Get The App

ચેતનાથી બ્રહ્માંડ સુધી શિવ સૂત્ર અને ભૌતિક વિજ્ઞાન

Updated: Feb 10th, 2026

GS TEAM

Google News
Google News
ચેતનાથી બ્રહ્માંડ સુધી શિવ સૂત્ર અને ભૌતિક વિજ્ઞાન 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- સીમિત જ્ઞાન જ બંધન છે. દ્રષ્ટા એની ધારણા બદલે એટલે વસ્તુનું બંધન તૂટી જાય છે. દ્રષ્ટિ બદલાથી વાસ્તવિકતા બદલાઈ જાય છે

- શિવ સૂત્રના દર્શનમાં બે મુખ્ય શબ્દો છે. - પ્રકાશ અને વિમર્શ. પ્રકાશ : તે શુદ્ધ ચેતના જે બધુ બતાવે છે. અને વિમર્શ: તે જાગરૂકતા જેને કારણે ચેતના સ્વયંને જાણે છે

શિવ સૂત્ર કાશ્મીર શૈવ દર્શનના અત્યંત સંક્ષિપ્ત અને ગૂઢ સૂત્રોમાંનો એક ગ્રંથ છે. ભગવાન શિવને એના રચયિતા માનવામાં આવે છે. લગભગ ઈ.૯મી શતાબ્દીમાં થયેલા ઋષિ વસુગુપ્તને કાશ્મીરમાં મહાદેવ પર્વત (શંકરાચાર્ય પર્વત) પર ભગવાન શિવજીએ સ્વપ્નમાં પ્રકટ થઈ આદેશ કર્યો કે તેમણે એક વિશેષ શીલાની નીચે લખેલા એ સૂત્રો વાંચીને એમનું સંકલન કરીને એ પ્રસારિત કરવા. તેમણે એ શિલા નીચેના સૂત્રો વાંચ્યા પછી તેનો ગ્રંથ બનાવ્યો જે કાશ્મીર શૈવ દર્શનનો આધાર બન્યો. ઋષિ વસુગુપ્ત એના રચયિતા નહીં, પણ પ્રકાશક અને સંરક્ષક હતા.

કાશ્મીર શૈવ દર્શનના મહાનતમ આચાર્ય અભિનવગુપ્ત (લગભગ ૯૫૦-૧૦૨૦) દ્વારા શિવસૂત્ર, સ્પંદકારિકા અને પ્રત્યભિજ્ઞા એ ત્રણેય ધારાઓનો સમન્વય કરાયો હતો. તંત્રાલોક, તંત્રસાર અને પરમાર્થસાર એમના મુખ્ય ગ્રંથો છે. તેમણે શિવ સૂત્રોને અનુભવાત્મક અને તાંત્રિક આયામ આપ્યો. લગભગ અગિયારમી શતાબ્દીમાં જન્મેલા ક્ષેમરાજ અભિનવગુપ્તના મુખ્ય શિષ્ય હતા. તેમને શિવ સૂત્રોના પ્રામાણિક ભાષ્યકાર કહેવામાં આવે છે. શિવસૂત્ર વિમર્શિની, સ્પંદ નિરણ્ય અને પ્રત્યભિજ્ઞાહ્ય્દયમ્, સ્પષ્ટ અને વ્યવસ્થિત રૂપે સમજાવ્યા. અત્યારે ઉપલબ્ધ શિવ સૂત્રોની વ્યાખ્યા મુખ્યપણે ક્ષેમરાજ પર આધારિત છે.

