For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રજાસત્તાક દિવસ : પ્રથમ પરેડમાં 3 હજાર જવાન, 100 વિમાન સામેલ હતા

Updated: Jan 24th, 2023

Article Content Image

સેલિબ્રેશન - ચિંતન બુચ

26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિવસ

આઝાદી કરતાં પણ સંવૈધાનિક વ્યવસ્થાનું મૂલ્ય અનેરું છે. કેમકે તેના વિના સ્વતંત્રતા જ ટકે એમ નહોતી 

હિંદુસ્તાન મેં દો દો હિંદુસ્તાન દિખાઇ દેતે હૈ

એક હૈ જિસકા સર નવેં બાદલ મેં હૈ

દૂસરા જિસકા સર અભી દલદલ મેં હૈ

એક હૈ જો સતરંગી થામ કે ઉઠતા હૈ

દૂસરા પૈર ઉઠાતા હૈ તો  રુકતા હૈ

ફિરકા-પરસ્તી તૌહમ પરસ્તી ઔર ગરીબી રેખા

એક હૈ દૌડ લગાને કો તૈયાર ખડા હૈ

અગ્નિ પર રખ પાંવ ઉડ જાને કો તૈયાર ખડા હૈ

હિંદુસ્તાન સે ઉમ્મિદ હૈ !

આધી સદી તક ઉઠ ઉઠ કર હમને આકાશ કો પોંછા હૈ

સૂરજ સે ગિરતી ગર્દ કો છાન કે ધૂપ ચુની હૈ

સાઠ સાલ આઝાદી કે ...હિંદુસ્તાન અપને ઈતિહાસ કે મોડ પર હૈ

અગલા મોડ ઔર માર્સ પર પાંવ રખા હોગા...!

હિન્દોસ્તાન સે ઉમ્મિદ હૈ....

આપણા દેશની સ્વતંત્રતાના ૬૦ વર્ષ પૂરા થયા તે સમયની ગુલઝાર સાહેબની આ રચના દેશ હવે ૭૪મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઇ રહ્યો છે ત્યારે પણ એટલી જ પ્રસ્તુત છે. ૭૪ વર્ષ પહેલા  ૨૬ જાન્યુઆરીના રોજ જ બ્રિટીશ આધિપત્યમાંથી આપણે કાયમી મુક્ત થયા ને વાસ્તવિક અર્થમાં સ્વરાજ માટે પગભેર એવું સ્વતંત્ર થયું એનો ઉત્સવ આપણે ઉજવવા જઇ રહ્યા છીએ.

આપણા દેશને સ્વતંત્રતા ૧૫ ઓગસ્ટના મળી અને આપણા દેશનું બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના પસાર થયું, તો પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ૨૬ જાન્યુઆરીના જ શા માટે તેવો સવાલ થવો સ્વાભાવિક છે. વાત એમ છે કે, ઐતિહાસિક ૨૬ જાન્યુઆરીનો જન્મ લાહોર ખાતે કોંગ્રેસના અધિવેશનમાં થયો હતો. પંડિત જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજાયેલા આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો કે સમગ્ર દેશમાં ૨૬ જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજના પ્રતિજ્ઞાા-પત્રનું પઠન કરવામાં આવે અને

- દેશની જનતા એ પ્રતિજ્ઞાા-પત્રને દોહરાવે. લાહોરમાં પૂર્ણ સ્વરાજ મેળવવાનો આ પ્રસ્તાવ ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ના સ્વીકારાયો હતો. આ પ્રસ્તાવ સ્વીકારાતાં જ હજારો યુવાનો રાવીના કાંઠે એકત્ર થયા હતા અને તેમણે પંડિત જવાહરલાલ નહેરુને પણ આમંત્રિત કર્યા હતા. યુવકો સમૂહમાં નાચતા જે ગીત ગાઇ રહ્યા હતા, તેની પંક્તિઓ હતી -નહીં રખની, સરકાર જાલમી નહીં રખની-. કોંગ્રેસ કાર્યકારણીએ પૂર્ણ સ્વરાજની ઘોષણા પ્રકાશિત કરી તેનું ૨૬ જાન્યુઆરીના સાંજે પાંચ વાગ્યે સમગ્ર દેશમાં પઠન કરાયું હતું. એ ઘોષણા કાશીમાં દશાશ્વ મેઘ પર પણ વાંચવામાં આવી હતી જ્યાં ૫૦ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડો. સંપૂર્ણાનંદજીએ ઘોષણાપત્રનું એક-એક વાક્ય વાંચ્યું અને ઉપસ્થિત લોકોએ તેનું પુનરાવર્તન કર્યું. ઘોષણાપત્રનું વાંચન પૂરું થતાં જ ભીડ ઉપર પોલીસ તૂટી પડી અને અંધાધૂંધ દંડા વીંઝવા લાગ્યા હતા. સેંકડો લોકો ઘાયલ થયા પણ છતાં તેમણે નાસભાગ કરી નહીં અને અંગદ પગ જમાવી અડગ ઉભા રહ્યા. આમ, આ ૨૬ જાન્યુઆરી આપણા દેશભક્તોના લોહીથી પોષણ મેળવીને જન્મી છે. સ્વતંત્રતા મળ્યા બાદ આપણા દેશનું બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના પસાર થયું હતું. 

