Get The App

મરણ પછી પણ માતૃભૂમિનું રક્ષણ કરતા રાઇફલમેન જસવંતસિંહ રાવત

Updated: Feb 11th, 2025

GS TEAM

Google News
Google News
મરણ પછી પણ માતૃભૂમિનું રક્ષણ કરતા રાઇફલમેન જસવંતસિંહ રાવત 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- જસવંતસિંહ એક એવા શહીદ છે જે મર્યા નથી પણ અમર છે. કેપ્ટન બાબા હરભજનસિંહની જેમ જસવંતસિંહને પણ મરણોત્તર સ્થિતિમાંય નિયમિત પ્રમોશન અપાતું રહે છે

રા ઇફલમેન જસવંતસિંહ રાવત ભારતીય સેનામાં ગઢવાલ રાઇફલ્સમાં સેવારત સૈનિક હતા જેમને ૧૯૬૨ના ભારત - ચીન યુદ્ધમાં અરૂણાચલ પ્રદેશમાં નૂરાનાંગની લડાઈ દરમિયાન એમના શૌર્ય અને બહાદુરી માટે મરણોત્તર પ્રતિષ્ઠિત મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯ ઓગસ્ટ ૧૯૪૧ના રોજ ઉત્તરાખંડના પૌડી-ગઢવાલ જિલ્લાના બાદયૂંમાં જસવંતસિંહ રાવતનો જન્મ થયો હતો. એમની નસે નસમાં દેશ પ્રેમ એટલો ભરેલો તો કે ૧૭ વર્ષની ઉંમરે જ તે સેનામાં દાખલ થવા પહોંચી ગયા હતા પણ ઓછી વયના કારણે તેમને તે વખતે દાખલ કરાયા નહોતા. ૧૯ ઓગસ્ટ ૧૯૬૦માં જસવંત સિંહને સેનામાં રાઈફલમેન તરીકે લેવામાં આવ્યા. ૧૪ સપ્ટેમ્બર ૧૯૬૧માં તેમની તાલીમ પૂરી થઈ ગઈ. એના એક જ વર્ષ પછી ૧૭ નવેમ્બર ૧૯૬૨માં ચીનની સેનાએ અરૂણાચલ પ્રદેશ પર કબજો મેળવવાના હેતુથી હુમલો કરી દીધો.

સવારના લગભગ પાંચ વાગે ચીની સૈનિકોએ સેલા ટોપ પાસે આક્રમણ કર્યું ત્યાં નિયુક્ત કરાયેલ ગઢવાલ રાઈફલ્સની ડેલ્ટા કંપનીએ એમનો સામનો કર્યો. જસવંતસિંહ રાવત આ જ કંપનીમાં કામ કરતા હતા. ૧૭ નવેમ્બર ૧૯૬૨ના રોજ શરૂ થયેલી આ લડાઈ ૭૨ કલાક સુધી સતત ચાલુ રહી હતી. ચીની સૈનિકો  ભારે ઘમદાટી બોલાવી રહ્યા હતા એટલે ભારતીય સેનાએ ગઢવાલ યુનિટની ચોથી બટાલિયનને પાછી બોલાવી લીધી પરંતુ તેમાં સામેલ જસવંતસિંહ, લાન્સ નાયક ત્રિલોકી સિંહ નેગી અને ગોપાલ ગુસાંઈ પાછા ન ફર્યા. આ ત્રણેય સૈનિકો એક બન્કરમાંથી ગોળીબાર કરતી ચીની મશીનગનને છોડાવવા માગતા હતા.

