- સેલિબ્રેશન-ચિંતન બુચ
- સરદાર પટેલે અમદાવાદ મ્યુનિ.ના કાઉન્સિલર તરીકે મહિલા આરક્ષણનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો
'...સરકાર તમને ખૂબ તાવશે, તમને ખૂબ દુ:ખ આપશે. પણ દુ:ખ વિના સુખ નથી. સમજીને દુ:ખ વેઠવું એ સારામાં સારો રસ્તો છે. સરકાર શું કરશે. જપ્તીઓ કરશે. ચોથાઇ ચઢાવશે, જમીન ખાલસા કરશે. પરંતુ તમે કોઇપણ જાતનું તોફાન ન કરશો.તમે જાણો છો કે એક કુંભાર પણ ગધેડા ઉપર પહેલાં એક મણ ભાર મૂકે, તે ખેંચે તો પાછો અધમણ વધારે. એમ કરી કરીને તેની પાસે બે મણનો બોજો ખેંચાવે છે. તેમ જ સરકાર પણ તમે જેમ જેમ બોજો સહન કરતા જાઓ છો તેમ વધારે બોજો તમારા ઉપર મૂકે છે. તમે જે બોજાને અત્યાર સુધી સહન કર્યો છે તેને ફેંકી દો ને નિર્ભય થઇને બેસી જાઓ. સાચું છે તે અનુસરો. પછી સરકાર પણ કહેશે કે પ્રજા નિર્માલ્ય નથી....કેટલાક અત્યારે ગોરક્ષાની વાત કરવા મંડયા છે. આજે તો બાળકો, સ્ત્રીઓ ને વૃદ્ધોનું રક્ષણ થતું નથી ત્યાં ગોરક્ષાની તો વાત જ શી! જે મુલકમાં ગાયોની કતલ કરવાનો બાધ નથી ત્યાં જેવી હૃષ્ટપુષ્ટ ગાયો જોવામાં આવે છે એવી અહીં નથી જોવામાં આવતી. ખરેખરી ગોરક્ષા કરવી હોય તો ગાયને બરાબર પાળતા શીખો. આજે હિંદુસ્તાનને એક કરવાનો મોકો છે. લાહોરથી માંડીને પૂર્વ બંગાળનો થોડો ભાગ છોડીને બાકીના હિંદને એક કરવાનો મોકો એક હજાર વર્ષ પછી આવ્યો છે. આપણને આઝાદી મળી છે. આપણે બરાબર કામ કરવું હોય તો દેશમાં શાંતિ જોઇએ. શાંતિ નહીં હોય, ખાવાનું નહીં હોય તો લોકો કહેશે કે અંગ્રેજની ગુલામી સારી હતી. ...સ્વરાજ્ય આવશે ત્યારે સ્ત્રીઓના પ્રશ્નનો ઉકેલ થઇ જશે, એ માન્યતા બરાબર નથી. ખરી વાત તો એ છે કે સ્ત્રીઓને પદભ્રષ્ટ કરવામાં આવી છે, તેેને યોગ્ય સ્થાને બેસાડવામાં આવશે ત્યારે સ્વરાજ્ય મળશે. સ્ત્રીને પોતાનામાં આત્મવિશ્વાસ આવે, એ પોતાનું યોગ્ય સ્થાન મેળવે એ જરૂરનું છે. એવા સુધારા કાયદાથી થયા નથી, થવાના નથી.....'
સરદારની વાણીથી ગુજરાત ખૂબ પરિચિત છે અને તેમાંથી ગુજરાતે શૌર્ય- સ્વાવલંબનના રસ પીધાં છે. સરદાર વલ્લભભાઇ પટેલના કેટલાક તેજાબી ભાષણના ચુનંદા અંશ છે. આપણે ત્યાં લોકસભા-વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામતને બરાબર બે વર્ષ પહેલા મહોર લાગી ચૂકી હતી. અલબત્ત, મહિલા અનામતનું સૌપ્રથમ વિચારબીજ સરદાર વલ્લભભાઇ પટેલ દ્વારા રોપવામાં આવેલું હતું. સરદાર વલ્લભભાઇ પટેલ વર્ષ ૧૯૧૯માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેમણે અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાય તે આ મહિલા અનામત પાછળનો ઉદ્દેશ હતો.
