- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- પુરુષને સ્ત્રી રૂપે અને સ્ત્રીને પુરુષ રૂપે ફેરવી શકાય છે તેને લગતું જ્ઞાન અને તે માટેની ચિકિત્સા પ્રાચીન કાળમાં પણ હતી આ માટેની શલ્ય ચિકિત્સા (Surgery) પણ કરાતી હતી.
- મહાભારતનું શિખંડીનું પાત્ર પ્રાચીન સમયનું ટ્રાન્સજેન્ડરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
- ગ્રીક ધર્મ મિથકમાં પણ લિંગ પરિવર્તનની કથા છે. ટાઇરેસિયર નામનો ભવિષ્યવેત્તા હતો. અનેક વર્ષો સ્ત્રી જીવન જીવ્યા બાદ તે ફરી પુરુષ બન્યો હતો.
આ ધુનિક દુનિયામાં યૌન પરિવર્તન (Sex Change) કે લિંગ પરિવર્તન (Gender Change) એક વાસ્તવિકતા બની ગઈ છે. અત્યારે શરીર વિજ્ઞાનીઓ, સર્જનો જ એની સર્જરી કરી પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ રૂપે એમને પરિવર્તિત કરી દે છે. હોર્મોન થેરેપી અને રીપ્રોડક્ટિવ ટેક્નોલોજીની સહાયથી સર્જીકલ ઓપરેશનથી અર્વાચીન સમયે યૌન કે લિંગ પરિવર્તન દ્વારા પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષરૂપે પરિવર્તિત કરાય છે. એક અહેવાલ મુજબ ૨૦૨૩માં દુનિયામાં ૭૦,૦૦૦ જેટલા લિંગ પરિવર્તનના સર્જીકલ ઓપરેશનો થયા છે.
અર્વાચીન સમયનું લિંગ પરિવર્તનનું પ્રથમ ઓપરેશન ૧૯૫૦ના દશકમાં થયું હતું. ૧૯૫૨માં ન્યૂયોર્કના બ્રોન્કસ વિસ્તારમાં રહેતા જનરલ જોહગેન્સનને પુરુષમાંથી સ્ત્રી બનવાની ઇચ્છા થઈ. કેટલાક ચિકિત્સકો થકી એને એવી જાણકારી પ્રાપ્ત થઈ કે ડેન્માર્કમાં એવા સર્જન છે જે લિંગ પરિવર્તન કરી આપે છે તેથી તે ત્યાં ગયો તેણે ૨ વર્ષ ત્યાં રહી હોર્મોનના ૨૦૦૦ ઇન્જેક્શનો લીધા અને પાંચ મોટા સર્જિકલ ઓપરેશનો કરાવ્યા. તેણે ડેનિશ એન્ડોક્રાઇનોલોજિસ્ટ તથા રિહેબિલિટેટિવ હોર્મોન થેરેપીના નિષ્ણાત ડૉ. ક્રિસ્ટિન હેમ્બર્ગરની સારવાર લીધી હતી. પુરુષમાંથી સ્ત્રી બનવાની પ્રક્રિયા સફળ બની એટલે તેમના પ્રત્યે માન- આદર વ્યક્ત કરવા અને કાયમી યાદગીરી બની રહે એટલે તેનું નામ મિસ્ટર જોહગેન્સનને બદલી મિસ ક્રિસ્ટિન જોહગેનન્સ રાખી દીધું હતું.
