- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- એટલાન્ટિસ ખંડ અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ પુરાણકથાની કલ્પના, દંતકથા માત્ર છે ? જો એ અસ્તિત્વ ધરાવતો હતો તો તે ક્યાં આવેલો હતો ?
‘In the depths of the ocean lies Atlantis - where mystery sleeps an legends breathe.
સમુદ્રના ઊંડાણમાં એટલાંટિસ રહેલું છે જ્યાં રહસ્યો સૂતા છે અને કિંવદન્તીઓ શ્વાસ લે છે.
The story of Atlantis is a bridge between history and imagination.
એટલાંટિસની કથા ઇતિહાસ અને કલ્પના વચ્ચે એક સેતુ છે.
‘The tale of Atlantis has comedown to us from ancient times, preserved in the memory of priests.
એટલાંટિસની વાર્તા પ્રાચીન સમયથી ચાલતી આવે છે જેને ધર્મગુરુઓની સ્મૃતિમાં સુરક્ષિત રાખવામાં આવી હતી.
Plato (પ્લેટો), Timaeus (ટિમાયસ)
‘Atlantis was an island greater in extent than Libya and Asia Combined.
એટલાંટિસ એક એવો દ્વીપ હતો જે લીબિયા અને એશિયા બન્નેના સંયુક્ત ક્ષેત્રફળથી પણ મોટો હતો.
Plato (પ્લેટો), critias (ક્રિટિયાસ)
મહાન ગ્રીક તત્ત્વચિંતક પ્લેટોએ લગભગ ઇ.સ. પૂ. ૩૬૦માં આપણી પૃથ્વી પર જ આવેલા સ્વર્ગ સમા એટલાન્ટિસ ખંડનું ૭૦૦૦ શબ્દોથી સુંદર વર્ણન કર્યું હતું. આ દ્વીપ (ટાપુ)ની સુંદરતા અને સમૃદ્ધિ સ્વર્ગને પણ ઝાંખી પાડી દે તેવી હતી. ગગનચુંબી રત્નજડિત રાજમહેલો, રંગબેરંગી સુગંધીદાર ફૂલોથી મઘમઘતા ઉદ્યાનો, રૂપરૂપના અંબાર સમી તાજગીસભર અપ્સરાઓ જેવી લાવણ્યયુક્ત નવયુવાન લલનાઓ, કિન્નરો અને ગંધર્વોથી ચડી જાય તેવું અલૌકિક સંગીત પીરસતા ઉત્કૃષ્ટ સંગીતકારો, લલિત લાસ્યયુક્ત અંગભંગિમાથી સંમોહિત કરી દેતી નૃત્યાંગનાઓ અને નર્તકો, બેનમૂન શિલ્પો, ચિત્રો કંડારતા કલાકારો, અપ્રતિમ શૌર્ય અને સાહસો દાખવતા શૂરવીરો અને અપાર, અવર્ણનીય સુખ-વૈભવ-વિલાસ ભોગવતા લોકો આ એટલાન્ટિસ ટાપુ પર વસ્યા હતા.
એટલાંટિસનો એક ગૌરવશાળી સભ્યતાના રૂપે વિકાસ થયો. એમની ટેકનોલોજિકલ કુશળતા અને નવાચારે તેને એવા મશીનો અને ઉપકરણો બનાવવા સક્ષમ કર્યા જે આ ધરતી પર પહેલાં કોઇએ જોયા નહોતા. પણ તેમની ટેકનોલોજિકલ ક્ષમતાનો ઉપયોગ સારા કાર્યો કરવાને બદલે બીજા દેશો પર પ્રભુત્વ સ્થાપિત કરવા માટે કરવા લાગ્યા. તેમણે કેટાક્સ (Ketaks) નામના ઊડતા યંત્રોની ફોજ બનાવી જેણે અતુલ્ય શક્તિ સાથે યુદ્ધ છેડયું. તે શક્તિશાળી અને ડરામણું રાજ્ય બની ગયું. તેણે અન્ય ટાપુઓ અને નિકટવર્તી ઘણા પ્રદેશો પર પ્રભુત્વ પ્રાપ્ત કરી લીધું. પ્લેટોએ દર્શાવ્યા પ્રમાણે એટલાંટિસવાસીઓએ એકવાર ગ્રીસ સામે યુદ્ધ છેડયું હતું, પરંતુ એથેન્સવાસીઓ દ્વારા એમની વિરુદ્ધ પ્રતિરોધ કરાતાં એમને ભગાડી દેવાયા હતા.
તેમ છતાં તેનો અહંકાર જ એમના વિનાશનું કારણ બન્યો હતો. પ્લેટોના જણાવ્યા પ્રમાણે એમણે વધારે સત્તા પ્રાપ્ત કરવા જે યુદ્ધો કરી નરસંહાર કર્યો તેનાથી સમુદ્રના દેવ પોસીડોને તેમને સજા આપી. આ સજા તે તોફાન, પૂર, ભૂકંપ કે જ્વાળામુખી થકી આપે છે. આ પ્રાકૃતિક આપત્તિઓએ એટલાંટિસને થોડા-થોડા સમયે ભારે નુકસાન કર્યું અને એક દિવસ ભયંકર ભૂકંપ અને પૂર (સુનામી) ને કારણે એ મહાદ્વીપ એક જ રાતમાં સમુદ્રમાં ડૂબી ગયો.
કિંવદંતી (દંતકથા) પ્રમાણે સમુદ્રના દેવતા પોસીડોને (poseidon) જ આ દ્વીપ બનાવ્યો હતો. તેમને આ દ્વીપના એક ભાગ પર રહેનારી નશ્વર મહિલા ક્લીટો (Cleito) સાથે પ્રેમ થઇ ગયો હતો. ત્યાંના નિવાસીઓનું રક્ષણ કરવા તેમણે એક શહેર બનાવ્યું. એટલાન્ટસને જ્ઞાન, ટેકનોલોજી, વાસ્તુકલા (આર્કિટેકચર), ધન, સુખ, સમૃદ્ધિની બાબતમાં દુનિયાની સૌથી ઉન્નત સભ્યતા હતી. ત્યાં તાંબા અને સુવર્ણનો પ્રચુર ભંડાર હતો. ક્લીટોએ પોસીડોનના પાંચ જોડિયા પુત્રો (કુલ દસ પુત્રો)ને જન્મ આપ્યો હતો. સૌથી મોટા પુત્ર એટલસને મહારાજા (High king) બનાવવામાં આવ્યો હતો. જ્યારે એના નવ ભાઈઓએ સામ્રાજ્યના વિભિન્ન ક્ષેત્રો પર શાસન કર્યું હતું.
એટલાન્ટિસ વિશે અનેક સંશોધનો થયા છે. તેના વિશે અનેક પુસ્તકો પણ લખાયા છે. Atlantis Fact or Fiction ? શીર્ષક હેઠળ ૧૯૭૫ના એપ્રિલમાં ઇન્ડિયાના યુનિવર્સિટી ખાતે ક્લાસિકલ સ્ટડીઝના વિભાગે એક પરિસંવાદ યોજ્યો હતો જેમાં અનેક ઇતિહાસકારો, પુરાતત્ત્વશાસ્ત્રીઓ, ભૂસ્તર શાસ્ત્રીઓ વગેરે અનેક ક્ષેત્રોના નિષ્ણાતો ઉપસ્થિત હતા. તેમાં એ મુદ્દો ચર્ચવામાં આવ્યો હતો કે શું ખરેખર ક્યારેય એટલાન્ટિસ ખંડ અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ પુરાણકથાની કલ્પના, દંતકથા માત્ર છે ? જો એ અસ્તિત્વ ધરાવતો હતો તો તે ક્યાં આવેલો હતો ?
એવું માનવામાં આવે છે કે એલાન્ટિસ એટલાન્ટિક મહાસાગરમાં 'હરક્યૂલિસના સ્તંભ' (અત્યારે જિબ્રાલ્ટરની સામુદ્રધુની)ની પાર આવેલો હતો. ‘Atlantis & the Antediluvian નામના પુસ્તકમાં સરસ, રસપ્રદ સંશોધનો રજૂ થયેલા છે. ઇગ્નેશિયમ ડોનેલીએ લખેલું આ પુસ્તક બેસ્ટ સેલર સાબિત થયું છે. તે કહે છે કે મેડિટરેનિયન સમુદ્રના મુખની સામે એટલાન્ટિક મહાસાગરમાં એક વિશાળ ટાપુ ધરાવતો હતો જે એટલાન્ટિક ખંડનો અલ્પ અંશ હતો અને પ્રાચીન જગતમાં 'એટલાન્ટિસ' નામથી પ્રખ્યાત હતો. પ્લેટોએ જે ખંડનું વર્ણન કર્યું હતું તે કોઈ કાલ્પનિક વાર્તા નહોતી. એટલાન્ટિસે અપ્રતિમ વિકાસ સાધ્યો તે પછી તે વિશાળ વસ્તીવાળો શક્તિશાળી દેશ બન્યો હતો. તેનાથી જ મેક્સિકોના ગલ્ફના કિનારા, મિસિસિપી નદીની આસપાસનો પ્રદેશ, એમેઝોનનો વિસ્તાર, દક્ષિણ અમેરિકાના પેસિફિક કિનારાનો ભાગ, મેડિટરેનિયન, યુરોપ અને આફ્રિકાનો પશ્ચિમ કિનારો, બાલ્ટિક પ્રદેશ, કાળો સમુદ્ર અને કાસ્પિયન પ્રદેશોના લોકો સંસ્કૃત અને સુવિકસિત હતા. ખરેખર તે એન્ટેડિલ્યુવિયન (Antediluvian) એટલે કે મહાપ્રલય પહેલાંની/અતિ પ્રાચીન દુનિયા હતી. એડનનો બગીચો, હેસ્પેરાઇટસના બગીચાઓ, એલિસિયન ખેતરો, આલ્સિનસના બગીચાઓ, મેસોમફેલસ, ગ્રીક લોકોનો માઉન્ટ ઓલિમ્પસ, એસ્ગાર કે એવેલોન વગેરે સ્થાનો તે ધરાવતો હતો. જેમને મહાન દેશોની સાર્વત્રિક સ્મૃતિ રૂપે રજૂ કરાય છે. ત્યાં આદિમ કાળની સુવિકસિત પ્રજા શાંતિ અને સુખપૂર્વક વસી હતી. બીજા દેશો જ્યારે જંગલી દશામાં હતા ત્યારે અહીં સ્વર્ગ જેવાં સુખો હતાં.