સ્વતંત્રતા મળી ત્યારબાદ ૨૬ જાન્યુઆરી લોકમાનસમાંથી વિસરાઇ જાય નહીં તેના માટે આ દિવસથી બંધારણને અમલમાં લાવી અને તેની ઉજવણી 'પ્રજાસત્તાક દિવસ'  તરીકે કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, આ દિવસે આપણા દેશમાં લોકશાહીનો સત્તાવાર રીતે જન્મ થયો હતો. 

એક રીતે કહેવામાં આવે તો આઝાદી કરતાં ય સંવૈધાનિક વ્યવસ્થાનું મૂલ્ય અનેરું છે. કેમકે તેના વિના સ્વતંત્રતા જ ટકે એમ નહોતી. વધુમાં વધુ ભારત કેટલાક મોટા રજવાડાઓનું યુનિયન બનત સોવિયેટ સંઘની જેમ પણ એક આગવો દેશ નહિ ! જેના કારણે જ 'ટ્રાન્સફર ઓફ પાવર'માં ૧૯૪૭થી ૧૯૫૦ના ત્રણ વર્ષ વીત્યા. એક ઘર બદલવું હોય તો ય કેટલી વાર લાગે. એક બેન્ક એકાઉન્ટ બીજે ટ્રાન્સફર કરવું હોય તો ય અનેક કાગળીયા કરવાના થાય. આ તો નવેસરથી દેશ બનાવવાનો હતો. એટલે તત્કાલીન પ્રજાનો વિશ્વાસ ધરાવતા નેતાઓએ ધીરજ ને કુનેહથી કામ લીધું.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને ત્યારબાદ તેઓએ દિલ્હીના ઇરવિન સ્ટેડિયમ (હાલનું મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ)ખાતે સવારે ૧૦ઃ૧૮ કલાકે સૌપ્રથમ વખત તિરંગો ફરકાવીને ભારતીય ગણતંત્રના જન્મની ઐતિહાસિક ઘોષણા કરી હતી. હાલ ગણતંત્ર દિવસની પરેડ સવારના સમયે યોજાય છે પરંતુ પહેલી પરેડ સાંજના સમયે નીકળી હતી. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બપોરે ૨ઃ૩૦ કલાકે રાજેન્દ્ર પ્રસાદ બગીમાં સવાર થઈને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા. રાષ્ટ્રપતિ જે બગીમાં સવાર થયા હતા તે એ સમયે જ ૩૫ વર્ષ પુરાણી હતી. ૬ ઓસ્ટ્રેલિયન ઘોડાઓ તે બગીને ખેંચી રહ્યા હતા. પરેડ સ્થળે રાષ્ટ્રપતિને સાંજના સમયે ૩૧ તોપોની સલામી આપવામાં આવી હતી. પહેલી પરેડમાં ૩ હજાર જવાનો અને ૧૦૦ વિમાનો સામેલ થયા હતા. 

૧૯૫૦થી ૧૯૫૪ સુધી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઇરવિન સ્ટેડિયમ, લાલ કિલ્લા, રામલીલાના મેદાનમાં કરવામાં આવતી. ૧૯૫૫ના વર્ષથી તેની ઉજવણી કર્તવ્યપથ ખાતેથી શરૂ કરવામાં આવી છે. ગયા વર્ષે રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા મળી એ અગાઉ રાજપથને 'કિંગ્સ વે'  તરીકે ઓળખવામાં આવતો.

 રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવે ત્યારે ૨૧ તોપોની સલામી આપવામાં આવે છે.

હકીકતમાં ૨૧ તોપથી ફાયરિંગ કરવામાં આવતું નથી. બલ્કે, ભારતીય સેનાની ૭ તોપ જેને ૨૫ પૌન્ડર્સ તરીકે ઓળખવામાં આવે છે તેના દ્વારા ૩-૩ રાઉન્ડની ફાયરિંગ કરવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસે યોજવામાં આવતી પરેડનું એક આગવું મહત્વ છે. આ પરેડમાં ભારતીય સૈન્યની તાકાત, આપણા દેશની સંસ્કૃતિ અને સામાજિક વારસાની ઝાંખી દર્શાવવામાં આવતી હોય છે. શ્વાસ થંભાવી દે તેવા સૈન્યના જવાનોની ડેર ડેવિલ મોટર સાયકલસવારી અને ઇન્ડિયન એરફોર્સના  જેટ્સ-હેલિકોપ્ટર્સમાં તિરંગા સાથે પરેડનું સમાપન થતું હોય છે.

આર્થિક, વ્યૂહાત્મક, રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ કોણ બનશે તે નક્કી કરવામાં આવતું હોય છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકાર્નો પ્રજાસત્તાક દિવસની પરેડમાં સૌપ્રથમ અતિથિ બન્યા હતા. કર્તવ્યપથ ખાતે ૧૯૫૫માં યોજાયેલી સૌપ્રથમ પરેડમાં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૬૫માં પાકિસ્તાનના જ અન્ન-કૃષિ પ્રધાન રાણા અબ્દુલ હમીદ પણ પ્રજાસત્તાક દિન નિમિત્તે આપણા દેશના અતિથિ બન્યા હતા.  રાણા અબ્દુલ હમીદ પરેડમાંથી પરત ફર્યા તેના ૩ મહિનામાં પાકિસ્તાને યુદ્ધ શરૂ કરી દીધું હતું.

ચીનમાંથી એકમાત્ર વાર ૧૯૫૮માં માર્શલ યે જીઆનયિંગ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. અત્યારસુધી યુનાઇટેડ કિંગડમ, બેલ્જિયમ, બલ્ગેરિયા, ફ્રાન્સ, ડેન્માર્કના પ્રતિનિધિ સૌથી વધુ પાંચ વખત પ્રજાસત્તાક દિવસે દેશના મુખ્ય અતિથિ બની ચૂક્યા છે. આ વખતે ઈજીપ્તના પ્રેસિડેન્ટ અલ સિસી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની સાથે ૧૮૦ સદસ્યોનું પ્રતિનિધિમંડળ પણ આપણા દેશનું અતિથિ બનવાનું છે. 

આપણા ગણતંત્રનો ઉદ્દેશ છે કે તે પોતાના ન્યાય, સ્વતંત્રતા અને સન્માન પ્રાપ્ત કરાવે તેમ જ તેના વિશાળ પ્રદેશોમાં વસવાટ કરતા વિવિધ આચાર-વિચારવાળા લોકોમાં ભાઈચારાની ભાવના વધારે. આપણે તમામ દેશો સાથે મિત્રભાવથી રહેવા ઈચ્છીએ છીએ. આપણો ઉદ્દેશ છે કે આપણે આપણા દેશમાં સર્વોમુખી પ્રગતિ કરીએ. રોગ, દરિદ્રતા અને અજ્ઞાાનતાની નાબૂદી આપણો ઉદ્દેશ અને કાર્યક્રમ છે. આપણે સૌ એ બાબતને લઈ ઉત્સુક અને ચિંતિત છીએ કે આપણા ઘણા પીડિત ભાઈઓને અનેક યાતનાઓ અને મુશ્કેલીઓ સહન કરવી પડી છે તેમ જ સહન કરી રહ્યા છે, તેમનુ પુનઃવસન કરવામાં આવે અને કામ પર લાગી જઈએ. જે લોકો જીવનની આ દોડમાં પાછળ રહી ગયા છે તેને અન્યોની સમકક્ષ લાવવા માટે વિશેષ પગલાં ભરવાની આવશ્યકતા છે અને વ્યાજબી પણ છે.

- રાજેન્દ્ર પ્રસાદ (પ્રથમ રાષ્ટ્રપતિ, પ્રથમ પ્રજાસત્તાક દિવસનું વક્તવ્ય)


Gujarat