Get The App

મરણ પછી જીવાત્મા પ્રેત, પિતૃ કે દેવ અવસ્થામાં રહે છે અને જરૂર પડયે એના સ્વજનોનો સંપર્ક પણ કરે છે!

- ગોચર-અગોચર- દેવેશ મહેતા

- અધ્યાત્મ વિજ્ઞાાનમાં શરીર અને મન ઉપરાંત સૂક્ષ્મ શરીરધારી આત્માનું અસ્તિત્વ પણ સ્વીકારવામાં આવ્યું છે

Updated: Sep 1st, 2020

GS TEAM

Google News
Google News
મરણ પછી જીવાત્મા પ્રેત, પિતૃ કે દેવ અવસ્થામાં રહે છે અને જરૂર પડયે એના સ્વજનોનો સંપર્ક પણ કરે છે! 1 - image

'ગર્ભસ્થો વા પ્રસૂતો વાપ્યથ વા દિવસાન્તર:

અર્ધમાસગતો વાપિ માસમાત્રગતો।પિ વા ।।

સંવત્સરગતો વાપિ દ્વિસંવત્સર એવ વા ।

યૌવનસ્થો।થ મધ્યસ્થો વૃદ્ધો વા પિ વિપદ્યતે ।।

કોઈ ગર્ભમાં રહેલો હોય ત્યારે, કોઈ જન્મ લે તે જ વખતે, કોઈ જન્મ પછી તરત થોડા દિવસોમાં કોઈ પંદર દિવસે તો કોઈ એક મહિને, કોઈ બે વર્ષે, કોઈ યુવાવસ્થામાં, કોઈ મધ્યમ અવસ્થામાં તો પછી કોઈ વૃદ્ધાવસ્થાએ પહોંચીને મૃત્યુ પામે છે.'

- મહર્ષિ વેદવ્યાસ (મહાભારત, સ્ત્રી પર્વ, ૩, ૧૫/૧૬)

શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધના શ્લોકમાં વસુદેવજી કહે છે -'મૃત્યુર્જન્મવતાં વીર દેહેન સહ જાયતે । અદ્ય વા અબ્દ શતાન્તે વૉ મૃત્યુર્વૈ પ્રાણીના ધુ્રવમ્ ।। હે વીર જન્મ ધારણ કરનારા દરેકને એનો દેહ પ્રાપ્ત થાય છે એ જ સમયે મૃત્યુ પણ ઉત્પન્ન થઈ જાય છે. આજે કે સો વર્ષ પછી પ્રત્યેક પ્રાણીને મૃત્યુ આવવું નિશ્ચિત છે.' ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને મૃત્યુની અવશ્યંભાવિતા સમજાવતા કહે છે કે  - 'જે જન્મેલો છે તેનું મૃત્યુ નક્કી છે, જે મરણ પામેલો છે તેનું મૃત્યુ નક્કી છે, તેથી જે ટાળી શકાય તેવું નથી તે મૃત્યુની બાબતમાં તું શોક કરે છે તે યોગ્ય નથી.'

મૃત્યુ કોઈ વિભીષિકા ઘટના નથી તે એક નિશ્ચિત સંભાવના છે. જેમ જન્મને એક ઉત્સવ તરીકે ઉજવાય છે તેમ જ્ઞાાનીને માટે મરણ પણ એક ઉત્સવ સમાન બને છે. તે દુ:ખદ નહી પણ સુખદ ઘટના છે. આવું ધન્યતાયુક્ત જીવન, કૃતકૃત્યભાવથી ભરેલું જીવનનું અંતિમ ચરણરૂપ મૃત્યુ જીવન દેવતાની ઉપાસનાનું વરદાન પણ બની રહે છે. ભગવાન બુદ્ધ જ્યારે દેહ છોડી રહ્યા હતા ત્યારે તેમના શોકસંતપ્ત શિષ્યને તેમણે કહ્યું હતું - 'આનંદ, રડીશ નહીં આ રડવાનો પ્રસંગ નથી. મૃત્યુ તો સંપૂર્ણ સ્વાભાવિક છે તે માટે દરેકે પહેલેથી તૈયાર રહેવાનું જ હોય.' સ્વામી દયાનંદ સરસ્વતીએ એમના જીવનની છેલ્લી પળે પ્રસન્ન ભાવે સંતોષપૂર્વક લાંબો શ્વાસ ખેંચીને કહ્યું હતું - 'હે દયાળુ ઇશ્વર ! તારી ઇચ્છા પૂરી કર. હું જાગૃત છું, સાવધાન છું, મૃત્યુ માટે એકદમ તૈયાર છું.'