ભારતીય તત્ત્વજ્ઞાન અને અર્વાચીન ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોમાં ઘણી બધી જગ્યાએ સામ્ય જોવા મળે છે. સત્ય એ એક જ હોવાથી બન્નેના નિરૂપણો એક સરખા જોવા મળે છે. 'એકં સત્ વિપ્રા: બહુધા વદન્તિ  । (એક જ સત્યને જ્ઞાની જનો વિવિધ રીતે કહે છે) એ ન્યાયે પ્રાચીન ઋષિઓની વાણી અને અર્વાચીન વિજ્ઞાનીઓના વિધાનોમાં એક સરખાપણું જોવા મળે છે. શિવ સૂત્રમાં કહેવાયું છે - ચૈતન્યમાત્મા (૧-૧) અર્થાત્ આત્મા કોઈ વસ્તુ નહીં, પણ શુદ્ધ ચેતના છે. બેનો તાત્ત્વિક ગૂઢાર્થ એ છે કે ચેતના શરીર કે મનની ઉપજ નથી. મન, શરીર અને જગત ચેતનામાં ઘટિત થતી પ્રક્રિયાઓ છે. શિવ દર્શનમાં ચેતના કારણ છે, કાર્ય(પરિણામ) નથી. એનર્જી કર્વાન્ટાના સંશોધન બદલ જેમને ૧૯૧૮નું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું તે જર્મન થિયરિટિકલ ભૌતિકવિજ્ઞાની મેક્સ પ્લાન્ક (Max Planck) કહે છે - Consciousness is fundamental. matter is derivative from consciousness :  ચેતના મૂળભૂત છે. પદાર્થ ચેતનાથી ઉત્પન્ન થયેલો છે.

શિવ સૂત્રમાં સ્પંદ (Vibration) સિદ્ધાંત પણ આલેખાયેલો છે. તે દર્શાવે છે - ઉદ્યમો ભૈરવ : (૧.૫) અર્થાત્ ચેતનાનું સ્પંદન કે કંપન જ ભૈરવ (પરમ તત્ત્વ) છે. અહીં શિવ કોઈ સ્થિર સત્તા નથી, પણ ગતિશીલ, સ્પંદનશીલ ચેતના છે. સ્પંદકારિકામાં પણ કહેવાયું છે - પ્રવર્ત: પ્રતિપત્તિ: સ્પન્દ: સ્પન્દનાધિપતે: એટલે કે દરેક ચેતનાની ક્રિયા (પ્રવર્તન) અને અનુભવ (પ્રતિપત્તિ) એ જ પરમ સ્પંદ (શિવ)થી ઉત્પન્ન થાય છે. યત્ર શક્તિ: સ્ફુરતિ તત્ર ભૈરવ : દ્રશ્યતે । એટલે કે જ્યાં પણ ચેતનામાં જાગ્રત શક્તિ પ્રગટ થાય છે ત્યાં જ પરમ ભૈરવ (શિવ) અનુભવ થાય છે. અદ્વૈતં સ્પદનં સર્વત્ર વ્યાપ્ત છે. સ્પંદ: શરીરસંગ્રહાત્ પરે સ્થિત : । આ સ્પંદ (ચેતના) શરીરની સીમાઓથી પર રહેલુ છે.

જેમને ૧૯૨૧માં ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું તે રિલેટિવિટીની થિયરી આપનારા મહાન ભૌતિકવિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ કહે છેEverything is energy and that is all there is to it. Match the frequency of the reality you want and you cannot help but get that reality. it can be no other way. this is not philosophy, This is physics - બધુ ઊર્જા છે અને બસ એટલું જ છે. તમારી ઈચ્છા પ્રમાણે વાસ્તવિકતાનું કંપન, એ એની આવૃત્તિ મેચ કરો અને તમને તે વાસ્તવિકતા મળી જશે. એ સિવાય બીજો કોઈ રસ્તો હોઈ શકતો નથી. આ કોઈ તત્ત્વજ્ઞાન (દર્શન) નથી, આ ભૌતિકવિજ્ઞાન છે. આઈન્સ્ટાઈન કહે છે કે આપણે જે દુનિયામાં રહીએ છીએ, તે માત્ર ભૌતિક વસ્તુઓ નથી, પણ ઉર્જાનું કંપન (vibration) છે.

ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને આવિષ્કારક નિકોલા ટેસ્લા કહે છે  - If you want to find the secrets of the universe, think in terms of energy, frequency and vibration. જો તમે બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવા ઈચ્છતા હો તો ઊર્જા, આવૃત્તિ અને કંપનના સંદર્ભમાં વિચારો. મહાન બ્રિટિશ ક્વોન્ટમ ભૌતિક વિજ્ઞાની ડેવિડ બોહમ (David Bohm) પણ લખે છે - The universe is not a collection of things but a continuous process of movements. બ્રહ્માંડ વસ્તુઓનો સંગ્રહ નથી, તે નિરંતર ગતિની પ્રક્રિયા છે.

શિવ સૂત્ર દર્શાવે છે - યોડવિપસ્થો જ્ઞાતા-જે ભીતર રહેલો છે, તે જ વાસ્તવિક જ્ઞાતા છે. (૧.૩) એ સૂત્રની સ્પન્દ કારિકામાં સ્પષ્ટ કરાયું છે. સ્પન્દત્ત્વ યો વેત્તિ સ શિવત્વં પ્રપદ્યતે । એટલે કે જે સ્પંદને જાણે છે, તે જ શિવને પ્રાપ્ત કરે છે. કવૉન્ટમ મિકેનિકસ માટે ૧૯૩૨માં જેમને નોબલ પ્રાઈઝ પ્રાપ્ત થયું હતું તે જર્મન સૈદ્ધાંતિક ભૈતિકવિજ્ઞાની વર્નર હાઈઝેનબર્ગ (Werner Heisenberg) આવી જ વાત કરે છે - What we observe is not nature itself, but nature exposed to our method of questioning  આપણે પ્રકૃતિને જેવી જોઈએ છીએ, તે વાસ્તવમાં તેવી નથી. પણ આપણી પુૂછપરછ કરવાની પદ્ધતિ, પ્રશ્ન કરવાની રીતે આગળ પ્રકટ થયેલી હોય છે. ભૌતિક વિજ્ઞાન કહે છે - આપણે કેવળ તે જોઈએ છીએ જે આપણે શોધીએ છીએ. જો તમે પ્રકાશ (light) ને એ જોવા માટે માપો છો કે તે એક તરંગ (Wave) છે તો તે તરંગની જેમ વ્યવહાર કરશે, પણ તમે જો એને એક કણ (Particle)ના રૂપમાં માપશો તો તે એક કણની જેમ વ્યવહાર કરશે. એટલે એનો અર્થ એ થયો કે પ્રકૃતિ આપણા પ્રયોગો અને ઉપકરણો (tools) પ્રમાણે એનું રૂપ બદલે છે જ્યારે આપણે કોઈ વસ્તુને જોઈએ છીએ તો આપણે તેને પ્રભાવિત કરીએ છીએ. આપણે પ્રકૃતિથી અલગ બનીને એને જોતા નથી, આપણે તે પ્રક્રિયાનો ભાગ બની જઈએ છીએ. આને ઓબ્ઝર્વર ઈફેક્ટ કહેવામાં આવે છે. હાઈઝેનબર્ગ કહે છે - The observer alters the observed - દ્રષ્ટા (પ્રેક્ષક) દેખવાની વસ્તુ (દ્રશ્ય)ને બદલી કાઢે છે.

