Get The App

ચાચર જહાં જાતર ભલી, જ્યોત તણી ઝગમગ ઘણાં ગુણીજન રમી ગયા તેના પગની રજ

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
ચાચર જહાં જાતર ભલી, જ્યોત તણી ઝગમગ ઘણાં ગુણીજન રમી ગયા તેના પગની રજ 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ભવાઇ એટલે ભવની વહી, માનવ જીવનની કથા. માણસ એ વહી જુએ ને પોતાની જાતને ઓળખતાં શીખે, એવો ભવવહી કે ભવાઈનો મૂળ અર્થ છે.

૧૩ મી સદીની વાત છે. અલ્લાઉદ્દીનના શાસનકાળ દરમિયાન દિલ્હી, કનોજ પર થઈને સરદાર જહાનરોઝ ગુજરાત પર ચડી આવ્યો હતો. તેની સેનાએ ગુજરાતની ધરતી પર તંબુ તાંણ્યા હતા. જહાનરોઝે ઉંઝા ગામના પટેલ હેમાળાની દીકરી ગંગાની સુંદરતાના વખાણ સાંભળ્યા અને સૈનિકોને મોકલી ગંગાને પોતાના જનાનખાનામાં લાવવાનો આદેશ કર્યો. પાટીદાર યજમાનની દીકરીનું અપહરણ થયું છે એ વાતની જાણ સિદ્ધપુરના નિવાસી અને ગોરપદું કરતાં બ્રાહ્મણ અસાઈત ઠાકરને થઇ. તેઓ મારતે ઘોડે સરદાર જહાનરોઝની છાવણીમાં પહોંચ્યા. જ્યાં તેમણે પોતાની સંગીતકળાથી સ્થાનિક મુસ્લિમ રાજકર્તાને રિઝવ્યા અને અપહરણ કરાયેલી કન્યાને મુક્ત કરાવી. અલબત્ત, તેઓ પરત ફરી જ રહ્યા હતા ત્યાં સરદારને શંકા ગઇ કે ગંગા અને અસાઈત ઠાકર એક જ જ્ઞાતિ હોવાનો ડોળ કરે છે. પરંતુ હકીકત કંઇક અલગ જ છે. આ વાત એ સમયની છે જ્યારે ગુજરાતમાં સમાજો જ્ઞાતિ-જાતિના ભેદભાવથી ભરેલા હતા અને ઘણા સમાજોમાં તો લોકો એક જ જ્ઞાતિમાં પણ ભેદભાવ રાખતા હતા. સરદારને લાગ્યું કે જો બંને એક જ જ્ઞાતીનાં નહીં હોય તો અસાઇત ગંગાના હાથે બનાવેલું ભોજન જમશે નહીં. જોકે, અસાઇત ઠાકરે કોઈપણ જાતનો સંકોચ રાખ્યા વગર ગંગાના હાથે બનેલું ભોજન લીધું એટલે મુસ્લિમ સરદારે બંનેને જવાં દીધાં. અસાઇત ઠાકર પાટીદાર કન્યા સાથે ભોજન લે છે એવી વાત સિદ્ધપુરના જ્ઞાતિસમૂહમાં વાયુવેગે પ્રસરી ગઇ. સંકુચિત માનસિકતા એટલી હાવી થયેલી હતી કે અસાઇત ઠાકરને નાત બહાર કરાયા અને તેમની સાથે કોઇ પ્રકારનો સંબંધ  નહીં રાખવા ફરમાન કરાયું. 

નાતની બહાર કાઢી મુકાયેલા અસાઇત ઠાકરે સિદ્ધપુરનો ત્યાગ કરી દીધો અને પરિવાર સાથે ઊંઝામાં સ્થાયી થયા. ગંગાના પિતાએ તેમના માટે રહેવા સાથેની વ્યવસ્થા કરી આપી અને તેની સાથે કડવા પાટીદાર તરફથી વંશપરંપરાના અમુક હક પણ લખી આપ્યા. જેમની દીકરીને તેમણે બચાવી હતી તે હેમાળા પટેલે તેમના રહેવા સહિત દરેક પ્રકારની અનુકૂળતા કરી આપી. સાથે જ તામ્રપત્ર પર કડવા પાટીદાર તરફથી વંશપરંપરાના અમુક હક્ક પણ લખી આપ્યા. ઊંઝામાં સ્થાયી થયા બાદ તેમણે લોકરુચિને અનુરૂપ કાવ્યો અને નાટકો લખ્યા. જેને કોઈપણ જાતના પડદા વગર ખુલ્લા મેદાનમાં લોકટોળાની વચ્ચે ભજવાતાં. આ  નાટકો 'ભવાઈ' તરીકે ઓળખાવાની શરૂઆત થઈ. તેની ભજવણીમાં ભૂંગળ, કાંસીજોડા અને પખવાજનો ઉપયોગ થતો. તેઓએ ભવાઈના લગભગ ૩૬૦ વેશો લખ્યા, જેમાંથી ૬૦ જેવા વેશો તેમના નામે મળ્યા છે, જેમાં તેમણે ઈ.સ.૧૩૬૦ની તારીખ લખી છે. અસાઇત ઠાકર અને તેમના ત્રણ પુત્રો ગામેગામ ફરીને ભવાઇ ભજવતા. ભવાઈ નાગરિકોની વચ્ચે ભજવાતી અને સમાજને સ્પર્શતા મુદ્દા વિશે સીધી જ વાત કરીને અસાઇત સમાજમાં જાગૃતિનું કામ કરવા લાગ્યા હતા.  તેના માટે ત્યારે પણ કોઈ પૈસા લેવાતા નહીં અને આજે પણ તેની ટિકિટ નથી હોતી અને રોકડ દાન તથા આપવામાં આવેલા સીધાં પર જ જીવનનિર્વાહ ચલાવાતો હતો. 

ગરબાની જેમ જ ભવાઈ પણ ગુજરાતની ઓળખ ગણાય છે.ગુજરાતની ભાતીગળ નાટય કલા એટલે ભવાઇ, ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટયપ્રયોગ ગુજરાતના રંગમંચ પર હવે ભુલાતો જાય છે. ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા;  સંસારની તડકીછાંયડીઓની કથા. ભવાઇ એટલે ભવની વહી, માનવ જીવનની કથા. માણસ એ વહી જુએ ને પોતાની જાતને ઓળખતાં શીખે, એવો ભવવહી કે ભવાઈનો મૂળ અર્થ છે. આ સંસારમાં આપણું મૂળસ્વરૂપ તો એક જ છે, પણ સૌ જુદા જુદા પાઠ ભજવીએ છીએ, એવું જ્ઞાન કરાવીને માણસને ધર્મના માર્ગે વાળવાના ઉદ્દેશથી ભવવહીની યોજના થયેલ છે.

ભવાઇના દરેક વેશમાં વાર્તા ભલે જૂદી હોય, પણ મુખ્ય પાત્રોમાં નાયક-નાયિકા અને વિદૂષક તો હોય જ. ભાઈઓની ભવાઈ મંડળીમાં ભાઈઓ જ બહેનોનું પાત્ર આબેહૂબ ભજવતા. મંડળીના નેતાને 'મુખી' કે 'નાયક' કહેતા. અસાઈતની ભવાઈ રચનાઓ પર પ્રાચીન નાટકો, પુરાણ કથાઓની અસર હતી. ગામના ચાચરમાં એટલે કે ચોકમાં ભવાઈ વર્તુળાકારે ભજવાતી. ભવાઈ નાટયકલાના મુખ્ય ત્રણ એલિમેન્ટ્સ છે; ગાયન, વાદન અને નર્તન. આ ત્રણ વગર ભવાઈ વેશો ભજવી શકાય નહીં. ચક્ષુચાળો અને બૉડી-લૅન્ગ્વેજ તાલીમનો મહત્ત્વનો ભાગ છે. ભવાઈની વાત ચાલતી હોય અને રંગલો- રંગલી ન આવે એવું તો બને જ નહીં. પ્રાચીન ભવાઈથી માંડીને અર્વાચીન ભવાઈ નાટકો સુધી બે પાત્રો વચ્ચેના સંવાદને જોડતો, હસાવતો અને કટાક્ષ કરતો રંગલો નાના-મોટા સૌ કોઈનો સૌથી વધુ ગમતો વેશ રહ્યો છે. જોકે મૂળ ભવાઈમાં રંગલીનું પાત્ર નહોતું. પ્રખર નાટયવિદ અને અભિનેત્રી સ્વ. દીના પાઠક (એ વખતે દીના ગાંધી)એ ભવાઈનો ઊંડો અભ્યાસ કરીને સામાજિક પ્રશ્નોને નવા વેશમાં વણી લીધા. આજે પણ ઉત્તર ગુજરાતના લોકો પોતાના જીવનના સારા-નરસા પ્રસંગે ભવાઈનો ખેલ રમાડવાની માનતા માને છે અને પોતાની મનોકામના પૂર્ણ થતાં ચૈત્ર માસ કે નવરાત્રિના સમયમાં પોતાના ઘેર ભવાઈમંડળીને રમવા નિમંત્રે છે. વાળુ પાણી પછી રાત્રીના અંધકારમાં સામૈયું કાઢી, ચાચર નોંધી ચારની પૂજા થાય છે.