શું અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને જ જ્હોન એફ. કેનેડી રૂપે પુનર્જન્મ લીધો હતો ?
ગોચર-અગોચર- દેવેશ મહેતા
- અબ્રાહમ લિંકન 1860માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને જ્હોન એફ. કેનેડી 1960માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા
જી વન ચેતનાની અદ્ભુત અભિવ્યક્તિ છે. તે વારંવાર વિસ્મયની પરંપરા સર્જતું રહે છે. સામાન્ય રીતે તો આપણને જીવનક્રમ કોઇ સરળ ગતિ ચક્ર પર પરિભ્રમણ કરતો દેખાય છે. પણ એને જો ધ્યાનપૂર્વક જોવામાં આવે તો એની સાથે કેટલાક વિચિત્ર સંયોગો જોડાયેલા હોય છે. એવું જાણવા મળે છે. એ વખતે એવી સમજ પ્રાપ્ત થાય છે કે માનવી સર્વથા પોતે પોતાનો સ્વામી નથી. એની સાથે એની નિયતિ અને નિયંતા બન્ને કામ કરે છે. ઇશ્વર અને પ્રકૃતિનું આ તંત્ર વ્યક્તિ, વસ્તુ અને ઘટનાઓને એવી રીતે ગોઠવી દે છે, એના તાણાવાણા જોડી દે છે જે ન કેવળ વિસ્મય સર્જે છે, પરમ ચેતનાની બુદ્ધિમાન સત્તા પ્રત્યે શ્રદ્ધા પણ ઉત્પન્ન કરે છે !
કુદરતના ઘટના ચક્રમાં કેટલીક ઘટનાઓ યોગાનુયોગ, સંયોગવશાત્ બનેલી પ્રતીત થાય છે. તે અકારણ, અર્થહીન બનેલી નથી હોતી. સ્વિસ સાઇકિઆટ્રિસ્ટ અને સાઇકોએનાલિસ્ટ કાર્લ ગુસ્તાવ યુંગ (Synchronicity) કહે છે કે આવી ઘટનાઓ પાછળ 'સમક્રમિકતા (Carl Gustav Jung) નો સિદ્ધાંત કામ કરે છે.
આનો અર્થ એક જ સમયે કે યુગપદમાં બનવું એવો નથી થતો. યુંગ એને એક સમાન ઘટનાઓનું એકસરખું મહત્વ (the equal significance of parallel events) માને છે. હંગેરિયન - બ્રિટિશ લેખક આર્થર કોસ્લર (Arthur Koestler) નું 'ધ રૂટસ ઑફ કોઇન્સિડન્સ (The Roots of Coincidence) પુસ્તક પણ આવી અનેક ઘટનાઓનું નિરૂપણ કરે છે જે પ્રથમ દ્રષ્ટિએ યોગાનુયોગ કે સંયોગવશાત્ બનેલી લાગે પણ તે ઉચ્ચ ચેતનાની ગહન અકળ વ્યવસ્થાથી બનેલી હોય છે.
અબ્રાહમ લિંકન અને જ્હોન એફ. કેનેડી એ બે અમેરિકન પ્રેસિડેન્ટના જીવનની ઘટનાઓ વચ્ચે અસાધારણ સામ્ય જોવા મળ્યું છે. બંને રાષ્ટ્ર પ્રમુખોના ખોરાક, સ્વાદ, પહેરવેશ, રસ અને રૂચિ એક સરખા હતા. બંનેને ભોજનમાં 'સ્પાર્શ' વધુ પસંદ હતું. લિંકનની પ્રથમ પત્ની મેરી ઓવેન્સ (Mary Owens) ફેશનેબલ અને કલાપ્રેમી હતી. તે જ રીતે જ્હોન એફ. કેનેડીની પત્ની જેક્વેલિન લી (જેકી બૉવિયર) પણ મેરીની જેમ ફેશનેબલ અને કલાપ્રેમી હતી. લિંકન અને કેનેડીના લગ્ન એમના ત્રીસ વર્ષની ઉંમરના દશકામાં થયા હતા એ બંનેની પત્ની એ વખતે વીસ વર્ષની વયના દસકામાં થયો હતો. લિંકનને ચાર બાળકો હતા જેમાંથી બે મરણ પામ્યા હતા અને બે તેમની પાસે જ રહ્યા હતા. કેનેડીને પણ તેવું જ થયું હતું. બંને જ્યારે વ્હાઇટ હાઉસમાં હતા ત્યારે જ તેમના પુત્રોનું મરણ થયું હતું.