તે પછી ૧૯૫૨ના નવેમ્બરમાં કોપનહેગન યુનિવર્સિટી હોસ્પિટલના સર્જનોએ તેના પુરુષ જનનેન્દ્રિયને લગતા જાતીય અવયવ લિંગની (Penectomy) સર્જરી કરી તે ભાગને દૂર કર્યો. પૂર્ણ સ્ત્રીપણું પ્રાપ્ત કરવા તેણે અમેરિકા પાછા આવી સ્ત્રી જનનેન્દ્રીયને લગતી વજાઇનોપ્લાસ્ટી (Vaginoplasty) ની સર્જરી કરાવી કેમ કે તે એ સમયે અમેરિકામાં ઉપલબ્ધ થઈ ગઈ હતી. પછી તે યુવકમાંથી સંપૂર્ણતયા યુવતી બની ગયો હતો. ત્યારબાદ કુમારી (મિસ) ક્રિસ્ટીન જોરગેન્સને એક્ટ્રેસ, સિન્ગર અને રેકોર્ડિંગ આર્ટિસ્ટ તરીકે સફળ કારકિર્દી ઉભી કરી હતી. તેણે ન્યૂયોર્કના હોવર્ડ જે. નોક્સ (Howard J. Knox) નામના પુરુષ સાથે લગ્ન કરી વિજાતીય પાર્ટનર તરીકે પ્રસન્ન દાંપત્ય સુખ ભોગવ્યું હતું. પોતાના પૂર્વજીવનના ટ્રાન્સસેક્સ્યુઅલ અનુભવો વિશે તેણે 'ક્રિસ્ટીન જોરગેન્સન એ પર્સનલ ઓટોબાયોગ્રાફી' નામની આત્મકથાને લગતું પુસ્તક પણ લખ્યું હતું.
એ રીતે સ્ત્રીમાંથી પુરુષ બનવાનું પહેલું લિંગ પરિવર્તનનું સર્જિકલ ઓપરેશન ૧૯૫૯/૬૦માં નેધરલેન્ડસમાં કરાયું હતું. પ્લાસ્ટિક સર્જન વુડસ્ટ્રા (Woudstra) એ અર્નેહમ (Arnehem) મ્યુનિસિપલ હૉસ્પિટલમાં એક ટ્રાન્સજેન્ડર સ્ત્રીને પુરુષની જનનેન્દ્રિય - લિંગ લગાવવાનું (Phalloplasty) આ સર્જિકલ ઓપરેશન કર્યું હતું ત્યાર પછી અત્યાર સુધીમાં લાખો લોકોએ લિંગ પરિવર્તનના ઓપરેશનો કરાવ્યા હોવાના આંકડાઓ ઉપલબ્ધ થાય છે.
પુરુષને સ્ત્રી રૂપે અને સ્ત્રીને પુરુષ રૂપે ફેરવી શકાય છે તેને લગતું જ્ઞાન અને તે માટેની ચિકિત્સા પ્રાચીન કાળમાં પણ હતી આ માટેની શલ્ય ચિકિત્સા (Surgery) પણ કરાતી હતી. આ અંગેની માહિતી મહાભારત, પુરાણો, ઉપનિષદો અને તંત્ર ગ્રંથોમાં જોવા મળે છે. તે લિંગને એક પ્રવાહ (Fluid) , શક્તિ અને ચેતનાના રૂપમાં જુએ છે. હિંદુ સંસ્કૃતિમાં પુરુષ અને સ્ત્રીનું દ્વૈત અંતિમ સત્ય નથી. દિવ્ય સ્વરૂપોમાં લિંગ પરિવર્તન અને જેન્ડર ફ્લુઇડિટી થતી હોવાનું દર્શાવાય છે. અર્ધનારીશ્વર શિવ-શક્તિનું સંયુક્ત સ્વરૂપ છે. જેન્ડર (લિંગ) બે દેખાય છે પણ એક જ ઊર્જાના બે વિભાગ છે. કોઈપણ મનુષ્ય સો ટકા પુરુષ કે સો ટકા સ્ત્રી નથી હોતી. જેન્ડર એક સ્પેક્ટ્રમ છે. બે સ્થિર શ્રેણીઓ નથી જીવવિજ્ઞાન (Biology) પ્રમાણે આદર્શ પુરુષમાં ૬૦% પૌરુષ ગુણધર્મો અને ૪૦% સ્ત્રૈણ ગુણધર્મો હોય છે જ્યારે આદર્શ સ્ત્રીમાં ૬૦% સ્ત્રૈણ (Feminie) અને ૪૦% પૌરુષ (Masculine) ગુણધર્મો હોય છે. પુરુષ- સ્ત્રીના લિંગ નિર્માણમાં કુદરતે આ રીતે રંગસૂત્રો (Chromosomes) ની ગોઠવણ કરેલી છે. આ રંગસૂત્રીય વ્યવસ્થા આઘીપાછી થઈ જાય. તેમાં વધારો- ઘટાડો થઈ જાય તો ક્લાઇનફેલ્ટર કે ટર્નર સીન્ડ્રોમ જેવી તકલીફ ઉભી થઈ જાય છે જેમાં અનુક્રમે પુરુષ સ્ત્રૈણ ગુણધર્મોવાળો અને પૌરુષ ગુણધર્મો બળી જાય છે. આવી રંગસૂત્રીય અવ્યવસ્થાનો ભોગ બનેલ વ્યક્તિ હોર્મોન થેરેપી અને વજાઇનોપ્લાસ્ટી તથા પેનિક્ટોમી જેવા સર્જિકલ ઓપરેશનથી પુરુષમાંથી સ્ત્રી અને સ્ત્રીમાંથી પુરુષ તરીકેનું યૌન કે લિંગ પરિવર્તન કરી શકે છે.
