Get The App

ઇસ્ટર્ન એરલાઇન્સની ફલાઇટ 318માં કર્મચારીઓનાં ભૂત સુરક્ષાની કામગીરી કરે છે!

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
ઇસ્ટર્ન એરલાઇન્સની ફલાઇટ 318માં કર્મચારીઓનાં ભૂત સુરક્ષાની કામગીરી કરે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તેણે ઓવનનું બારણું ખોલ્યું તો તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ કેમકે તેણે જોયું તો ઓવનના બારણાની પાછળથી એક ચહેરો તેને તાકી રહ્યો હતો

૧૯ ડિસેમ્બર ૧૯૭૨ના રોજ ઇસ્ટર્ન એરલાઇન્સની ફલાઈટ નંબર ૪૦૧ ન્યૂયોર્કના જ્હોન એફ. કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભી હતી. તે નિર્ધારિત સમયે ફલોરિડાના માયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ (Miami International Airport) પર જવા ઉડ્ડયન કરવાની હતી. ફલાઇટમાં ૧૬૩ મુસાફરો અને ૧૩ ક્રૂ મેમ્બર્સ સવાર થયા હતા. વિમાનને ૫૫ વર્ષના કેપ્ટન રોબર્ડ એલ્વિન ચલાવવાના હતા જેમને ૨૯,૭૦૦ ફલાઇટ અવર્સનો અનુભવ હતો. તેમાં ૩૯ વર્ષના ફર્સ્ટ ઓફિસર એલ્બર્ટ જોન, ૫૧ વર્ષના ફલાઇટ એન્જિનિયર ડોનાલ્ડ લુઈસ ઉર્ફે ડોન રેપો (Don Repo) અને ૪૭ વર્ષના ટેકનિકલ ઓફિસર એન્જેલો ડોંડિયો પણ ફલાઇટમાં સહાયક તરીકે હતા. ફલાઇટ ટેક ઓફ માટે તૈયાર હતી. સવારના ૯ વાગીને ૨૦ મિનિટે ફલાઇટે ઉડ્ડયન કર્યું. તેના ૨ કલાક પછી ફલોરિડા આવવાની તૈયારી હતી. કેપ્ટને લેન્ડિંગની તૈયારી કરી લીધી. પણ પ્લેનમાં કેટલીક ટેકનિકલ ખામી ઊભી થઈ તે આઉટ ઓફ કન્ટ્રોલ થઈ ગયું અને જમીન પર આવીને ક્રેશ થઈ ગયું. તે દુર્ઘટનામાં ૧૦૧ લોકોનું મરણ થઈ ગયું અને ૭૫ લોકોને બચાવી લેવાયા હતા.

એ પ્લેન દુર્ઘટના પછી વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. ઇસ્ટર્ન એરલાઇન્સની ફલાઇટ ટ્રાઈ સ્ટાર ૩૧૮ ન્યૂયોર્કથી માયામી (Miami)  તરફ જઈ રહી હતી. તેમાં ક્રૂ મેમ્બર્સ સાથે ૧૮૦ લોકો સવાર હતા. થોડા સમય બાદ એરહોસ્ટેસ મેરી વેધર એન સીટ ઉપરથી ઊભી થઈ સ્ટોર તરફ ચાલી. તે ખાવાની સામગ્રી લેવા ઓવન પાસે આવી. તેણે ઓવનનું બારણું ખોલ્યું તો તેના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ કેમકે તેણે જોયું તો ઓવનના બારણાની પાછળથી એક ચહેરો તેને તાકી રહ્યો હતો. ફે મેરી વેધર ગભરાઈ ગઈ અને દોડીને ફલાઈટ એન્જિનિયર મ્યુઓરે (Moure) પાસે ગઈ અને તેને જે ચહેરો દેખાયો હતો તેની વાત કરી. તે ખાતરી કરવા મેરીવેધર સાથે ઓવન પાસે આવ્યો. તેને પણ ત્યાં એક ચહેરો દેખાયો. તેણે તે બન્નેને સંભળાય એમ કહ્યું - ''કાળજી રાખજો. વિમાનમાં આગ લાગશે. પૂરતાં પગલાં લઈ વિમાનને બચાવી લેજો.'' પછી તે ચહેરો ત્યાંથી અદ્રશ્ય થઈ ગયો.

મ્યુઓરેને લાગ્યું કે આ ચહેરો કંઈક પરિચિત છે. થોડી મિનિટો બાદ તેને ખ્યાલ આવ્યો કે તે ચહેરો તો ફલાઈટ ૪૦૧ના તે એન્જિનિયર ડોનાલ્ડ લુઈસ એટલે કે ડોન રેપોનો હતો જેનું વિમાન દુર્ઘટનામાં મરણ થઈ ગયું હતું. જ્યારે મેરી અને મ્યુઓરેએ આ વાત બીજા ક્રૂ મેમ્બર્સને જણાવી ત્યારે તેમણે તેના પર વિશ્વાસ ન મૂક્યો તે વાતને હસી કાઢી. થોડી વાર પછી કેપ્ટનને એવું લાગ્યું કે એન્જિન બરાબર કામ કરતું નથી એટલે વિમાનને મેક્સિકોથી પાછું વાળીને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યું. ત્યાં એના એન્જિનની ક્ષતિ દૂર કરવાનું કામ કરાયું. મુસાફરોને નીચે ઉતારી દેવાયા. પછી એનાં ચેકિંગ માટે તેને મુસાફરો વગર થોડીવાર ઉડાડવામાં આવ્યું. તે વખતે ડાબી બાજુનાં એન્જિનમાં આગ લાગી અને ધડાકા સાથે તે હવામાં તૂટી ગયું. તે વખતે બધાને મેરી અને મ્યુઓરેની વાત યાદ આવી. બધા બોલી ઉઠયા - 'ડોન રેપોએ મેરી અને મ્યુઓરેને જે આગ લાગવાની વાત કહી હતી તે સાચી પડી. તે વખતે જો બીજા બધા મુસાફરો વિમાનમાં હોત તો તે બધા મૃત્યુ પામ્યા હોત.

