે જાણે કોઈ મેડિકલ ચેક અપ થઈ રહ્યો છે. તેમને કોઈ પીડાનો અનુભવ થતો નહોતો. તે એલિયન્સે તેમની બધી શારિરિક તપાસ પૂરી કરી લીધા બાદ તેમને પાછા નદીના કિનારે મૂકી દીધા. આના આઘાતની અસર હેઠળ જ તે નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યા. ત્યાં પોતાને જે અનુભવ થયો તેની વિગત જણાવી જે પોલીસે તેમના જ અવાજમાં રેકોર્ડ કરી લીધી હતી.
૧૯૮૦ના દશકમાં બનેલી કેટલીક પરગ્રહવાસીઓ થકી અપહરણ કરાયેલી ઘટનાઓએ પૂર્વ યુરોપમાં અને રશિયામાં સારો એવો ઉહાપોહ મચાવી દીધો હતો. તાન્યા તેહન્નાના અપહરણની ઘટનાએ ચકચાર જમાવી હતી. તેના જ શબ્દોમાં એ ઘટનાને તાદ્રશ નીરખીએ - તે રાત્રે મારો શયનખંડ અચાનક પ્રકાશથી ભરાઈ ગયો. એ પ્રકાશ અત્યંત શીતળ હતો છતાં કંઈક વિચિત્ર હતો. થોડી થોડી વારે રંગો બદલાતા જતા હતા. હું નિદ્રામાંથી જાગી ગઈ. મેં પ્રકાશ ક્યાંથી આવે છે તે જોવા બારી ખોલી તો જોયું કે થોડે દૂર એક વિશાળ ગોળ આકારની વસ્તુમાંથી એ પ્રકાશ આવતો હતો. તે એક વિચિત્ર આકારનું અવકાશયાન લાગતું હતું. એ સંમોહક પ્રકાશથી આકર્ષાઈને હું ઘરની બહાર નીકળી તે તરફ ચાલીને જવા લાગી. જાણે કોઈ મને તે તરફ આકર્ષી રહ્યું હતું એવું લાગતું હતું.
હું તે અવકાશયાનની એકદમ નજીક પહોંચી તે સાથે જ તેમાંથી ત્રણ આકૃતિઓ તેમાંથી બહાર આવી. તેમનો આકાર મનુષ્યોને મળતો આવતો હતો છતાં બીજી અનેક રીતે જુદો પડતો હતો. તે ત્રણેય આકૃતિઓ સવા મીટરથી વધારે ઊંચાઈ ધરાવતી નહોતી. તેમનો રંગ તામ્રવર્ણો હતો. એમનું મોઢું મોટું હતું. એમની આંખોનો રંગ ચળકતો લીલો હતો. તેને લાગ્યું કે તેને હવામાં ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. તે બોલતા નહોતા પણ તેમનો અવાજ તેના મસ્તિષ્કમાં સંભળાઈ રહ્યો હતો - અમારાથી ડરવાની જરૂર નથી. અમે તને કોઈ નુકસાન નહીં કરીએ. તેણે જોયું કે તે અવકાશયાનમાં અનેક મશીનો હતા. એક પરગ્રહવાસી મારી નજીક આવ્યો. તેણે મને એક મશીનની નીચે સુવાડી દીધી. મારા શરીરના બધા અંગો-અવયવો પર તેમના સ્પર્શનો અનુભવ થઈ રહ્યો હતો તેમ છતાં મને કોઈ પીડા કે વેદનાનો અનુભવ થતો નહોતો. ધીમે ધીમે મારું ભાન ઓછું થતું જતું હતું. મને પછી કોઈ સમય કે સ્થિતિનું ભાન રહ્યું નહોતું. જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું તે અવકાશ યાનને દૂર જઈ રહેલું જોઈ રહી હતી. પછી હું ત્યાંથી મારી પથારીમાં આવીને સૂઈ ગઈ હતી. જે બન્યું તેને યાદ કરીને હું ગભરાઈ ગઈ હતી. માટું હ્ય્દય જોર જોરથી ધડકી રહ્યું હતું. આલ્બર્ટ રોસાલિસ (Albert Rosales) નામના યુ.એફ.ઓ. સંશોધકે આ ઘટનાને હ્યુમેનોઈડ એન્કાઉન્ટર કેસ તરીકે નોંધેલી છે.
