પ્રકૃતિની વિચિત્ર અને વિલક્ષણ લીલાના અદ્ભૂત ચમત્કારો સતત વિસ્મયની પરંપરાઓ સર્જતા રહે છે!
- ગોચર-અગોચર- દેવેશ મહેતા
- કુદરતની અકળ લીલાને ઘણીવાર આપણે કળી શક્તા નથી કેમ કે આપણી સામાન્ય બુધ્ધિ સ્થૂળ, ગોચર વિશ્વ સુધી સીમિત રહે છે, જ્યારે સૃષ્ટિનું સંચાલન પરમ ચેતનાના અગોચર વિશ્વ થકી થતું હોય છે
'જ નયતિ ચ વિસ્મયમતિધીર ધિયાન દ્રષ્ટપૂર્વા દ્રશ્યમાના જગતિ સુષ્ટુઃ સૃષ્ટયતિશયાઃ ।
વિધાતાના વિશ્વમાં સૃષ્ટિના ઉત્કૃષ્ટ પરંતુ અદૃષ્ટપૂર્ણ દ્રશ્ય અત્યંત ધૈર્યવાન લોકોને પણ વિસ્મયથી ભરેલી મતિવાળા બનાવી દે છે.' બાણભટ્ટ (હર્ષચરિત)
પ્રકૃતિની લીલા એટલી વિચિત્ર અને વિલક્ષણ છે જે માનવીના મનમાં અનવરત વિસ્મયની પરંપરાઓ સર્જતી રહે છે. મનુષ્યની બુધ્ધિ હજુ સુધી એને પૂરેપૂરી સમજી શકી નથી. કુદરત એવા એવા કરિશ્મા સર્જે છે જેની આગળ આપણે અહોભાવયુક્ત, નતમસ્તક બનવું પડે છે. કુદરતની અકળ લીલાને ઘણીવાર આપણે કળી શક્તા નથી કેમ કે આપણી સામાન્ય બુધ્ધિ સ્થૂળ, ગોચર વિશ્વ સુધી સીમિત રહે છે, જ્યારે સૃષ્ટિનું સંચાલન પરમ ચેતનાના અગોચર વિશ્વ થકી થતું હોય છે. સ્થૂળ જગત સાથે સંકળાયેલું ભૌતિક વિજ્ઞાાન પણ એવા રહસ્યોનો ઉકેલ આપી શક્તું નથી.
સેન્ટ્રલ આફ્રિકાની કોન્ગો નદીના પૂર્વ તરફના તટથી પાંચ કિલોમીટર દૂર કોન્ગો ફોરેસ્ટ નામનું એક સઘન વન આવેલું છે. એમાં એક નાની સરખી ગુફા આવેલી છે. ગુફાની અંદર જવાનો રસ્તો એટલો નાનો અને સાંકડો છે કે અત્યંત વાંકા વળીને ઢીંચણના બળે બન્ને હાથનો સહારો લઇને જવું પડે છે. ગુફા ધીમે ધીમે અંદરથી પહોળી અને મોટી થતી જાય છે. ગુફાના મુખથી લગભગ ત્રીસેક ડગલા ભરો એટલા અંતરે એની જમણી દીવાલમાં ખીલી જેવી એક કુદરતી સંરચના બનેલી છે.
જો કોઈ એને અડકે તો એની અંદરથી જાણે દીવાલ ફાટતી હોય એવો અવાજ પાંચથી દસ સેકન્ડ સુધી આવતો રહે છે. પછી તે અવાજ આપોઆપ બંધ થઇ જાય છે. ફરી તેમાંથી અવાજ માત્ર ત્યારે જ આવે છે જ્યારે કોઈ એને અડકે ! તેમાંથી આવતો અવાજ મહદંશે પાંચ સેકન્ડ જેટલો જ હોય છે. ક્યારેક તે આઠ કે દસ સેકન્ડ જેટલો ચાલે છે. બીજી કોઈ રીતે અને ક્યારેય કોઈ કારણસર એમાંથી અવાજ આવતો નથી. વિશ્વના અનેક વિજ્ઞાાનીઓના સમુદાયો એ ધ્વનિનું રહસ્ય જાણવા તે ગુફાની મુલાકાત લઇ ચૂક્યા છે પણ તેનો તાગ મેળવી શક્યા નથી.
