Get The App

ભારતના પ્રાચીન ઋષિઓએ એમના ગ્રંથોમાં આલેખેલા છે ખગોળ વિજ્ઞાનના સિદ્ધાંતો

Updated: Nov 11th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના પ્રાચીન ઋષિઓએ એમના ગ્રંથોમાં આલેખેલા છે ખગોળ વિજ્ઞાનના સિદ્ધાંતો 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- ભારતીય ખગોળ વિજ્ઞાન કેવળ ગણના નથી, પણ વિજ્ઞાન અને અધ્યાત્મનો સંગમ છે જ્યાં બ્રહ્માંડને સમજવું અને એનો અનુભવ કરવો બન્ને એક જ સાધના છે

ભા રતના ઋષિ-મુનિઓ માત્ર ધાર્મિક કે દાર્શનિક વિચારક જ નહોતા, તે વૈજ્ઞાનિક અવલોકનકર્તા ગણના વિશેષજ્ઞા ગણિતશાસ્ત્રી અને ખગોળ વિજ્ઞાની પણ હતા. તેમણે પૃથ્વીની ગતિ, ગ્રહોની ચાલ, ગુરુત્વ આકર્ષમ, સાપેક્ષતા અને સમયની ગણનાને આધુનિક વિજ્ઞાનથી શતાબ્દીઓ પહેલાં શોધી કાઢી હતી. ભારતીય ખગોળ વિજ્ઞાન કેવળ ગણના નથી, પણ વિજ્ઞાન અને અધ્યાત્મનો સંગમ છે જ્યાં બ્રહ્માંડને સમજવું અને એનો અનુભવ કરવો બન્ને એક જ સાધના છે. પ્રાચીન કાળમાં જ્યોતિષ વિજ્ઞાન જ્ઞાનની એક સર્વાંગસંપૂર્ણ શાખા હતી જેમાં ખગોળ વિજ્ઞાન, ગ્રહ ગણિત, પદાર્થ વિજ્ઞાન જેવા કેટલાય વિષયોનો સમાવેશ થયો હતો.

ઇ.સ. પૂર્વે ૪૦૦૦થી ઇ.સ. પૂર્વે ૨૫૦૦ વચ્ચેના સમયગાળામાં રચાયેલા વેદોમાં ખગોળ વિજ્ઞાનની ઘણી માહિતી આલેખાયેલી છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદમાં ખગોળ સંબંધી અનેક સૂક્તો પ્રાપ્ત થાય છે. સૂર્યસૂક્ત (ઋગ્વેદ, ૧.૫૦)માં સૂર્યને સમસ્ત જીવનનો સ્ત્રોત દર્શાવવામાં આવ્યો છે. સૂર્ય આત્મા જગસ્તસ્થ્રષશ્ય (ઋગ્વેદ-૧.૧૧૫.૧) સૂર્ય આ સ્થિર (પૃથ્વી) અને ગતિશિલ (ગ્રહો) જગતનો આત્મા (ઊર્જાનો સ્રોત) છે. એનો અર્થ એ છે કે સૂર્ય બધા ગ્રહોને ઊર્જા પ્રદાન કરે છે. આ આધુનિક ખગોળવિજ્ઞાનના સૌર મંડલ (Solar System)ના સિદ્ધાંત સાથે મેળ ખાય છે. 'સૂર્ય અત્ર પૃથિવ્યાં યથાડડનિમેષં ચહતિ । પંક્તિમાં પૃથ્વીના ફરવાનો સંકેત મળે છે. તેમાં નક્ષત્રો, ગ્રહો અને ઋતુઓનું વર્ણન મળે છે જેનાથી સમયની ગણના થાય છે. ઋગ્વેદ (૧-૬૪-૧૧ અને ૪૮)માં સમયનું વર્ણન ૧૨ ભાગો અને ૩૬૦ આરા  (Spokes)વાળા એક પૈડાના રૂપમાં કરવામાં આવ્યું છે જેમાં પાંચ શેષ છે જે સૌર કેલેન્ડરનો સંદર્ભ આપે છે.

