Get The App

એનેલિસ મિશેલ નામની જર્મન યુવતીના શરીરમાં અનેક દુષ્ટ પ્રેતાત્માઓએ ઘર કરી લીધું હતું!

Updated: Sep 2nd, 2025

GS TEAM

Google News
Google News
એનેલિસ મિશેલ નામની જર્મન યુવતીના શરીરમાં અનેક દુષ્ટ પ્રેતાત્માઓએ ઘર કરી લીધું હતું! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- એનેલિસ મિશેલના જીવન પરથી ત્રણ ફિલ્મો પણ બનેલી છે. એક ફિલ્મ છે - ધ એક્ષોર્સિસમ ઓફ એમિલી રોઝ બીજી ફિલ્મ છે - રેક્વિમ અને ત્રીજી ફિલ્મ છે - એનેલિસ - ધ એક્સોર્સિસ્ટ ટેપ્સ 

'ન પ્રેતો ન પિશાચો વા રાક્ષસો વાસુરોડપિ વા ।

ભક્તિયુક્તમનસ્કાનાં સ્પર્શને ન પ્રભુ ર્ભવેત્ ।।

ન તો કોઈ ભૂત કે પ્રેત, ન તો કોઈ પિશાચ, ન કોઈ રાક્ષસ કે અસુર ભક્તિયુક્ત મનવાળા હોય તેમને સ્પર્શી શક્તા નથી.'

- પદ્મપુરાણ, ઉત્તરખંડ, શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય, અધ્યાય-૨, શ્લોક-૧૭

દુનિયાના દરેક ધર્મમાં ભૂત-પ્રેત-પિશાચ કે અસુરોની વાતો નિરૂપિત થયેલી હોય છે. એ બધી પૌરાણિક કલ્પનાઓ માત્ર હોતી નથી. આવી પારલૈકિક નકારાત્મક શક્તિઓ પણ હોય છે જ. આ જ શ્રીમદ્ ભાગવત માહાત્મ્યના પાંચમા અધ્યાયમાં ધુંધુકારી પ્રેત યોનિમાં ગયો હોવાનો નિર્દેશ છે અને તેને પ્રેત યોનિમાંથી છોડાવવાના પ્રયત્નોની વાત પણ ઉલ્લેખાયેલી છે. દુનિયામાં એવી અનેક ઘટનાઓ બને છે જેમાં પ્રેતાત્માના વળગણો કે આસુરી પ્રભાવો ઉત્પન્ન થયેલા જોવા મળે છે.

આવી એક ઘટના છે એન્ના એલિઝાબેથ મિશેલ-એનેલિસ (એનેલિસે) મિશેલની. એનેલિસ મિશેલ (Anneliese Michel) નો જન્મ ૨૧ સપ્ટેમ્બર ૧૯૫૨ના રોજ પશ્ચિમ જર્મનીનાં બવેરિયાના લીબ્લફિંગ ખાતે થયો હતો. રોમન કેથોલિક પરિવારમાં જન્મેલી એન્ના અને તેની ત્રણ બહેનોનું પાલન-પોષણ એના માતા-પિતા જોસેફ અને એન્નાએ કર્યું હતું. તે અઠવાડિયામાં બે વાર પ્રાર્થના સભામાં પણ જતી હતી. જ્યારે તે ૧૬ વર્ષની થઇ ત્યારે તેને ટેમ્પોરલ લોબ એપિલેપ્સી નામનો રોગ થયો હતો. એને લીધે તે એની યાદશક્તિ ગુમાવવા લાગી હતી અને તેનો તેના શરીર પર કોઈ કાબુ રહેતો નહોતો. તેણે એના ઉપચાર માટે બહુ પ્રયત્નો કર્યા પણ તેમાં કોઈ સફળતા ન મળી. પાંચ વર્ષ લાંબી સારવાર કરવા છતાં તેનામાં કોઈ સુધારો ના આવ્યો.