ભારતના આ ત્રણેય બહાદુર જવાનો પથ્થરની શિલાઓ અને ઝાડીઓમાં છુપાઈ ભારે ગોળીબારથી બચી રહી ચીની સેનાના બન્કર પાસે જઈ પહોંચ્યા અને લગભગ ૧૫ યાર્ડના અંતરથી હેન્ડ ગ્રેનેડ ફેંકી શત્રુ સૈન્યના અનેક સૈનિકોને મારી મશીનગન છિનવીને લઈ  આવ્યા. એનાથી આખી લડાઈની દિશા જ બદલાઈ ગઈ અને ચીનનો અરૂણાચલ પ્રદેશને જીતવાનો મનસુબો પૂરો ના થયો જો કે આ વખતે ચીની સૈનિકોએ કરેલા ગોળીબારમાં ત્રિલોકી સિંહ નેગી અને ગોપાલ ગુસાઈ શહીદ થઈ ગયા હતા.

આ યુદ્ધ દરમિયાન જસવંતસિંહ રાવતે એકલાએ જ એમની જગ્યા બદલી બદલીને ચીની સૈનિકોને એવા ભ્રમમાં રાખ્યા હતા કે હજુ ભારતના અનેક સૈનિકો ત્યાં હાજર છે અને અનેક જગ્યાએથી ગોળીબાર કરી રહ્યા છે. જસવંત સિંહ બધા લશ્કરી થાણા પર રાયફલ મૂકી દીધી હતી અને થાણા બદલી બદલીને એકલાએ જ ગોળીઓ છોડી હતી. આ રીતે તેમણે એકલાએ જ લગભગ ૩૦૦ ચીની સૈનિકોને મારી નાંખ્યા હતા. જ્યારે આ વાતની જાણકારી જસવંતસિંહને રેશન પહોંચાડનાર પાસેથી ચીની કમાન્ડરને પ્રાપ્ત થઈ ત્યારે તે ભારે વિસ્મયમાં મૂકાઈ ગયો હતો. તેણે ચીની સૈનિકોને જસવંત સિંહને મારવા તેમની તરફ મોકલ્યા ત્યારે જસવંતસિંહ પાસે કારતૂસ ખલાસ થવાની તૈયારીમાં હતા. તેમણે ચીની સૈનિકોને નજીક આવતા જોયા એટલે જાતે જ પોતાના પર ગોળી છોડી વીરગતિ પ્રાપ્ત કરી લીધી હતી. ૧૭ નવેમ્બર ૧૯૬૨ના રોજ માત્ર ૨૧ વર્ષની ઉંમરે જસવંતસિહ શહીદ થઈ ગયા હતા.

જે ચોકી પર જસવંતસિંહ રાવતે છેલ્લી લડાઈ લડી હતી એનું નામ અત્યારે જસવંતગઢ રાખવામાં આવ્યું છે. યુદ્ધના સમયે જસવંતસિંહ અરૂણાચલ પ્રદેશમાં ફરજ બજાવતા હતા ત્યારે સેલા નામની એક મોનપા છોકરી સાથે તેમને પ્રેમ થઈ ગયો હતો. સેલા મોટેભાગે તે લશ્કરી થાણા પાસેથી પસાર થતી હતી જ્યાં જસવંત સિંહ ફરજ બજાવતા હતા. થોડા સમયમાં તેમનો પ્રેમ પાકો થઈ ગયો હતો. સેલા તવાંગમાં રહેતી હતી. તેની સાથે તેની બહેરા નૂરા પણ તેની સાથે ઘણીવાર આવતી, તેમણે આ યુદ્ધ દરમિયાન જસવંત સિંહને મદદ પણ કરી હતી. એવું કહેવાય છે કે તવાંગમાં સેલા દર્શ અને નૂરાનાંગ ફોલ્સના નામ આ બન્ને મોનપા છોકરીઓની યાદમાં રાખવામાં આવ્યા છે.