શિવ સૂત્ર અનુસાર આ બ્રહ્માંડમાં ત્રણ વસ્તુઓ છે - ૧. પ્રમાતા = જાણનાર (observer) ૨. પ્રમાણ = જાણવાની વિધિ કે ઈન્દ્રિયો (process of observation) ૩. પ્રમેય = જેને જાણવામાં આવી રહી છે તે વસ્તુ (The observed). શિવસૂત્ર કહે છે કે છેવટે તો આ ત્રણેય અલગ નથી, પણ એક જ ચેતનાનું સ્પંદન એટલે કે શિવ તત્ત્વ છે. શિવ સૂત્રના દર્શનમાં બે મુખ્ય શબ્દો છે. - પ્રકાશ અને વિમર્શ. પ્રકાશ : તે શુદ્ધ ચેતના જે બધુ બતાવે છે. અને વિમર્શ: તે જાગરૂકતા જેને કારણે ચેતના સ્વયંને જાણે છે. જ્યારે દ્રષ્ટા (પ્રેક્ષક) કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો તે પ્રકાશ (light) એ વસ્તુને વિમર્શ (Awareness) ના ઢાંચામાં ઢાળી દે છે. સરળ ભાષામાં એમ કહેવાય કે આપણું ધ્યાન (Attention) જ એ વસ્તુને આપણા માટે સત્ય, વાસ્તવિક બનાવે છે. જો આપણું ધ્યાન જતું રહે તો તે વસ્તુ આપણા જગતમાંથી વિલીન થઈ જાય છે.

શિવ સૂત્ર (પ્રથમ ઉન્મેષ)નું બારમું સૂત્ર છે - વિસ્મયો યોગભૂમિકા : । હાઈઝેનબર્ગ કહે છે કે દ્રષ્ટા દ્રશ્યને બદલી કાઢે છે. તેનાથી વિશેષ મહત્ત્વની વાત શિવ સૂત્રમાં કહેવાઈ છે કે તે એક યોગાનુભૂતિ - યોગિક અનુભવ બની જાય છે. વિસ્મય એટલે આશ્ચર્ય (Amazement) જ્યારે તમે કોઈ વસ્તુને વિસ્મયથી જુઓ છો તો તે વસ્તુ તમારા માટે જડ (object) નથી રહેતી, પણ તે ચેતનાનો ચમત્કાર બની જાય છે. વૈજ્ઞાનિક પ્રયોગોમાં પ્રેક્ષક (દ્રષ્ટા) વસ્તુની સ્થિતિ બદલે છે, પણ શિવસૂત્ર કહે છે કે વિસ્મયના માધ્યમથી પ્રેક્ષક વસ્તુની પ્રકૃતિ બદલી કાઢે છે. સાધારણ દ્રષ્ટિથી જગત માયા કે બંધન છે જ્યારે વિસ્મય ભરી દ્રષ્ટિથી જગત શિવની વિસ્તાર છે. આમ, વિસ્મયથી યોગની શરૂઆત થાય છે. તે વસ્તુમાંથી ચેતના તરફ લઈ જાય છે. દ્રષ્ટા વિસ્મય સાથે જુએ છે ત્યારે દ્રશ્ય જીવંત અને દિવ્ય બની જાય છે. શિવસૂત્ર કહે છે - લોકનિંદ: સમાધિ સુખમ્ (૧.૧૮) અર્થાત્ એક યોગી માટે આખું જગત (જે દ્રશ્યમાન થઈ રહ્યું છે) તે સ્વયંનું જ આનંદ સ્વરૂપ છે. અહીં યોગી (observer) એ એની દ્રષ્ટિ બદલી કાઢી એટલે સંસાર (observed) જે પહેલાં દુ:ખનું કારણ હતો તે હવે આનંદ રૂપ બની જાય છે. સીમિત જ્ઞાન જ બંધન છે. દ્રષ્ટા એની ધારણા બદલે એટલે વસ્તુનું બંધન તૂટી જાય છે. દ્રષ્ટિ બદલાથી વાસ્તવિકતા બદલાઈ જાય છે. દ્રશ્ય અને દ્રષ્ટા વચ્ચેનું એકત્ત્વ વ્યક્તિને અનુભૂતિ કરાવે છે કે તે સ્વંય શુધ્ધ ચેતના (શિવ) સ્વરૂપ છે.