- સેલિબ્રેશન-ચિંતન બુચ
- નવું વર્ષ શુકનવંતુ બની રહે તે માટે અનેક દેશોમાં ચિત્ર-વિચિત્ર પરંપરા
ન વા વર્ષે હર્ષે,નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ નિમંત્રેત ચક્રો ત્યાં કર ગતિભર્યા પ્રેમરથનાં. નવી કો આશાઓ. નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી. મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !
-ઉમાશંકર જોશી
***
બસ...ગણતરીના કલાકો અને નવી આશા, નવા ઉમંગ, નવા પડકાર સાથે નવા વર્ષનો પ્રારંભ થઇ જશે. નવા વર્ષની ઉજવણી ૧ જાન્યુઆરી ૧૫૮૨થી શરૂ થઈ હતી અને આ પરંપરા લગભગ ૪૫૦ વર્ષ જૂની છે. ગ્રિગોરિયન કેલેન્ડર મુજબ નવું વર્ષ ૧ જાન્યુઆરીએ ઉજવાય છે. જે વિશ્વનું સૌથી લોકપ્રિય કેલેન્ડર માનવામાં આવે છે અને ભારત સહિત મોટાભાગના દેશોએ તેના અનુસાર સરકારી કામકાજની તારીખો નક્કી કરે છે. પહેલા જુલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો પરંતુ તેમાં કેટલાક ફેરફારો બાદ રોમના પોપ ગ્રેગરએ વર્ષ ૧૫૮૨માં ગ્રિગોરીયન કેલેન્ડર રજૂ કર્યું હતું. ઉપનિવેશકાળમાં જ્યારે સમગ્ર વિશ્વ બ્રિટિશ શાસન હેઠળ હતું ત્યારે ભારતે ગ્રિગોરિયન કેલેન્ડર અપનાવ્યું હતું. આ કેલેન્ડર ૧૭૫૨થી ભારતમાં ઉપયોગમાં આવ્યું અને આઝાદી બાદ પણ અમલમાં રહ્યું હતું.
એનીવે' ઝ આજે આપણે કયા દેશમાં નવા વર્ષની ઉજવણી કરવા કેવી ચિત્ર-વિચિત્ર પરંપરા છે તેની વાત કરીશું. વિતી રહેલા વર્ષની વિદાય અને નવા વર્ષનું કાઉન્ટ ડાઉન શરૂ થવાનું હોય ત્યારે ૧૦, ૯, ૮, ૭...એમ કાઉન્ટ ડાઉન શરૂ થતું હોય છે. સ્પેનમાં આ પ્રકારનું કાઉન્ટ ડાઉનના પ્રારંભ વખતે ૧૨ દ્રાક્ષ ખાવાની પરંપરા છે. કાઉન્ટ ડાઉન પૂરું થતાં જ દ્રાક્ષ ખવાઇ જાય તો નવું વર્ષ સારૃં રહે તેવું સ્પેનિશો માને છે. આ દ્રાક્ષનો સ્વાદ ખાટો હોય તો નવું વર્ષ ખાટી યાદો અને મીઠી હોય તો નવું વર્ષ મીઠી યાદ લાવનારી રહેશે તેમ દર્શાવતું હોવાની પણ માન્યતા છે.