હિંદુ પુરાણોમાં ભગવાન વિષ્ણુએ અવારનવાર સ્ત્રી રૂપ ધારણ કર્યાના પ્રસંગો નિરૂપિત થયેલા છે ભગવાન વિષ્ણુએ સમુદ્ર મંથન વખતે અમૃત વહેંચતી વખતે મોહિની રૂપ ધારણ કરી લીધું હતું. ભસ્માસુરના વિનાશ વખતે પણ તેમણે આ મોહિની રુપ ધારણ કર્યું હતું. ગ્રંથોમાં શિવ-મોહિની લીલનો પ્રસંગ પણ આલેખાયેલો છે જેનાથી અય્યપ્પાનો જનમ થાય છે. અય્યપ્પા એ હરિ-હરપુત્ર છે. મોહિનીરૂપના વિષ્ણુના શિવજી સાથે થયેલા લગ્નથી જન્મેલો પુત્ર છે. કથા અનુસાર મહિષી નામના દાનવનો વધ હરિહર પુત્રથી જ થાય તેમ હતો એટલે દિવ્ય યોજના મુજબ હરિ- વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું હતું. શિવજીનો મોહિની સાથે સંભોગ થતા અય્યપ્પા અર્થાત્ હરિ-હર પુત્ર જન્મ્યો હતો. આ વિષ્ણુએ સ્વેચ્છાએ અપનાવેલા લૈંગિક પરિવર્તનનું ઉદાહરણ છે. તે દર્શાવે છે કે દૈવી સ્તર પર લિંગની સીમાઓ મહત્ત્વની નથી રહેતી આધુનિક વિજ્ઞાન પણ એવું જ માને છે - Gender Identity is inner consciousness, not fixed biology સૂર્યપુત્ર વૈયસ્વન મનુના પુત્ર સુદ્યુમ્નની બાબતમાાં પણ એના લિંગ પરિવર્તનની વાત પુરાણોમાં આલેખાયેલી છે. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના નવમા સ્કંધના ઇલોપાખ્યાન નામના પ્રથમ અધ્યાયમાં એનું વર્ણન કરાયેલું છે. મૂળ નામ ઇલ હતું દેવી પાર્વતીના શાપથી તેનું પુરુષમાંથી સ્ત્રી રૂપે પરિવર્તન થઈ ગયું હતું. તેનું નામ ઇલા રાખવામાં આવ્યું હતું. લિંગ પરિવર્તનથી ઈલા બનેલું તેનું સ્ત્રી શરીર પૂર્ણપણે સ્ત્રીઓની જેમ પ્રજનન ક્ષમતા કરી શકે તેવું જ હતું. ઇલાના બુધ સાથે લગ્ન થયા હતા એના થકી પુરરવાનો જન્મ થયો હતો. પાર્વતીના શાપથી પ્રાપ્ત થયેલ સ્ત્રીપણું દૂર કરવા સુદ્યુમ્ને (ઇલે) શિવજીની આરાધના કરી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, પાર્વતીનો શાપ મિથ્યા નહી થાય પણ તે એક મહિનો પુરુષ અને એક મહિનો સ્ત્રી રૂપે પરિવર્તિત થઈ જશે. આ રીતે તે બંને રૂપ ધારણ કરતો રહેશે. ખરેખર તેમ જ થયું સુદ્યુમ્ન એક મહિનો (ચંદ્ર માસ) પુરુષ થઈ જતો અને એક મહિનો ઇલા બની જતો. તે પુરુષ સ્વરૂપે હતો ત્યારે તેને ઉત્કલ, ગય અને વિમલ નામના ત્રણ પુત્રો પણ થયા હતા. આ કથા જેન્ડર ફ્લુઇડિટી (Gender Fluidity)નું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