સેલા, નૂરા અને જસવંતસિંહ સાથે વાસ્તવમાં શું થયું તે બાબતમાં જુદા જુદા મત પ્રવર્તે છે. એક મત એવો છે કે નૂરાને ચીની સૈનિકોએ પકડી લીધી હતી અને તેને ચીન લઈ ગયા હતા, જ્યારે સેલા ને જસવંત શહીદ થઈ ગયા હતા. કેટલાક એવું માને છે કે સેલા ગ્રેનેડ વાગવાથી મરણ પામી હતી તો કેટલાક એવુ પણ માને છે કે સેલાએ ચીની સૈનિકો નજીક આવેલા જોઈ પહાડ પરથી છલાંગ મારી જીવનનો અંત લાવી દીધો હતો પણ દુશ્મનોના હાથે પકડાવવું પસંદ કર્યું નહોતું. જસવંતસિંહે ગોળી મારી પોતાના પ્રાણ ત્યજી દીધા, પછી શત્રુ સૈનિકે તેમનું માથું કાપી નાખ્યું હતું  અને તે ચીનમાં લઈ જવાયું હતું. યુદ્ધ પૂરું થયા બાદ ચીની સેનાએ તે માથું અને જસવંતસિંહની પિત્તળની પ્રતિમા ભારતને પાછા આપ્યા હતા.

અરૂણાચલ પ્રદેશના નૂરાનાંગમાં બનેલા જસવંત ગઢ મેમોરિયલમાં જસવંતસિંહનો આત્મા દરરોજ આવે છે ત્યાં તેમના માટે પલંગ અને પથારી પણ રખાયા છે જેના પર તે સૂઈ જાય છે. પાંચ સૈનિક તેમની સેવામાં હાજર રખાય છે. તેમના કપડાંને ઈસ્ત્રી કરાય છે અને બુટને પોલિશ પણ કરવામાં આવે છે. સવારે જોવામાં આવે તો પથારી ચૂંથાયેલી અને કરચલીવાળી દેખાય છે, બુટ બરફવાળા કે ધૂળથી ખરડાયેલા જોવા મળે છે. સરહદની સુરક્ષા કરવા આજે પણ આ પ્રદેશમાં તેમનો પ્રેતાત્મા ફરતો જોવા મળે છે. અનેક સૈનિકોએ તેમને આ રીતે નિહાળ્યા પણ છે. તે નિયમનું પાલન કરવામાં ખૂબ ચુસ્ત અને શિસ્તબદ્ધ હતા. એટલે અત્યારે જે સૈનિકો એમની ફરજ બરાબર નિભાવતા ન જણાય તેમને તે તમાચો પણ મારી દેતા અટકાતા નથી. ઘણા સૈનિકોને આવો અનુભવ થયો છે તેથી તે હવે ચુસ્તપણે પોતાની ફરજ નિભાવે છે.

જસવંતસિંહ એક એવા શહીદ છે જે મર્યા નથી પણ અમર છે. કેપ્ટન બાબા હરભજનસિંહની જેમ જસવંતસિંહને પણ મરણોત્તર સ્થિતિમાંય નિયમિત પ્રમોશન અપાતું રહે છે. હાલમાં તે મેજર જનરલના પદ પર છે. જસવંતગઢ મેમોરિયલમાં તે વારંવાર દેખાતા અને અનુભવાતા હોવાને લીધે તેમને એક જીવિત વ્યક્તિ માની તેમની સેવા-સરભરાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમને સવાર-સાંજ નાસ્તો અને ભોજન પણ પિરસાય છે. જસવંતસિંહ રાવત પર 72 Hours - Martyr who Never Died નામની ફિલ્મ ૫ણ બનાવવામાં આવેલી છે. ૧૮ જાન્યુઆરી ૨૦૧૯માં ભારતમાં રિલિઝ થયેલી હિન્દી ફિલ્મના ડિરેક્ટર અવિનાશ ધ્યાની છે. અમર જવાન જસવંત સિંહના શૌર્ય અને પ્રેમનું નિરૂપણ કરતી આ ફિલ્મે ઘણી લોકચાહના પ્રાપ્ત કરી છે.

Tags :