Get The App

ભારતના પ્રથમ મેડાલિસ્ટે ઉધાર રૂપિયા લઈ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના પ્રથમ મેડાલિસ્ટે ઉધાર રૂપિયા લઈ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- મેડલ જીતીને પોતાના ગામમાં પરત ફર્યા ત્યારે ૧૦૦થી વધુ બળદગાડામાં હજારો લોકો તેમના સ્વાગત માટે ઊભા હતા. રેલવે સ્ટેશનથી તેમના ઘરનું અંતર ૧૫ મિનિટનું હતું તે કાપવામાં ૭ કલાક થઇ ગયા હતા

- સ્પોર્ટસ ડે

- 29 ઓગસ્ટ 2025

૧૯ ૪૭નું વર્ષ. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલી રાજા રામ કોલેજમાં વાર્ષિક રમતોત્સવ યોજાઇ રહ્યો હતો. આ દરમિયાન પ્રિન્સિપાલ સામે ૨૩ વર્ષનો એક યુવાન વિનંતીના સ્વરમાં કહી રહ્યો હતો કે, 'સર, કોલેજના રમતોત્સવની રેસલિંગ ઈવેન્ટમાં મને ભાગ લેવા દ્યો, હું આજીવન આપનો ઋણી રહીશ...' પ્રિન્સિપાલે જવાબ આપ્યો, 'બેટા, રેસલિંગની સ્પર્ધામાં ભાગ લેવા માટે તારો મારો નહીં પણ આયોજકોનો સંપર્ક કરવો જોઇએ...' યુવાને નિરાશાભર્યા અવાજમાં કહ્યું 'સર, એમનો સંપર્ક કર્યો હતો અને ભાગ લેવા માટે વિનંતી કરી હતી, પણ....' પ્રિન્સિપાલ સમજી ગયા કે આયોજકોએ આ યુવકને રેસલિંગની સ્પર્ધામાં ભાગ શા માટે નહીં લેવા દીધો હોય. સાવ દુબળા-પાતળા આ યુવાનની ઊંચાઇ ૫ ફૂટ ૫ ઈંચ હતી જ્યારે રેસલિંગની સ્પર્ધામાં ભાગ લઇ રહેલા અન્ય સ્પર્ધકો ૬ ફૂટથી વધુ ઊંચાઇના અને ખડતલ હતા. આ યુવકના અવાજમાં સ્પર્ધામાં ભાગ લેવાની દ્રઢતાનો અહેસાસ થતાં પ્રિન્સિપાલે તેને રેસલિંગમાં ભાગ લેવાની મંજૂરી આપી. યુવકે તેના પર મૂકેલા વિશ્વાસને સાર્થક ઠેરવતાં એક પછી એક હરીફોને પછડાટ આપી ટ્રોફી જીતી લીધી. આ યુવક એટલે ખાશાબા દાદાસાહેબ  જાધવ, ઓલિમ્પિક્સની વ્યક્તિગત સ્પર્ધામાં મેડલ  જીતનારા સૌપ્રથમ ભારતીય. ખાશાબા દાદાસાહેબ  જાધવ એટલે કે કે.ડી.જાધવનો જન્મ ૧૫ જાન્યુઆરી ૧૯૨૫માં મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં થયો હતો. તેમના પિતા દાદાસાહેબ પણ પહેલવાન હતા અને માત્ર પાંચ વર્ષની ઉંમરે તેમણે પુત્રને પણ કુશ્તીના કરતબ શીખવાડવાનું શરૂ કરી દીધેલું. કે.ડી. જાધવને પણ કુશ્તી પ્રત્યે એટલો લગાવ વધવા લાગ્યો કે આ રમતમાં જ તેમનો જીવ વસવા લાગ્યો હતો. ક્યાંય પણ કુશ્તીની સ્પર્ધા યોજાય તો તેમાં તેઓ ભાગ લેવા માટે અચૂક પહોંચી જતા. આવી જ એક સ્પર્ધામાં કે.ડી. જાધવની કુશ્તીથી કોલ્હાપુરના રાજા  ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમણે  કે.ડી. જાધવને ૧૯૪૮ની ઓલિમ્પિક્સમાં મોકલવા નિર્ણય લીધો. એ સમયમાં ખેલાડીઓને ઓલિમ્પિક્સમાં ભાગ લેવા જાતે જ પૈસાની વ્યવસ્થા કરવી પડતી. કોલ્હાપુરના રાજાએ કે.ડી.જાધવ માટે નાણાની વ્યવસ્થા પણ કરી આપી. ઓલિમ્પિક્સમાં ભાગ લેવા માટે તેઓ લંડન પહોંચ્યા તો તેમના માટે કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિ સર્જાઈ. જીવનભર માટીમાં રેસલિંગ કરનારા કે.ડી.જાધવને અહીં મેટમાં રમવાનું હતું. પ્રથમવાર મેટમાં રમવા ઉતર્યા છતાં તેઓ છઠ્ઠા સ્થાને આવ્યા હતા. તેમના પ્રદર્શનને ખૂબ જ વખાણવામાં આવ્યું અને 'પોકેટ ડાયનેમો' તરીકે ઓળખાવવા લાગ્યા. પરંતુ તેઓ તેમના દેખાવથી ખૂશ નહોતા, જીવનમાં પ્રથમવાર કોઇ સ્પર્ધાથી તેઓ ખાલી હાથે પાછા ફર્યા હતા. તેમણે વધુ મહેનત કરવાનો નિર્ણય લીધો.તેઓ દરરોજ ૨૫૦-૩૦૦ પુશઅપ અને ૧ હજાર ઉઠબેસ કરતા, સવારે ચાર કલાક અને સાંજે ચાર કલાક રેસલિંગમાં પ્રેક્ટિસ કરવો તેમનો ક્રમ બની ગયો.   

