Get The App

સામાજિક સહયોગ અને જોડાણ બીમારી અને સમયથી પહેલાં આવતાં મૃત્યુથી બચાવે છે

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
સામાજિક સહયોગ અને જોડાણ બીમારી અને સમયથી પહેલાં આવતાં મૃત્યુથી બચાવે છે 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- માત્ર મેળવવાની ભાવનાવાળા હતા તે વૃદ્ધો વધારે લાંબુ જીવતા નહોતા એની સામે જે આપવાની ભાવનાવાળા, બીજાને મદદરૂપ થવાની પ્રવૃત્તિમાં સંલગ્ન હતા તે વધારે જીવ્યા હતા.

‘Social relationships are as vital to health as diet and exercise."

સામાજિક સંબંધ સ્વાસ્થ્ય માટે એટલો જ જરૂરી છે જેટલો સંતુલિત આહાર અને વ્યાયામ.

‘Social support and connectedness protect people From illness and early death."

સામાજિક સહયોગ અને જોડાણ લોકોને બીમારી અને સમયથી પહેલાં આવતા મૃત્યુથી બચાવે છે.

"Health is not just an individual responsibility, it is reflection of the society we live in.

સ્વાસ્થ્ય માત્ર વ્યક્તિગત જવાબદારી નથી. તે એ સમાજનું પ્રતિબિંબ છે જેમાં આપણે રહીએ છીએ.'

- Dr. Lisa Berkaman

(ડૉ. લિસા બર્કમેન)

ડૉ. લિસ ફ્રેને બર્કમેન અમેરિકાના પ્રસિદ્ધ મહામારી વિજ્ઞાની (Epidemiologist) અને સાર્વજનિક સ્વાસ્થ્ય વિશેષજ્ઞા છે. તે સામાજિક બાબતો અને તંદુરસ્તી વચ્ચેના સંબંધો વિશે કરેલા સંશોધનો માટે જાણીતા છે. સામાજિક મહામારી વિજ્ઞાનના કાર્યક્ષેત્રે તેમનું વિશિષ્ટ પ્રદાન છે. સામાજિક સંબંધો, અસમાનતા (inequality)  અને કાર્ય પરિસ્થિતિઓનો સ્વાસ્થ્ય પર પ્રભાવ, ઉંમર વધવી (aging) અને સામાજિક નેટવર્કનો માનસિક અને શારીરિક સ્વાસથ્ય પર પડતો પ્રભાવ એ બધા એમના સંશોધનનાં મુખ્ય વિષયો રહ્યાં છે.

ડૉ. લિસા બર્કમેન હાર્વર્ડ ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં પ્રોફેસર અને હાર્વર્ડ સેન્ટર ફોર પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝના ડાયરેક્ટર પણ રહી ચૂક્યા છે. ડૉ. લિસા બર્કમેને એમના પ્રારંભિક સંશોધનમાં એ દર્શાવ્યું કે જે લોકોના સામાજિક સંબંધ મજબૂત હોય છે, જેમ કે કુટુંબ, મિત્ર કે સમુદાય સાથે જોડાણ, એમનું આયુષ્ય વધારે હોય છે અને તે માનસિક રૂપે પણ વધારે સ્વસ્થ્ય રહે છે. ૧૯૭૯માં પ્રગટ થયેલો એમનો સંશોધન ગ્રંથ સોશિયલ નેટવર્કસ, હોસ્ટ રેઝિસ્ટન્સ એન્ડ મોર્ટાલિટી (Social Networks, Host Resistance and Mortality) આ ક્ષેત્રમાં એક સીમા ચિહ્ન (માઇલ સ્ટોન) રૂપ માનવામાં આવે છે. તેમણે એવું પણ સંશોધન કર્યું કે કામકાજની પરિસ્થિતિઓ, તનાવ (Stress) અને અસમાન અવસર વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને કેવી રીતે અસર કરે છે. બર્કમેને એ બતાવ્યું કે સમાજમાં આર્થિક, લિંગ આધારિત અને સામાજિક અસમાનતાઓ સ્વાસ્થ્ય પરિણામોમાં ભારે તફાવત ઊભો કરે છે. તેમના સંશોધને સ્વાસ્થ્યના સામાજિક નિર્ધારકો (Social Determinats of Health) ના ક્ષેત્રને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. વધતી વય પર કરેલા અભ્યાસો પરથી તેમણે એ પણ દર્શાવ્યું કે વયોવૃદ્ધ લોકોના સામાજિક સંપર્ક અને સહયોગ તંત્ર (Support System) એમની માનસિક ક્ષમતા, સ્મૃતિ અને સ્વાસ્થ્ય પર કેવો પ્રભાવ પડે છે.

