માનવ શરીરમાં રહેલી અગાધ વિદ્યુત શક્તિના રહસ્યો
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- માનવ શરીર એક પ્રકારનું હરતું ફરતું વીજળીધર છે. એનાથી પ્રાણવિદ્યુત તરંગોનું ન્યૂનાધિક માત્રામાં વિકિરણ થતું રહે છે. આ વિદ્યુત ઝાટકો મારનારી કે મોત નિપજાવી દે તેવી નથી - તે જુદા પ્રકારે કામ કરે છે
પ્ર શ્નોપનિષદમાં કહેવામાં આવ્યું છે - 'પ્રાણાગ્નય એવાસ્મિન્ બ્રહ્મપુરે જાગૃતિ-આ બ્રહ્મપુર એટલે કે માનવ શરીરમાં પ્રાણરૂપી અગ્નિઓ જ હમેશાં પ્રજવલિત થતા રહે છે.' એ રીતે પિપ્લાદ પણ કહે છે - 'સ એવ વૈશ્વાનરો વિશ્વ રૂપ : પ્રાણોદગ્નિરુદ્યતે । આ પ્રાણ જ આખા વિશ્વમાં વૈશ્વાનર રૂપે ઉદય પામે છે.' માનવ શરીરમાં અગાધ વિદ્યુત શક્તિ ભરેલી છે. વિજ્ઞાનીઓ કહે છે કે માનવીનાં શરીરનું તંત્ર લગભગ ૧ લાખ વોટ વિદ્યુતશક્તિથી ચાલે છે. ફ્રાન્સની સ્ટ્રસબર્ગ યુનિવર્સિટીના વિજ્ઞાની ડૉ.ફ્રેડબ્લેજે માનવ શરીરમાં રહેલી વિદ્યુતશક્તિ વિશે ગહન સંશોધનો કર્યા છે અને તે વિશે પુસ્તક પણ લખ્યું છે તેમાં તે દર્શાવે છે કે માનવ શરીર એક પ્રકારનું હરતું ફરતું વીજળીધર છે. એનાથી પ્રાણવિદ્યુત તરંગોનું ન્યૂનાધિક માત્રામાં વિકિરણ થતું રહે છે. આ વિદ્યુત ઝાટકો મારનારી કે મોત નિપજાવી દે તેવી નથી - તે જુદા પ્રકારે કામ કરે છે. તે શરીરની ગ્રંથિઓ, અવયવો, જીવકોષ અને ચેતાતંત્રની અંદર ગૂંચળા રૂપે છુપાઈ રહે છે. તે સીધે સીધી રીતે બહાર આવતી નથી પણ તેના ઉપરનું 'ઈન્સ્યુલેશન'નું બારીક પડ તૂટી જાય કે હટી જાય ત્યારે તે વ્યક્તિના શરીર પર તેની વિચિત્ર અસરો થાય છે.
પ્રાણીઓના શરીરમાં ચાલતી બાયોલોજિકલ રીધમ પર સંશોધન કરનારા વિખ્યાત અમેરિકન વિજ્ઞાની ફ્રેન્ક આર્થર બ્રાઉન જણાવે છે કે એક સ્વસ્થ નવયુવાન વ્યક્તિના શરીર અને મસ્તિષ્કમાં રહેલી વિદ્યુત શક્તિથી એક મોટી મિલ ચલાવી શકાય છે અને એક નાના બાળકના શરીર અને મસ્તિષ્કમાં રહેલી વિદ્યુત શક્તિથી રેલગાડીનું એન્જિન ચલાવી શકાય છે.
