Get The App

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી, સમદરનાં મોતીની છોળે નવરાવતી....ગુજરાત મોરી મોરી રે.....

Updated: Apr 28th, 2026

GS TEAM

Google News
Google News
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી, રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી, સમદરનાં મોતીની છોળે નવરાવતી....ગુજરાત મોરી મોરી રે..... 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા આઠ નવલોહિયા યુવાનોની એક ખાંભી અમદાવાદ શહેરના લાલદરવાજા પાસે ઉભી કરાઇ છે.

- 1 મે

- ગુજરાત સ્થાપના દિવસ

સ્પે નિશ ફિલોસોફર જ્યોર્જ સેન્ટિનિયાનું મશહબર વાક્ય છે કે, 'જે દેશની પ્રજા એનો ઇતિહાસ નથી જાણતી, તે ભૂતકાળની ભૂલો દોહરાવતી જ રહે છે. ' આગામી ૧ મેના ગુજરાત સ્થાપના દિવસ છે ત્યારે ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળે તેના માટે પોતાનું જીવન આપી દેનારાને યાદ કરીએ નહીં તો નગુણા કહેવાઇએ. 

***

દેશમાં જ્યારે બ્રિટિશ શાસન હતું ત્યારે ભારતનો પશ્ચિમ ભાગ બોમ્બે પ્રેસિડન્સીમાં ગણાતો હતો. તેમાં ગુજરાતી ભાષી વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ૧૯૫૬માં આંધ્ર પ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો મળતાં ગુજરાતી લોકોને પણ આશા બંધાઈ કે ભાષાવાર ગુજરાત અલગ રાજ્ય બનશે.પરંતુ ૬ ઑગસ્ટ, ૧૯૫૬ના દિવસે દ્વિભાષી મુંબઈ રાજ્યની ઘોષણા કરાઈ અને ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં પ્રજાને આંચકો લાગ્યો હતા. આ ઘટનાના બીજા દિવસે ૭ ઑગસ્ટ, ૧૯૫૬ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ કોંગ્રંેસના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળ્યા હતા અને ગુજરાતને અલગ રાજ્ય મળે તેવી માગ દોહરાવી હતી. પરંતુ તેમની પાસેથી સંતોષકારક જવાબ નહીં મળતાં વિદ્યાર્થીઓએ હડતાળનું એલાન કરી દીધું હતું. ૮ ઓગસ્ટ ૧૯૫૬નો એ લોહિયાળ દિવસ. વિદ્યાર્થીઓનું એક વિશાળ સરઘસ બપોરના સમયે અમદાવાદના કોંગ્રેસ હાઉસ પાસે પહોંચ્યું. વિદ્યાર્થીઓ તેમની માગણીઓ પૂરી કરાવવા મક્કમ હતા. સમગ્ર ગુજરાતવાસીઓના આઘાત વચ્ચે કેન્દ્ર સરકારે સ્વતંત્ર ગુજરાત રાજ્યની રચનાની માગ ઠુકરાવી દીધી હતી, જેના વિરોધમાં ગુજરાત બંધનું એલાન અપાયું હતું. ચાર હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ ર્કાંગ્રેસ હાઉસની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન કરવા એકઠા થયા. ચારેકોર ટેન્શનભર્યું વાતાવરણ હતું. 'લે કે રહેંગે મહાગુજરાત', 'વી વોન્ટ મહાગુજરાત' જેવાં સૂત્રો હવામાં તરી રહ્યાં હતાં, પરંતુ સરકારી તંત્ર કોઈ વિરોધ સ્વીકારવાના મૂડમાં દેખાતું ન હતું. અચાનક પોલીસનો આદેશ થયો, 'ફાયર..' પોલીસે અંધાધૂંધ ગોળીબાર કર્યો અને એમાં પાંચ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયા હતા. આ ઘટનાએ ગુજરાતમાં અરાજકતા ફેલાવી દીધી.વાત ફેલાઇ કે શહેર કોંગ્રેસના પ્રમુખ ત્રિકમલાલ પટેલે આ ગોળીબાર કરાવ્યો છે. ઉશ્કેરાયેલા ટોળાએ ગુજરાત ક્લબના દરવાજા પાસે પડેલી એમની કાર સળગાવી દીધી. અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં દેખાવો અને તોફાનો થયા અને તેમાં કુલ ૨૪ યુવાનો શહીદ થયા હતા. 

