Get The App

પશુ-પક્ષીઓ ધરાવે છે વિલક્ષણ અંતર્જ્ઞાન અને રહસ્યમય અતીન્દ્રિય શક્તિ

Updated: Mar 31st, 2026

GS TEAM

Google News
Google News
પશુ-પક્ષીઓ ધરાવે છે વિલક્ષણ અંતર્જ્ઞાન અને રહસ્યમય અતીન્દ્રિય શક્તિ 1 - image

- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- પશુઓ પ્રાકૃતિક આપત્તિઓને પહેલેથી જ જાણી લે છે અને મનુષ્યો સાથે ભાવનાત્મક રૂપે જોડાઈ શકે છે.

"Animals are reliable, many full of love, true in their actions, grateful and loyal.  પશુઓ ભરોસાપાત્ર હોય છે, પ્રેમથી ભરેલા હોય છે, પોતાના સ્નેહમાં સાચા, પોતાના વ્યવહારમાં સ્થિર, કૃતજ્ઞા (ઉપકારનો બદલો ઉપકારથી વાળનારા) અને વફાદાર હોય છે.

- Alfred Montapert 

(આલ્ફ્રેડ મોન્ટાપર્ટ)

Animals have more sense than many humans, they are guided by instinct which is often wiser than reason.

પશુઓ ઘણા મનુષ્યોથી વધારે સમજદાર હોય છે. તે પોતાની આંતરિક વૃત્તિ, સહજ જ્ઞાનથી દોરવાય છે જે મોટે ભાગે તર્કથી પણ વધારે બુદ્ધિમાન હોય છે.

Animals respond to subtle energies and signals that humans usually ignore.

પશુઓ સૂક્ષ્મ ઊર્જા અને સંકેતો પર પ્રતિક્રિયા આપે છે જેને માનવી મહદંશે નજરઅંદાજ કરી દે છે.

- Bill Schul (બિલ શુલ)

What seems like intelligence may sometimes be sensitivity to the smallest human signals. જે આપણને બુદ્ધિમત્તા લાગે છે તે ક્યારેક ક્યારેક માનવીના સૂક્ષ્મ સંકેતોને સમજવાની ક્ષમતા હોય છે.

- Oskar Pfungst 

(ઓસ્કર ફન્ગસ્ટ)

ધ સાઈકિક પાવર ઓફ ધ એનિમલ્સ (The Psychic Power of the Aniamls) નામના પુસ્તકના લેખક બિલ શુલ  (Bill Schul)  દર્શાવે છે કે પશુઓ (ખાસ કરીને પાળેલાં પશુઓ) માણસોની સરખામણીએ વધારે સંવેદનશીલ હોય છે અને અદ્રશ્ય ઊર્જાઓને, નજીકના ભવિષ્યમાં આવનારા જોખમને પહેલેથી જાણી લે છે. તેમનામાં અસાધારણ માનસિક ક્ષમતાઓ, પૂર્વાભાસ, ટેલિપથી અને દિશા શોધનની અદ્ભૂત શક્તિ હોય છે. તે દર્શાવે છે કે કઈ રીતે પશુઓ પ્રાકૃતિક આપત્તિઓને પહેલેથી જ જાણી લે છે અને મનુષ્યો સાથે ભાવનાત્મક રૂપે જોડાઈ શકે છે. બિલ શુલે એવી અનેક ઘટનાઓ રજૂ કરી છે જેમાં પશુઓની અતીન્દ્રિય શક્તિએ અનેક લોકોના જીવ બચાવ્યા હતા. એમાંની એક ઘટના આવી છે - ૧૯૨૯ના વર્ષ દરમિયાન એક ઘોડેસવાર ઝડપથી ઘોડો દોડાવતો રસ્તા પરથી જઈ રહ્યો હતો. ઘોડો રસ્તા પર અચાનક ઊભો રહી ગયો. ઘોડેસવારને નવાઈ લાગી કેમ કે તેણે લગામ ખેંચીને ઘોડાને ઊભો રાખ્યો નહોતો કે રસ્તા પર કોઈ એવો અવરોધ કે જોખમકારક હોય તેવું પણ કંઈ નહોતું. ઘોડેસવારે ઘોડાને આગળ વધવા ઈશારો કર્યો, ચાબુક પણ ફટકારી પણ તે આગળ ન વધ્યો તે ન જ વધ્યો. ઘોડેસવાર ઘોડા આગળ લાચાર હતો. આનાથી વધારે તે શું કરી શકે ? હવે શું કરવું તેનો તે વિચાર કરતો હતો ત્યાં જ એક અપ્રત્યાશિત ઘટના બની. તેના રસ્તા પર થોડેક આગળ આકાશમાંથી ભયાનક કડાકા સાથે વીજળી પડી. એની આસપાસના છોડ, ઘાસ બળીને ખાક થઈ ગયા. ઘોડેસવારે અંદાજ લગાવ્યો કે જો ઘોડો દોડતાં અટકી ગયો ન હોત તો ત્યાં જ, રસ્તા પરની તે જ જગ્યાએ પહોંચ્યો હોત જ્યાં વીજળી પડીને આગ લાગી હતી.

