- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- છોડ ઇરાદા પર પણ પ્રતિક્રિયા કરે છે. છોડ દૂરના અંતરેથી પણ માનવીની ભાવનાત્મક સ્થિતિ પર પણ પ્રતિક્રિયા કરે છે. વૃક્ષો, વનસ્પતિ ઓળખશક્તિ અને સ્મરણશક્તિ પણ ધરાવે છે
‘P lants respond to love, care and attention : છોડ પ્રેમ, દેખભાળ અને ધ્યાન પર પ્રતિક્રિયા કરે છે.'
‘The secret improved plant breeding apart from scientific knowledge is love :
છોડના સંવર્ધિત, સુધારેલા ઉછેર માટે વૈજ્ઞાનિક જ્ઞાન કરતાં વિશેષ એમના પરત્વે પ્રેમની લાગણી અનુભવવી એ છે.'
‘ Flowers always make people better, happier and more helpful; they are sunshine, food and medicine to the mind :
ફૂલ હમેશાં લોકોને વધારે સારા, વધારે પ્રસન્ન અને અધિક સહાયક બનાવે છે. તે મનને માટે તડકો (સૂર્યપ્રકાશ), ભોજન (પોષણ) અને ઔષધિ (ઉપચાર) રૂપ છે.'
- Luther Burbank
(લ્યુથર બરબેંક)
‘Flowers are beautiful, but they also feed the soul :
ફૂલ સુંદર હોય છે પણ તે આત્માને પણ પોષણ આપે છે.'
‘When I touch that flower, I am not merely touching that flower, I am touching infinity:
હું જ્યારે તે ફૂલને સ્પર્શ કહું છું. ત્યારે હું કેવળ તે ફૂલને સ્પર્શ કરી રહ્યો હોતો નથી, હું અનંતને સ્પર્શ કરતો હોઉં છું.'
- George Washington Carver (જ્યોર્જ વૉશિંગ્ટન કાર્વર)
અમેરિકાના વિખ્યાત બોટનિસ્ટ, હોર્ટિકલ્ચરિસ્ટ, અને એગ્રિકલ્ચર સાયન્સના પાયોનિયર લ્યુથર બરબેન્ક એમના પુસ્તક 'ધ ટ્રેનિંગ ઑફ હ્યુમન પ્લાન્ટ'માં કહે છે - 'આત્મ ચેતનાના વિકાસની સાથે મેં અનુભવ કર્યો છે કે જગતનો દરેક પરમાણુ આત્મામય છે. માત્ર જીવજંતુઓ જ નહીં, વૃક્ષો-વનસ્પતિઓમાં પણ એ જ આત્મા આલોકિત થઈ રહ્યો છે એ જાણીને હું અત્યંત વિસ્મય પામી ગયો. વૃક્ષો વિશે સંશોધન કરતાં કરતાં હું એવા નિષ્કર્ષ પર પહોંચ્યો કે એમનામાં જે કાંટા ઊગે છે તે એમના ક્રોધ અને રૂક્ષતાના સંસ્કાર છે. તે પોતાના રક્ષણ માટે ફૂલ સાથે કાંટા પણ ઊગાડવા લાગ્યા. એટલે મને વિચાર આવ્યો કે જો એમને પ્રેમ અને લાડકોડથી ઉછેર કરવામાં આવે અને એમને ઉત્કટ ભાવ અને વિચારથી એવું સમજાવવામાં આવે કે તેમણે કોઈનો ડર રાખવાની જરૂર નથી. હવે તેમને કોઈ હાનિ પહોંચાડશે નહીં તો એમને કાંટા વિનાના પણ બનાવી શકાય. પ્રેમ એક મહાશક્તિ છે. પ્રેમના ઉપયોગથી એમનામાં પરિવર્તન લાવી શકાય એવું નક્કી કરી મેં એમના પર પ્રયોગો કરવાનું નક્કી કર્યું. હું ગુલાબના છોડ અને ફાફડા થોર સાથે પ્રેમપૂર્વક વાતો કરતો. એમને કહેતો - હવે તમારે કોઈથી ગભરાવાની જરૂર નથી. તમે મારા સંતાન જેવા છો. હું તમારું રક્ષણ કરીશ. તમારે હવે તમારી ઉપર કાંટા ઉગાડવાના નથી.' સાચે જ, લ્યુથર બરબેન્કનો પ્રયોગ સફળ થયો. એ ગુલાબના છોડ અને ફાફડાથોર પર કાંટા ઊગ્યા જ નહીં.
અખરોટની વૃદ્ધિ એટલી ધીમી હતી કે ૩૨ વર્ષે અખરોટ મળતા હતા. એમાં વૃદ્ધિ કરવા પણ બરબેન્કે પ્રયોગો કર્યા. એમને જલદી ઊગવા પ્રેમપૂર્વક સૂચનો આપ્યા. એનાથી અખરોટની વૃદ્ધિ ઝડપી થઈ ગઈ અને પહેલા કરતા અડધા સમયે એટલે કે સોળ વર્ષે તે ફળ આપવા લાગ્યા હતા. આ રીતે લ્યુથર બરબેન્કે એમની ૫૫ વર્ષની કારકિર્દીમાં ૮૦૦ જાતના છોડ (Plants) ની વિવિધતાભરી નસ્લ ઊગાડી મોટી ક્રાંતિ સર્જી હતી.