રશિયાના પ્રસિદ્ધ વિજ્ઞાાની, ગણિતશાસ્ત્રી અને ગૂઢવિદ્યા વિશારદ (ર્ંબબેનૌજા) ડો. પી. ડી. ઓસ્પેન્સ્કી (ર્ંેજૅીહજંઅ) જીવનના છેલ્લા તબક્કામાં ગંભીર રીતે બીમાર પડયા ત્યારે તેમના ચિકિત્સકોએ તેમને પથારીમાંથી ઉઠવાની પણ મનાઈ ફરમાવી દીધી હતી. તેમણે કહ્યું કે હવે બે- ત્રણ મહિનાથી વધારે જીવવાની શક્યતા નથી. ઓસ્પેન્સ્કીએ વિચાર્યું - 'જો મરવાનું જ છે તો એનાથી ડરીને પથારીમાં શા માટે મરવું ? જાગૃત/ સભાન રહીને તથા સતત પ્રવૃત્તિમય રહીને મરવું જોઈએ. મૃત્યુ આવે ત્યારે તેનો પૂરેપૂરો સાક્ષાત્કાર કરવો.' તેમણે પથારીમાં પડી રહીને આરામ કરવાને બદલે પ્રવૃત્તિ કરવા માંડી. તે બેસતા, ચાલતા અને દોડતા પણ ખરા. મિત્રોએ બીમારી યાદ કરાવી આરામ કરવા વિનંતી કરી, તેમણે કહ્યું - હું અચેતન અવસ્થામાં મરણ પામવા નથી માંગતો. સંપૂર્ણ ચેતના સાથે મૃત્યુને જોવા માંગું છું.' છેલ્લી પળો દરમિયાન તે સભાનપણે બોલ્યા હતા - 'હવે આ શરીર નાશ પામનારું છે. તમે બધાં એ જોશો. હું ઘણા સમય પહેલાથી એ જોઈ રહ્યો છું કે શરીરે સાથ છોડી દીધો છે પરંતુ મારી આત્મસત્તા પર એની કોઈ અસર નથી. હું મરણ વખતે અને પછી પણ યથાવત્ રહીશ. મારો આત્મા સદાકાળ વિદ્યમાન રહેશે.'

મરણ પછી પણ આત્માનું અસ્તિત્વ યોગ્ય રીતે જળવાઈ રહે છે. જીવતા અને મરેલાનો ભેદ માત્ર સ્થૂળ અને ગોચર વિશ્વ સુધી જ મર્યાદિત રહે છે. સૂક્ષ્મ અને અગોચર વિશ્વમાં બધા જ જીવે છે. સ્થૂળ શરીર નિર્જીવ પદાર્થોના બંધનોથી બંધાયેલ હોવાથી સીમાયુક્ત છે, જ્યારે સૂક્ષ્મ શરીર અપાર્થિવ છે તેથી તે સીમારહિત છે. અધ્યાત્મ વિજ્ઞાાનમાં શરીર અને મન ઉપરાંત સૂક્ષ્મ શરીરધારી આત્માનું અસ્તિત્વ પણ સ્વીકારવામાં આવ્યું છે. આ સૂક્ષ્મ શરીર જીવંત અવસ્થામાં સ્થૂળ શરીર સાથે સંકળાયેલું રહે છે અને મરણ પછી પણ અસ્તિત્વવાન રહે છે.

લગભગ ચાર હજાર વર્ષ પૂર્વે મિસરના મહાન અધ્યાત્મવેત્તા સ્ક્રાઇન એસીએ દર્શાવ્યું હતું કે, મરણ પછી પણ જીવનનું અસ્તિત્વ જળવાઈ રહે છે. મરણ બાદ ચેતના થોડા સમય માટે વિશ્રામ કરે છે. પછી આત્મા યોગ્ય શરીર પ્રાપ્ત થાય ત્યારે ફરી જન્મ ધારણ કરે છે. ગ્રીક લોકોની માન્યતા છે કે મરણ બાદ આત્મા 'સબલુનર વર્લ્ડ'માં રહે છે એની ઇચ્છા હોય તો તે પાછો ત્યાંથી આ જગતમાં આવે છે કે નવો જન્મ લઈ અહીં રહે છે. હિદુ ધર્મની માન્યતા છે કે મરણ બાદ જીવાત્મા પ્રેત અવસ્થામાં રહે છે. ખાસ પ્રક્રિયાથી તે પિતૃ અવસ્થાને પ્રાપ્ત થઈ પિતૃલોકમાં રહે છે. ત્યાંથી તે દેવ અવસ્થાને પ્રાપ્ત કરી દેવલોકમાં પણ ગતિ કરી શકે છે. એવું બને કે કેટલાક બહુ લાંબા ગાળા પછી પ્રેત અવસ્થા કે પિતૃ અવસ્થામાં જ રહેવા પામતા હોય છે.