અન્ય પરંપરાઓની જેમ વિજ્ઞાનના પ્રારંભિક ઇતિહાસ દરમિયાન ખગોળવિજ્ઞાન અને ધર્મનો ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. ધાર્મિક અનુષ્ઠાનોના સાચા ક્રિયાક્લાપની સ્થાનિક અને લૌકિક જરૂરિયાતને કારણે ખગોળીય અવલોકન જરૂરી છે. આ રીતે શુલ્બ સૂત્ર, વેદાંગ જ્યોતિષ ખગોળવિજ્ઞાન સૌથી પ્રથમ જ્ઞાત ભારતીય ગ્રંથોમાંનું એક છે. એમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો અને ચંદ્ર-સૌર કેલેન્ડર વિશે વિવરણ સામેલ છે. વેદાંગ જ્યોતિષ  અનુષ્ઠાનો માટે સૂર્ય અને ચંદ્રની ગતિ પર નજર રાખવાના નિયમોનું વર્ણન કહે છે વેદાંત જ્યોતિષમાં પૃથ્વીની ધરીનો ઝુકાવ અને દિવસ-રાતના અંતરનો સંકેત પણ મળે છે.

સૂર્ય સિદ્ધાન્ત ભારતીય ખગોળ શાસ્ત્રનો પ્રસિદ્ધ ગ્રંથ છે. એનો રચનાકાળ લગભગ ઇ.સ. ચોથી કે પાંચમી ઉપલબ્ધ છે તે ૧૫મી શતાબ્દીમાં તાડપત્ર પર લખાયેલ પાણ્ડુલિપિ પર આધારિત ગ્રંથ છે જેમાં ૧૪ અધ્યાય છે. એમાં ગ્રહો અને ચંદ્રમાની ગતિની ગણનાની રીત, જુદા જુદા ગ્રહોના વ્યાસ અને ભિન્ન ભિન્ન ખગોળીય પિણ્ડોની કક્ષા (orbit) ની ગણના કરવાની રીતો બતાવી છે.

સૂર્યસિદ્ધાન્તના પ્રથમ અધ્યાયના પ્રારંભમાં શ્લોક ૧થી ૨૦ સુધી આખ્યાન શૈલીમાં કાળને આધારભૂત સૂર્યનું મહત્વ દર્શાવતા સૂર્યને પ્રત્યક્ષ દેવતા કહ્યો છે. એની કથા આ પ્રમાણે છે - મય દાનવે સૂર્યની આરાધના કરી. એની તપશ્ચર્યાથી પ્રસન્ન થઇ સૂર્યદેવે એને કાલગણનાના વિદ્વાન થવાનું વરદાન આપ્યું. મય એમની પાસેથી કોઈ શક્તિ પ્રાપ્ત કરવા માંગતો નહોતો, તે તો માત્ર કાલ ગણના અને જ્યોતિષના રહસ્યોને જાણવા માંગતો હતો. એની તપસ્યાથી પ્રસન્ન થઇ સૂર્ય દેવે એની ઇચ્છા પૂરી કરી. પણ સૂર્ય ક્યાંય રોકાઈ શકે એમ નહોતા એટલે એમણે એમના શરીરમાંથી એક પુરુષની ઉત્પત્તિ કરી અને તેને આદેશ કર્યો કે તે મય દાનવને કાલ ગણના અને જ્યોતિષના બધા રહસ્યો સમજાવે. સૂર્યના પ્રતિરૂપ પાસેથી મળેલા જ્ઞાન પછી મયદાનવે સ્વયં પણ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના અનેક સિદ્ધાંતો આપ્યા જે આજે પણ પ્રમાણરૂપ છે. સૂર્યના પ્રતિરૂપ અને મય દાનવ વચ્ચે થયેલી વાતચીતને જ સૂર્યસિદ્ધાન્તનું નામ આપવામાં આવ્યું.

