Get The App

માયા સભ્યતાના લોકો સ્થાપત્ય, ગણિત અને ખગોળનું ઊંડુ જ્ઞાાન ધરાવતા હતા

Updated: Aug 12th, 2025

GS TEAM

Google News
Google News
માયા સભ્યતાના લોકો સ્થાપત્ય, ગણિત અને ખગોળનું ઊંડુ જ્ઞાાન ધરાવતા હતા 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- મય અસુરને દક્ષિણ અમેરિકાની પ્રાચીન માયા સભ્યતાનો પિતા માનવામાં આવે છે

અ મેરિકાની પ્રાચીન માયા સભ્યતા ગ્વાટેમાલા, મેક્સિકો, હોંડુરાસ અને યૂકાટન પ્રાયદ્વીપમાં સ્થપાયેલી હતી. તેનો આરંભ ઇ.પૂ. ૧૫૦૦માં થયો. આ સભ્યતા ઇ.સ. ૨૫૦થી ઇ.સ. ૯૦૦ દરમિયાન એની ઉન્નતિના શિખર પર પહોંચી ગઇ હતી. એનાા મહત્ત્વપૂર્ણ કેન્દ્રો મક્સિકો, ગ્વાટેમાલા, હોન્ડુરાસ અને અલસાલ્વાડોરમાં હતા. દક્ષિણ મધ્ય અમેરિકામાં રહેતા માયા લોકો ગ્રહો, સૂર્ય, ચંદ્ર, આકાશગંગાનું બહોળું જ્ઞાાન ધરાવતા હતા. પૃથ્વીના ગોળ આકારનું પણ તેમને જ્ઞાાન હતું. તેમણે ખગોળીય અવલોકનોના આધાર પર એક જટિલ કેલેન્ડર પર બનાવ્યું હતું. તેઓ માની ન શકાય તેવી ગણતરીઓ પણ કરી શક્તા હતા. તેઓ ૫૮૪ દિવસોના વિનસિયન યર  (Venusian year) વિશે પણ જાણતા હતા. અને પૃથ્વી પરના વર્ષોનો ગાળો ૩૬૫.૨૪૨૦ દિવસોનો છે એવું અનુમાન કરી શક્યા હતા. આપણા અર્વાચીન વૈજ્ઞાાનિક જ્ઞાાન પ્રમાણે આ આંકડો ૩૬૫.૨૪૨૨નો છે. આ બન્ને સંખ્યા વચ્ચે કેટલી બધી સમાનતા છે. માયા લોકોએ ૪૦૦ મિલિયન વર્ષો સુધીની ગણતરી કરી હતી. આ અદ્ભુત ફોર્મ્યુલા કેવળ 'ઇલેક્ટ્રોનિક બ્રેઇન' કરી શકે એવી જટિલ છે. જંગલમાં વસતા લોકોએ કોઈ ઇલેક્ટ્રોનિક સાધન વગર તે કઇ રીતે કરી હશે તે ભારે વિસ્મય ઉપજાવે એવી બાબત છે. વિખ્યાત ખગોળવિજ્ઞાાની આઇઝેક એસિમોવ (Isaac Asimov) કહે છે - ‘ The ancients were s wise as we are, perhaps wiser. Could we have done as much with as little ?  આપણા પૂર્વજો એટલા જ સમજદાર હતા જેટલા આપણે છીએ, કદાચ આપણા કરતાં વધારે સમજદાર. એટલા ઓછા સાધનો ઉપકરણો થકી શું આપણે આટલું બધું જ્ઞાાન કે સમજ મેળવી શક્યા હોત ?'