વિદ્યાર્થીઓ પર ગોળીબારના સમાચાર બીજા દિવસે છાપામાં વાંચીને ઇન્દુલાલ યાજ્ઞિાક અમદાવાદ ઊપડયા અને આંદોલનની નેતાગીરી સંભાળી લીધી. મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ લેતા કાર્યકરોમાં નવો ઉત્સાહનો સંચાર થયો અને આંદોલનમાં નવા પ્રાણ ફૂંકાયા. બીજી ઓક્ટોબર ૧૯૫૬ના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સમાંતર ઈન્દુલાલ યાજ્ઞિાકની અમદાવાદમાં જાહેર સભા યોજાઇ. ઇન્દુલાલની સભામાં અંદાજે ૩ લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે નહેરુની સભામાં પાંખી હાજરી હતી. ઈન્દુલાલ યાજ્ઞિાક આ પછી ગુજરાતમાં ઠેર-ઠેર સભાઓ કરી લોકોને જાગૃત કરવા લાગ્યા. તેમણે ભરૂચ ખાતે જાહેર સભામાં કહ્યું કે , 'ગુજરાતનું છેક કિનારે આવેલું વહાણ કેટલાક દોઢ ડાહ્યાઓએ ડુબાડી દીધું છે. ગાંધીજી તો ભાષાવાર રાજ્યના ચુસ્ત હિમાયતી હતા. ગુર્જર રાજ્યની રચના એ સરદારના જીવનનું છેલ્લું સ્વપ્ન હતું, પણ મોરારજીભાઈએ ગુજરાતને ધોળે દિવસે વેચ્યું છે. જો તેમનામાં હિંમત હોય તો વિરોધમાં રાજીનામું આપે. આજે ગુજરાતના નવયુવાનો ગોળીઓ ઝીલી રહ્યા છે અને બહેનો રણચંડી બનીને ગોળીઓ ખાવા નીકળી છે. મહાગુજરાત ન સ્થપાય ત્યાં સુધી અમે ઝંપીને બેસીશું નહી.' 

આંદોલન દરમિયાન ૧૯૫૭માં લોકસભાની ચૂંટણી આવી અને તેમાં મહાગુજરાત જનતા પરિષદે પણ ઝંપલાવ્યું.ઇન્દુલાલ યાજ્ઞિાક સહિત ૫ ઉમેદવારો લોકસભામાં ચૂંટાયા હતા. સમગ્ર ગુજરાતમાં ગામેગામ, નગરોમાં આંદોલન વેગવંતુ બનતું રહ્યું. ૬ ડિસેમ્બર, ૧૯૫૯ના રોજ દિલ્હીમાં વિભાજનના પ્રશ્નના નિકાલ માટે કોંગ્રેસ હાઇકમાન્ડની સમિતિ મળી હતી. આ  બેઠકના બીજા જ દિવસે મુંબઈ રાજ્યના વિભાજન માટેની દરખાસ્તને મંજૂરી આપી દેવાઈ હતી.જેમાં બે બાબત મુખ્ય હતી. નવા રાજ્યની રચના પછી લગભગ ૧૦ વર્ષ માટે ગુજરાતને ૪૦ કરોડની રકમ આપવાની રહેશે. બીજું ગુજરાતની રાજધાની સ્થાપવા માટે મહારાષ્ટ્ર ગુજરાતને રૂપિયા ૧૦ કરોડ આપશે. ગુજરાતના કામચલાઉ સચિવાલય તરીકે આંબાવાડી 

વિસ્તારમાં આવેલ પોલિટેક્નિક બિલ્ડિંગ તેમજ વિધાનસભા ગૃહ તરીકે નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી વિભાગના મકાન અને ઓડિટોરિયમ હૉલનો ઉપયોગ કરવાનું નક્કી કરાયું. રાજ્યભવન તરીકે શાહીબાગ ખાતેનો કમિશનરનો બંગલો (અત્યારનું સરદાર સ્મારક) નક્કી થયું. હાઈકોર્ટ માટે નવરંગપુરામાં આવેલી ચિલ્ડ્રન્સ હોસ્પિટલની પસંદગી કરાઈ. જ્યારે જજો માટે શાહીબાગના ૩૩ સરકારી બંગલાઓ ફાળવવામાં આવ્યા હતા. મહાગુજરાત આંદોલનના નેતાઓની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેમનામાં અલગ ગુજરાત રાજ્ય માટે દેશના કદાવર નેતાઓ સામે બાથ ભીડવાની હિંમત અને સાહસ હતાં.  મહાગુજરાતના નેતાઓ ન ડર્યા જેલવાસથી કે પછી ગોળીઓના વરસાદથી.  મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા આઠ નવલોહિયા યુવાનોની એક ખાંભી અમદાવાદ શહેરના લાલદરવાજા પાસે ઉભી કરાઇ છે.

ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજને હસ્તે કરવામાં આવી હતી એ વખતે તેમણે કરેલું સંબોધન આજે પણ પ્રાસંગિક છે. તેમના શબ્દો હતા, 'બધા પક્ષોને મારી વિનંતી છે કે તેઓ સતત નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. વિરોધ પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે તેનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે. ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે તે માટે બધા પક્ષોએ શુદ્ધિ પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરે અને તેને અમલમાં મૂકે તો જ લોકોને સાચી સમજ આપી શકીશું... પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ-સદ્બબુદ્ધિ આપે તેવી શુભ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ...'