- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- બડી કાલીજી મઠના મંદિર, ઉજ્જૈનના ઇન્દ્ર ઘૂમનેશ્વર મહાદેવ મંદિરના અગ્રભાગમાં આવેલી ખોખા માતાની મૂર્તિ પણ દૈવી પ્રભાવશાળી સાબિત થઈ છે
પ વિત્ર તીર્થસ્થળો, મંદિરો, આશ્રમો, ગુફાઓ સંચિત થયેલી દૈવી ઊર્જાના અખૂટ ભંડાર રૂપ હોય છે. તે સ્થળો પર થોડો ઘણો સમય વીતાવનારા લોકોમાં તે દૈવી ઊર્જાના તરંગો ગુણાત્મક ભાવ-પરિવર્તન લાવી આત્મ-અનુભૂતિ કે આરાધ્ય દેવ-દેવીઓનો સાક્ષાત્કાર પણ કરાવી દે છે. મંદિર એવું સ્થળ છે જ્યાં દૈવી શક્તિનું અવતરણ થાય છે. મંદિરને દેવાલય પણ કહેવાય છે. દેવાલય એટલે દેવ-દેવીઓને રહેવાનું સ્થાન. દેવાલયમાં દેવ-મૂર્તિ પ્રાણ-પ્રતિષ્ઠા કરી પ્રસ્થાપિત કરાય છે. અહીં ઈશ્વરીય ચેતના મૂર્તિ રૂપે મૂર્ત થાય છે. વાસ્તુ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન અને સ્થાપત્ય વિજ્ઞાનના સમન્વયથી મૂર્તિ, યંત્ર, શિવલિંગ કે શાલિગ્રામ રૂપે ત્યાં દૈવી ચેતનાનું સ્વરૂપ બિરાજમાન થઈ ઉપાસકને દિવ્ય અનુભૂતિ કરાવતું રહે છે. મંદિર પર દિવ્ય ઊર્જા ઊતરે છે. મંત્રો અને પૂજાથી પ્રગટ થઈ લાંબા સમય સુધી સંગ્રહીત રહે છે. મંદિરને દૈવી ચેતના રૂપી શક્તિનું પાવર હાઉસ કહી શકાય. મૂર્તિ, શિવલિંગ કે યંત્ર સાધકના આત્મશક્તિને પ્રવૃદ્ધ કરનાર ડાયનેમો અને એક્સિલરેટર છે. મૂર્તિ આકારના માધ્યમથી અને મંત્ર ધ્વનિના માધ્યમથી ચૈતન્ય ઊર્જા ક્ષેત્રમાં વિશિષ્ટ તરંગો આંદોલિત કરી એનું ઊર્ધ્વીકરણ કરનારા શ્રેષ્ઠ ઉપકરણો (સાધનો) સાબિત થાય છે.
મંદિરો અને સિદ્ધ પુરુષોના આશ્રમો દિવ્ય ચેતનાના ધામ છે એટલે ત્યાં ઘણીવાર કુદરતના સામાન્ય નિયમોનું અતિક્રમણ થઈ જવાને કારણે ચમત્કારો બનતા હોય છે. ગુજરાતના રાણી ગોસલ દેવીએ ચોસઠ યોગિની મંદિરમાં ગૌરી શંકરનું મંદિર બનાવડાવ્યું હતું. ઔરંગઝેબ તેના સૈનિકો સાથે એ ૯ના ગર્ભગૃહમાં રહેલી ગૌરી-શંકરની મૂર્તિઓ તોડવા ગયો ત્યારે એ મૂર્તિઓના ચરણમાંથી દૂધની ધારા વહેવા લાગી હતી અને અચાનક અકલ્પ્ય રીતે સેંકડો સાપ, વીંછીઓ અને મધમાખીઓ પ્રકટ થઈ ઔરંગઝેબના દળ સામે ધસી ગયા હતા. થોડીવાર પહેલાં ગર્ભગૃહમાં એક પણ સાપ, વીંછી કે મધમાખી નહોતા. આ ચમત્કાર જોઈને ઔરંગઝેબ અને તેના સૈનિકો ત્યાંથી પાછા વળીને ભાગી ગયા હતા. થોડી વાર પછી પેલા સેંકડો સાપ, વીંછી, મધમાખીઓ જેમ અદ્રશ્ય રીતે શૂન્ય માર્ગે પ્રગટ થયા હતા તેમ પાછા પળ ભરમાં તિરોહિત થઈ ગયા હતા. પોતાની નજર સામે બનેલો આ ચમત્કાર જોઈ ત્યાં ઉપસ્થિત લોકો વિસ્મય પામી ગયા હતા.
