- સેલિબ્રેશન-ચિંતન બુચ
- નહેરુ સરકારની દલીલ હતી કે ‘equality before law' એટલે બધાને એકસરખું આપવું નહીં, પરંતુ જેને જરૂર છે તેને વધારાની મદદ આપવી
- 26 નવેમ્બર
- બંધારણ દિવસ
અ મને ઘણાં વખત મૂર્તિપૂજક કહેવામાં આવે છે. પણ મને હંમેશા વિશ્વાસ રહ્યો છે કે 'મૂર્તિપૂજા'ના સૌથી મોટા લાભાર્થી આપણા દેશના વડાપ્રધાન છે. એમ પણ કહી શકાય કે સરકાર આ પ્રથાની સૌથી મોટી લાભાર્થી છે. આજથી ૭૪ વર્ષ અગાઉ, ૧૯૫૧માં આચાર્ય કૃપલાનીએ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની સરકાર વિશે સંસદમાં કહેલા આ શબ્દો છે. આ એ સમય હતો જ્યારે પ્રથમ લોકસભા ચૂંટણીઓને આડે હજુ ૬ મહિના બાકી હતા. બંધારણ અમલમાં આવવાને પણ માંડ ૧૬ મહિના જ થયા હતા અને ત્યારે દેશની સંસદમાં પહેલો બંધારણીય સુધારો રજૂ થઈ ચૂક્યો હતો બંધારણમાં થયેલા આ સુધારાને લઇને સંસદમાં 'વર્ડ વોર' જામ્યું હતું.
વિપક્ષોએ નહેરુના શાસનને સ્વછંદી ગણાવતા એવી પણ ટકોર કરી કે, બંધારણને માત્ર કાગળના એક ટૂકડો ગણવામાં આવે નહીં. એ પણ પ્રશ્ન ઊઠયો કે ચૂંટણી વિનાની નહેરુ સરકારને બંધારણ બદલવાનો નૈતિક અધિકાર છે પણ કે નહીં?
૧૬ દિવસ ચાલેલી આ ચર્ચા આરોપ-પ્રત્યારોપ, ટકરાવ અને કટુ ટિપ્પણીઓથી ભરેલી હતી. આ ઘટનાના ૭૪ વર્ષમાં ૧૦૦થી વધુ બંધારણીય સુધારા થઈ ચૂક્યા છે. દેશ બદલાયો, સંસદની ઈમારત બદલાઈ ગઈ, પણ આ મુદ્દો આજે પણ જીવંત છે.
ગયા વર્ષે સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં આ પ્રથમ સુધારો યાદ કરતાં કહ્યું કે, 'નહેરુએ બંધારણના આત્માને નુકસાન પહોંચાડયું છે.' આખરે બંધારણમાં એવો તે આ કેવો સુધારો હતો જેને આજે પણ ચર્ચાનો વિષય છે. બંધારણ સંશોધનની જરૂરિયાત પાછળ જવાહરલાલ નહેરુનો એવો તર્ક હતો કે અમે સુંદર બંધારણ બનાવ્યું હતું પણ આ પછી વકીલોએ તેને હાઇજેક કરીને તેના પર કબ્જો જમાવ્યો હતો. આ પ્રકારનું નિવેદન એટલે આપવામાં આવ્યું કે જમીનદારી પ્રથા ખતમ કરવી,
પબ્લિક સેફ્ટી, પછાત વર્ગોને અનામત એમ આ ત્રણ મુદ્દા પર અદાલતમાંથી મુશ્કેલીઓ આવતી હતી. આ મુદ્દા એક પછી એક સમજીએ..૧૯૫૦માં બંધારણ લાગુ થયા બાદ રાજ્યો જમીનદારી પ્રથા ખતમ કરવા માટે કાયદા બનાવતા હતા. જમીન બાબતનાં કાયદા રાજ્યના વિષય હોવાથી, તેઓ આ ક્ષેત્રમાં સક્રિય હતા. પરંતુ જમીનદારો એ કાયદાઓને રાઇટ ટુ પ્રોપર્ટીનો ભંગ ગણાવી કોર્ટમાં પડકાર્યા હતા. કોર્ટને અધિકાર હતો કે જો કોઈ કાયદો બંધારણનો ભંગ કરે તો તેને રદ્દ જાહેર કરી શકે. જેના કારણે નહેરુએ પ્રથમ સુધારામાં બે મુખ્ય કલમ ઉમેરી.
Article 31A પાંચ કેટેગરીના કાયદાઓ કોર્ટ અસંવિધાનિક જાહેર નહીં કરી શકે, ખાસ કરીને જમીન સંપાદન, માઇનિંગ લીઝ વગેરે. Article 31B અને નવમી અનુસૂચિ જે કાયદાઓને નવમી અનુસૂચિમાં મુકવામાં આવે, તેમને કોર્ટમાં પડકારવામાં ન આવે. ૧૯૫૧માં તેનો હેતુ માત્ર જાળવણીનો હતો, પરંતુ આગળ જઇ કઈ સરકારે તેનો દુરુપયોગ પણ કરેલો હતો.
૧૯૭૩ના કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે, બંધારણનું મૂળભૂત માળખું બદલાઈ શકે નહીં. હવે વાત અનામતની કરીએ. મૂળ બંધારણમાં એસસી-એસટી-ઓબીસી અનામતની સ્પષ્ટ જોગવાઇ નહોતી. ૧૯૫૧માં બંધારણનું પ્રથમ સંશોધન એસસી-એસટી માટે અનામતની વ્યવસ્થા લાવ્યો હતો. જેના માટે આર્ટિકલ ૧૫ અને ૧૬માં ફેરફાર થયેલો હતો.
નહેરુ સરકારની દલીલ હતી કે ‘equality before law' એટલે બધાને એકસરખું આપવું નહીં, પરંતુ જેને જરૂર છે તેને વધારાની મદદ આપવી. ઉદાહરણનાં આધારે સમજાવ્યું કે, તમામને સમાન ૨ ફૂટનું બોક્સ આપવાથી સમસ્યા હલ થતી નથી' જરૂર પ્રમાણે બોક્સ આપવો પડે. આ જ છે equal protection of law.
આ આધારે Article 15(4)અને Article 16(4) ઉમેરાયા, જ્યાં પછાત વર્ગો માટે ખાસ પ્રાવધાન જેમ કે નોકરીમાં અનામત માટે માન્ય બન્યાં.
અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નિયંત્રણો એ સર્વોચ્ચ વિવાદાસ્પદ ભાગ હતો. Article 19(1)(a) હેઠળ મળતી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર નવા પ્રતિબંધો ઉમેરાયા હતા. મૂળ બંધારણમાં પણ માનહાનિ, અદાલતની અવમાનના, રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ જેવા પ્રતિબંધો હતા. પરંતુ આ સુધારા બાદ નિયંત્રણો વધુ વ્યાપક બન્યા હતા.
વિરોધીઓનું કહેવું હતું કે : 'આ સરકાર વિમર્શ અને ટીકા દબાવવા માંગે છે.' બીજી તરફ કેટલાક નિષ્ણાતો તેને બંધારણની આત્મા સાથે છેડછાડ ગણાવે છે, તો કેટલાક તેને સામાજિક ન્યાય માટે જરૂરી માને છે.
બંધારણના પ્રથમ સંશોધનનના પુસ્તક ‘Those 16 Days – Nehru, Mukherjee and India's First Amendment' પ્રમાણે ડો. શ્યામા પ્રસાદ મુખરજીએ કહેલું કે, 'તમે બંધારણનો કચરાના કાગળ જેમ ઉપયોગ કરી રહ્યા છો. આઝાદી છીનવાઇ રહી છે અમે સાંસદોને અનુરોધ છે કે જો તમે વિરોધ નહીં કરો તો ઈતિહાસમાં લખાશે કે તમે ચૂપ રહ્યા હતા.' જેની સામે નહેરુએ કહેલું કે, 'મુખરજી જૂઠ્ઠું બોલી રહ્યા છે.' ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સંશોધનમાં મદદ કરી પણ
થોડા જ મહિના બાદ તેમણે મંત્રી મંડળમાંથી રાજીનામું આપી દીધેલું.
નિષ્ણાતોનું માનવું છે કે આ સુધારો એ 'રાજ્ય' અને 'નાગરિક'ના સંબંધને મૂળભૂત રીતે બદલનારો હતો. આજ અભિવ્યક્તિની સ્વતંત્રતા, અસહમતિ અને સરકારની ટીકા દબાવવાના મુદ્દાઓ જે ચર્ચાય છે. કેમકે, તેના પાયા ૧૯૫૧ના પ્રથમ સુધારામાં જોવા મળે છે. આ સુધારાઓ બાદ રાજ્ય-નાગરિક સંબંધ બદલાયા, ન્યાયપાલિકા-વિધાનસભા વચ્ચેનો સંતુલન બદલાયું, સંપત્તિનો અધિકાર નબળો પડયો, અભિવ્યક્તિની સ્વતંત્રતાની સીમાઓ વિસ્તરી, સમાજ અને સરકારી તંત્ર વચ્ચેની ગાઢ રચના બદલાઈ ગઈ હતી.
એક ખૂબ જ જૂની વાર્તા છે કે એકવાર જન્મથી પ્રજ્ઞાચક્ષુ એવા ચાર લોકોની સામે હાથી આવી ગયો. આ પ્રજ્ઞાાચક્ષુઓના હાથમાં હાથીનું જે પણ અંગ આવ્યું તે અનુસાર હાથીની વ્યાખ્યા કરવા લાગ્યો. આમ, બંધારણમાં પરિવર્તન એ પણ એક એવો મુદ્દો છે જેમાં દરેકનો પોતપોતાનો અભિપ્રાય છે અને તેમાં કોઇને ખોટું પણ ઠેરવી શકાય નહીં.