ઓલિમ્પિક્સની ટીમમાં સ્થાન મેળવવા માટેની સ્પર્ધામાં તેમણે નેશનલ ફ્લાઇવેઇટ ચેમ્પિયન નિરંજનદાસને થોડી જ મિનિટોમાં પરાજય આપ્યો હતો. આમ છતાં પસંદગીકારોએ ૧૯૫૨ની હેલસિન્કી ગેમ્સની ભારતીય ટીમમાં તેમને સ્થાન આપ્યું નહીં. હતાશ થયેલા કે.ડી.જાધવે પટિયાલાના મહારાજાને આ મામલે દખલ કરવા વિનંતી કરી. પટિયાલાના મહારાજાના સૂચનથી કે.ડી.જાધવ અને નિરંજનદાસ વચ્ચે વધુ એક સ્પર્ધા યોજવાનો નિર્ણય લેવાયો. જેમાં કે.ડી.જાધવે ગણતરીની મિનિટમાં નિરંજનદાસને હરાવી દીધા હતા. હેલસિન્કી ગેમ્સ માટે ટિકિટ તો મળી પણ ત્યાં જવા પૈસાની વ્યવસ્થા કરવી કેમ તેને લઇને સવાલ પેદા થયો. તેમણે પોતાના કુટુંબીજનો, ગામના લોકો પાસેથી ઉધાર નાણા લીધા. કોલેજના પ્રિન્સિપાલ કે જેમણે કે.ડી.જાધવ પર સૌપ્રથમ વિશ્વાસ મૂક્યો તેમણે પોતાનું ઘર ગિરવે મૂકીને ૭ હજાર રૂપિયાની વ્યવસ્થા કરી આપી. તમામને વિશ્વાસ હતો કે કે.ડી.જાધવ મેડલ જીતીને આવશે જ અને એ તેમણે બ્રોન્ઝ મેડલ જીતીને સાર્થક પણ કર્યો. સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં વ્યક્તિગત સ્પર્ધામાં ઓલિમ્પિક્સ મેડલ જીતનારા તેઓ સૌપ્રથમ ભારતીય બન્યા. તેઓ મેડલ જીતીને પોતાના ગામમાં પરત ફર્યા ત્યારે ૧૦૦થી વધુ બળદગાડામાં હજારો લોકો તેમના સ્વાગત માટે ઊભા હતા. રેલવે સ્ટેશનથી તેમના ઘરનું અંતર ૧૫ મિનિટનું હતું તે કાપવામાં ૭ કલાક થઇ ગયા હતા. ઓલિમ્પિક્સથી પરત ફર્યા કે તેમણે તુરંત જ જેમની પાસેથી ઉધાર નાણા લીધા હતા તે ચૂકવવાનું શરૂ  કર્યું. જેના માટે તેઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લેતા અને તેમાંથી જે રકમ મળે તેનાથી પોતાનું ઉધાર ચૂકવતા. ૧૯૫૫માં મહારાષ્ટ્ર પોલીસમાં સબ ઈન્સપેક્ટરની નોકરી મળ્યા બાદ પણ તેમણે કુશ્તીની પ્રેક્ટિસ જારી રાખી. જોકે, ઈજાને કારણે ૧૯૫૬ની ઓલિમ્પિક્સમાં તેઓ ભાગ લઇ શક્યા નહોતા. ૧૯૮૩માં તેઓ આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે રિટાયર્ડ થયા અને ૧૪ ઓગસ્ટ ૧૯૮૪માં રોડ એક્સિડેન્ટમાં તેમનું મૃત્યુ થયું હતું. તેમણે મેડલ જીત્યાના ૪૮ અને મૃત્યુના ૧૬ વર્ષ બાદ અર્જુન  એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા.