Get The App

પરગ્રહવાસીઓ દ્વારા પૃથ્વી પર વસતા માનવીનું અપહરણ કરવાની ઘટના

Updated: Jul 1st, 2025

GS TEAM

Google News
Google News
પરગ્રહવાસીઓ દ્વારા પૃથ્વી પર વસતા માનવીનું અપહરણ કરવાની ઘટના 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તેને આકાશમાં લાલ ચમકતો તારો દેખાયો. થોડીવાર પછી તેને ખ્યાલ આવ્યો કે તે તારો નથી કેમ કે તે તેના ખેતર પર વધારે ને વધારે નજીક આવવા લાગ્યો હતો

ખ ગોળશાસ્ત્રી હાર્લો શેપલી માને છે કે આપણા અદ્યતન ટેલિસ્કોપથી દેખાતા તારાઓમાંથી લગભગ એક ટ્રિલિયન તારાઓ એવા છે કે જ્યાં જીવસૃષ્ટિ ઉદ્ભવી શકે તેવી પૂર્વભૂમિકા બનેલી છે. આપણા ખગોળશાસ્ત્રીઓ એવું અનુમાન કરે છે કે આ એક ટ્રિલિયન તારાઓમાંથી દર હજારમા તારા પર જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હશે. જીવનની ઉત્પત્તિના સંબંધમાં મહત્વપૂર્ણ પ્રયોગો કરનારા અમેરિકન જીવરસાયણ વિજ્ઞાાની સ્ટેનલી લોઇડ મિલરની અવધારણા એવી છે કે પૃથ્વી કરતાં અન્ય તારાઓના ગ્રહો પર જીવન ઉદ્ભવ થાય એવી વધારે અનુકૂળતા હોવાથી આપણી પૃથ્વી કરતાં ત્યાં વધુ ઝડપથી જીવન ઉદ્ભવ્યું હશે. તેમના માનવા પ્રમાણે એક લાખ ગ્રહો પર આપણા કરતાં વધુ વિકસિત પ્રજા નિવાસ કરતી હશે. જર્મન-અમેરિકન વિજ્ઞાાન લેખક, અંતરિક્ષ અન્વેષક અને ક્રિપ્ટોઝલોજીના સમર્થક વિલી લે (Willy Ley) જણાવે છે કે 'મિલ્કી વે' નામની આપણી આકાશગંગામાં જ લગભગ ત્રીસ અબજ જેટલા તારાઓ છે. અત્યારના ખગોળશાસ્ત્રીઓ દર્શાવે છે કે આપણી આકાશગંગા ઓછામાં ઓછી અઢાર અબજ પ્લેનેટરી સિસ્ટમ તો ધરાવે જ છે. માનો કે આ પ્લેનેટરી સિસ્ટમ એટલી બધી નિયંત્રિત છે કે સો માંથી એક ગ્રહ પણ તેના સૂર્યના ઇકોસ્ફીયરનું ભ્રમણ કરતો હોય તો ય જીવને પોષણ આપે એવા અઢાર કરોડ જેટલા ગ્રહો હોવા જોઇએ. આમાંથી લાખો નહીં તો હજારો તો એવા હશે જ્યાં અત્યંત બુદ્ધિશાળી અને સુવિકસિત લોકો વસતા હશે.

રશિયન વિજ્ઞાાની અને સંશોધક સેઇઝેવ, રેડિયો એસ્ટ્રોનોમિક ડિપાર્ટમેન્ટના ડાયરેકટર સ્કલોવ્સ્કી આધુનિક સ્પુટનિકના પિતા હરમાન ઓબર્થ માને છે કે આપણી પૃથ્વી પર પરગ્રહવાસીઓ અનેકવાર આવી ચૂક્યો છે. પ્રવર્તમાન સમયના અગ્રગણ્ય અમેરિકન ખગોળવિજ્ઞાાની, ખગોળભૌતિકીવિદ અને વિજ્ઞાાન સંચરક કાર્લ સેગાને 'સર્ચ ફોર એકસ્ટ્રા ટેરેસ્ટ્રિયલ ઇન્ટેલિજન્સ (SETI) માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી અને ધ પ્લેનેટરી સોસાયટીની સ્થાપનામાં મદદ કરી હતી. બ્રહ્માંડ વિજ્ઞાાની અને ભૌતિકવિજ્ઞાાની સ્ટીફન હોકિંગે પણ એલિયન સભ્યતા સાથે સક્રિય રીતે સંવાદ કરવાના પ્રયાસોની બાબતમાં ચેતવણી આપી હતી. તે એલિયન જીવનની શોધમાં રૂચિ ધરાવતા હતા.' આ ઉપરાંત ફ્રેન્ક ડ્રેક અને બ્રેક થુ્ર લિસન પ્રોજેક્ટના વિજ્ઞાાની સ્ટીવ ક્રોફ્ટ પણ પરગ્રહવાસીઓના જીવનના અસ્તિત્વનું સમર્થન કરનારા પ્રમુખ સંશોધકો છે.