માયા વિનસિયન (શુક્રને લગતી) ફોર્મ્યુલા આ પ્રમાણે છે - એલ્કીન વર્ષના ૨૬૦, પૃત્વી પરના વર્ષના ૩૬૫ અને વિનસિયન વર્ષના ૫૮૪ દિવસો છે. આ અંકો આશ્ચર્યજનક વિભાજન અંકની શક્યતાને સંવલિત કરે છે. ૩૬૫ને ૭૩થી પાંચ વાર વિભાજિત કરી શકાય છે અને ૫૮૪ને આઠ વાર વિભાજિત કરી શકાય છે. આમ, આ આશ્ચર્યકારી ફોર્મ્યુલા નીચેનું રૂપ ધારણ કરે છે - ચંદ્ર : 20x13x2x73 = 260 x 2 x 73 = 73960.  સૂર્ય : 8x13x5x73 = 104x5x73 = 37,960. શુક્ર: 5x13x8x73 = 65x8x73 = 37,960.  આમ, આ તમામ ચક્રો ૩૭,૯૬૦ દિવસો પછી એકરૂપ થાય છે. માયા લોકો આ દિવસને બહુ મહત્વપૂર્ણ માનતા.

માયા લોકો સ્થાપત્ય, વાસ્તુશાસ્ત્રનું પણ ઊંડુ જ્ઞાાન ધરાવતા હતા. તેમણે ગૌટેમાલા અને યુકાટાનમાં બાંધેલી ઇમારતો પિરામિડો જેવી જ ભવ્ય હતી. ચોલુલાની પિરામિડનો જમીનનો પ્રદેશ જે મેક્સિકોની રાજધાનીથી દક્ષિણમાં ૬૦ માઇલે આવેલો છે તે ઇજીપ્તના પિરામિડ ઓફ ચિઓપ્સના પ્રદેશ કરતાં પણ વધુ મોટો છે. મેક્સિકો સિટીથી ૩૦ માલિ દૂર આવેલ ટેઓટીહુઆકાનનું પિરામિડ ક્ષેત્ર ૮ સ્કેવેઅર માઇલનો વિસ્તાર રોકે છે. બધી ઇમારતો તારાઓ - નક્ષત્રો પ્રમાણે હારમાં ગોઠવાયેલી છે. ટેઓટીહુઆકાન અંગેનું સૌથી જૂનું પુસ્તક કહે છે કે અન્ય ગ્રહો પરથી આવેલાં દેવો અહીં એકઠા થયા હતા અને પૃથ્વી પર માનવો અસ્તિત્વમાં આવ્યા તે પૂર્વે તેમા વિશે સભાઓ ભરતા હતા. તેમણે જ ત્યાંનાલોકોને ગણિત અને ખગોળનું જ્ઞાાન આપ્યું હતું.

મેક્સિકોના પેલેન્ક્યૂ (Palenaue) ખાતે આવેલા માયા લોકોના ેક પ્રાચીન મંદિરની દીવાલ પર એક એવી આકૃતિ દોરાયેલી છે જેમાં કોઈ દેવ જેવી લાગતી વ્યક્તિ તેના અવકાશ યાનમાં રોકેટ ચલાવતી હોય એવી સ્થિતિમાં દેખાય છે. ચિત્રના નીચેના ભાગમાં સાવ જુદા તરી આવતા લિસોટા પ્રોપલ્સન યુનિટમાંથી બહાર આવતી જ્વાળા અને વાયુ તરીકે સ્પષ્ટ વરતાય છે. અત્યારના અવકાશયાત્રીઓ પણ દૂરની અવકાશયાત્રામાં બિલકુલ આ જ રીતે પીઠ નીચેની તરફ રહે તે રીતે શરીર લંબાવીને સૂતેલા હોય તેવી પોઝિશનમાં મુસાફરી કરે છે. માયા મંદિરના ડ્રોઇંગને અને અર્વાચીન અવકાશયાત્રીના ફોટોગ્રાફને સરખાવીએ તો બન્ને વચ્ચે ઘણી એકરૂપતા, સમાનતા સ્પષ્ટ દેખાઈ આવે છે. જંગલમાં વસતા માયા લોકોને આવું ચિત્ર દોરવાની શી જરૂર પડી હશે ? ૪૦૦ મિલિયન વર્ષોની ગણતરી થઇ શકે એવું કેલેન્ડર શું કામ બનાવ્યું હશે ? સોલર યર અને વેનિસિયન યરના ચાર દશાંશ અંકો સુધી ગણી શકે તેવું જ્ઞાાન તેમની પાસે કેવી રીતે આવ્યું હશે ? બ્રહ્માંડના દૂરના તારાઓ વિશેની બારીક ખગોળશાસ્ત્રીય માહિતી તેમની પાસે કેવી રીતે આવી હશે? તે યુરેનસ અને નેપ્ચ્યુન વિશે પણ જ્ઞાાન ધરાવતા હતા. તે તેમને ક્યાંથી મળ્યું હશે ?