લોકો સામાજિક સહયોગની ધારણા, સમજ (Perception) કઈ રીતે રાખે છે તે મહત્ત્વનું છે. લોકોની ધારણા, જોવાની રીત, હકારાત્મક હોય તો તેમના વલણમાં ફેરફાર થાય. તેમણે સામાજિક સહયોગના લોકોના અભિગમનો અભ્યાસ કરીને એવો નિષ્કર્ષ આપ્યો કે જે પ્રસન્ન અને સંતુષ્ટ હતા તેમને રોગ ન થયો અને જે રોગવાળા હતા તે પ્રસન્નતા અને સંતોષની સહજ વૃત્તિ ધારણા કર્યા પછી એ રોગમાંથી મુક્ત થયા. જે ભારે અસંતોષી હતા તે રોગગ્રસ્ત થયા જ અને જે રોગિષ્ઠ હતા તે એ રોગમાંથી મુક્ત ન થઈ શક્યા. રોગીમાં જીવવા માટેનું જબરદસ્ત પરિબળ એની જિજીવિષા અર્થાત્ જીવવાની ઇચ્છા છે, એક અભ્યાસમાં એમણે જોયું કે માંદગીવાળા એ વૃદ્ધો જેમની જિજીવિષા પ્રબળ હતી તે જીવ્યા હતા. અને એ વૃદ્ધો જેમની જિજીવિષા નહીંવત હતી તે મરણ પામ્યા હતા. તેમણે એક બીજી વિસ્મયકારી બાબત પણ જોઈ કે જે માત્ર ગ્રહણ કરવાની, મેળવવાની ભાવનાવાળા હતા તે વૃદ્ધો વધારે લાંબુ જીવતા નહોતા એની સામે જે પ્રદાન કરવાની, આપવાની ભાવનાવાળા, બીજાને મદદરૂપ થવાની પ્રવૃત્તિમાં સંલગ્ન હતા તે વધારે જીવ્યા હતા. આદાન (લેવાની પ્રક્રિયા) કરતાં પ્રદાન (આપવાની પ્રક્રિયા) વૃદ્ધોને વધારે આયુષ્યવાન બનાવતી હતી.

એકવાર જ્યારે લિસા બર્કમેનને એક શરીર વિજ્ઞાનીએ ઇન્ટરવ્યૂમાં પૂછ્યું કે તમારા અભ્યાસ અને સંશોધનોને આધારે પ્રેમ અને લાગણીઓને સ્વાસ્થ્ય સાથે કેવો સંબંધ છે ? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું - 'પ્રેમ' એક મહા શક્તિ છે. પ્રેમ 'તમે મારે માટે મહત્ત્વના છો' એ ભાવ જગાડે છે. વસ્તુની આપ-લે કરતાં આ પ્રકારનો ભાવ જાગે તે જીવનને પ્રાણ પ્રદાન કરે છે. આવો પારસ્પરિક પ્રેમ જીવનને નવપલ્લવિત કરે છે. અમે સામાજિક સહયોગ પર બહુ સંશોધનો કર્યા. તેના પરિણામ પરથી અમે એવો નિષ્કર્ષ કાઢ્યો કે જેને લાગણીનો સથવારો અને પ્રેમની હૂંફ મળે તેની હાર્ટ એટેકથી બચવાની શક્યતા વધારે.

આપણે મેડિકલ સાયન્સમાં માત્ર ઉપરનું કારણ તપાસીએ છીએ પણ એનું અંદરનું, મૂળભૂત કારણ નથી તપાસતા. એનું મૂળભૂત કારણ છે - સામાજિક સહયોગ અને પરસ્પરતા. સ્વસ્થ પારસ્પરિક સંબંધથી જ સુંદર સહયોગ સર્જાય છે. તેમાંથી જ નિર્વ્યાજ પ્રેમ ઉત્પન્ન થાય છે. પારસ્પરિક પ્રેમ લાગણીના સંબંધને દ્રઢ બનાવે છે. પ્રેમને પ્રેમ સાંધે છે, પ્રેમને પ્રેમ બાંધે છે. પ્રેમથી વિશેષ પાયારૂપ આપણા અસ્તિત્ત્વમાં બીજું કંઈ નથી. હું ફ્રાંસ અને જાપાનમાં ઘણો સમય રહી છું. ત્યાં કૌટુંબિક અને સામાજિક સુમેળ અને સાંમજસ્ય સારું છે. લોકો અવાર નવાર સ્વજનોની મુલાકાત લે, સાથે હરવા-ફરવા ભોજન કરવા જાય. એકબીજાને સહયોગ આપે, એમનું સમર્થન કરે. એને કારણ ેત્યાં ગંભીર રોગોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