પરગ્રહવાસીઓ દ્વારા પૃથ્વી પર વસતા માનવીનું અપહરણ કરી તેના પર પ્રયોગ કરવાની અને તેના થકી સંતાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવાની એક ઘટના પર ભારે સંશોધન થયું હતું. બ્રાઝિલના મિનાસ ગેરાઇસમાં આવેલા નાના ગર સાઓ ફ્રાન્સિસ્કો ડી સેલ્સમાં રહેતા એન્ટોનિયો વિલાસ બોઅસ (Antonio Villas Boas) ૨૩ વર્ષનો હતો ત્યારે આ ઘટના બની હતી. ૫ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ રાત્રે ૧૧ વાગે તેના ઘર પરગ્રહવાસીઓએ એમના અવકાશયાનમાંથી અજ્ઞાાત પ્રકાશ કિરણો રેલાવ્યા હતાં. ઘરના બારીબારણાં બંધ હોવા છતાં તેની તિરાડોમાંથી પણ એ ઝળહળતો પ્રકાશ અંદર આવતો હતો. પછી ૧૪ ઓક્ટોબરના રોજ તે પરગ્રહવાસીઓ એન્ટોનિયો બોઅસના ખેતર પર આવ્યા હતા. દિવસની ગરમીથી બચવા માટે બોઅસ તેના ભાઈ સાથે ખેતરમાં રાત્રે ખેતી કરતો હતો. રાત્રિના ૯.૩૦ વાગ્યા હતા. તે વખતે તેમણે ખેતરના એક ખૂણા પર મોટો, વર્તુળાકાર આંખોને આંજી દે તેવો પ્રકાશ જોયો. તે ક્યાંથી આવે છે તેની તપાસ કરવા અન્ટોનિયો તે તરફ ગયો તે તે પ્રકાશ ત્યાંથી અદ્રશ્ય થઇને બીજા ખૂણા પર ઝળહળી ઉઠયો આવું બે થી ત્રણ વાર થયું. પછી પ્રકાશ આવતો બંધ થઇ ગયો.

તેના બીજા જ દિવસે એટલે ૧૫ ઓક્ટોબર ૧૯૫૭ના રોજ એન્ટોનિયો રાત્રે એકલો જ ટ્રેકટરથી ખેતર ખેડી રહ્યો હતો. તે વખતે પહેલાં તેને આકાશમાં લાલ ચમકતો તારો દેખાયો. થોડીવાર પછી તેને ખ્યાલ આવ્યો કે તે તારો નથી કેમ કે તે તેના ખેતર પર વધારે ને વધારે નજીક આવવા લાગ્યો હતો. તે ખેતર પર ઊતર્યો ત્યારે ખબર પડી કે તે અંડાકાર મોટું અવકાશયાન હતું જે લાલ પ્રકાશ રેલાવી રહ્યું હતું. આ વિચિત્ર યાન જોઇને એન્ટોનિયોએ તેના ટ્રેકટર પર બેસી ત્યાંથી નાસી જવા પ્રયાસ કર્યો પણ તે થોડેક આગળ વધ્યો હશે ત્યાં તેના ટ્રેકટરનું એન્જિન એકદમ બંધ પડી ગયું અને તેની લાઇોટ પણ બંધ થઇ ગઈ. પછી તેણે પગે ચાલીને આગળ વધવાનો નિર્ણય કર્યો. પણ એક પાંચ ફૂટ લાંબા માનવાકૃતિ પ્રાણી (humanoid) જેવા દેખાતા પરગ્રહવાસીએ તેને પકડી લીધો. તેણે ગ્રે કવરોલ અને હેલ્મેટ પહેરી હતી. તેની આંખો નાની અને ભૂરી હતી અને તે બોલવાને બદલે ચિત્કારતો હોય એવું લાગતું હતું. પછી તેના જેવા બીજા ત્રણ એલિયન્સ તેની સાથે જોડાઈ ગયા. તે બધા તેને એમના અવકાશ યાનમાં લઇ ગયા.