એ પછી અનેકવાર ફલાઈટ એન્જિનિયર ડોન રેપો, પાઈલોટ બોબ લોફટના ભૂત જુદી જુદી ફલાઇટોમાં જોવા મળ્યા હતા. ૧૯૭૩માં ઇસ્ટર્ન એરલાઈન્સના વાઈસ પ્રેસિડેન્ટ ટ્રાઈસ્ટાર ૩૧૮માં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે તેમને પણ એક વિચિત્ર અનુભવ થયો હતો. તેમની બાજુમાં જ ઇસ્ટર્ન એરલાઇન્સનો પૂરો યુનિફોર્મ પહેરેલ એક કેપ્ટન આવીને બેઠો. બે બન્ને વાતો કરવા લાગ્યા. થોડીવાર પછી એરલાઈન્સના વાઇસ પ્રેસિડેન્ટે તે કેપ્ટનના ચહેરા તરફ ધ્યાનથી જોયું તો તે પાઈલોટ બોબ લોફટ હતો જેનું મરણ એક વર્ષ પહેલાં ફલાઈટ ૪૦૧ની દુર્ઘટના વખતે થઈ ગયેલું હતું. એક મૃત વ્યક્તિનો પ્રેતાત્મા તેમની બાજુમાં બેસીને તેમની સાથે વાત કરી રહ્યો હતો તે જોઈને તે ગભરાઈ ગયા અને તરત જ ત્યાંથી ઊભા થઈને લગભગ દોડતા હોય તેમ ત્યાંથી દૂર જતા રહ્યા હતા.

એ રીતે ટ્રાઈસ્ટાર ૩૧૮ના અનેક ક્રૂ મેમ્બર્સને ડોન રેપો અને બોબ લોફટના ભૂત વિમાનમાં સુરક્ષા સંદર્ભી કોઈને કોઈ કામગીરી કરતાં જોવા મળ્યા છે. એકવાર ટ્રાઇસ્ટાર ૩૧૮નો ફલાઇટ એન્જિનિયર રૂટિન ચેકઅપ કરવા આવ્યો તો તેણે જોયું કે ડોન રેપો તેની પહેલાં ત્યાં આવીને વિમાનના જુદા જુદા યાંત્રિક ભાગોનું બારીકાઈથી ચેકીંગ કરી રહ્યો હતો. ડોન રેપોએ તેને કહ્યું પણ ખરું - 'બધું બરાબર છે. ક્યાંય કોઈ ખામી નથી. મેં બધું ચેક કરી લીધું છે. બસ, આટલું બોલ્યા પછી તે હવામાં ઓગળી ગયો હોય તેમ દેખાતો બંધ થઈ ગયો હતો. આ રીતે બીજા એક કર્મચારીએ પણ તેને ઇન્સ્ટ્રુમેન્ટ પેનલની ચકાસણી કરતો જોયો હતો.

આવી અનેક ઘટનાઓ બનવાને કારણે ઈસ્ટર્ન એરલાઇન્સ કંપનીએ એના કર્મચારીઓને જણાવી દીધું હતું કે તેમને વિમાનમાં ડોન રેપો કે બોબ લોફટ એ બેમાંથી કોઈ પણ જોવા મળે તો જરાપણ ગભરાવું નહીં. એ ભલે ભૂત રૂપે વિમાનમાં ફરતા હોય પણ એ કોઈનેય નુકસાન નહીં કરે. એમનો હેતુ વિમાન અને એના મુસાફરોનું રક્ષણ કરવાનો અને એમની સલામતી જાળવી રાખવાનો જ છે. મરણ બાદ પણ તે બન્ને તેમની ફરજ જ બજાવી રહ્યાં છે.

જો કે લોકહીડ એલ ૧૦૧૧ ટ્રાઈસ્ટારની ફલાઈટ ૪૦૧ની દુર્ઘટનામાં માર્યા ગયેલા ફલાઇટ એન્જિનિયર ડોન રેપો અને પાઇલોટ બોબ લોફટના પ્રેતાત્મા ટ્રાઈસ્ટાર ૩૧૮ની ફલાઈટના વિમાનમાં ફરતા હોય છે તે વાત વાયુવેગે પ્રસરી જવાથી મુસાફરો આ વિમાનમાં મુસાફરી કરવામાં ભય અનુભવવા લાગ્યા. એમની સંખ્યા ઘટવા લાગી એટલે કંપનીએ એ ભૂતોનો પ્રભાવ દૂર કરવા ખાસ વિધિ-વિધાન કરાવ્યા. તેના લીધે તે પ્રેતાત્મા તે વિમાનમાં આવતા બંધ થઈ ગયાં. જો કે ટ્રાઈસ્ટાર ૩૧૮ના ક્રૂ મેમ્બર્સને તે ન ગમ્યું કેમકે એ બન્ને પ્રેતાત્માઓ સાથે તેમને મિત્રતા થઈ ગઈ હતી અને તે તેમના કામમાં અનેક રીતે સહાયકારી થતા હતા. 

Tags :