સૂર્યસિદ્ધાન્તના પ્રથમ અધ્યાયમાં દર્શાવવામાં આવ્યું છે - સૂર્યસ્ય ગતિરેકા ચ દિનરાત્ર્યોર્ વિભક્તિકા અર્થાત્ સૂર્યની ગતિ જ દિવસ અને રાતના વિભાજનનું કારણ છે. આમાં પૃથ્વીના પરિભ્રમણ અને સૂર્યની સ્થિતિથી દિવસ અને રાત થવાની વૈજ્ઞાનિક વ્યાખ્યા આપવામાં આવી છે. એ રીતે સૂર્યસિદ્ધાંતના નવમા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહેવાયું છે - 'મન્દોરચેડપસવ્યંગ: સૂર્યાદિવિષમગ: શનૈ:। અર્થાત્ પ્રત્યેક, ગ્રહની ગતિ સમાન નથી હોતી, એમની સ્થિતિ સૂર્યના અંતર અને દિશા અનુસાર બદલાતી રહે છે.' આ સૂત્ર ગ્રહોની અનિયમિત ગતિ (unequal angular Speed) વિશે સમજ આપે છે જે આધુનિક સમયે કેપ્લરના નિયમો (Kepler,s laws) માં પણ જોવા મળે છે.

સૂર્ય સિદ્ધાંતમાં ગ્રહોના પૃથ્વીથી રહેલા અંતરને યોજનના માપથી બતાવવામાં આવ્યું છે. એમાં પૃથ્વીથી ચંદ્રનું અંતર લગભગ ૩૨૪,૦૦૦ યોજન દર્શાવવામાં આવ્યું છે. આધુનિક સમયે તે ૩૮૪,૦૦૦ કિ.મી.નું જણાવાયું છે. તે રીતે પૃથ્વીથી સૂર્યનું અંતર સૂર્ય સિદ્ધાંતમાં લગભગ ૪,૩૩૧,૫૦૦ યોજન દર્શાવાયું છે. અર્વાચીન ખગોળશાસ્ત્ર તેનું અંતર ૧૫૦ મિલિયન કિ.મી. જણાવે છે. કેટલી અદ્ભુત વાત છે કે આધુનિક કાળમાં આપણી પાસે છે એવા ઉપકરણો વગર પ્રાચીન ભારતીય ગણના લગભગ સાચી હતી.

સૂર્ય સિદ્ધાંતના પાંચમા અધ્યાયના બારમા શ્લોકમાં ગ્રહણ કેવી રીતે થાય છે તેની પણ સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે. તેમાં પંક્તિ છે - 'છાયાગ્રહેણ ગ્રહણં ભાસ્કરસ્ય ચંદ્રમસ: । અર્થાત્ જ્યારે સૂર્ય કે ચંદ્ર પૃથ્વીની છાયા કે એની પરિધિની અંદર આવી જાય છે ત્યારે ગ્રહણ થાય છે. આ અર્વાચીન ખગોળશાસ્ત્રની શેડો થિયરી (Shadow Theory) નું બિલકુલ યથાર્થ વૈજ્ઞાનિક વર્ણન છે.'