એન્ટોનિયો બોઅસે તેના અનુભવનું વર્ણન કરતાં કહ્યું હતું કે યાનમાં લઇ ગયાબાદ તે પરગ્રહવાસીઓે તેના બધા વસ્ત્રો ઉતારી લીધા પછી તેના શરીર પર જેલ જેવું કોઈ પ્રવાહી ચોપડી દીધું. તેને મોટા અર્ધવૃત્તાકાર ઓરડામાં લઇ ગયા. ત્યાં તેમણે તેની હડપચી પરથી લોહીના નમૂના લીધા અને બીજા ટેસ્ટ કર્યા. તે પછી તેને ત્રીજા કક્ષમાં લઇ જવામાં આવ્યો. થોડા સમય બાદ તે ઓરડામાં એક એલિયન યુવતીએ પ્રવેશ કર્યો. તે યુવતી પણ નિર્વસ્ત્ર હતી. તેણે આ દુનિયામાં જોયેલી સુંદર સ્ત્રીઓમાં તે સર્વાધિક સુંદર કહેવાય તેવી હતી. તેની દેહાકૃતિ પણ માનવાકાર પ્રાણી જેવી જ હતી. તેનો ઇરાદો સ્પષ્ટ હતો. તેણે કોણ જાણે શું કર્યું કે અન્ટોનિયો તેને વશ થઇ ગયો. તે યુવતીએ તેને જાતીય રીતે ઉત્તેજિત કર્યો અને તેની સાથે જાતીય સમાગમ કર્યો. તેનું કામ પુરૃં થઇ ગયા બાદ તેના ચહેરા પર સંતૃપ્તિનો ભાવ છવાઈ ગયો. શારિરીક સમાગમ દરમિયાન પણ તે કશું બોલી નહોતી. ક્યારેક તેના મુખેથી આછો ચિત્કાર નીકળતો હતો. પછી તે હ્યુમેનોઇડ એલિયન યુવતીએ તેના પેટ પર હાથ મૂક્યો હતો અને ઉપર આકાશ તરફ આંગળી ઊંચી કરી હતી તે એમ કહેવા માંગતી હતી કે તે ગર્ભવતી બની જશે અને આકાશમાં ઘણે દૂર રહેલા એમના ગ્રહ પર જઇ તેમના બાળકનું લાલન-પાલન કરશે. શું એન્ટોનિયો અને તે પરગ્રહવાસી યુવતીથી જન્મેલું વિચિત્ર બાળક બ્રહ્માંડમાં ક્યાંક વિકસિત થઇને રહેતું હશે ? શું તે ફરી પૃથ્વી પર કોઈવાર આવ્યું હશે કે નજીકના ભવિષ્યમાં આવશે ? બન્નેના સંયોગથી જન્મેલું તે પ્રાણી કેવું હશે ? એન્ટોનિયોને યાનમાંથી ઉતારી દેવામાં આવ્યો ત્યારે સવારના ૫.૩૦ વાગ્યા હતા અને થોડી સેકન્ડોમાં જ તે એલિયન યાન ત્યાંથી આકાશમાં ઊડી ગયું હતું. અમેરિકન યુફો રિસર્ચ ગુ્રપ સાથે સંકળાયેલા નેશનલ સ્કૂલ ઑફ મેડિસિન ઑફ બ્રાઝિલના ઓલાવો ફોન્ટેસે આ ઘટના બાદ એન્ટોનિયાના શરીર પર પડેલા ઘાનું પરીક્ષણ કર્યું હતું અને તેના પર થયેલા ભારે રેડિએશન માટે સારવાર આપી હતી.

Tags :