એન્ના ઊર્ફે એનેલિસની તબીયત દિન-પ્રતિદિન વધારે બગડતી જતી હતી. તેના વ્યવહાર અને વર્તન પણ ખરાબ થતાં જતાં હતાં. તે વિચિત્ર હરકતો કરતી તે જોઇને કુટુંબના લોકો ભારે પરેશાનીમાં મુકાઈ ગયા હતા. તેમને ખ્યાલ આવી ગયો કે આની પાછળ એનેલિસની શારિરીક તકલીફ નહીં પણ કોઈ પ્રેતાત્માના પ્રભાવ જેવું લાગે છે. એટલે તેમણે ચર્ચમાં પાદરીને બતાવવું જોઇએ. પણ તે પહેલાં તેમણે એસ્ટ્રો ઓડ નામની વ્યક્તિને તેમના ઘેર બોલાવી જેને આવી પારલૌકિક બાબતોની થોડી ઘણી જાણકારી હતી. તેણે આવીને જોયું તો એનેલિસ જમીન પર પડી છે. એસ્ટ્રોને જોતાની સાથે એનેલિસે જમીન પર જ પેશાબ કરી દીધો અને પછી તેને ચાટવા લાગી. એ પછી તેણે બાજુમાં પડેલો કોલસાનો ટુકડો ઉઠાવી લીધો અને તે ખાવા લાગી. એસ્ટ્રોએ જોયું તો તેના ચહેરા પર વિચિત્ર સ્મિત રેલાવા લાગ્યું હતું. કોઈ માનવીના જેવું નહીં, પણ તે શેતાની સ્મિત લાગતું હતું. એટલે એસ્ટ્રોએ એનેલિસના માતા-પિતાને સલાહ આપી કે તેમણે એનેલિસનો ઝાડ-ફૂંક, મંત્ર-તંત્ર (Exorcism) ઉપાય કરાવવો પડશે. તેના શરીરમાં કોઈ દુષ્ટ આત્મા કે શેતાનનો વળગાડ લાગે છે.

એનેલિસના માતા-પિતાએ બે-ચાર પાદરીઓનો સંપર્ક સાધ્યો પણ તેમણે ઝાડ-ફૂંક કરવાની ના પાડી અને કહ્યું કે ભૂત-પ્રેત ભગાડવા બિશપની સંમતિ જરૂરી છે. કેથોલિક ચર્ચમાં ભૂત-પ્રેત ભગાડવાની આધિકારિક મંજૂરી ત્યારે જ અપાય છે જ્યારે વ્યક્તિ નિર્ધારિત માપદંડ ધરાવતો હોય. તે ભૂત-પ્રેતની છાયા, વળગાડ (infestation) વાળો કે આસુરી (demonic) પ્રભાવ હેઠળ હોય. પહેલાં તમે એનેલિસની વધુ તબીબી સારવાર કરાયો. એનેલિસને મનોરોગ હોસ્પિટલમાં દાખલ કરાઈ. તેને ઉન્મત્ત અવસાદ (bipolar disorder) નું નિદાન કરી તેની દવાઓ અપાઈ. પણ તેનાથી કોઈ ફરક ના પડયો. એનેલિસ વધારે આક્રમક બની ગઈ. તે પોતાના ઉપર હુમલો કરી પોતાની જાતને ઘાયલ કરી દેતી, પોતાનો પેશાબ પી જતી, જમીન પર ફરતા કીડા ખાઈ જતી. તે અત્યંત અશ્લીલ વાતો કરવા લાગતી, ગંદી ગાળો બોલવા લાગતી અને અર્થહીન બડબડાટ કરવા લાગતી. તે ધાર્મિક અને પવિત્ર વસ્તુઓથી દૂર રહેતી, એટલે વધારે ખાતરી થવા લાગી કે તેની અંદર પ્રેતાત્મા કે શેતાનનો વાસ છે. તે સખત તોફાન કરતી. માતા-પિતાને ઉંચકીને જમીન પર પટકી દેતી. તેમને વધી ગયેલા નખ મારતી. સખત બિભત્સ વર્તન કરતી. એ નિયંત્રણમાં રહેતી નહોતી એટલે તેને લોખંડની સાંકળોથી બાંધી રાખવી પડતી હતી.

