Get The App

'લાઇક કરો, સબ્સ્ક્રાઇબ કરો' સોશિયલ મીડિયાના અર્થતંત્રમાં ડોકિયું...

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
'લાઇક કરો, સબ્સ્ક્રાઇબ કરો' સોશિયલ મીડિયાના અર્થતંત્રમાં ડોકિયું... 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર બની ગયા એટલે કમાણી થવા જ લાગે તેની કોઇ ગેરન્ટી નથી

- 30 જૂન 

- સોશિયલ મીડિયા દિવસ 

૧૯ ૮૦નો દાયકો : 'જબ મેં છોટા લડકા થા, બડી શરારત કરતા થા, મેરી ચોરી પકડી જાતી...તબ રોશન હોતા...દ, 'હમેં કુછ નહીં ચાહીએ, હમ બસ ઈતના ચાહતે હૈં કી આપ બારાતીઓ કો સ્વાગત ---સે કિજીએ...દ, જબ વોહી મહંગી દામ વાલી ક્વોલિટી,વહી ઝાગ કમ દામો મેં મિલે તો કોઇ યહ ક્યું લે...માન ગએ...કિસે ? આપ કી પારકી નઝર ઔર --- દોનો કો...દ

વર્તમાન સમય : હેલ્લો ફ્રેન્ડ્ઝ આજ હમ આ પહુંચે હૈ -- કાર કે શો રૂમ મેં, જહાં પે ઈસ મોડર્ન તકનિક સે બની કાર કા ટેસ્ટ ડ્રાઇવ કરેંગે..સો લેટ્સ ગો ફોર એ ડ્રાઇવ...મગર ઉસસે પહલે હમારી ચેનલ કો લાઇક કરેં, સબસ્ક્રાઇબ કરેં....દ

***

જાહેરખબરના ક્ષેત્રમાં બદલાયેલા આ બંને આયામો છે. આજથી થોડા વર્ષ અગાઉ કોઇ પણ પ્રોડક્ટ ખરીદવામાં ટેલિવિઝન, રેડિયો અને અખબારમાં આવેલી જાહેરખબર ગ્રાહકોના દિમાગમાં એક પ્રભાવ પાડતી અને જેના આધારે તેઓ તે પ્રોડક્ટની ખરીદી કરવા માટે પ્રેરાતા હતા. પરંતુ હવે ખાસ કરીને કોરોના પછીના સમયમાં ફેરફાર આવ્યો છે. રૂમાલથી માંડીને એરકન્ડિશન્ડ, મોબાઇલ, ટેલિવિઝનની ખરીદી કરવામાં સોશિયલ મીડિયાની રીલ મહત્વનો ભાગ ભજવે છે. આ રીલના માધ્યમથી પ્રોડક્ટની માહિતી તમારા મોબાઇલ સુધી પહોંચાડનારાને આપણે ઈન્ફ્લૂએન્સર તરીકે ઓળખીએ છીએ.  

સામાન્ય ભાષામાં કહેવામાં આવે તો સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર એવી વ્યક્તિ છે જેના સોશિયલ મીડિયામાં ઢગલાબંધ ફોલોઅર્સ હોય છે. જેના દ્વારા તેઓ તેમની એક પોસ્ટ, ફોટો કે રીલના માધ્યમથી સેંકડો લોકો સુધી પહોંચી શકે છે. કોઇ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે કયા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવી શકાય તે પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર નક્કી કરતા હોય છે. મહત્તમ લોકો સુધી પહોંચવા, યોગ્ય સ્ટ્રેટેજી અને વિશ્વસનીયતા એમ આ ત્રણ બાબતો યોગ્ય ઈન્ફ્લૂએન્સર નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઈન્ફ્લૂએર્ન્સમાં બ્લોગર-વીલોગર, સોશિયલ મીડિયા સેન્સેસન્સ, રિયાલિટી ટીવી સ્ટાર્સ, માઇક્રો ઈન્ફ્લુએન્સર, નેનો ઈન્ફ્લૂએન્સર, મેઇનસ્ટ્રીમ સેલિબ્રિટિઝ જેવા કેટલાક મુખ્ય પ્રકાર હોય છે. 

હવે એવો સવાલ થાય કે, 'બોસ, આ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર એક રીતે સેલિબ્રિટી જેવી જાહોજલાલી તો ભોગવે છે પણ તેઓની કમાણીનું માધ્યમ શું?'  તો વાત એમ છે કે, વિવિધ બ્રાન્ડને પ્રમોટ કરવાથી તેઓ મહિને સરેરાશ રૂપિયા ૨૦ હજારથી લઇને બે લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. અલબત્ત, આ કમાણી તેમના ફોલોઅર્સની સંખ્યા, તેઓ કઇ બ્રાન્ડને પ્રમોટ કરી રહ્યા છે જેવી બાબતો ઉપર પણ આધાર રાખે છે. હા, પણ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર બની ગયા એટલે કમાણી થવા જ લાગે તેની કોઇ ગેરન્ટી નથી. હાલ આપણા દેશમાં ૩૦ લાખથી વધુ કન્ટેન્ટ ક્રિએટર છે અને આ પૈકી ૧.૫૦ લાખ લોકો જ એવા હશે જે કમાણી કરી શકતા હશે. 

ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ફોલોઅર્સની સંખ્યા, લોકોને જકડી રાખવાનું પ્રમાણ, કન્ટેન્ટ ક્વોલિટી, બ્રાન્ડ પાર્ટનરશીપથી ઈન્ફ્લૂએર્ન્સ કમાણી કરતા હોય છે.  ૧૦ લાખથી વધુ ફોલોઅર હોય તો રૂપિયા ૫૦ હજારથી લઇને રૂપિયા ૭ લાખ, ૧૦ હજારથી ૧૦ લાખ વચ્ચે ફોલોઅર હોય તો તે રૂપિયા ૫ હજારથી રૂપિયા ૫૦ હજાર, ૧ હજારથી ૧૦ હજાર ફોલોઅર હોય તો રૂપિયા ૧ હજારથી રૂપિયા ૧૦ હજાર જેટલી કમાણી તે પ્રત્યેક સ્પોન્સર્ડ પોસ્ટથી કરી લેતા હોય છે. યુ ટયુબ પણ અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર માટે કમાણીનું માધ્યમ છે. યુ ટયુબમાં તમારી ચેનલના ૧ હજાર સબ્સ્ક્રાઇબર્સ અને ૪ હજાર કલાકનો વોચ ટાઇમ હોય તો પાર્ટનર પ્રોગ્રામના માધ્યમથી કમાણી શરૂ થાય છે. ૧ લાખ સબ્સ્ક્રાઇબર્સ થયા બાદ દર મહિને રૂપિયા ૩૦ હજારથી રૂપિયા ૧ લાખની કમાણી થાય છે. ૧ લાખ સબ્સ્ક્રાઇબર્સ થઇ જાય તો યુ ટયુબ દ્વારા તે ચેનલને સિલ્વર બટન અપાય છે. સિલ્વર બટન મળવાથી યુ ટયુબ કોઇ પૈસા નથી આપતું, પરંતુ તે એ વાતનો સંકેત છે કે તમારી ચેનલ લોકપ્રિય થઇ ગઇ છે અને તેનાથી સારી કમાણી થઇ શકે છે. 

અનેક કન્ટેન્ટ ક્રિએટર્સ આજે લાખો-કરોડોની કમાણી કરતાં થઇ ગયા છે. સૌથી ધનિક સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સરમાં ભુવન બામ મોખરાનું સ્થાન ધરાવે છે. તેની નેટ વર્થ રૂપિયા ૧૨૨ કરોડ છે. વડોદરામાં જન્મેલા ભુવન બામના ઈન્સ્ટાગ્રામમાં ૨૦.૭ મિલિયન ફોલોઅર્સ જ્યારે યુ ટયુબમાં ૨૬.૫ મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. સૌથી વધુ નેટ વર્થ ધરાવતા ઈન્ફ્લૂએન્સરમાં રણવીર અલ્હાબાદિયા (બિયર બાયસેપ્સ) રૂપિયા ૫૮ કરોડ સાથે બીજા, અજય નાગર (કેરી મિનાટી) રૂપિયા ૪૧ કરોડ સાથે ત્રીજા, આશિષ  ચંચલાની (કોમેડી સ્કિટ્સ) રૂપિયા ૩૫ કરોડ સાથે ચોથા સ્થાને છે. 

જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થઇને ઝડપથી લોકપ્રિયા થવા લોકો આંધળૂકિયા પણ કરે છે. વાયરલ થવા કોઇ જોકરવેડા કરે છે તો કોઇ અપશબ્દો, વલ્ગારિટીનો સહારો પણ લે છે. પરંતુ આ કન્ટેન્ટ અને તેમાંથી મળેલી લોકપ્રિયતા પરપોટા જેવી હોય છે.  આપણે ભૂલવું જોઇએ નહીં કે, સોશિયલ મીડિયા એક એવું શસ્ત્ર  છે, જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે બ્રહ્માસ્ત્ર છે નહીં તો બૂમરેંગ બની તમને જ નુકસાન પહોંચાડી શકે છે. મોનગ  વોકમાં જતી વખતે વખતે સોશિયલ મીડિયામાં ઘણા લોકો એટલા ડૂબેલા હોય છે કે કોયલનો ટહૂકો, પક્ષીનો કલરવ સાંભળવાનો લુત્ફ પણ ઉઠાવતા નથી. હાલ વરસાદની મોસમ જામી છે ત્યારે અનેક લોકો આ ઋતુ અને ભીની માટીની સુગંધ માણવાને બદલે તેના પર રીલ બનાવવામાં ખોવાયેલા હશે અને રિયલ આનંદને નહીં માણે.  સોશિયલ મીડિયામાં ગળાડૂબ રહેવાથી અવલોકન-નિરીક્ષણ શક્તિ પણ ઓછી થઇ રહી છે. મોટાભાગના લોકો સોશિયલ મીડિયામાં જ એટલા વ્યસ્ત થઇ જાય છે કે તે બાજુમાં જે બેઠું છે તેની દરકાર પણ કરતા નથી.બાળક વોટ્સ એપ-ફેસબૂકને ઓપરેટ કરતા જોઇને માતા-પિતા ચિંતા કરવાને બદલે ગર્વ અનુભવતા હોય છે. ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગે થોડા વર્ષ અગાઉ તેની પુત્રીને  સંબોધીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ' બેટા, તારું બાળપણ ક્યારેય પાછું નથી આવવાનું. એટલે તું બાળપણના આ મજાના સમયનો ભરપૂર લુત્ફ ઉઠાવ. તું મોટી થઇ જઇશ પછી તને ફૂલને સુંઘવાનો સમય પણ નહીં મળે. અત્યારે ખૂબ જ બધી ઉંઘ લઇ લે. સ્વપ્નમાં તું અનુભવી શકે કે અમે તને કેટલો પ્રેમ કરીએ છીએ...' બાય ધ વે, ફેસબૂકના સહસ્થાપક હોવા છકાં ઝકરબર્ગ તેમના બાળકોને મોબાઇલ હાથમાં પણ આપતા નથી અને આપણે...? 

Tags :