Get The App

અભિનેતા રૂડોલ્ફ વેલેન્ટિનોએ પ્રેતાત્મા રૂપે પ્રગટ થઈ પારલૌકિક જગતને પુરવાર કર્યું

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
અભિનેતા રૂડોલ્ફ વેલેન્ટિનોએ પ્રેતાત્મા રૂપે પ્રગટ થઈ પારલૌકિક જગતને પુરવાર કર્યું 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- કોઈ પણ દેહધારી માત્ર પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન વગેરે પંચપ્રાણોથી જ જીવિત રહે છે એટલું નથી. તે પંચપ્રાણ સાથે સૂક્ષ્મ શરીર, લિંગ શરીર, કારણ શરીર એ બધાને આધારે જીવિત રહે છે.

ક ઠોપનિષદમાં મરણોત્તર જીવનનું સચોટ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં નચિકેતા યમરાજને પૂછે છે કે, મરણ પછી માનવીની કેવી ગતિ થાય છે ? તેનો ઉત્તર આપતા યમરાજ તેને કહે છે કે કોઈ પણ દેહધારી માત્ર પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન વગેરે પંચપ્રાણોથી જ જીવિત રહે છે એટલું નથી. તે પંચપ્રાણ સાથે સૂક્ષ્મ શરીર, લિંગ શરીર, કારણ શરીર એ બધાને આધારે જીવિત રહે છે. 

योनिमन्ये प्रपधन्ते शरीर त्वाय देहिनः । स्थाणुमन्ये तु संयति यथा कर्म यथाश्रुतम् ।। પોતપોતાના કર્મો પ્રમાણે જેણે શ્રવણ દ્વારા જેવો ભાવ પ્રાપ્ત કર્યો હોય તે અનુસાર જીવાત્મા દેહ ધારણ કરવા માટે વિભિન્ન યોનિઓને પ્રાપ્ત થાય છે, એ પોતાના કર્મ અનુસાર સ્થાવર કે પ્રાણીઓ રૂપે જંગમ શરીરોને પ્રાપ્ત કરે છે. મરણ બાદ પ્રાણીઓના અસ્તિત્વનો અંત આવી જતો નથી પણ તે કોઈને કોઈ ગતિ કે પરલોકમાં સ્થિતિ પ્રાપ્ત કરે છે.

ફોનોગ્રાફ અને ઇલેક્ટ્રિક બલ્બની શોધ કરનારા મહાન વિજ્ઞાની થોમસ આલ્વા એડિસને ૩૦ ઓક્ટોબર, ૧૯૨૦ના રોજ 'સાયન્ટિફિક અમેરિકન' મેગેઝીનને એક મુલાકાત આપી હતી તેમાં તેમણે કહ્યું હતું કે મરણ બાદ પણ વ્યક્તિનું અસ્તિત્વ ટકી રહી છે અને તે જે લોકમાં હોય ત્યાંથી આપણી સાથે સંપર્ક કરી શકે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણના ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા પ્રસિદ્ધ બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની સર ઓલિવર લૉજ પરલોક જગત અને પ્રેતાત્મા સૃષ્ટિમાં માનતા હતા. તે અધ્યાત્મવાદ (Spiritualism) ના અગ્રણી હતા. ૧૯૦૯માં તેમણે સર્વાઇવલ ઓફ મેન નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. જેમાં મરણ પછીના જીવનનો સ્વીકાર કર્યો હતો. એમના પુસ્તક રેમન્ડ ઓર લાઇફ એન્ડ ડેથ (Raymond or life and Death) (૧૯૧૬)માં તેમણે એ 'પ્રેતાત્મા આહવાન બેઠકો' (Seances) નું દસ્તાવેજીકરણ કર્યું હતું જેમાં તેમણે અને તેમની પત્નીને માધ્યમ ગ્લેડિસે ઓસબર્ન લિયોનાર્ડ સાથે ભાગ લીધો હતો. ૧૯૧૫માં પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમના પુત્ર રેમન્ડનું મરણ થયા બાદ તે માધ્યમના સંપર્કમાં આવ્યા હતા. રેમન્ડ પાસેથી તેમણે પ્રેતાત્મા જગતની ઘણી બાબતો જાણી હતી. સર ઓલિવર લૉજ ઘોસ્ટ ક્લબના સભ્ય હતા અને લંડનમાં આવેલી સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચના અધ્યક્ષરૂપે તેમણે કામગીરી કરી હતી.