૧૯૭૫માં પાદરી ફાધર અર્નસ્ટ ઓલ્ટને ખાતરી થઇ ગઈ કે એનેલિસ ભૂત-પ્રેતમાં પ્રભાવથી પીડિત છે. તેનામાં દુષ્ટ આત્માનો વળગાડ  (possessed) છે એટલે વુર્જબર્ગના બિશપ જોસેફ સ્ટેન્ગલ પાસેથી ભૂત ભગાડવાની સંમતિ લીધી. એનેલિસના શરીરમાં રહેતા પ્રેતાત્માઓને બહાર કાઢવાની એક્ષોર્સિસમ (exorcism) ની વિધિ શરૂ કરાઈ ત્યારે ખબર પડી કે તેના શરીરમાં એકાદ-બે નહીં, છ પ્રેતાત્માો રહેલા છે. એક પ્રેતાત્મા હતો રોમન રાજ્યના જુડિયન સામ્રાજ્યનો છેલ્લા શાસક નીરો (Nero) નો. બીજો આત્મા હતો જિસસ ક્રાઇસ્ટના એ શિષ્યનો જેણે માત્ર ૨૦ ચાંદીના સિક્કા માટે તેમની સાથે છેતરપિંડી કરી હતી. એનું નામ હતું જુડાસ ઇસ્કેરિઓટ (Judas Iscariot). ત્રીજો આત્મા હતો આદમ અને ઇવના નાના પુત્ર કેઇન (cain) નો. એનેલિસના શરીરમાં વસતો ચોથો આત્મા હતો જર્મનીના ક્રુર સરમુખત્યાર હિટલરનો. સોળમી સદીના બદનામ પાદરી વેલન્ટિન ફ્લિશમેન (Valentin Feischman) જેને શરાબ પીને હંગામા કરીને હત્યા કરવાના આરોપસર રોમન સામ્રાજ્યમાંથી નિષ્કાષિત કરી દેવાયા હતો તેનો આત્મા હતો. એનેલિસના શરીરમાં રહેતો છઠ્ઠો આત્મા તો ખતરનાક લ્યુસિફર (Lucifer) નો હતો જેને પતિત દેવદૂત અને નરકનો શેતાન કહેવામાં આવે છે. તેને ક્રિશ્ચિયન ધર્મશાસ્ત્રમાં બુરાઈ અને પાપનું સ્વરૂપ માનવામાં આવે છે.

એનેલિસ મિશેલના શરીરમાં રહેલા આ છ દુષ્ટ પ્રેતાત્માઓ તેને ખાવા-પીવા દેતા નહોતા અને સુખ-ચેનથી એનેલિસના શરીરમાંથી ભગાડવા ૬૭ વાર ધાર્મિક વિધિ-વિધાનો કર્યા હતા. પણ તેમાં તે સફળ થયા નહોતા. અપૂરતા પોષણને લીધે માત્ર ૨૩ વર્ષની ઉંમરે એનેલિસનું ૧ જુલાઈ ૧૯૭૬ના રોજ મરણ થઇ ગયું તું. એનેલિસ મિશેલના જીવન પરથી ત્રણ ફિલ્મો પણ બનેલી છે. એક ફિલ્મ છે - ધ એક્ષોર્સિસમ ઓફ એમિલી રોઝ (The Exorcism of Emily Rose) બીજી ફિલ્મ છે - રેક્વિમ (Requiem)  અને ત્રીજી ફિલ્મ છે - એનેલિસ - ધ એક્સોર્સિસ્ટ ટેપ્સ (The The Exorcist Tapes) મેટલ બેન્ડ 'આઈસ નાઈન કિલ્સે' એના ગીત 'કમ્યુનિયન ઑફ ધ કર્સ્ડ'ના પરિચયમાં એનેલિસ મિશેલના કેટલાક રેકોર્ડિંગનો ઉપયોગ કર્યો છે.

Tags :