પ્રેત, પિતૃ કે દેવ અવસ્થામાં રહેલા આત્મા એમની ઇચ્છા હોય ત્યારે કે કોઈ ખાસ પ્રસંગે જરૂર પડે ત્યારે એમના સ્વજનો કે ક્યારેક અજાણ્યા સમક્ષ પ્રગટ થઈને તેમને સહાય કરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે. આવા અનેક પ્રસંગો બનેલા છે. વિશ્વ વિખ્યાત 'લાઇફ' મેગેઝિનના સંપાદક જ્યોર્જ લેથમ એમના સ્વાનુભવથી જ પરલોકવાદી, પ્રેતાત્માના અસ્તિત્વમાં વિશ્વાસ રાખનારા બન્યા હતા. એમનો પુત્ર જોન વિશ્વયુદ્ધ દરમિયાન ફ્લેડર્સના યુદ્ધ મોરચા પર પણ મરણ પામ્યો હતો. તેણે પ્રેત રૂપે તેના પિતા સાથે  સતત સંપર્ક સાધી રાખ્યો હતો અને પારલૌકિક જગતના પુરાવાઓ આપ્યા હતા.

વિશ્વભરમાં ખ્યાતિ પામેલા હસ્તરેખાશાસ્ત્રી અને અંકશાસ્ત્રી (ન્યુમરોલોજિસ્ટ) કીરો (ભરીૈર્િ) ને એમના મૃત પિતાએ પ્રેતરૂપે પ્રગટ થઈ મદદ કરી હતી. આઇરીશ પામિસ્ટ કીરોનું મૂળ નામ વિલિયમ જ્હૉન વૉનર હતું, પણ તેમણે તે બદલીને કાઉન્ટ લ્યુઇ હેમોન નામ ધારણ કર્યું. પાછળથી તે 'કીરો' નામથી ઓેળખાયા. તેમના પિતા વિલિયમ વોર્નર મરણ પામ્યા તેની પૂર્વે ખૂબ અશક્ત થઈ ગયા હતા. મરણના દિવસે તે થોડી બાબતો કુટુંબીઓને કહેવા માગતા હતા પણ એમનાથી બોલી ના શકાયું તે કહ્યા વિના જ મરણ પામ્યા. થોડા મહિના બાદ કીરો એક પ્રેત આહ્વાન બેઠક (જીીચહબી) માં સામેલ થયા ત્યારે તેમના પિતાએ પ્રેતરૂપે પ્રગટ થઈને કહ્યું - 'આપણા કુટુંબ સાથે સંબંધિત કેટલાક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ લંડનના ડેવિસ એન્ડ સન સોલિસિટરને ત્યાં મેં મૂકેલા છે. તેમની ઑફિસ લંડનના સ્ટ્રેન્ડ વિસ્તારમાં ચર્ચ પાસે એક સાંકડી સડક ઉપર છે. હુંતે રસ્તાનું સ્ટ્રીટનું નામ ભૂલી ગયો છું. તું તે વકીલની ઑફિસમાંથી તે દસ્તાવેજો લઈ આવજે.' કીરો પ્રેતાત્માના અસ્તિત્વમાં માનતા હતા તેમણે તેમના પિતાની વાત માની લીધી.

બીજા દિવસે તે સ્ટ્રેન્ડ વિસ્તારના ચર્ર્ચ પાસેની સ્ટ્રીટ્સ પર 'ડેવિસ એન્ડ સન' નામના સોલિસિટરની ઓફિસની શોધમાં નીકળી ગયા ઘણી શોધખોળ, પૂછપરછ પછી તેમને તે ઓફિસ મળી તેના જૂના માલિક જેમને વિલિયમ વોર્નરે દસ્તાવેજો સાચવવા આપ્યા હતા તે તો મરી ગયા હતા પરંતુ તેમનો વ્યવસાય બીજા સોલિસિટરે પોતાને હસ્તક લઈ લીધો હતો. પહેલાં તો એ નવા માલિકે એટલા જૂના દસ્તાવેજો જલ્દી શોધી કાઢવા પોતાની અસમર્થતા બતાવી પરંતુ જ્યારે કીરોએ તેને એ બદલ ઇનામ આપવાની વાત કરી તો તેણે જૂના બંડલોમાંથી ખાસી મહેનત કરી તે દસ્તાવેજો શોધી આપ્યા હતા !