'ધ લેટિન લવર' તરીકે ઓળખાતો ઇટાલિયન એક્ટર, હોલીવુડ હીરો રૂડોલ્ફ વેલેન્ટિનો (Rudolf Velentino) નું ૧૯૨૬માં આકસ્મિક મરણ થઈ ગયું એના પ્રશંસકો આખી દુનિયામાં ફેલાયેલા હતા. એમાંના એક હતા ઇંગ્લેન્ડના લેસ્લી ફ્લિન્ટ (Leslie Flint). ચૈતસિક શક્તિ ધરાવતા લેસ્લી ફ્લિન્ટે વેલેન્ટિનોની જીવનકથા વાંચી અને તેના પરથી તેમને જાણવા મળ્યું કે વેલેન્ટિનોને પ્રેતાત્મા જગત- પારલૌકિક સૃષ્ટિમાં ખૂબ રૂચિ હતી એટલે તેમણે પણ પ્રેતાત્મા વિદ્યાનો અભ્યાસ કર્યો અને થોડા સમય બાદ તે પોતે પ્રેતાત્મા સાથે સંપર્ક સાધનાર એક સમર્થ માધ્યમ બની ગયા તે ડાયરેક્ટ વોઇસ મિડિયમ તરીકે ઓળખાય છે કેમ કે, પ્રેતાત્માઓનો અસલ અવાજ તેમના મુખેથી પ્રગટ થતો હતો.

ઇ.સ. ૧૯૪૬ની આસપાસ લેસ્લી ફ્લિન્ટ હોલીવુડ ગયા ત્યારે ત્યાં તેમને વેલેન્ટિનોના અનેક મિત્રો, સહ અભિનેતા કલાકારો ચાહકોને મળવાનું થયું જ્યારે એ બધાએ જાણ્યું કે, ફ્લિન્ટ એક નિષ્ણાત માધ્યમ છે અને વેલેન્ટિનોના પ્રેતાત્મા સાથે સંપર્ક સાધી શકે છે. ત્યારે તેમણે એની ખાતરી કરવા અને પોતાની પુરાણી યાદોને તાજી કરવા વેલેન્ટિનોના પ્રેતાત્માને બોલાવવાનું નક્કી કર્યું. આ માટે પ્રેતાત્મા આહવાન બેઠક ગોઠવવામાં આવી આ વખતે વેલેન્ટિનોએ પ્રેતાત્મારૂપે પ્રગટ થઈ ફ્લિન્ટનના મુખેથી તે જીવતો હતો તે વખતના તેના અસલ અવાજથી બોલવા માંડયું. વેલેન્ટિનાથી પરિચિત બધાને એમ જ લાગ્યું કે જાણે તે પોતે જ બોલી રહ્યો છે. તે જ બોલવાનો લહેકો, તે જ મસ્તીભર્યો અવાજ.