ઘોડેસવારને ખ્યાલ આવી ગયો કે ઘોડાને એની અતીન્દ્રિય શક્તિથી એ બાબતનું પૂર્વજ્ઞાન થઈ ગયું હતું કે થોડી ક્ષણો બાદ રસ્તા પર કોઈ દુર્ઘટના થવાની છે. જે જગ્યાએ વીજળી પડવાની હતી તેનાથી થોડે દૂર સલામત રહેવાય એટલા અંતરે એ અટકી ગયો હતો અને એના માલિક દ્વારા ચાબુક ફટકારવા છતાં આગળ વધતો નહોતો. પોતાના માલિકના અને પોતાના પ્રાણ બચાવવા માટે જ તેણે તે જગ્યાએ અટકી જવાની ક્રિયા કરી હતી.

અબ્રાહમ લિંકનના કૂતરાનું નામ ફિડો  (Fido) હતું. તે એક પીળા રંગનો મિશ્રિત નસ્લનો કૂતરો હતો જેને લિંકન બહુ જ પ્રેમ કરતા હતા. લિંકન ફિડોને એટલો બધો પ્રેમ કરતા હતા કે જ્યારે તે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પણ તેને પોતાના પરિવારની સાથે રાખ્યો હતો. અબ્રાહમ લિંકનની હત્યા થઈ તે પહેલાં ફિડોને એની અતીન્દ્રિય શક્તિથી તેનો સંકેત મળી ગયો હતો. લિંકનના સ્ટાફ અને સંબંધીઓએ તેને કાયમ કરતા જુદું, સમજાય નહીં તેવું વર્તન કરતા જોયો હતો. તે જુદી રીતે ભસીને, શોક અને દુ:ખ વ્યક્ત કરીને, રડીને લિંકનના મરણની જાણ કરવાના પ્રયત્નો કરતો હતો. પણ કોઈ તેના સંકેત અને સંદેશાને સમજી શક્યું નહોતું.

વિખ્યાત અંગ્રેજ નવલકથાકાર થોમસ હાર્ડીના કૂતરા વેસ્સેક્ષમાં પણ અતીન્દ્રિય શક્તિ હતી. તે બંને વચ્ચે ૧૩ વર્ષ જેટલી લાંબી મિત્રતા સધાઈ હતી. હાર્ડી અને વેસ્સેક્ષ વચ્ચે માનસિક વાર્તાલાપ થતો. બંને એકબીજાની લાગણી સમજતા. હાર્ડીનાં એક મિત્ર વિલિયમ વોટકિન્સ અવારનવાર તેમને મળવા આવતા. જ્યારે પણ તે આવતા ત્યારે ખુશ થઈ તેમની સાથે ગેલ-ગમ્મત કરતો. પણ એક દિવસ એવું ના થયું. વોટકિન્સને જોઈ વેસ્સેક્ષ વિચિત્ર રીતે ભસવા લાગ્યો. તેમના શર્ટની બાંય પોતાના પંજાથી ઘસવા લાગ્યો તેમના પગ પાસે બેસીને રડવા લાગ્યો. થોમસ હાર્ડીને એટલો તો ખ્યાલ આવી ગયો કે વેસ્સેક્ષ ખૂબ ઉદાસ થઈ ગયો છે અને તેની ઉદાસી વિલિયમ વોટકિન્સને લગતી જ છે. જો કે એ દિવસે વોટકિન્સ તરફથી એવું કંઈ બન્યું નહોતું કે જેને લીધે વેસ્સેક્ષ નારાજ થઈ જાય. તે કાયમની જેમ હાર્ડી અને તેમના કૂતરા પ્રત્યે પ્રેમાળ, પ્રસન્ન અને ઉત્સાહસભર વર્તાવ દાખવતા હતા. તેમનાં ગયા પછી પણ વેસ્સેક્ષના ઉદાસિનતા અને દુ:ખમાં કોઈ ફરક ન પડયો. બીજે દિવસે સવારે હાર્ડીના ડ્રોઇંગ રૂમમાં રાખેલા ફોનની ઘંટડી વાગી તે સાથે અકારણ વેસ્સેક્ષ રડવા લાગ્યો. હાર્ડીએ ફોન પર વાત કરી ત્યારે પણ તે ફોન કયા સમાચાર આપવા કરાયો હતો. વેસ્સેક્ષ હાર્ડી પાસે દોડી આવ્યો અને ભારે દુ:ખ વ્યક્ત કરવા લાગ્યો તે ફોન વેટકિન્સના પુત્રનો હતો અને તેમાં તે હાર્ડીને કહી રહ્યો હતો...ગઈકાલે મોડી સાંજે તમારા ઘરેથી પાછા આવ્યા બાદ તો મારા પિતા સ્વસ્થ હતા. પણ રાત્રે તેમને છાતીમાં અસહ્ય દુ:ખાવો થવા લાગ્યો અને એકાએક હાર્ટએટેક આવતા તેમનું મરણ થઈ ગયું. થોમસ હાર્ડીને હવે ખ્યાલ આવી ગયો કે વેસ્સેક્ષ ગઈકાલે વોટકિન્સને જોઈને અત્યંત દુ:ખી કેમ થઈ ગયો હતો. તેને તેની અતીન્દ્રિય શક્તિથી એક દિવસ પછી થનારા વેટકિન્સના મરણની જાણ થઈ ગઈ હતી.