૩૧ ડિસેમ્બરની રાત્રિના ડેન્માર્કની ગલીઓમાંથી પસાર થઇ રહ્યા હોવ તો ઘરની બહાર પ્લેટ તૂટવાનો અવાજ સાંભળળવા મળશે. વાત એમ છે કે, ડેન્માર્કમાં એમ મનાય છે કે થર્ટી ફર્સ્ટની રાત્રિના ઘરની ક્રોકરી પ્લેટ બહાર જઇને તોડવામાં આવે છે. આ રીતે તોડવામાં આવતી પ્લેટ સારૃં નસીબ લાવે છે તેવી માન્યતા છે. આ જ રીતે એક્વાડોરમાં ૩૧ ડિસેમ્બરની રાત્રિના રાજકારણી, પોપ સ્ટાર્સ કે અન્ય મશૂહર વ્યક્તિના પૂતળા, જૂના વોને સળગાવવામાં આવે છે. આમ કરવાથી વિતેલા વર્ષમાં જે પણ કમનસિબ ઘટના બની તેનું નવા વર્ષમાં પુનરાવર્તન થાય નહીં તેમ મનાય છે. જાપાનીઓ તેમના નવા વર્ષની ઉજવણી માટે મધ્યરાત્રિના બૌદ્ધ મંદિરમાં જઇને ૧૦૮ વખત ઘંટ વગાડે છે. આ રીતે ઘંટ વગાડવાથી વિતેલા વર્ષમાં થયેલા પાપમાંથી મુક્તિ મળે છે તેવું જાપાનિઝો માને છે. મેક્સિકોમાં નવા વર્ષની સાંજે ખાલી સૂટકેસ લઇને ફરવા લઇ જવાની પરંપરા છે. ખાલી સૂટકેસ લઇને ફરવાથી નવા વર્ષમાં ખૂબ બધું ફરવા મળતું હોવાની આ પાછળની માન્યતા છે. બ્રાઝિલમાં નવા વર્ષની સાંજે દરિયાના મોજામાં સાત વખત ઉછળવાને નવા વર્ષ માટે નસિબવંતુ મનાય છે. ગ્રીસમાં ૩૧ ડિસેમ્બરની રાત્રે ઘરની બહાર ડૂંગળી લટકાવવાની પરંપરા છે, જે અનિષ્ટ તત્વો ઘરથી દૂર રહે.
નવા વર્ષે અનેક લોકો સંકલ્પ પણ લેતા હોય છે. અલબત્ત, નવા વર્ષના સંકલ્પ લેવાની આ શરૂઆત કંઇ આજકાલની નથી. ચાર હજાર વર્ષ અગાઉ ૧ માર્ચના નવા વર્ષની ઉજવણી થતી ત્યારે પ્રાચીન બેબીલોનના લોકો વિવિધ પ્રકારના સંકલ્પ લેતા. પરંતુ તેમના સંકલ્પ પોતાના નહીં સમાજ-દેશના કલ્યાણ માટે વધારે રહેતા. દરેક નાગરિક સંકલ્પ લેતો કે તે પોતાના રાજાને વફાદાર રહેશે. એટલું જ નહીં તેમણે જેમની પાસેથી નાણા ઉછીના લીધા છે તેને નવા વર્ષમાં ચૂકતે કરશે જ. બેબીલોનના લોકો માનતા કે તેઓ વર્ષ સંકલ્પ પૂરા નહીં કરે તો ઈશ્વર તેમનાથી નારાજ થશે અને સંકલ્પ પૂરા કરશે તો ઈશ્વર તેમને વધુ સારા ભવિષ્યના આશીર્વાદ આપશે. આ પછી નવા વર્ષના પ્રથમ દિવસે સંકલ્પ લેવાની શરૂઆત ક્યારે થઇ તેને લઇને વિવિધ માન્યતા છે.
એવી પણ વાયકા છે કે, ૧૮મી સદીમાં ખ્રિસ્તિ સમુદાયના લોકો ૩૧ ડિસેમ્બરમાં ધાર્મિક સરઘસ કાઢીને તેમના ધર્મગુરુ પાસે જતાં. આ ધર્મગુરુ તેમને વિતેલા વર્ષમાં કરેલી ભૂલનું પુનરાવર્તન નહીં કરવા અને નવા વર્ષમાં તેઓ વ્યક્તિત્વ-સામાજિક વિકાસ માટે વધુ સારું શું કરી શકે તેના અંગે સંકલ્પ લેવાનું કહેતા. જેના પરથી ધીરે-ધીરે નવા વર્ષના પ્રથમ દિવસે સંકલ્પ લેવાની શરૂઆત થઇ. એક અભ્યાસ અનુસાર હાલ માત્ર ૨૩ ટકા લોકો જ નવા વર્ષમાં લીધેલા સંકલ્પને પાળવામાં સફળ રહે છે. સંકલ્પ મામલે તમે ૨૩ ટકામાં છો કે પછી ૭૭ ટકામાં? !