બોલિવિયાના લા પાઝ વિભાગમાં એક નદી છે જેને સ્થાનિક લોકો 'લા પાઝ'નદી નામથી ઓળખે છે. જો કે અત્યારે આ નદી ‘Choqueyapu River'' નામથી વિશેષ ઓળખાય છે. હિમાચ્છાદિત એન્ડિઝ (Andes) પર્વતની પાસે એક એવી ઘાટી જ્યાં કુદરતની એક કૌતુકમય લીલા જોવા મળે છે. પૂરેપૂરી માટીથી બનેલી વિચિત્ર ભૂલભૂલામણી જેવી આ સંરચના નાની પહાડી જેવી છે.
જ્યારે કોઈપણ મનુષ્ય કે પ્રાણી એની નજીક આવે છે ત્યારે અચાનક જ તોપ ફૂટે એવો ભયાનક ગગનભેદી ધડાકો થાય છે અને ધૂળના ગોટે ગોટા આસપાસના વાતાવરણમાં ફેલાઈ જાય છે. જેથી થોડા સમય સુધી કશું જ દેખાતું નથી ! પ્રકૃતિની આ રહસ્યમય, વિસ્મયકારક લીલાને જોવા અનેક લોકો ત્યાં આવે છે. કોઈપણ પ્રાણી એની નજીક આવવાનો પ્રયત્ન કરે ત્યારે અચૂકપણે આવો તોપ ફૂટવા જેવો ગગનભેદી ધ્વનિ પ્રગટ થાય જ છે અને ધૂળના ગોટા ચોમેર ફેલાય જ છે. આવું થવાનું કારણ હજુ સુધી કોઈ શોધી શક્યું નથી.
ઉત્તર આયરલેન્ડના કાઉણ્ટી એણ્ટ્રીમ સમુદ્રી તટ પર એક અદ્ભુત વાસ્તુકલાના નમુના જેવી સ્થાપત્ય રચના છે જેને જોનાર દરેક પ્રથમ તો એમ જ માની લે છે કે આ કોઈ પ્રાચીન સભ્યતાએ નિર્મિત કરેલી કલા કારિગરી છે. પરંતુ પુરાતત્ત્વવેત્તાઓનું કહેવું છે કે આ કોઈ માનવીએ ભૂતકાળમાં બનાવેલું સ્થાપત્ય નથી, આ તો કુદરતની કલા કુશળતાનું પ્રમાણ છે. આ અદ્ભુત સંરચના ૪૦,૦૦૦ બહુકોણીય પાષાણ સ્તંભોની અજોડ કારિગીરી જેવું છે. સીઢીઓવાળી આ સંરચનાનાત્રણ વિભાગ છે - નિમ્ન, મધ્ય અને ઊર્ધ્વ. એનો મધ્ય ખંડ જોઇને કોઈપણ વ્યક્તિ એમ માની જ લે કે આ પ્રાચીનકાળના કુશળ કારિગરોના હાથે બન્યું હશે.
આવું કુદરતી રીતે નિર્માયું હોય એ વાત પર જાણે કે વિશ્વાસ મૂકવો અઘરો થઇ પડે! આ ભાગના બધા સ્તંભ સંપૂર્ણપણે ષટ્કોણીય છે. તફાવત માત્ર એટલો છે કે તે બધા એક જ વ્યાસના પાષાણ ખણ્ડ ન રહેતા, એમનો વ્યાપ પંદર-વીસ ઇંચ વ્યાસ સુધીનો છે. જો કે અહીં પણ કુદરતની બુદ્ધિમત્તા અને સુગ્રથિતતાની આયોજન શક્તિ હેરત પમાડે તેવી છે. મધ્ય ખણ્ડનો નીચલોહિસ્સો પંદર ઇંચ વ્યાસવાળા સ્તંભોથી શરૂ કરી ધીરે ધીરે ઉપરની તરફ વ્યાસ વધતા વધતા ઉપર મથાળે વીસ ઇંચ સુધી પહોંચી જાય છે. આને જોનારને એમ જ લાગે છે કે જાણે કુશળ કારિગરે અત્યંત બારીકાઈથી શૈલ ખંડો પથ્થરના ટુકડાઓને સુરૂચિ પેદા કરે તેવી રીતે, આકર્ષક લાગે તે રીતે વિચારી - વિચારીને પોતાના હાથથી ગોઠવ્યા ના હોય !