અબ્રાહમ લિંકન ૧૮૬૦માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા અને જ્હોન એફ. કેનેડી ૧૯૬૦માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. એ જ રીતે બંને અમેરિકન કોંગ્રેસમાં એકસરખા વર્ષે જ ચૂંટાયા હતા. લિંકન ૧૮૪૬માં અને કેનેડી ૧૯૪૬માં કોંગ્રેસમાં પ્રવેશ પામ્યા હતા. બંનેએ નાગરિક અધિકાર (સિવિલ રાઇટસ) માટે વિશેષ યોગદાન આપ્યું હતું અને એ માટે લડત આપી હતી. બંનેની દક્ષિણ અમેરિકાની ઉત્થાન માટે વિશેષ અભિરુચી હતી.
પ્રેસિડેન્ટ જ્હોન કેનેડીને ગોળી મારવામાં આવી ત્યારે તે ફોર્ડ કંપની વડે બનાવાયેલી 'લિંકન' કારમાં જઈ રહ્યા હતા અને પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકનને જ્યારે ગોળી મારવામાં આવી ત્યારે તે ફોર્ડ થિયેટરમાં હતા ! કેનેડીને 'વેર હાઉસ'માંથી ગોળી મારવામાં આવી હતી અને હત્યારો ત્યાંથી દોડીને 'થિયેટર'માં છૂપાઇ ગયો હતો.
જ્યારે લિંકનને 'થિયેટર'માં ગોળી મારવામાં આવી હતી અને હત્યારો ત્યાંથી દોડીને 'સ્ટોરેજ બાર્ન'માં છૂપાઈ ગયો હતો. બંનેને માથાના પાછળના ભાગમાં એક સમાન જગ્યાએ ગોળી મારવામાં આવી હતી. બંને પ્રમુખો મુસાફરી પર હતા ત્યારે તેમની હત્યા કરાઇ હતી અને તે સમયે તેમની પત્ની તેમની સાથે જ હતી.
બંને પ્રમુખોએ હત્યાની ઘટના પૂર્વે તેની સચોટ આગાહી કરી દીધી હતી. લિંકને તેમના સેક્રેટરી ડબલ્યુ એચ. ફ્રુકને કહ્યું હતું - 'મને ખબર છે કે મારી હત્યા થવાની છે. જો કે એને આ જગતમાં કોઇ અટકાવી શકે એમ નથી.' ૧૪ એપ્રિલ ૧૮૬૫ના રોજ લિંકનની હત્યા કરાઇ હતી. કેનેડીએ તેમની પત્નીને કહ્યું હતું - 'મને મારવા માંગતી વ્યક્તિને દુનિયામાં કોઇ અટકાવી શકે એમ નથી.' લિંકન અને કેેેનેડીના શબ્દોમાં પણ કેટલું બધું સામ્ય છે !
અબ્રાહમ લિંકનની હત્યા કરનારનું નામ હતું જ્હોન વિલ્કિસ બૂથ (John Wilkes Booth) તેનો જન્મ ૧૮૩૯માં થયો હતો. જ્હોન એફ. કેનેડીની હત્યા કરનારનું નામ હતું લી હાર્વે ઓસ્વાલ્ડ (Lee Harvey Oswald). તેનો જન્મ ૧૯૩૯માં થયો હતો. આમ એ બંનેના જન્મ વચ્ચે પણ વર્ષનું સામ્ય હતું. એક સદીનું અંતર હતું, છતાં વર્ષ એક સમાન હતું ! એ બંને દક્ષિણ અમેરિકામાં જન્મેલા હતા.