પ્રેતાત્માના અસ્તિત્વ અંગે વિશ્વાસ ન રાખનારા કોઈને એમ થાય કે ફ્લિન્ટે રૂડોલ્ફ વેલેન્ટિનોના અવાજની નકલ કરવાનું શીખી લીધું હોય અને તેના થકી બોલી રહ્યો હોય તેવું ન બને ? એટલે આ શંકાનું નિવારણ કરવા ફ્લિન્ટે તેમને કહ્યું - તમારા વ્યક્તિગત સંબંધો અને અનુભવોના આધારે તમે તેની સાથે તેને લગતી વાતચીત કરી શકો છો. એટલે પાકી ખાતરી કરવા વેલેન્ટિનોની એક પ્રેમિકાએ પૂછ્યું, 'તું વેલેન્ટિનો હોય તો તેને આપણી આખરી મુલાકાત તો યાદ હશે જ ને? તો કહે આપણે છેલ્લે ક્યાં મળ્યા હતા અને શું કર્યું હતું ?' ફિલન્ટના મુખેથી અવાજ આવ્યો - 'આપણી એ છેલ્લી મુલાકાત મારાથી કેવી રીતે ભૂલાય ? મને બધું જ યાદ છે. આપણે ન્યયૂૉર્કમાં મળ્ય હતા. હું એ દિવસે સાંજે તારો શૉ જોવા આવયો હતો. એ પછી આપણે એક નાઇટ ક્લબમાં ગયા હતા. ત્યાં આપણે સાથે નૃત્ય કર્યું હતુ' પેલી અભિનેત્રી એકદમ બોલી ઉઠી હતી - તારી વાત સાચી છે. મને ખાતરી થઈ ગઈ છે કે તું વેલેન્ટિનો જ છે.'

બીજી એક અભિનેત્રીએ તેની સાથે વીતાવેલ કોઈ પ્રસંગનું સંસ્મરણ કરાવવા કહ્યું તો વેલેન્ટિનોના પ્રેતાત્માએ કહ્યું - હોલીવુડના સાગરતટ પર માણેલી પાર્ટી મને મરણ બાદ હજુ પણ યાદ છે. એ મોજ-મજા-મસ્તી ભરેલી આપણે માણેલી પળો વખતે આપણે એકબીજાની નજીક આવી ગયા હતા. એ વખતે આપણે એક વાડ ઉપર બેસીને ફોટો પણ પડાવ્યો હતો. આ ઉપરાંત આપણે બીજું ઘણું કર્યું હતું. તું કહે તો એની વાત પણ કરું. પેલી અભિનેત્રી એકદમ બોલી ઉઠી હતી - 'ના, ના, વેલેન્ટિનો, હવે આનાથી આગળ વધારે કોઈ વાત ના કરીશ પ્લીઝ.' તેના મુખ પર આછી લાલિમા છવાઈ ગઈ હતી અને આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હતા. તે બોલી ઉઠી હતી - 'વેલેન્ટિનો, આપણે સાથે પડાવેલો એ ફોટો મેં આપણા એ મીઠા, મધુરા સુખદ સહવાસના સ્મૃતિ ચિહ્નન રૂપે સાચવી રાખ્યો છે. અત્યારે પણ એ મારા ઘરમાં લોખંડની એક પેટીમાં એક બંધ પરબીડિયામાં સચવાયેલો છે.' વેલેન્ટિનોની વાતચીતને એના મિત્રોએ ટેપરેકોર્ડ પણ કરી લીધી હતી.

વેસ્લી ફ્લિન્ટના માધ્યમ થકી પ્રગટ થયેલા જુદા જુદા પ્રેતાત્માઓની ૨૦૦થી પણ વધુ રેકોર્ડિંગ અત્યારે પણ હયાત છે. આમાં પ્રસિદ્ધ નાટય અભિનેતા લાથોનેલ બેરીમોર, પિયાનોવાદક સંગીત રચનાકાર ફ્રેડરિક ચોપિન અને ઓગણીસમી સદીના વિખ્યાત અંગ્રેજ સાહિત્યકાર ઓસ્કાર વાઇલ્ડના પ્રેતાત્માઓની વાતચીત પણ સમાવિષ્ટ છે.

૧૯૫૭ના રોજ બ્રિટિશ સરકારના એક વરિષ્ઠ અધિકારી સિડની વુડ્સ અને અન્ય એક મિત્ર મિસિસ બેટવે ્ગ્રીન સાથે લેસ્લી ફ્લિન્ટ સિયેન્સ યોજી પ્રેતાત્માને બોલાવવા બેઠા ત્યારે લાયોનેલ બેરીમોહનો પ્રેતાત્મા પ્રગટ થયો હતો. તેણે તે બન્ને સાથે વાતચીત કરી હતી અને પ્રેતાત્મા જગત અંગે તેમણે જાણકારી આપી હતી.