રશિયાના કામચટકા પેનિન્સુલા (Kamchatka Peninsula) માં આવેલ વેલી ઑફ ગીઝર્સ (Valley of Geysers) પણ કુદરતનો અદ્ભુત કરિશ્મો છે. એ ગીઝર્સ શોધ્યા હતા. ગીઝર્સ એટલે થોડી થોડી વારે જેમાંથી ફુવારો છૂટે તેવા ગરમ પાણીના ઝરા. ત્યાં આવા લગભગ ૯૦ ઝરાઓ છે જેમાં ૩૦નું નામાભિધાન કરાયું છે. આમાંનો મોટો ઝરો 'વેલિકન' ૧૩૦ ફૂટ જેટલો ઊંચો ફૂવારો છોડે છે.
આ ફુવારાની વિલક્ષણતા એ છે કે તે દસ મિનિટથી માંડીને છ કલાકના અંતરાલે એકદમ નિયમિત રીતે છૂટતા રહે છે. ઝરામાંથી આપોઆપ કુદરતી રીતે છૂટતો ફુવારો સમયની જબરદસ્ત નિયમિતતા, ચુસ્તતા ધરાવે છે. જેમાંથી દસ મિનિટના અંતરાલે ફુવારો છૂટે તે બરાબર દસ મિનિટ પછી જ ફરીથી છૂટે. જે ઝરામાંથી છ કલાકે છૂટે તે બીજા છ કલાક વીતે પછી જ છૂટે. દરેકનો છૂટવાનો સમય અંતરાલ અલગ અલગ, પણ એની નિયમિતતામાં એક મિનિટ પણ આઘીપાછી નહીં. કુદરત દરેકના સમયની ચુસ્તતા કેવી રીતે જાળવતી હશે તે અત્યંત વિસ્મયકારી, રહસ્યમય બાબત છે.
અમેરિકાના ઓરે ક્રેટર લેક નેશનલ પાર્કમાં ક્રેટર લેકના પશ્ચિમી છેડા પર 'વિઝાર્ડ આઈલેન્ડ (Wizard Island) નામનો એક નાનો સરખો ટાપુ છે. આ ટાપુ એ વિશાળ સરોવરમાં ક્યારેક કોઈ જ્વાળામુખી ફાટવાને કારણે રચાયો હશે એમ ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે. ઇ.સ.૧૮૮૫માં વિલિયમ ગ્લેડસ્ટોન સ્ટીલે એને 'વીચિઝ કાઉલ્ડ્રોન' (Witches Cauldron) એવું અને 'વિઝાર્ડ આઈલેન્ડ' એવું નામ આપ્યું હતું.
આ ટાપુમાં એક અનોખું વૃક્ષ જોવા મળે છે. આ વૃક્ષ પણ કુદરતના એક ચમત્કાર જેવું છે ! તે વૃક્ષ અરુણોદયના સમયે પૂર્વ દિશામાં સૂર્ય નારાયણ તરફ થોડું ઝૂકી જાય છે ! જાણે તે સૂર્યવંશનું વંશ જ હોય અને નૂતન દિવસના આરંભે વાંકું વળીને સૂર્યદેવતાનું અભિવાદન કરી નમસ્કાર કરતું હોય એમ લાગે છે. બપોર થતાં સુધીમાં તે પાછું બીજા વૃક્ષોની જેમ સીધું અને ટટ્ટાર થઇ જાય છે. અનેક લોકોએ પોતાની નજરે આ જોયેલું છે. વનસ્પતિશાસ્ત્રીઓ પણ કુદરતના કરિશ્મારૂપ આ વૃક્ષની પ્રણામ પ્રક્રિયાથી વિસ્મય અનુભવે છે !!'