૧૬ સપ્ટેમ્બર ૧૯૯૪ના રોજ ઝિમ્બાબ્વેના રુવા (Ruwa) શહેરમાં આવેલી એરિયલ પ્રાઈમરી સ્કૂલના બાળકોએ દિવસના સમયે શાળાના રમતના મેદાનમાં અજબ ઘટનાઓ જોઈ હતી. લગભગ ૬૦થી પણ વધુ બાળકોએ જણાવ્યું કે પહેલાં તેમણે બધાએ આકાશમાં ચમકતી યુ.એફ.ઓ (U.F.O) જેવી વસ્તુ જોઈ તે પછી તે અવકાશયાન જેવી વસ્તુ રમતના મેદાનમાં નીચે ઊતરીને ઊભી રહી ગઈ. એમાંથી નાના કદના એલિયન પ્રાણી જમીન પર ઊતર્યા અને તેમની પાસે આવ્યા. બાળકોએ જણાવ્યું કે તેમનો આકાર મનુષ્યો જેવો હતો પણ તેમનું કદ બહુ ઓછું હતું. તેમની આંખો મોટી હતી. બાળકોએ જણાવ્યું કે તેમણે મોં ખોલીને શબ્દો ઉચ્ચાર્યા વગર માનસિક સંવાદ રૂપે ટેલિપથીથી વાતચીત કરી. તેમણે તેમને ડર રાખ્યા વગર શાંત રહેવા જણાવ્યું. તેમણે બાળકો પાસેથી ઘણી માહિતી પ્રાપ્ત કરી પછી તે આવ્યા હતા તે રીતે તેમના અવકાશયાનમાં બેસીને જતાં રહ્યા. બાળકોએ તરત આ ઘટના તેમના શિક્ષકો અને અધિકારીઓને જણાવી.
ઘટના પછી તરત ડૉ. જોન ઈ.મેકલોઘલિન અને બીજા યુ.એફ.ઓ.સંશોધકોએ બાળકોએ જે બયાન આપ્યા હતા તેને યથાર્થ જણાવી તેનું સમર્થન કર્યું હતું. બાળકોએ તેમનો અનુભવ અનેકવાર પૂછવા છતાં એકસરખો જ વર્ણવ્યો. એ બધાના બયાનમાં કોઈ ભિન્નતા જણાઈ નહોતી. આ કિસ્સો યુ.એફ.ઓ. ઘટનાઓમાં સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. કેમકે તે ૬૦થી વધારે બાળકો સમક્ષ દિવસ દરમિયાન ઘટિત થઈ હતી. આટલા બધા બાળકો જુઠુ ના બોલે. બધાની વાત એક સરખી જ હતી.
ઘટનાનું પૂરેપુરું દસ્તાવેજી કરણ (documentation) થયેલું છે. ૫ જાન્યુઆરી ૧૯૮૧ની સવારે ફ્રાંસના એક નાના ગામ ટ્રાંસ-એન-પ્રોવિન્સમાં પણ ત્યાંના ખેડૂત રેનાતો નિકોલાઈએ એના ખેતરમાં કામ કરતી વખતે અંડાકાર ઊડતી રકાબી જોઈ હતી. તે જમીન પર નીચે ઊતરી પણ હતી. તે જ્યાં ઊતરી હતી ત્યાં ગોળ નિશાન, દબાયેલો હિસ્સો અને છોડવાઓને થયેલું નુકસાન સ્પષ્ટ દેખાયું હતું. ફ્રાંસની સરકારી વૈજ્ઞાનિક સંસ્થા GEIPAN દ્વારા તેની તપાસ કરાઈ હતી. ત્યાંથી લીધેલી માટીના નમુનાઓમાં અસામાન્ય રાસાયણિક પરિવર્તન જોવા મળ્યા હતા. છોડવાઓની કોશિકાઓમાં જૈવિક તનાવ નોંધાયો હતો.