માયા લોકોએ પિરામિડો અને મંદિરો એમના કેલેન્ડરોને ધ્યાનમાં રાખીને બનાવ્યા છે. કેલેન્ડરના હુક્મનામા પ્રમાણે જે તે ઇમારતના નિયત સંખ્યાના પગથિયા દર બાવન વર્ષે બંધાઈ જવા જોઇએ એ રીતે કામગીરી કરતા. એવું લાગે છે કે જાણે તેના દરેક પથ્થરને કેલેન્ડર સાથે સંબંધ છે. એ સ્થાપત્યો ખગોળશાસ્ત્રીય કામગીરી પાર પાડવા ઉપયોગી બની રહે તેવા છે. તે વેધશાળાથી પણ વધુ મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા. મેક્સિકોના ચિચેન ઇટઝા ખાતે આવેલી એલ.કેસ્ટિલો નામની ઇમારત માયાના કેલેન્ડર પ્રમાણે જ બનાવડાવી છે. તે ચારે બાજુએ ૯૧ પગથિયા ધરાવે છે. જેનો સરવાળો ૩૬૪ થાય છે અને અંતિમ પ્લેટફોર્મને એમાં ઉમેરીએ એટલે સંખ્યા થાય ૩૬૫. પૃથ્વી પર ૩૬૫ દિવસોનું વર્ષ બને છે એ સંકેત આપવા માટે તે બનાવેલા હતા એમના બધા સ્થાપત્યો ગૂઢ સંકેતોથી ભરેલા છે. માયા ધર્મગુરુઓ ભવિષ્યમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણ ક્યારે ક્યારે થશે તે પણ કહી શક્તા હતા. ઘણી જગ્યાએથી તેના આલેખો પણ મળી આવ્યા છે.

અનેક નૃવંશીય પુરાતત્ત્વીય સંશોધનો દર્શાવે છે કે અમેરિકાની પ્રાચીન માયા સભ્યતા અને ભારતીય સભ્યતા વચ્ચે ગાઢ સંબંધ છે. માયા શબ્દ જ સંસ્કૃત શબ્દ છે. તેનો મય દાનવના નામ સાથે સંબંધ છે. મય દાનવના નામ પરથી જ એ સભ્યતાનું નામ માયા પડયું. મય અસુરને દક્ષિણ અમેરિકાની પ્રાચીન માયા સભ્યતાનો પિતા માનવામાં આવે છે. પાંડવોએ બનાવેલા ઇન્દ્રપ્રસ્થ નગરમાં મય દાનવે જ સ્થળ હોય ત્યાં જળ અને જળ હોય ત્યાં સ્થળ દેખાય એવો ભ્રાંતિ ઉભી કરનારો અદ્ભુત મહેલ બનાવ્યો હતો એનું મહાભારતમાં વર્ણન કરાયું છે. અમેરિકાના મેક્સિકોમાં ભગવાન શિવ, ગણેશ, નૃસિંહ અને સૂર્ય નારાયણ જેવા દેવોની મૂર્તિઓ અને શિલાલેખો પ્રાપ્ત થયા છે. પ્રાચીન કાળમાં ભારતમાં અમેરિકી મહાદ્વીપવાળો પશ્ચિમી ગોળાર્ધ પાતાળ કહેવાતો હતો. પૃથ્વીની નીચેની નરકના ભાગને આપણે પાતાળ કહીએ છીએ. પૃથ્વીના નકશામાં અમેરિકાનો મેક્સિકોવાળો પ્રદેશ ભારતની બરાબર નીચે જ આવે છે ! એટલે એ ભારતનો પાતાળ લોક છે. રામાયણમાં વાલીનો પાતાળ ક્ષેત્રમાં જતા રહેવાનો ઉલ્લેખ છે. તે બાલી ટાપુ પર બનેલા મહેલથી દૂર જઇ મેક્સિકોમાં વસવાનું સૂચન કરે છે.