મહાભારતનું શિખંડીનું પાત્ર પ્રાચીન સમયનું ટ્રાન્સજેન્ડરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. કાશીરાજની પુત્રી અંબાએ રુદ્રની ઉપાસના કરી હતી તેમણે તેને કહ્યું હતું - તું હવે પછીના જન્મમાં દ્રુપદની પુત્રી શિખંડિની રૂપે જન્મશે. પાછળથી પુરુષ બની શિખંડી નામ ધારણ કરશે તે તે રીતે દ્પદ રાજાને ત્યાં જન્મી પણ તે છોકરી છે તે વાત બધાથી છુપાવી રાખી. સમય વીતતા પશ્ચિમ દશાર્ણ દેશના હિરણ્યવર્માની પુત્રી સાથે તેના લગ્ન કરી દીધા. પણ તેને ખબર પડી કે તેનો પતિ વાસ્તવમાં તો સ્ત્રી છે તેથી તે તેને છોડીને પિતાને ઘેર જતી રહી. હિરણ્યવર્મા હુમલો કરશે એવા ભયથી શિખંડિની જંગલમાં જતી રહી ત્યાં તેને સ્થૂણાકર્ણ નામનો યક્ષ મળ્યો તે લિંગ પરિવર્તનની પ્રક્રિયા જાણતો હતો. તેણે વિવિધ ઔષધિઓ અને શલ્ય ચિકિત્સાથી શિખંડિનીને પૂર્ણ રૂપે પુરુષ બનાવી દીધી. હિરણ્યવર્મા દ્રુપદ સાથે ઝગડવા આવ્યો કે તેમણે આવી છેતરપિંડી કેમ કરી ? તે વખતે દ્રુપદે કહ્યું - 'શિખંડી સ્ત્રી નહીં, સાચા અર્થમાં પૂર્ણ રૂપે પુરુષ જ છે. તેની ખાતરી કરાવો.'તેથી હિરણ્યવર્માએ અનેક કામોત્તેજક રૂપ સુંદરીઓ શિખંડી પાસે મોકલી તેના પુરુષત્વની ચકાસણી કરાવી. તે કસોટીમાં બધી રીતે પૂર્ણ પુરુષ સાબિત થતા હિરણ્યવર્માએ એની પુત્રી શિખંડી પાસે ફરી મોકલી. તેણે પણ શિખંડીને પૂરેપૂરા પુરુષ રૂપે જોયો અને અનુભવ્યો. બન્નેએ પતિ- પત્ની રૂપે પૂરેપૂરું સંતોષકારક જાતીય,યૌન સુખ ભોગવ્યું. થોડા સમય બાદ તેમને ક્ષત્રદેવ, ઋક્ષદેવ વગેર પુત્રો પણ જન્મયા હતા.
ગ્રીક ધર્મ મિથકમાં પણ લિંગ પરિવર્તનની કથા છે. ટાઇરેસિયર (Tiresias) નામનો ભવિષ્યવેત્તા હતો જેને બે સર્પો દેખાવાનો કારણે સ્ત્રી બનાવી દેવામાં આવ્યો હતો. અનેક વર્ષો સ્ત્રી જીવન જીવ્યા બાદ તે ફરી પુરુષ બન્યો હતો. તેને 'બન્ને લિંગો'નો અનુભવ કરનાર જ્ઞાની કહેવાય છે.