ઇ.સ. પૂર્વે ૫૦૦થી ઇ.સ. ૫૦૦ સુધીના સમયગાળામાં વિદેશી આક્રમણકારોએ આપણા દેશમાં પુષ્કળ લૂંટફાટ કરી. તેમાં અનેક વેધશાળાઓ નષ્ટ કરી નાંખી અને ઉત્તમ પાણ્ડુ લિપિઓ ઉઠાવી ગયા. એ અભિલેખોનો જર્મન, રોમન, ફ્રેંચ વગેરે ભાષાઓમાં અનુવાદ થયો. ત્યાંના સંગ્રહાલયોમાં અત્યારે પણ તે અભિલેખોનો અનુવાદ વિદ્યમાન છે. ત્યારબાદ ભારતીય જ્યોતિષ અને ખગોળ વિજ્ઞાનને પુનર્જીવિત કરવાનું મોટું શ્રેય આર્યભટ્ટને પ્રાપ્ત થયું. ઇ.સ. ૪૭૬માં જન્મેલા આર્યભટ્ટે પાટલિપુત્રની વિશ્વ પ્રસિધ્ધ વિદ્યાપીઠમાં ખગોળશાસ્ત્રનો ઊંડો, સૂક્ષ્મ અભ્યાસ કર્યો. તે પછી તેમણે આર્યભટ્ટીય, તંત્ર અને દશગીતિકા નામના ત્રણ વિખ્યાત ગ્રંથો લખ્યાં. તેમાં આ વિષયને લગતી ઘણી માહિતી આપી.

આર્યભટ્ટે કહ્યું કે પૃથ્વીનો વ્યાસ લગભગ ૧૨,૭૩૫ કિલોમીટરની આસપાસ છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણે પૃથ્વીનો વ્યાસ ૧૨,૭૪૨ કિલોમીટર છે. અંતર માત્ર સાત કિલોમીટરનું છે ! તેમણે સ્થાનીય માન પ્રણાલી એને શૂન્યની અવધારણાનો વિકાસ કર્યો. પાઈનું બીજગણિત, ત્રિકોણમિતિની શોધમાં પણ પાયાનું કામ કર્યું. આર્યભટ્ટે જણાવ્યું કે એક દિવસમાં પૃથ્વી એની ધરી પર ફરે છે અને સૂર્યની પ્રતીત ગતિ ૩૬૦ં હોય છે. આ જ અત્યારની ૨૪ કલાકની એક ધૂર્ણન અવધિનો આધાર છે. આર્યભટ્ટીયમાં તે કહે છે - યથા નૌસ્થ: પશ્યત્યચલં નૌ ચલન્તં યથા ક્ષિતિં । અર્થાત્ જેમ હોડીમાં બેઠેલી વ્યક્તિ તટ ચાલી રહ્યો છે એમ જુએ છે તે જ રીતે પૃથ્વી ફરે છે એટલે આપણને સૂર્ય ચાલતો હોય તેમ દેખાય છે. આ શ્લોકપંક્તિમાં અર્વાચીન સાપેક્ષ ગતિ (Relative Motion)ની જ એકદમ સ્પષ્ટ સમજ ઉદાહરણ સાથે આપવામાં આવી છે.

બ્રહ્મગુપ્ત (ઇ.સ. ૫૯૮)ના રચેલા 'બ્રહ્મસ્કુટ સિદ્ધાંત'માં પણ ગ્રહોની સ્થિતિ, સમય, છાયા, ત્રિકોણમિતિ અને ગુરુત્વાકર્ષણ સિદ્ધાંત આલેખાયેલા છે. બ્રહ્મગુપ્તે દિવસને ૬૦ ઘટિકામાં વહેંચ્યો. ૧ દિવસ બરાબર ૨૪ કલાક. તેમણે સૌર વર્ષની લંબાઈ ૩૬૫ દિવસ ૬ કલાક ૧૨ મિનિટ બતાવી. આધુનિક ગણના ૩૬૫ દિવસ ૫ કલાક ૪૮ મિનિટ જેટલી છે. વરાહ મિહિર (ઇ.સ. ૫૦૫) દ્વારા પંચસિદ્ધાન્તિકા અને બ્રહત્સંહિતા ગ્રંથોની રચના કરાઈ. તેમાં ગ્રહોની સ્થિતિ અને યુતિ, ગ્રહણ, નક્ષત્ર અને ઋતુ પરિવર્તન કેમ થાય છે તેની સાચી સમજ આપી જે આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે સુમેળ ધરાવે છે.