Get The App

દુર્ભાગ્ય અને દુર્દશા લાવી અનેકના મોતનું કારણ બનનાર અભિશાપિત હોપ ડાયમન્ડ

Updated: Sep 9th, 2025

GS TEAM

Google News
Google News
દુર્ભાગ્ય અને દુર્દશા લાવી અનેકના મોતનું કારણ બનનાર અભિશાપિત હોપ ડાયમન્ડ 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- હીરાનું તો એવું છે કે એ જેને સદે એ જ એને પહેરી શકે. કોઇકને એ સાતમા આસમાને પહોંચાડી દે તો કોઈકને સાતમા પાતાળમાં નીચે નાંખી દે

‘‘l ove jewelry - gold and diamonds. I am a woman

(હું ઝવેરાત-સુવર્ણ અને હીરાને 

ચાહું છું. હું એક સ્ત્રી છું.) 

-  Monica Bellucci

‘‘am fascinated by diamonds. When I put diamonds on, my hands start to shake (હું હીરાથી સંમોહિત - આકર્ષિત થઉં છું. હું જ્યારે હીરા પહેરું છું, મારા હાથ કંપવા 

લાગે છે.)  - Debra Messing 

હીરો-એક અતિ સુંદર, આકર્ષક અને સંમોહક રત્ન. રાજા-મહારાજાઓના મુગટની શોભા અને સામ્રાજ્ઞાીઓ તથા મહારાણીઓના કંઠના હારની પણ શોભા ! સુંદરીઓનું રળિયામણું સ્વપ્ન. પ્રિયતમનું પ્રિયતમાને અને પ્રિયતમાનું પ્રિયતમને પરમ પ્રસન્ન કરવાનું સર્વાધિક મોંઘું નજરાણું ! અતિ સુંદર અને અપાર કીમતી વસ્તુ પર બધાની નજર પડે એટલે એને 'નજર લાગતા' વાર ના લાગે. હીરાનું તો એવું છે કે એ જેને સદે એ જ એને પહેરી શકે. કોઇકને એ સાતમા આસમાને પહોંચાડી દે તો કોઈકને સાતમા પાતાળમાં નીચે નાંખી દે. વિશ્વના કેટલાક સુંદર અને કીમતી હીરાએ અભિશાપિત બની કલંકિત ઇતિહાસ સર્જ્યો છે.

આવો જ એક હીરો છે જેને હોપ ડાયમન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હોપ ડાયમન્ડ ૪૫-૫૨ કેરેટનો એક ભૂરા રંગનો હીરો છે જે સત્તરમી સદીથી એના વિશાળ આકાર અને ભૂરા-જાંબુડી રંગ માટે પ્રસિદ્ધ છે. તે ૧૭મી સદીમાં ભારતના ગુંટૂરમાં આવેલી કોલ્લૂર ખાણમાંથી કાઢવામાં આવ્યો હતો. આ હીરો લગભગ ૧.૧ અબજ વર્ષ પૂર્વે પૃથ્વીની અંદર બન્યો હતો. બીજા હીરાની જેમ એનું નિર્માણ કાર્બન પરમાણુઓના પારસ્પરિક મજબૂત બંધનથી થયું હતું. તે મૂળ રૂપમાં કિમ્બરલાઈટમાં જડાયેલો હતો. પછી તેને કાઢીને પરિષ્કૃત કરીને વર્તમાન રત્નનો આકાર આપવામાં આવ્યો. આમાં કાર્બન સંરચનાની સાથે મિશ્રિત બોરોન પરમાણુઓની થોડી માત્રા છે તેથી તેનો દુર્લભ ભૂરો રંગ બન્યો છે. સ્મિથસોનિયમ ક્યૂરેટર જેફરી પોસ્ટ કહે છે - લોકો મોટેભાગે હોપ ડાયમન્ડને એક ઐતિહાસિક રત્ન માને છે. આ એક દુર્લભ વૈજ્ઞાાનિક નમૂનાના રૂપમાં મહત્ત્વપૂર્ણ છે જે હીરાની બાબતમાં આપણા જ્ઞાાન અને પૃથ્વીમાં એના નિર્માણની બાબતમાં મહત્ત્વપૂર્ણ અંતદ્રષ્ટિ આપી શકે છે.

હોપ ડાયમન્ડ તમામ હીરાઓમાં સૌથી વધારે અભિશાપિત અને ખતરનાક માનવામાં આવે છે. તે અનેક રહસ્યોથી ભરેલો છે. લે બિજૌ ડૂ રોઈ  (Le Bijou du Roi)  એટલે કે રાજાનો હીરો, લે બ્લૂ ડે ફ્રાંસ (Le bleu de France) એટલે કે ફ્રાંસનો ભૂરો (હીરો), તથા ટેવર્નિયર બ્લૂ (Tavernier Blue) હીરો નામથી ઓળખાતા હોપ ડાયમન્ડ) ભારે અભિશાપિત છે કેમકે તેણે લગભગ બધા માલિકો માટે દુર્ભાગ્ય અને દુ:ખોની પરંપરા સર્જી છે. ૧૭મી સદીના એક ફ્રાંસના રત્ન વ્યાપારી જીન બેપ્ટિસ્ટ ટેવર્નિયરે એક હિંદુ મંદિરની માતા સીતાજીની મૂર્તિમાંથી એમની આંખ તરીકે રખાયેલો આ ૧૧૫.૧૬ કેરેટનો હીરો ચોરી લીધો હતો. જ્યારે એ મંદિરના પૂજારીઓને ખબર પડી કે તે હીરો ગાયબ થઈ ગયો છે તો તેમણે તે હીરો ચોરી લેનાર અને તેને પોતાની પાસે રાખનારા પર શ્રાપ આપી દીધો હતો.

