Get The App

સી.વી.રામનને મળેલા નોબલ પુરસ્કારથી વિવાદ શા માટે સર્જાયો?

Updated: Feb 24th, 2026

GS TEAM

Google News
Google News
સી.વી.રામનને મળેલા નોબલ પુરસ્કારથી વિવાદ શા માટે સર્જાયો? 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- સમુદ્રનો બ્લ્યૂ રંગ સમજવાની જિજ્ઞાસાએ એક ભારતીય વૈજ્ઞાનિકને એવી શોધ સુધી પહોંચાડયો કે જેના કારણે ભારતને વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રથમ નોબેલ મળ્યો.

- 28 ફેબુ્રઆરી 

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 

એ ક સમયની વાત છે. એક યુવા વૈજ્ઞાનિકે શરીર વિજ્ઞાનના માધ્યમથી આંતરિક રંગોનું ઊંડુ અધ્યયન કર્યું હતું. નોબલ વિજેતા એવા એક વૈજ્ઞાનિકને તેની જ્યારે જાણ થઇ ત્યારે એ તેમની પ્રયોગશાળામાં પહોંચ્યા. પોતાની પ્રયોગશાળામાં નોબલ વિજેતા અને દિગ્ગજ એવા વૈજ્ઞાનિકને આવેલા જોઇને યુવા વૈજ્ઞાનિકને ખૂબ જ આશ્રર્ય થયું. થોડા સંકોચ સાથે યુવા વૈજ્ઞાનિકે દિગ્ગજ વૈજ્ઞાનિકને બેસવા માટે કહ્યું. દિગ્ગજ વૈજ્ઞાનિકે વિનમ્રતાપૂર્વક કહ્યું, 'મને માફ કરજો, હું તમારી સામે બેસી શકું નહીં.' યુવા વૈજ્ઞાનિકે કહ્યું, 'એવી તે આપની શું વિવશતા છે?તમે તો મારા સહિત અનેક વૈજ્ઞાનિકો માટે આદર્શ સમાન છો.ેે' એ વખતે દિગ્ગજ વૈજ્ઞાનિકે જવાબ આપ્યો કે, 'હાલ તો હું તમે રંગોને લઇને જે સંશોધન કર્યું છે તે અંગે તમારી પાસે કંઇક શીખવા આવ્યો છું. એટલે તમે મારા ગુરુ થાવ. અહીં હું મારા ગુરુ સામે કઇ રીતે બેસી શકું? જ્ઞાન તો મારે મેળવવાનું છે અને ગુરુ શિષ્ય પાસે ક્યારેય જતા નથી. જ્ઞાન મેળવવા તો શિષ્યે જ ગુરુ પાસે આવવું પડે છે. તમે તમારી અનુકૂળતા મુજબ સમય જણાવી દો, હું આવી જઇશ. ' 

***

નોબલ પુરસ્કારથી સન્માનિત છતાં વિનમ્રતાની મૂર્તિ એવા આ વૈજ્ઞાનિક એટલે ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન.૮ નવેમ્બર ૧૮૮૮, તિરુચિરાપલ્લી ખાતે તેમનો જન્મ થયેલો.૧૧ વર્ષની વયે તેમણે મૅટ્રિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ૧૯૦૧માં તેમણે ચેન્નાઈની પ્રેસિડૅન્સી કૉલેજમાં એડમિશન મેળવ્યું હતું. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્ત્રના વિષય સાથે યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.  એમ.એ.નો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન તેમણે તેમનો સંશોધનલેખ 'ફિલોસૉફિકલ સામયિક'માં પ્રગટ થયો હતો. પરંતુ આરોગ્યને કારણે વધુ અભ્યાસાર્થે તેઓ બ્રિટન જઈ શક્યા નહીં. ૧૯૦૭થી ૧૯૧૭ના સમયગાળામાં રામને પાલિત પ્રાધ્યાપક તરીકે ભૌતિકશાસ્ત્ર વિભાગમાંથી ૨૫ મૌલિક સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા. ૧૯૧૯માં આઈ.એ.સી.એસ.ના  મંત્રી ડૉ. અમૃતલાલનું અવસાન થતાં તે પદ રામનને સોંપવામાં આવ્યું. આઈ.એ.સી.એસ. (ઇન્ડિયન એસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ સાયન્સ)અને કલકત્તા યુનિવર્સિટી વચ્ચે તેઓ સેતુ સમાન રહ્યા હતા. પરિણામે બંને સંસ્થાઓમાં સંશોધનનો માર્ગ મોકળો થયો હતો. 'રામન ઈફેક્ટ' માટે તેમને ૧૯૩૦માં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. અત્યારે આપણે સ્વદેશી અપનાવોનો નારો ફરી છેડયો છે. પરંતુ રામન તેનવા સંશોધનમાં સ્વદેશીનો જ આગ્રહ રાખતા. રામન ઈફેક્ટ માટેના સંશોધન માટે ઉપયોગમાં લીધેલાં બધાં જ ઉપકરણો સ્વદેશી હતાં. નોબેલ પુરસ્કાર  માટે તેઓ સ્ટૉકહોમ ગયા હતા.  તેમના સન્માનમાં સ્વીડનનાં  રાજવી પરિવારે ભોજન સમારોહ યોજ્યો હતો.  જેમાં તેમણે આપેલા વક્તવ્યમાં બુદ્ધના સ્વૈચ્છિક પરિત્યાગની વાત કરતાં જણાવ્યું કે તમામ જીવો પ્રત્યે અહિંસા આચરવી અને સૌની સાથે પ્રેમથી વ્યવહાર કરવો.