એ રીતે અમેરિકાના બીજા એક કૃષિવિજ્ઞાની જ્યોર્જ વૉશિંગ્ટન કાર્વરે અલાબામામાં આવેલ ટસ્કીજી (Tuskeejee) ઇન્સ્ટીટયુટમાં ખેતીવાડીના ક્ષેત્રમાં સંશોધન કરી માનસિક ભાવોથી પાક સંવર્ધનના પ્રયોગો કર્યા હતા. જ્યોર્જ કાર્વરે વનસ્પતિને માનસિક સંદેશા આપી દક્ષિણ પ્રદેશની શુષ્ક વેરાન જમીનને ફળદ્રુપ બગીચા અને પાકથી લસલસતી કરી દીધી હતી. તેમણે પણ લ્યુથર બરબેન્કની જેમ વનસ્પતિ સાથે પ્રેમ અને આત્મીયતાથી સંવાદ કર્યોહતો. એ જ રીતે સ્કોટલેન્ડના આર.એ.ઈ.ના ભૂતપૂર્વ સ્કવોર્ડન લીડર પીટર કેડી અને એમના પત્ની ઈલીન કેડીએ સ્કોટલેન્ડના ફીન્યોર્ન અખાત પાસે આવેલી શુષ્ક, વેરાન અને બિનઉપજાઉ એવી ઉખર ભૂમિ પર પ્રેમપૂર્વક સંદેશા આપી વનસ્પતિનું સંવર્ધન કરી અભૂતપૂર્વ હરિયાળી ક્રાંતિ સર્જી હતી. કેડી દંપતી કહે છે - અમે દરરોજ પાક સાથે એકાત્મ બની તેમને વધુ ઊગવા, ફૂલવા-ફાલવા માટે પ્રેમથી વિચાર સંપ્રેષિત કરતા હતા. અમે ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ સાથે એમને અમારા હૃદયના શુદ્ધ પ્રેમનો અમૃત રસ પીવડાવતા હતા.'
છોડ અને વનસ્પતિ સૃષ્ટિ પર અનેક વિજ્ઞાનીઓએ સંશોધનો કર્યા. ચાર્લ્સ ડાર્વિને છોડવાઓની ગતિ અને સંવેદનશીલતા પર અધ્યયન કર્યું. એના મૂળને રૂપકાત્મક રીતે કન્ટ્રોલ સેન્ટર સમાન બતાવ્યા. જગદીશચંદ્ર બોઝે છોડમાં વિદ્યુત સંકેત શોધ્યા અને જણાવ્યું કે છોડ ઉત્તેજના વખતે પ્રતિક્રિયા કરે છે. ‘What a Plant Knows’ પુસ્તકમાં ડેનિયલ ચામોવિટ્ઝે (Daniel Chamovitz) દર્શાવ્યું છે કે છોડ પ્રકાશ, ગંધ, સ્પર્શનો અનુભવ કરે છે. પ્લાન્ટ ન્યૂરોબાયોલોજીના સમર્થક સ્ટેફાનો માનકુસો (Stefano Mancuso) એ શોધ્યું કે છોડ અત્યંત અનુકૂલનશીલ (adaptive) અને બુદ્ધિશાળી (intelligent) હોય છે.
અમેરિકન પોલીગ્રાફ વિશેષજ્ઞા (Lie detector expert) ક્લીવ બેક્સ્ટર (Clive Backster) દ્વારા છોડની સંવેદનશીલતા અને પ્રતિક્રિયા પર પ્રયોગો કરાયા હતા. તેમણે Dracaena છોડને પોલીગ્રાફ મશીનથી જોડી વિચાર્યું કે છોડના પાંદડાને સળગાવીએ તો શી પ્રતિક્રિયા થાય? તેમણે છોડને નુકસાન કરવાનો જેવો વિચાર કર્યો તે સાથે મશીનમાં અતિ ઝડપી પ્રતિક્રિયા દેખાઈ. તેનો ગ્રાફ બદલાઈ ગયો. બેક્સ્ટરે જણાવ્યું કે છોડ ઇરાદા (intent) પર પણ પ્રતિક્રિયા કરે છે. તેમણે એ પણ જણાવ્યું કે છોડ દૂરના અંતરેથી પણ માનવીની ભાવનાત્મક સ્થિતિ પર પણ પ્રતિક્રિયા કરે છે. કેટલાક પ્રયોગોથી એવું પણ સાબિત થયું કે વૃક્ષો, વનસ્પતિ ઓળખશક્તિ અને સ્મરણશક્તિ પણ ધરાવે છે. અમેરિકાના ઇલેકટ્રોનિક્સના નિષ્ણાત પીયરે પોલ સૌવિને છોડવાઓને માધ્યમ તરીકે રાખીને એમને વૈચારિક આદેશ આપી એમના થકી ઇલેકટ્રોનિક સાધનોને ચાલુ-બંધ કરવાના કે ઇચ્છા મુજબ ગતિમાન કરવાના જાહેર પ્રયોગો કર્યા હતા.