ઈ.સ. ૧૯૩૪માં ઈટલીની પિરાની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી અન્ના મોનારી નામની મહિલાની શારીરિક કોશિકાઓમાંથી વીજળી ઝરવા લાગી. કોઈ એના શરીરને અડકે તો વીજળીના ખુલ્લા તારને અડકે તેવો ઝટકો વાગતો હતો. વીજળીનું આ ઉત્પાદન છાતીના એક વૃત્તાકાર ભાગમાં વિશેષ રૂપે વધારે થતું હતું. ગાઢ નિદ્રાના સમયે તે જગ્યાએ એક પ્રકાશ પુંજ છવાઈ જતો જે એક અઠવાડિયા જેટલા સમય સુધી રહેતો. અન્નામોનારી પર સંશોધન કરનાર ડૉ. કે.સેગે જણાવ્યું હતું કે આવી ઘટના 'ઈલેક્ટ્રોમેગ્નેટિક ઈન્ડક્શન' ને કારણે થતી હોય છે.
અમેરિકાના મિસુરીના લેડાલિયા ખાતે રહેતી જેની મોર્ગન (Jennie Morgan) નામની પંદર વર્ષની છોકરીમાં હાઈવોલ્ટેજ ઈલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થતો હતો. તેનું શરીર શક્તિશાળી સ્ટોરેજ બેટરી જેવું કામ કરતું હતું. ૧૮૯૫માં સ્નાયુરોગ વિશેષજ્ઞા ડૉ.એશક્રાફ્ટ (Ashcraft) પાસે તેને લાવવામાં આવી ત્યારે આ વાત સાચી છે કે ખોટી તેની ચકાસણી કરવા તેમણે તેના હાથનો સ્પર્શ કર્યો તો તે વીજળીનો ભારે કરન્ટ લાગ્યો હોય તે રીતે ફસડાઈને જમીન પર પડી ગયા હતા અને થોડીવાર માટે મૂર્છિત પણ થઈ ગયા હતા. તે કોઈ લોખંડની વસ્તુને અડકતી ત્યારે આગના તણખા ઝરતા. વીજળીના કરન્ટથી બચવાના સાધનો વિના કોઈને પણ તેને સ્પર્શી જાય તો તે જબરદસ્ત વીજળીનો આંચકો ખાઈને જમીન પર પડી જતી અને કલાકો સુધી બેભાન થઈ જતું.
એ રીતે ૧૮૬૯માં અમેરિકાના જ્યોર્જિયામાં જન્મેલી લુલુ હર્સ્ટ નામની છોકરીને પણ ઈલેક્ટ્રિક ગર્લ અને વન્ડર ઓફ જ્યોર્જિયા તરીકે ઓળખવામાં આવતી હતી. તે ચૌદ વર્ષની હતી ત્યારે તેના શરીરમાં અસાધારણ પરિવર્તન આવવા લાગ્યા અને તેનું શરીર ત્યારે વિદ્યુત પ્રકટ કરવા લાગ્યું હતું. તે જેને અડકતી તેને વીજળીનો જોરદાર આંચકો લાગતો અને તે વ્યક્તિ જમીન પર પડી જતી. કાર્ડિફના બ્રાયન વિલિયમ્સ નામના યુવાનને પણ હરતી ફરતી માનવ બેટરી તરીકે ઓળખવામાં આવતો. ગમે તેટલા વોટના બલ્બ હેઠળ તે તેની હથેળી મૂકીને ઘસતો ત્યારે તે બલ્બ પ્રકાશિત થઈ જતો. તેની સાઈકલના હેન્ડલના છેડા પર રબરના ગ્રીપ્સ ફરજિયાત લગાવી રાખવા પડતા જેથી તેની હથેળીમાંથી નીકળતાં વિદ્યુત તરંગો સાઈકલને કરંટ યુક્ત થતા અટકાવે અને બીજાને કરંટથી બચાવી લે ! તેણે રબરના ગ્રીપ્સ નહોતા નાંખ્યા ત્યારે જે કોઈ તેની અડકે એમને વીજળી કરંટ લાગ્યો હોય એવો સખત ઝાટકો વાગતો.