પ્રાચીન ગ્રીક દેવ-દેવીઓ, એટલાન્ટિસના રાજા-રાણીઓ અને તેમના જીવનની ઘટનાઓનો ઇતિહાસ રોમાંચક છે. ઇજીપ્ત અને પેરુની ધાર્મિક પૌરાણિક પ્રથા એટલાન્ટિસના મૂળ ધર્મ 'સૂર્યઉપાસના' ને જ રજૂ કરે છે. એટલાન્ટિસના લોકોએ બનાવેલી સર્વ પ્રથમ કૉલોની એ ઇજીપ્ત હતું. ગ્રીક સંસ્કૃતિ એટલાન્ટિસ ટાપુની સંસ્કૃતિનું પુન: થયેલું નવ સર્જન હતું. યુરોપની આલ્ફાબેટની પૂર્વજ ફોએનિશિયન આલ્ફાબેટ પણ ેટલાન્ટિસની આલ્ફાબેટમાંથી જ જન્મી હતી. તે એટલાન્ટિયન લોકો પાસેથી મધ્ય અમેરિકાના 'માયા' લોકો પાસે પહોંચી હતી. એટલાન્ટિસ 'આર્યન' કે 'ઇન્ડોયુરોપિયન' દેશોનું મૂળ સ્થાન હતું. એટલાન્ટિસ કુદરતની મોટી હોનારતમાં નાશ પામ્યું હતું. આખો ટાપુ સમુદ્રમાં ગરકાવ થઇ ગયો હતો. અને મોટા ભાગના લોકો નાશ પામ્યા હતા. જો કે થોડાક લોકો નૌકાયાનમાં ત્યાંથી સલામત રીતે નાસી જવા સફળ બન્યા હતા. એટલાન્ટિસ વિશે અનેક ધારણાઓ બંધાઈ છે. આમાં સાચું શું અને ખોટું શું ? કઇ વાત કેટલા અંશે સાચી કે બધી જ વાત કેવળ પૌરાણિક વાર્તા જ છે કે કેમ ? તે કહેવું સદાય મુશ્કેલ રહ્યું છે. છતાં આ ચમત્કારિક દૈવી અને રહસ્યમય ટાપુએ અનેક સંશોધકો અને પુરાતત્ત્વશાસ્ત્રીઓને ઘેલું લગાડયું હતું અને હજુ પણ સંશોધકો તેના વિશે સંશોધનો કરી રહ્યા છે.
એટલાન્ટિસ પર ઘણી ફિલ્મો અને સીરીઝ બની છે. એમાં 'એટલાન્ટિસ : ધ લોસ્ટ એમ્પાયર' (Atlantis : The Lost Emprie (2001) મુખ્ય છે ડિઝનીની આ એનિમેટેડ ફિલ્મ ખોવાયેલા શહેર, જાદુઇ શક્તિઓ અને સમુદ્રની નીચેની રહસ્યમય દુનિયાનું દર્શન કરાવે છે. તે ઉપરાંત 'પ્રોજેક્ટ એટલાન્ટિસ', 'એક્વામેન', 'એક્વામેન એન્ડ ધ લોસ્ટ કિંગ્ડમ', 'બ્લેક પેન્થર : વકાન્ડા ફોરએવર' અને 'જસ્ટિસ લીગ : થ્રોન ઑફ એટલાન્ટિસ' જેવી બીજી અનેક રહસ્ય-રોમાંચથી ભરપૂર એવી ફિલ્મોની બનેલી છે.