૨૮ ફેબ્રુઆરીના તેમણે કરેલી  'રામન ઈફેક્ટ' ની શોધના સન્માનમાં 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ' તરીકે કરવામાં આવે છે. આ શોધ બદલ તેમને નોબલ પુરસ્કારથી પણ સન્માનિત કરાયા હતા. અલબત્ત, તેમને મળેલો નોબલ પુરસ્કાર વિવાદનું કારણ બન્યો હતો. સૌપ્રથમ રામન ઈફેક્ટની શોધ કેવી રીતે થઇ તેની વાત કરીએ. બન્યું એમ કે, ૧૯૨૧માં તેઓ  જહાજ દ્વારા ભારત પરત ફરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન સમુદ્રના બ્લ્યૂ  રંગે તેમને વિચારમાં મૂકી દીધા 'ગ્લાસમાં પાણી રંગહીન છે, તો સમુદ્ર બ્લ્યૂ કેમ? આ પ્રશ્નના જવાબની શોધે તેમને ઑપ્ટિક્સ ક્ષેત્રમાં સંશોધન કરવા પ્રેર્યા. સતત પ્રયોગો બાદ ૧૯૨૮માં તેમણે એક નવી ભૌતિક ઘટના શોધી 'જેને આજે રામન ઇફેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ શોધ બદલ તેમને ૧૯૩૦માં ભૌતિકશાનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો. વિજ્ઞાન ક્ષેત્રમાં એશિયાનો પહેલો નોબેલ છે. રામન ઈફેક્ટને સરળ ભાષામાં સમજીએ તો જ્યારે કોઈ પદાર્થ પર એક જ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ (જેમ કે લેસર) પાડવામાં આવે, ત્યારે મોટાભાગનો પ્રકાશ એ જ તરંગલંબાઈ સાથે પરાવર્તિત થાય છે.

પરંતુ થોડો પ્રકાશ પદાર્થના અણુઓ સાથે ઊર્જા વિનિમય કરીને પોતાની તરંગલંબાઈ બદલી દે છે.આ બદલાયેલ પ્રકાશને રામન સ્કેટરિંગ કહેવાય છે 'અને આ જ છે રામન ઇફેક્ટ. આ શોધ સ્પેક્ટ્રોસ્કોપી ક્ષેત્રમાં ક્રાંતિ સમાન સાબિત થઈ. તેની મદદથી પદાર્થની રચના, રસાયણિક બંધ, ઘનત્વ અને ગુણધર્મો જાણી શકાય છે.

હવે તેમને મળેલા નોબલથી વિવાદ કેમ સર્જાયો તેની વાત કરીએ. બન્યું એમ કે, રામન ઇફેક્ટની શોધમાં તેમના સહયોગી અને શિષ્ય કે.એસ. કૃષ્ણને પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના કારણે વૈજ્ઞાનિક વર્તુળોમાં પ્રશ્ન ઊભો થયો 'નોબેલ માત્ર રામનને જ કેમ મળ્યો?  પછી કૃષ્ણને પોતે સ્પષ્ટ કર્યું કે તેઓ શોધમાં સક્રિય ભાગીદાર હતા, પરંતુ સંશોધનનું નેતૃત્વ અને મૂળ વિચાર રામનનો હતો. 

પોતાની નોબેલ ભાષણમાં રામને સહયોગીઓને શ્રેય પણ આપ્યું હતું. રામન ઇફેક્ટ આજે રસાયણશાસ્ત્ર, દવાઓ, ફોરેન્સિક વિજ્ઞાન, મટીરિયલ સાયન્સ અને અવકાશ સંશોધનમાં અત્યંત ઉપયોગી છે. ખાસ કરીને પ્રવાહી પદાર્થોના વિશ્લેષણમાં તેની મોટી ભૂમિકા છે.

અંતે,  સમુદ્રનો બ્લ્યૂ રંગ સમજવાની જિજ્ઞાસાએ એક ભારતીય વૈજ્ઞાનિકને એવી શોધ સુધી પહોંચાડયો કે જેના કારણે ભારતને વિજ્ઞાન ક્ષેત્રમાં પ્રથમ નોબેલ મળ્યો.

સી.વી. રામનની કહાની માત્ર વૈજ્ઞાનિક શોધની નથી 'પરંતુ જિજ્ઞાસા, મતભેદ, વિવાદ અને અડગ વૈજ્ઞાનિક વિચારોની કહાની છે.'

અને કદાચ એ જ વિજ્ઞાનની સાચી ઓળખ છે - પ્રશ્ન પૂછવાની હિંમત.