Get The App

પ્રેતાત્માના પ્રભાવવાળી અભિશાપિત એનાબેલ ડૉલ

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
પ્રેતાત્માના પ્રભાવવાળી અભિશાપિત એનાબેલ ડૉલ 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- ઢીંગલી નજીક હોય ત્યારે તેમના શરીર પર આપમેળે ઘા ઉપસી આવતા, ચામડી સૂકી થઇ જતી, તેમને લાગતું કે તેમના ઘરમાં કોઈ અદ્રશ્ય શક્તિનો વાસ છે. 

જા ણીતા પેશનોર્મલ સંશોધક ડેન રિવેરા (Dan Rivera) ૧૩ જુલાઈ ૨૦૨૫ના રોજ પેન્સિલ્વાનિયાના ગેટિસબર્ગની એક હોટલમાં અકારણ રહસ્યમય રીતે મરણ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. ડેન રિવેરા ન્યૂ ઇંગ્લેન્ડ સોસાયટી ફોર સાઇકિક રિસર્ચ સંસ્થાના સંશોધક હતા. ૫૪ વર્ષની ઉંમરના ડેન રિવેરા એમના રહસ્યમય મરણ પૂર્વે 'ડેવિલ્સ ઓન ધ ટુર' નામના કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ કાર્યક્રમ હોન્ટેડ સોલ્જર્સ ઓર્ફનેજમાં થયો હતો અને એમાં અભિશાપિત, ભયાવહ એનાબેલ ડૉલ (Annabelle Doll) નું પણ પ્રદર્શન કરાયું હતું. ડેન રિવેરાએ અમેરિકન સેનામાં સેવા આપી હતી અને દસ વર્ષથી પણ વધુ સમય માટે ભૂત-પ્રેત અને પારલૌકિક ઘટનાઓ પર શોધ-સંશોધન કરતા હતા. તે 'ટ્રાવેલ ચેનલના' મોસ્ટ હોન્ટેડ પ્લેસિસ (સૌથી વધારે ભૂતિયા જગ્યાઓ)માં એક પેરાનોર્મલ ઇન્વેસ્ટિગેટરના રૂપે જોવા મળ્યા હતા અને નેટફ્લિક્સના 'ટ્વેન્ટી એઇટ ડેઝ હોન્ટેડ (28 Days Haunted) સાથે બીજા અનેક શોના નિર્માતા પણ હતા. રિવેરાને બાળપણથી જ ભૂત-પ્રેત અને પારલૌકિક ઘટનાઓ વિશે જાણવાનો શોખ હતો.'

ડેન રિવેરાના આકસ્મિક, રહસ્યમય મરણ પાછળ અભિશાપિત, ભૂતિયા એનાબેલ ઢીંગલી (Doll) જવાબદાર છે એવું માનવામાં આવે છે. એનાબેલ ડોલ પ્રેતબાધિત રેગેડી એન (Raggedy Ann) માનવામાં આવે છે. રેગેડી એન અમેરિકન લેખક જોની ગુ્રએલ દ્વારા બનાવાયેલું એક કેરેકટર છે જે નાના બાળકોના માટે લખાયેલી પિકચર બુકની સીરીઝમાં જોવા મળ્યું હતું. તે એક કપડાંની ઢીંગલી છે જેના વાળ લાલ દોરાથી બનેલા છે અને નાક ત્રિકોણાકારનું છે. આ ઢીંગલી અભિશાપિત અને ભૂતિયા પ્રભાવવાળી જણાઈ એટલે એને પેરાનોર્મલ સંશોધક એડ અને લોરેન વૉરેન (Ed and Lorraine Warren) ના અકલ્ટ મ્યૂઝિયમમાં રાખવામાં આવી હતી.આ ઢીંગલી પર હોલીવુડમાં 'એનાબેલ' ફિલ્મ બની જે હોરર ફિલ્મ સીરીઝ 'ધ કન્જરિંગ યુનિવર્સ (The conjuring Universe) નો ભાગ છે જેમાં એનાબેલ ડૉલને મુખ્ય વિલનના રૂપમાં બતાવવામાં આવી છે. આ ડૉલને ૨૦૧૪ની ફિલ્મ એનાબેલમાં બતાવી હતી. તે પછી એ કેરેકટર પર આધારિત જે ફિલ્મોની સીરીઝ બની એમાં ૨૦૧૭માં 'એનાબેલ ક્રિએશન', ૨૦૧૯માં એનાબેલ કમ્સ હોમ અને બીજી ફિલ્મો પણ સમાવિષ્ટ છે.'

એડ એન્ડ લોરેન વૉરેનના જણાવ્યાં મુજબ ૧૯૭૦માં ડોના નામની એક નર્સિંગ સ્ટુડન્ટને આ 'રેગેડી એન' ડૉલ ક્યાંકથી ભેટ રૂપે મળી હતી. તેને એ ભેટ મળી તેના થોડા સમય બાદ વિચિત્ર ઘટનાઓ બનવા લાગી હતી. શરૂઆતમાં સામાન્ય ઢીંગલી જેવી લાગતી તે ઢીંગલી કંઇક વિચિત્ર, ડરામણી અનુભૂતિ કરાવવા લાગી હતી. તે ઢીંગલીની નજીક જાય ત્યારે ઓરડામાં ઠંડી હવા વહેલા લાગતી. તેમને કોઈ બાળકીના અવાજો સંભળાવા લાગતા. એ ઓરડામાં નર્સિંગનો અભ્યાસ કરતી ડોના અને તેની મિત્ર સિવાય બીજું કોઈ રહેતું નહોતું. તો અવાજ ક્યાંથી આવતાં હતા તે વિચારીને તે ગભરાતા હતાં.