એ બંને હત્યારાઓના મરણમાં પણ સમાનતા હતી. ન્યાયાલય એમના પર કેસ ચલાવી એમને સજા આપે એ પહેલાં જ એમની હત્યા થઇ ગઇ ! એ બંને હત્યારાઓ એમના ત્રણ નામથી જાણીતા હતા. બીજી એક આશ્ચર્યકારક બાબત એ હતી કે એ બંને હત્યારાના આખા નામ પંદર અક્ષરોથી બનેલા હતા.જ્હોજ વિલ્કિસ બૂથ અને લી કાર્વે ઓસ્વાલ્ડ નામના પંદર અક્ષરો થાય છે !
લિંકન અને કેનેડી વચ્ચે ઉદભવેલી સમાનતાની વિસ્મયજનક પરંપરા એમના સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટના નામોમાં જોવા મળે છે. બંનેના વાઇસ પ્રેસિડેન્ટનું નામ જ્હોન્સન હતું. લિંકનના વાઇસ પ્રેસિડેન્ટનું આખું નામ એન્ડ્રુ જ્હોન્સન અને કેનેડીના વાઇસ પ્રેસિડેન્ટનું આખું નામ લિંડન જ્હોન્સન હતું. અબ્રાહમ લિંકનના અંગત સચિવ અને એમના રક્ષણ માટે સર્વાધિક સભાન વ્યકિતનું નામ હતું કેનેડી.
તેમણે તે દિવસે લિંકનને થિયેટરમાં ન જવા સલાહ આપી હતી જે તેમણે માની ન હોતી. જ્હોન એફ. કેનેડીના અંગત સચિવ, એમની સલામતી માટે પ્રવૃત્ત વ્યક્તિનું નામ લિંકન હતું ! કેનેડીના આ અંગત સચિવ એવેલિન લિંકને પણ કેનેડીને તે દિવસે કેનેડીને ડલાસ નહીં જવા સલાહ આપી હતી જે તેમણે સ્વીકારી નહોતી. એને અવગણવાથી લિંકનની જેમ કેનેડીની પણ તે દિવસે રસ્તા પર હત્યા થઇ ગઇ હતી. લિંકનનું મૃત્યુ ૧૮૬૫માં શુક્રવારે થયું હતું. કેનેડીના પુત્ર જ્હોન કેનેડી જુનિયરનું તેની પત્ની અને સાળી સાથે વિમાન અકસ્માતમાં મરણ થયું તે દિવસે પણ શુક્રવાર જ હતો.
આવી અનેક પ્રકારની સમાનતા ધરાવતી ઘટનાઓ કેવળ અનાયાસ, યોગાનુયોગ બનેલા સંયોગોના હોઇ શકે. આ કારણથી ઘણા લોકો એવું માને છે કે અબ્રાહમ લિંકન જ જ્હોન એફ. કેનેડી તરીકે જન્મ્યા હતા ! લિંકનનો જ કેનેડી રૂપે પુનર્જન્મ થયો હતો. બંને કોઇ અકળ ભાગ્યથી જબરદસ્ત રીતે જોડાયેલા હતા. જો કે તે સદનસીબ નહોતું એ પણ નિશ્ચિત છે. બંનેની ક્રૂર હત્યા થઇ તે આ બાબતનો બોલતો પુરાવો છે. લિંકનનો પ્રેતાત્મા અનેકવાર અનેક લોકોને દેખાયો હતો. તે પછી તેમના આત્માએ કેનેડી રૂપે પુનર્જન્મ ધારણ કર્યો હશે. કેનેડીનું કુટુંબ પણ કોઇ અભિશાપને કારણે અનેક ઉપાધિઓનો ભોગ બનતું રહ્યું હતું !