દેવી કાલી માતાને સમર્પિત બદ્રીનાથ માર્ગ પર ધરવાલમાં શ્રીનગર અને રુદ્રપ્રયાગની વચ્ચે અલકનંદા નદીના તટ પર આવેલું ધારી દેવી મંદિર પણ દૈવી શક્તિઓનું કેન્દ્રસ્થાન મનાય છે. ધારી દેવીની મૂર્તિનો ઉપરનો અડધો ભાગ અલકનંદા નદીમાં વહીને અહીં આવ્યો હતો ત્યારથી એ મૂર્તિ આ જગ્યાએ જ છે. મૂર્તિનો નીચેનો અડધો ભાગ કાલીમઠમાં પ્રતિષ્ઠિત છે. એવું કહેવાય છે કે ધારી દેવી દિવસ દરમિયાન એમનું રૂપ બદલે છે. ક્યારેક તે કન્યા (બાળકી)ના રૂપે, ક્યારેક યુવતીના રૂપે તો ક્યારેક વૃદ્ધાના રૂપે દર્શન આપે છે. ધારી દેવીમાં કાલી માતાની પ્રતિમા શાંત મુદ્રામાં સ્થિત છે અને કાલીમઠમાં ક્રોધાયમાન મુદ્રામાં જોવા મળે છે. આ મંદિરમાં પરંપરા પ્રમાણે જ બધું ચલાવવું પડે છે. ધારી દેવીના મંદિરમાં કરાયેલો નાનો સરખો ફેરફાર પણ ચાર ધામના મંદિરોમાં પુર પ્રલય લાવી દે છે એવું લોકો માને છે. એટલે કાલીના પ્રકોપથી બચવા ત્યાંની પરંપરાગત બાબતોમાં લેશમાત્ર પરિવર્તન કરાતું નથી. આ મંદિરમાં દિવસના જુદા જુદા પ્રહર પ્રમાણે કાલી માતાના ચહેરાના ભાવો બદલાતા જોવા મળે છે. સવારે માતા રાણીનો ચહેરો સ્મિત સભર દેખાય છે, બપોરે સૌમ્ય, શાંત જોવા મળે છે અને રાત્રે તે ક્રોધિત થઈ જાય છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના મંદિરોમાં ભદ્રકાળી માતાનું મંદિર અનોખા પ્રકારનું છે. ત્યાંના ભલેઈ નામના નાના ગામના આધારે તેને ભલેઈ માતાનું મંદિર કહેવાય છે. ચંબાના રાજા પ્રતાપસિંહ દ્વારા ભલેઇના ભદ્રકાળી મંદિરનું નિર્માણ કરાયું હતું. એવું કહેવાય છે કે એકવાર ચોર ભલઈ માતા (કાલી માતા)ની મૂર્તિ ચોરીને લઈ જતા હતા ત્યારે ચમત્કારિક ઘટના બની હતી. ચોર મૂર્તિને ઉઠાવીને આગળ ચાલે તો તેમને દેખાતું બંધ થઈ જાય. જ્યારે મૂર્તિને પાછી મૂકી આવવા બે-ચાર ડગલાં પાછળની તરફ ભરે ત્યારે પાછું બધું દેખાવા માંડે. બે- ચાર વાર આવું થયું એટલે તે સમજી ગયા કે ભદ્રકાળી માતા એમને એમની સાથે લઈ જવા મનાઈ કરી રહ્યા છે એટલે તે ભયભીત થઈ ચૌહડામાં જ એ મૂર્તિ મૂકીને ભાગી ગયા. પછી તે મૂર્તિને મંદિરમાં પ્રસ્થાપિત કરી દેવામાં આવી. અનેક શ્રધ્ધાળુઓએ એવું જોયું છે કે દેવી પ્રસન્ન થાય છે ત્યારે મૂર્તિમાંથી પરસેવો નીકળે છે. દેવીની મૂર્તિમાંથી પરસેવો નીકળે એનો અર્થ એવો કરાય છે કે દેવી પ્રસન્ન છે એટલે તેમની આગળ જે ઇચ્છા રાખી છે તે પૂરી થશે. જબલપુરના કાલી માતાના મંદિરમાં રહેલી કાલી માતાની મૂર્તિમાંથી પણ પરસેવો નીકળતો જોવા મળે છે.
બિહારના ગયા જિલ્લાના લખનપુરા નામના સ્થાને આવેલું સંકટ (સંકટા) માતા મંદિર પણ ભારે ચમત્કારિક છે. અહીં રહેલી દેવીની મૂર્તિને ભગવાન રામ વનવાસ પર હતા ત્યારે લક્ષ્મણે પ્રસ્થાપિત કરી હતી. આ મંદિરમાં એક અખંડ જ્યોતિ યુગોથી પ્રજ્વલિત થયેલી છે જે ક્યારેય પણ બુઝાતી નથી. આ મંદિરની રામાયણકાલીન દેવી પ્રતિમા પણ દિવસમાં ત્રણ રૂપ બદલે છે. સવારે તે બાલ અવસ્થામાં દેખાય છે, બપોરે યૌવન અવસ્થામાં દેખાય છે અને સાંજે પ્રૌઢવસ્થામાં દેખાય છે. આ દેવીને પણ સંકટ નિવારણી કહેવાય છે કેમ કે તે ગમે તેવા સંકટ દૂર કરી દે છે. એવું મનાય છે કે લક્ષ્મણના સંકટ આ દેવીએ દૂર કરી દીધા હતા. તે ભક્તોની ઇચ્છાઓને પૂર્ણ કરી દેનાર પણ છે.
નવરાત્રિના દિવસોમાં અહીં શ્રધ્ધાળુઓની ભારે ભીડ ઉમડે છે. માતા સીતાના આદેશ અનુસાર બનાવાયેલા આ દૈવી મંદિરની આસપાસ પહેલાં ગાઢ જંગલ હતું ત્યારે વાઘ અને સિંહ પણ સંકટ (સંકટા) માતાના દર્શન કરવા સવારે એક વાર આવતા હતા અને દંડવત કહીને ગર્જના કરી ત્યાંથી ચાલ્યા જતા હતા. જો કે તે કોઈના પર હુમલો કરતા ન હોતા. બડી કાલીજી મઠના મંદિર, ઉજ્જૈનના ઇન્દ્ર ઘૂમનેશ્વર મહાદેવ મંદિરના અગ્રભાગમાં આવેલી ખોખા માતાની મૂર્તિ પણ દૈવી પ્રભાવશાળી સાબિત થઈ છે. માતાની મૂર્તિ પર કરાયેલ અભિષેકનું જળ કે એમને ધરાવેલ પ્રસાદ કેટલાકને રોગનિવારક પણ બને છે. દૈવી સ્થાનો પર પ્રગટ થતી દિવ્ય ચેતના ચમત્કારો સર્જતી હોય છે.