પછી એક દિવસ તેમણે જોયું કે તે ઢીંગલી જ્યાં મૂકી હતી ત્યાંથી બીજી જગ્યાએ જતી રહી હતી. એ બન્નેમાંથી કોઇએ તેને ત્યાં મુકી નહોતી, આવું વારંવાર બનવા લાગ્યું. એકવાર તો તેમણે તેને તેની જાતે ચાલીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી જોઈ. આનાથી તે ખૂબ ગભરાઈ ગયા. પછી તો તેનો ડર વધવા લાગ્યો. તે ઢીંગલી નજીક હોય ત્યારે તેમના શરીર પર આપમેળે ઘા ઉપસી આવતા, ચામડી સૂકી થઇ જતી, તેમને લાગતું કે તેમના ઘરમાં કોઈ અદ્રશ્ય શક્તિનો વાસ છે. તે તેમની આજુબાજુ ફરી રહી છે. એ પછી તે ઢીંગલીએ એકવાર ડોનાની એ મિત્ર પર હૂમલો જ કરી દીધો. જેનાથી તેના શરીર પર ઘા પડી ગયા. તે વખતથી તેની મિત્રએ એ ઢીંગલી જે ઓરડામાં રાખી હતી ત્યાં જવાનું જ બંધ કરી દીધું. એક દિવસ બીજી એક વિચિત્ર ઘટના બની. ડોનાને એ ઢીંગલી પાસેથી ચિઠ્ઠી મળી જેમાં લખેલું હતું - 'મને મદદ કરો (Help me). તેના નીચે તેનું નામ લખાયેલું હતું - 'એનાબેલ (Annabelle) !' આવી અનેક વિચિત્ર ઘટનાઓ બનેલી જોઈ તેમને ખ્યાલ આવી ગયો કે તે ઢીંગલી પ્રેતાત્માના પ્રભાવવાળી છે. એની સાથે કોઇનો પ્રેતાત્મા જોડાયેલો છે. તેમણે પ્રેતાત્મા સાથે સંપર્ક સાધવાની ક્ષમતા ધરાવતા એક માધ્યમને આ વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે આ ઢીંગલી છ વર્ષની એક મૃત છોકરીના પ્રેતાત્માથી પઝેઝ્ડ છે. તે બાળકીને આ ઢીંગલી બહુ જ ગમતી હતી એટલે તે મરણ બાદ પણ તેની અંદર ભૂત બનીને પ્રવેશે છે.

એટલે ડીના અને તેની સખીએ એ ભૂતિયા ઢીંગલીની વાત પેરાનોર્મલ સંશોધક એડ અને લોરેનને કરી. તેમની તપાસમાં એ વાત સાચી જોવા મળી એટલે તેમણે તેને તેમના કનેક્ટિક્ટના મ્યુઝિયમમાં એક કાચના બોક્સમાં બંધ કરી દીધી. કોઇએ તે બોક્સ ખોલવું નહીં અને તે ડૉલને તેમાંથી બહાર કાઢવી નહીં એવી સૂચના પણ તેના પર લખી દીધી.

એવું કહેવાય છે કે આ અભિશાપિત ભૂતિયા ડૉલ માનસિક ઘા ઉત્પન્ન કરતી જેને લીધે એનાથી પીડિત લોકોના ઘામાંથી લોહી નીકળવા લાગતું, એક પાદરીએ એનું અપમાન કર્યું તો તે ડૉલે તેનો બદલો લીધો હતો. તે પાદરીએ તેની કાર ઝાડ સાથે અથડાવી દીધી હતી. અને તેણે એક હોમિસાઇડ જાસૂસને ચપ્પું મારી દીધું હતું જેને લીધે તેને સમયપૂર્વે સેવાનિવૃત્ત લઇ લેવી પડી હતી. તે પાદરી આવો હુમલો કરે તેવો હતો જ નહીં, પણ તે ઢીંગલી સાથે સંલગ્ન છ વર્ષની એનાબેલના પ્રેતાત્માએ એ પાદરી પર હાવી થઇને આવું કૃત્ય કરાવ્યું હતું.

ડેન રિવેરાનું મરણોત્તર શારિરીક પરીક્ષણ કરનારા ડૉક્ટરે તેના મરણને રહસ્યમય જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મરણનું કોઈ દેખીતું કારણ જણાતું નથી. તેમાં કંઇ અસ્વાભાવિક કે શંકાસ્પદ બાબત જોવા મળી નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ કોઈ અસામાન્ય બાબત જોવા મળી નહોતી. પેરાનોર્મલ વિષયના નિષ્ણાતો એવું માને છે કે એડ અને લોરેન વૉરેને એ શાપિત ઢીંગલીને કાચના બોક્સમાંથી બહાર ના કાઢવા ચેતવણી આપી હતી છતાં 'ડેવિલ્સ ઓન ધ ટુર' પ્રોગ્રામ અંતર્ગત એને બહાર કાઢી લોકો સમક્ષ પ્રદર્શિત કરવાને કારણે તેની સાથે જોડાયેલા એનાબેલના પ્રેતાત્માએ ડેન રિવેરાનું મરણ નિપજાવી દીધંલ હતું. ડેન રિવેરાના મરણ બાદ એનાબેલ ડૉલ તેના રૂમમાંથી ગુમ થઇ ગઇ હતી જે હજુ સુધી કોઇને મળી નથી.