ક્લેવર હૈંસ (હાન્સ) નામનો ઘોડો વીસમી સદીના આરંભમાં જર્મનીમાં પ્રખ્યાત હતો જે પ્રદર્શન દરમિયાન અંકગણિત અને અન્ય બૌદ્ધિક કાર્યો કરતો જોવા મળતો હતો. તે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, સમય દર્શન, કેલેન્ડર જ્ઞાન, સંગીતના ધ્વનિઓનું અંતર, જર્મન ભાષાને લગતું જ્ઞાન પ્રદર્શિત કરતો હતો. વિલ્હેમ વૉન ઓસ્ટેન (Wilhelm Von Osten) નો આ ઘોડો અતીન્દ્રિય જ્ઞાન ધરાવતો હોવાનું મનાતું હતું. કલેવર હૈન્સ (Clever Hans) અંગે ૧૯૦૭માં મનોવિજ્ઞાની ઓસ્કર ફન્ગસ્ટે (Oskar Pfungst)  રિસર્ચ કરી હતી અને શોધ્યું હતું કે કલેવર હૈન્સ પ્રશ્નકર્તાના સૂક્ષ્મ સંકેતો, મુખ પરના ભાવો કે મનના વિચારોથી ઉદ્ભવતા હાવભાવો, પ્રતિક્રિયાઓને પણ પકડી લેતો હતો.

જર્મન બોર્ડ ઓફ એજ્યુકેશને વિલ્હેમ વૉન ઓસ્ટેનના વૈજ્ઞાનિક દાવાઓની તપાસ માટે કમિશન નીમ્યું હતું. ફિલોસોફર અને મનોવિજ્ઞાની કાર્લ સ્ટમ્પફે (Carl Stumpf) 13 લોકોની પેનલ બનાવી હતી અને તેના પર સંશોધન કર્યું હતું. આ કમિશને સપ્ટેમ્બર ૧૯૦૪માં એવો નિષ્કર્ષ આપ્યો હતો કે કલેવર હેન્સના પ્રદર્શનમાં કોઈપણ પ્રકારની ચાલબાજી, છેતરપિંડી કરાતી નથી. કલેવર હેન્સ પ્રશ્નોના જવાબ તેના પગની એડીની થપાટ મારીને આપતો હતો. એકવાર કોઈએ તેને પૂછ્યું - જો મહિનાનો આઠમો દિવસ મંગળવારે આવે છે તો આવતા શુક્રવારે કઈ તારીખ હશે ? હેન્સે એના પગની એડી અગિયાર વાર ફરશ પર અથડાવી એનો જવાબ આપ્યો હતો - ૧૧ કલેવર હેન્સની આ અદ્ભૂત ક્ષમતા વિશે ૧૯૦૪માં 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'માં રિપોર્ટ પ્રકાશિત થયો હતો.

૧૯૪૦માં અમેરિકાની મિનેસોટો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પશુ-પક્ષી પ્રેમી કલેર બ્રેલેન્ડ અને મેરિયને લગ્ન કર્યા બાદ ૨૬૦ એકરની જમીન પર એક સંસ્થા બનાવી દસ વર્ષના ગાળામાં ૨૮ જાતિઓના ૫૦૦૦ પશુઓને પ્રશિક્ષિત કર્યા હતા. જર્મનીના વિદ્વાન ઈરાબુલ ફર્ટે આ સંસ્થાની મુલાકાત લીધી ત્યારે પ્રાણીઓની વિલક્ષણ શક્તિથી વિસ્મિત થઈ ગયા હતા. તેમણે એક સફેદ રંગના મરઘીના બચ્ચાંને ભાગાકારનો એક દાખલો પૂછ્યો હતો તેણે તેની ચાંચ ત્રણ વાર અથડાવી જવાબ આપ્યો હતો - ૩. તેમણે તે બચ્ચાને ૧૬નું વર્ગમૂળ કેટલું થાય તેવું પૂછ્યું તો તેણે તેની ચાંચથી ચાર વાર ટક ટક કરી જવાબ આપ્યો હતો - ૪. બ્રેલેન્ડ દંપતીએ ઇરાબુલ ફર્ટને કહ્યું હતું - અમને મરઘીના બચ્ચાંને આ વાત શીખવવામાં માત્ર ૧૫ મિનિટ લાગી હતી !