ડૉ. લિસા બર્કમેને ધ અલ્મેડા કાઉન્ટી સ્ટડી કર્યો તેમાં દર્શાવ્યું કે સામાજિક સંબંધની દ્રઢતા મૃત્યુનો દર ઘટાડે છે. આ શોધ સંબંધો અને દીર્ઘાયું (longeviy) વચ્ચેના સંબંધને વૈજ્ઞાનિક રીતે સિદ્ધ કરનાર પ્રથમ મોટું પ્રમાણ હતું.

લિસા બર્કમેને ૨૦૦૦થી ૨૦૧૦ના ગાળામાં કામકાજનું જીવન, પરિવાર અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવાને લગતો અભ્યાસ કર્યો. તેમાં તેમણે જોયું કે કામનો તનાવ, લાંબા કલાકો સુધી કામ અને કુટુંબની જવાબદારીઓ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર અસર ઉત્પન્ન કરે છે. તે કાર્યસ્થળ નીતિઓ (Work place Policies)માં બદલાવ લાવવાના હિમાયતી છે જેથી કામ કરનારાને વધારે સહયોગ, સમર્થન અને સાનુકૂલન મળી શકે. બર્કમેને ૨૦૧૫થી અત્યાર સુધી એમના સંશોધનનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય સ્તર પર કર્યો છે. તે અધ્યયન કરી રહ્યા છે કે જુદા જુદા દેશોની સામાજિક સુરક્ષા પ્રણાલિઓ વૃદ્ધ લોકોનાં સ્વાસ્થ્યને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેમણે લેટિન અમેરિકા, યૂરોપ અને એશિયામાં અનેક તુલનાત્મક અધ્યયન કર્યા છે.

ડૉ. લિસા બર્કમેને ૨૦૨૩માં પ્રકાશિત સંશોધનમાં એ બાબત દર્શાવી કે એક કલસ્ટર રેન્ડમાઇઝડ કાર્યસ્થળ હસ્તક્ષેપ (Work place interention) કાર્યક્રમે ખાસ કરીને ભારે જોખમવાળા કર્મચારીઓ (High Risk Works)માં કાર્ડિયોમેટાબોલિક જોખમ (Cardiometabolic)ને ઘટાડયું હતું. લિસા બર્કમેન આપણને શિખવે છે - સ્વસ્થ સમાજ માત્ર હોસ્પિટલોથી નથી બનતો, પણ સમાન અવસરો, ન્યાયપૂર્ણ રીતિઓ અને મજબૂત સામાજિક સંબંધોથી બને છે.

ડૉ. લિસા (લિઝા) બર્કમેન અત્યારે ફ્રાંસમાં 'કોન્સિલ સાયન્ટિફિક ડે એલ ઇન્સ્ટિટયૂટ ડે રિસર્ચ એન સેન્ટે પબ્લિક (LIRESP) ના સભ્ય છે. તે ૧૯૯૪થી ગઝેલ (GAZEL) સ્ટડીમાં સક્રિય રૂપે સામેલ રહ્યા છે. તે અનેક પુસ્તકો અને ૩૦૦ જેટલા પ્રકાશનો (ચેપ્ટર્સના લેખિકા કે સહલેખિકા છે. ૨૦૦૩માં લિસા બર્કમેને ઇચિરો કાવાચી સાથે સોશિયલ એપિડેમિયોલોજીનું સહસંપાદન કર્યું જે આ વિષય પરનું એક અભૂતપૂર્વ પાઠયપુસ્તક છે. એનું બીજું સંસ્કરણ ૨૦૧૪માં સહલેખકો કાવાચી અને મારિયા ગ્લાઈમોરની સાથે પ્રકાશિત થયું હતું.