એલ. જ્યોર્જ લોરેન્સે પણ વનસ્પતિ સૃષ્ટિ પર અનેક સંશોધનો કર્યા. તેમણે પણ જોયું કે વૃક્ષો નાનામાં નાના ઊર્જા તરંગોને પકડી લે છે. તે ઊર્જાના ડાયનેમો કે પાવરહાઉસ સમાન છે. એકવાર તેમના મનમાં વિચાર આવ્યો કે વૃક્ષો અત્યંત સૂક્ષ્મ ઊર્જા તરંગને ગ્રહણ કરવા અત્યંત શક્તિશાળી સહાયક બની શકે કે નહીં ? તે માટે માઈક્રો ઇલેક્ટ્રોડથી છોડની કોશિકામાં વિદ્યુત પ્રવાહિત કરીને તેનું અધ્યયન કરી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે તે સ્થિતિમાં તેના કોષનું સાઈટોપ્લાઝમા સંકોચાય છે અને ઠંડી, ગરમી, પ્રકાશ, સ્પર્શ, ચમક વગેરે પ્રત્યેની પોતાની પ્રતિક્રિયા દર્શાવે છે. ૩૫૦૦૦ જેટલા છોડવાં અને વૃક્ષો પર પ્રયોગ કરીને તેમણે નિષ્કર્ષ આપ્યો કે વૃક્ષો બ્રહ્માંડની બીજી સૂક્ષ્મતમ ગતિવિધિઓની જાણકારી આપી શકે છે. તે જણાવે છે કે એવા રહસ્યમય સંકેતો અસ્તિત્વમાં છે જે વિદ્યુત ચુંબકીય સ્પેક્ટ્રમની બહાર છે અને આપણા ગ્રહને અસર કરે છે. અન્ય આકાશગંગાઓમાંથી આવતી બાયોડાયનેમિક ટ્રાન્સમિશનોના સૂક્ષ્મ પ્રભાવો માનવ જાત પર પડે છે. આ તરંગો, સંકેતો વૃક્ષોની ભીતર આલેખાઈ જાય છે. એલ. જ્યોર્જ લૉરેન્સના ‘Galactic Life Unveiled’ પુસ્તકમાં આને લગતા પ્રયોગોની વિગતો આલેખાયેલી છે.
જાપાનના વિજ્ઞાની ડૉ. કેન હાશિમોટોએ છોડની ચેતના (Plant consciousness) પર સંશોધન કર્યું હતું. તેમના પુસ્તક The Secret Life of Plants માં તેમના સંશોધનો આલેખાયેલા છે. તેમણે 4D Meter Deluxe નામનું એક ઉપકરણ વિકસાવ્યું હતું. આ ઉપકરણ ફેરફાર કરેલા લાઈ ડિટેક્ટર મશીનની મદદથી કેક્ટસની લાગણીઓ અને અવાજને ધ્વની તરંગોમાં રૂપાંતરિત કરી શકે છે. તેમની પત્નીએ કેક્ટસને જાપાનીઝ વર્ણમાળા શીખવાડી હતી. યંત્રોની મદદથી કંપનો ધ્વનિ તરંગો રૂપે રૂપાંતરિત થઈ શબ્દો રૂપે પ્રગટ થતા હતા. કેક્ટસ (થોર) જાણે બોલી રહ્યા હતા ! તેમની લાગણીઓ મધુર, લયબદ્ધ સ્વરોવાળા શબ્દરૂપે અભિવ્યક્ત થતી હતી - જેમકે મને ખૂબ મજા આવી રહી છે, મને તકલીફ થઈ રહી છે, મને ડર લાગી રહ્યો છે.' હાશીમોટો અને તેમની પત્નીએ તેમને ગણતરી કરવાનું પણ શીખવાડી દીધું હતું. હાશીમોટો આદેશ કરે એટલે કેક્ટસ પલાખા બોલવા બેસી જાય ! તે કોઈ સંખ્યા આપી તેમના સરવાળા કે ગુણાકાર કરવાનું કહે તો તે પણ કરી નાંખે. આ પ્રયોગો દુનિયાના અગ્રગણ્ય વિજ્ઞાનીઓની હાજરીમાં થયા હતા. ૧૯૭૦ ના દશક દરમિયાન ડૉ. કેન હાથીમોટો કરેલા છોડ (Plants) ની અનુભૂતિની ક્ષમતા (Sensing), સંચાર/પરસ્પર માહિતીની આપ-લે (Communication), બુદ્ધિ/સમજદારીપૂર્વક પ્રતિભાવ આપવાની ક્ષમતા) ને લગતા પ્રયોગોને દર્શાવતી વૈજ્ઞાનિક ડોક્યુમેન્ટરી અને ફિલ્મો પણ બનેલી છે.