ફ્રાંસના રાજા લુઈ-ચૌદમાએ ટેવર્નિયર પાસેથી આ હીરો ખરીદ્યો હતો અને ૧૬૭૩માં એને ૬૯ કેરેટનો બનાવડાવ્યો હતો અને તેને મુકુટમાં ધારણ કર્યો હતો તેથી તેને 'ધ બ્લુ ડાયમન્ડ ઓફ ધ ક્રાઉન' કહેવામાં આવતો હતો. તે પહેર્યા પછી રાજા લુઈ-ચૌદમાએ ગેન્ગ્રીન થઈ ગયું હતું અને તેનું મરણ થઈ ગયું હતું. કેટલાક લોકો માને છે કે નિકોલસ કૂક્વેટ જ ખરો 'આર્યન માસ્ક'વાળો વ્યક્તિ હતો જેણે લુઈ ચૌદમા માટે કામ કર્યું હતું. એક ખાસ પ્રસંગે તેણે હોપ ડાયમન્ડ પહેર્યો હતો. તેના થોડા સમય પછી તે રાજાની નજરમાંથી ઊતરી ગયો હતો તેને નિર્વાસિત કરી દેવાયો હતો અને તેને આજીવન કારાવાસની સજા મળી હતી. તેણે પિગ્નેરોલના કિલ્લામાં પંદર વર્ષ વીતાવ્યા હતા. લુઈ-ચૌદમાંના મરણ બાદ લુઈ-સોળમાને અને તેની પત્ની મેરી એન્ટોનેટને એ હીરો વારસામાં મળ્યો. તેણે તે પહેર્યો પછી ૨૧ જાન્યુઆરી ૧૭૯૩ના રોજ તેને ગિલોટિનથી મારી નાંખવામાં આવ્યો. એના નવ મહિના પછી એની પત્ની એન્ટોનેટ (Antoinette)  ને પણ તે રીતે મારી નાંખવામાં આવી હતી. મેરી લુઈસ, રાજકુમારી ડી. લેમ્બેલ, મેરી એન્ટોનેટના દરબારની સભ્ય અને તેની સૌથી નજીકની વિશ્વાસુ હતી. તેમણે આ શાપિત હીરાને થોડા સમય માટે ધારણ કર્યો હતો. લેમ્બેલની ભીડ દ્વારા ટુકડે ટુકડા કરી હત્યા કરી દેવાઈ હતી. આ હીરો ફ્રાંસિસી ક્રાંતિ વખતે ચોરાઈ ગયો હતો. ડચ હીરા વેપારી વિલ્હેમ ફોલ્સે ૧૧૫ કેરેટના એ હીરાને કાપીને ૪૫ કેરેટના બ્લુ હોપ ડાયમન્ડનો બનાવી દીધો હતો. તેના પુત્રે તે હીરો ચોરી લીધો હતો. એ પછી તેના પિતાની હત્યા કરી નાંખી અને પોતે પણ આત્મહત્યા કરી નાંખી હતી.

હેનરી ફિલિપ હોપે એ હીરો ૧૮૩૯માં પ્રાપ્ત કર્યો. એના પરિવારે એમનું દેવું ચૂકવવા તે વેચી દીધો. એના પરિવારના અનેક સભ્યોનું અકાળે મરણ થઈ ગયું અને તે બધા બરબાદ થઈ ગયા. જેક્સ કોલેટે સાઇમન ફેંકેલ પાસેથી ડીપ ડાયમન્ડ ખરીદ્યો તેના થોડા સમય પછી આત્મહત્યા કરી નાંખી હતી. રાજકુમાર ઇવાન કાનિતોવ્સ્કીએ એ કોલેટ પાસેથી ખરીદ્યો પછી રશિયન ક્રાંતિકારીઓએ એની હત્યા કરી નાંખી હતી. કાનિતોવ્સ્કીએ તે હીરો મલ્લે લાડુ (Mlle Ladue) ને ઉધાર આપ્યો હતો એની પ્રેમિકાએ જ હત્યા કરી નાંખી. સાઇમન મેનચારિડેસ જેણે એકવાર આ હીરો તુર્કી સુલ્તાનને વેચી દીધો. એની પત્ની અને બાળક સાથે ખાઈમાંથી નીચે ફેંકીને હત્યા કરી નાંખવામાં આવી હતી. હીરાને થોડો સમય પાસે રાખનાર કુલુબ બેને તુર્કીમાં ભીડે ફાંસી પર લટકાવી દીધો હતો. હેહવર આગા નામના એક તુર્કી સેવકે એને થોડીવાર પોતાની પાસે રાખ્યો તો તેને ફાંસી પર લટકાવી દીધો હતો.

ભારતના મંદિરની સીતા દેવીની મૂર્તિની આંખની જગ્યાએથી એ હીરો ચોરીને પેરિસ લઈ જનાર જીન બેપ્ટિસ્ટ ટેવર્નિયર માનસિક સંતુલન ગુમાવી પાગલ થઈ ગયો હતો અને કોન્સ્ટેન્ટિનોપલમાં જંગલી કૂતરા અને વરુઓ દ્વારા ફાડી ખાવામાં આવ્યો હતો. હેનરી હોપના નામ પરથી પાછળથી હોપ ડાયમન્ડ તરીકે ઓળખાતો આ હીરો ૧૯૫૮ પછી સ્મિથસોનિયમ ઇન્સ્ટિટયૂટમાં રાખવામાં આવ્યો છે.