મૂળ ઓસ્ટ્રેલિયાના પણ પછી અમેરિકામાં રહેતા એલન હિલડિચ નામના યુવાનના શરીરમાં વિદ્યુત શક્તિ પ્રગટ રહેતી હતી. તેનું શરીર જાણે વિદ્યુત પ્રગટ કરતી બેટરી હોય એવું કામ કરતું. તે વીજળીના બલ્બના નીચેનાં ભાગે હાથ અડકાડે તે સાથે બલ્બ પ્રકાશિત થઈ જતો !
ભારતમાં પણ થોડી વ્યક્તિઓ છે જેમના શરીરમાં પણ વિદ્યુત સંચાર પ્રગટ થયેલો જોવા મળ્યો છે. સ્વપ્ન અને સ્મરણશક્તિ પર સંશોધન કરનાર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (વશેં) ના વિદ્યાર્થી સત્યપ્રકાશમાં પણ આવી શક્તિ આવી ગઈ હતી. ૫ મે ૧૯૮૩ના દિવસે એને એવો અહેસાસ થયો કે એનું શરીર વીજ સંચારિત થઈ ગયું છે. તેણે તેના સહાધ્યાયીઓને આની ખાતરી કરવા તેના શરીરનો સ્પર્શ કરવા કહ્યું. તેમણે તેના શરીરનો સ્પર્શ કર્યો તો તેમને વીજળીનો કરંટ લાગ્યો હોય એવો ઝાટકો લાગ્યો અને તેનાથી થોડે દૂર ખસી ગયા. આનાથી એને શરીરમાં પ્રકટ થયેલી વિદ્યુત શક્તિ અંગે સમર્થન પ્રાપ્ત થયું. પછી તેણે થોડી પ્રાણાયામ સાધના અને યૌગિક ક્રિયાઓ કરી એને વધારે વિકસિત કરી.
સત્યપ્રકાશે સેંકડો વાર શરીરની વીજળીથી બલ્બ સળગાવી બતાવવાના પ્રયોગો કરી બતાવ્યા છે. એના શરીરમાં ઉત્પન્ન થતી વિદ્યુત ૨૦૦ વોટના બલ્બને થોડી સેકન્ડો સુધી પ્રકાશિત કરી રાખે છે તેને પૂછવામાં આવ્યું કે તે તેના શરીરમાં વિદ્યુત પ્રવાહ કેટલીવાર સુધી વહાવી શકે છે તો તેણે જણાવ્યું હતું કે તે પંદર-વીસ મિનિટ સુધી આ પ્રમાણે કરી શકે છે. ૫૦૦ વોલ્ટેજની ક્ષમતાવાળા ટેસ્ટરથી તેના શરીરનો વિદ્યુત પ્રવાહ માપવામાં આવ્યો તો વીસેક સેકન્ડ સુધી બહાર નીકળતો માપી શકાયો હતો. જ્યારે સત્યપ્રકાશ ૪૮ કલાકના ઉપવાસ કરી ખાસ યૌગિક ક્રિયા કરે છે ત્યારે તેનું આખું શરીર વિદ્યુતમય બની જાય છે અને આખા શરીરમાં વીજળી ઉત્પન્ન થઈ જાય છે. શરીરના અણીદાર અંગો હાથ-પગની આંગળીઓ, નાકનું ટેરવું વગેરેમાંથી એ વિશેષ બહાર નીકળતી જોવા મળે છે, આ વખતે જો કોઈ તેને સ્પર્શ કરે તો તેને કરન્ટ લાગ્યો હોય તેવો ઝાટકો વાગે છે. તે કહે છે કે આ જૈવ-ભૌતિક (BIO-Physical) ઘટના છે. દરેક વ્યક્તિના શરીરમાં તે થોડી માત્રામાં તો હોય જ છે. જો તેને કોઈ પ્રકારે જાગૃત કરી વિકસિત કરવામાં આવે તો આ જૈવ-વિદ્યુત વધુ પ્રમાણમાં પણ પ્રગટ કરી શકાય છે.