આ એ જમાનાની વાત છે જ્યારે મદ્રાસ (હવે ચેન્નાઇ) મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં સ્ત્રીઓને મત આપવાનો અધિકાર પણ નહોતો. એ વખતે અમદાવાદની સ્ત્રીઓની હોમરૂલ લીગની શાખાએ નવેમ્બર ૧૯૧૮માં બે ઠરાવ પસાર કર્યા હતા. પ્રથમ ઠરાવ હતો નવી સુધારાની યોજનામાં હિંદુસ્તાની સ્ત્રીઓને પુરુષો જેટલા જ હક અપાવવા એક પ્રતિનિધિમંડળને વિદેશ મોકલવામાં આવે. જ્યારે બીજો ઠરાવ હતો કે મ્યુનિસિપાલિટી તથા બીજી સ્થાનિક સંસ્થાઓમાં સ્ત્રીઓને સભાસદ થવાને આડે આવનારા મુંબઇ મ્યુનિસિપલ એક્ટ તેમજ લોકલ બોર્ડ એક્ટમાં સુધારો કરવો.
મહિલા અનામત અંગેનો વિચાર ૧૨ ડિસેમ્બર ૧૯૧૮માં મુંબઇની મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરાયો ત્યારે કેટલાક સભાસદોએ તેની સામે વિરોધ નોંઘાવતા જણાવ્યું કે, 'સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો ઘરના કામકાજને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ઘરકામ કરવા અને છોકરાં ઉછેરવાને જ લાયક છે. જો મ્યુનિસિપાલિટી જેવી બાબતોમાં ધ્યાન આપશે તો પુરુષ શું કરશે?' આ વિચાર સામે લીલાવતીબેન બેંકરે 'નવજીવન અને સત્ય'ના અંકમાં લખ્યું કે, 'જાતિભેદને કારણે સ્ત્રીઓને તેમના હકથી વંચિત રાખવામાં આવે તો દિલગીરીની વાત છે. જે પુરુષ વિદ્વાન-લાયક હોય તેમને જનપ્રતિનિધિ તરીકે જુદી-જુદી પ્રજાકીય સંસ્થા મોકલે છે. આ જ રીતે તમામ સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીની સભાસદ થવા માગતી નથી. પરંતુ તેમાંની કેટલીક કેળવાયેલી-વિદ્વાન સ્ત્રીઓ જ તેમના પ્રતિનિધિ તરીકે તે સંસ્થામાં મોકલવા ઈચ્છા ધરાવે છે.
અલબત્ત, દીર્ઘદ્રષ્ટિના પર્યાય એવા સરદાર વલ્લભભાઇ પટેલે ૧૩ માર્ચ ૧૯૧૯માં આ દરખાસ્તના સમર્થનમાં જણાવ્યું કે, 'બોમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૫(૧)(સી) ને કારણે કોઈપણ સ્ત્રીથી મ્યુનિસિપાલિટીના સભ્ય બની શકાતું નથી. સમાજની અડધા ભાગ જેટલી વસતી જો સ્ત્રીઓની હોય તો તેમને આવા ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકથી વંચિત કેમ રાખી શકાય? શું આવા ભેદભાવવાળા કાયદાને બદલી શકાય નહીં? મને ખબર છે કે કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે નથી. જો તમામ મ્યુનિસિપાલિટી આવા અન્યાયી કાયદાને દૂર કરવાની માગ કરે તો ચોક્કસ સરકારને પુન:વિચાર કરવાની ફરજ પડે.'
સરદાર પટેલની આ દરખાસ્તને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી અને એક સૂરે ઠરાવ પસાર કરીને સરકારને મોકલી આપ્યો હતો. ૧૯૧૯ના મોન્ટેન્ગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જોગવાઇઓ મુજબ ધારાસભામાં મહિલાઓ ઉમેદવારી કરી શકે તે જોગવાઇ થઇ પણ ૧૯૨૫માં મ્યુનિસિપલ એક્ટમાં થયેલા સુધારા પછી સ્ત્રીઓ માટે અનામત બેઠકનો અમલ જૂન ૧૯૨૬થી થયેલો.


