- સેલિબ્રેશન-ચિંતન બુચ
- સ્ટેન્ટ-એન્જિયોપ્લાસ્ટી-બાયપાસની શોધ જ થઇ ન હોત તો હાર્ટ એટેકથી થતાં મૃત્યુનો આંક ક્યાં પહોંચ્યો હોત.
- 29 સપ્ટેમ્બર
- વિશ્વ હૃદય દિવસ
ભા રતમાં હાર્ટ એટેકે છેલ્લા કેટલાક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને દરરોજ ૮૦થી વધુ લોકો અચાનક હૃદય બંધ પડવાથી જીવ ગુમાવે છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સર્વેના અભ્યાસ પ્રમાણે ભારતમાં બિનચેપી રોગમાંથી સૌથી વધુ ૩૧ ટકા મોત હાર્ટ એટેકને કારણે થાય છે. વિશ્વમાં સૌથી વધુ લોકો હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય તેવા દેશમાં ભારત મોખરાના દેશોમાં સ્થાન ઘરાવે છે. બીજી તરફ જાપાન એવો દેશ છે જ્યાં સૌથી ઓછા લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થાય છે. હાર્ટ એટેકના ઓછા પ્રમાણ માટે ખાવા-પીવાની શૈલી ઉપરાંત જાપાનિઝ ઈન્ટરવલ વૉકિંગની પણ તેમાં ખૂબ જ મહત્વની ભૂમિકા રહેલી છે. જાપાનિઝ ઈન્ટરવલ વૉકિંગ માત્ર ૩૦ મિનિટનું હોય છે. જેમાં પ્રથમ તબક્કા વોર્મ અપમાં શરૂઆતમાં ૩-૫ મિનિટ ધીમે-ધીમે ચાલવામાં આવે છે, જેથી હૃદય વધુ ચાલવા માટે તૈયાર થઇ શકે. આ પછી ૩ મિનિટ બ્રિસ્ક વૉક એટલે કે એટલું ઝડપી ચાલવામાં આવે છે જાણે મીટિંગ માટે ખૂબ જ મોડું થયું હોય. આ ૩ મિનિટ ઝડપી ચાલ્યા બાદ ફરી ૩-૫ મિનિટ ચાલવાની ગતિ ધીમી કરી દેવાય છે. આ ક્રમ ૪-૫ વખત રિપિટ કરાય છે. આ રીતે ૩૦ મિનિટ ચાલવાથી બ્લડપ્રેશર, હૃદયને લગતી સમસ્યા ઘટે છે અને સ્નાયુની તાકાતમાં પણ વધારો થતો હોવાનો સંશોધકોનો દાવો છે. આપણે શરૂઆતમાં વાત કરી તેમ ભારતમાં હાર્ટ એટેકથી મૃત્યુ દર ખૂબ જ વધી રહ્યો છે. સ્વ. ચંદ્રકાંત બક્ષીનો સરસ ક્વૉટ છે કે, 'હાર્ટ એટેક જિંદગી બદલી નાખે છે. ઘણા ખરા એ બદલાયેલી જિંદગીનો સ્વીકાર કરી શકતા નથી...હવે મારે પ્રાથમિક્તાઓ બદલવી પડશે. જે પૈસા હું વાપરું છું એ જ મારા માટે છે, જે સાચવું છું એ મારા માટે નથી. જિંદગીમાં જે કરવાનું બાકી રહ્યું છે એ બધું હવે કરી લેવાનું. રડારોળની મનહૂસ વાતો કરી દોસ્તોને દુઃખી નહિ કરવાના. હવે આપણા ખુદના શરીરની એક - એક ઇન્દ્રિય આપણા અંકુશમાં રહેવાની નથી તો પછી દુનિયા આપણી વાત સાંભળતી નથી એવી ચિંતા શા માટે કરવી? જંજાળ છોડીને જીવતાં આવડવું સહેલું નથી. હું ખાઈ શકું છું, ભૂખ લાગે છે, પાંચ મિનિટમાં ઊંઘી શકું છું અને સવારે નવ વાગે પણ ઊંઘી શકું છું. રંગીન કપડાં પહેરી શકું છું. અઠ્ઠાવીસ તારીખ હોય કે બે તારીખ મારા બેંક બેલેન્સ માં કોઈ ફરક પડતો નથી, હૃદય ને બહુ પરિશ્રમ આપતો નથી. બીજાને અદેખાઈ થઈ જાય તેવી મસ્તીથી જીવવું એ જ મને વેર લેવાનો શ્રેષ્ઠ મારગ લાગ્યો છે.....'
હવે ઈમેજીન કરો કે, સ્ટેન્ટ-એન્જિયોપ્લાસ્ટી-બાયપાસની શોધ જ થઇ ન હોત તો હાર્ટ એટેકથી થતાં મૃત્યુનો આંક ક્યાં પહોંચ્યો હોત. જેના માટે કાર્ડિયોલોજીની એવી કેટલીક વિભૂતિઓનો આભાર માનવો પડે, જેમની કઠોર મહેનત નું ફળ આજે સમગ્ર માનવજાત મેળવી રહ્યું છે.
જેમાં સૌપ્રથમ નામ એટલે આધુનિક પેથોલોજી વિજ્ઞાનના સંશોધકગીઓવાન્ની બેટિસ્ટા માર્ગાગ્ની.? તેમણે ૧૭મી સદીમાં શરીરની ધમનીઓની અંદરના રોગના સંશોધનમાં તેમનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું હતું. ૧૭મી સદીમાં જ ઇંગ્લેન્ડના વિલિયમ હેબરડેને એન્જાયના પેક્ટોરિસનું સૌપ્રથમ વર્ણન કર્યું હતું. ઇંગ્લેન્ડના જ એડવર્ડ જેનર નું નામ પડતાં રસીના શોધક તરીકે જ યાદ કરવામાં આવે તે સ્વાભાવિક છે. પરંતુ તેમણે એન્જાયના પેક્ટોરિસનું કારણ ્રહૃદયની ધમનીઓનો રોગ હોઈ શકે તેવો સૌપ્રથમ પ્રસ્તાવ તેમના દ્વારા જ મુકાયો હતો.
૧૮૫૮માં રુડોલ્ફ વિર્ચો એ સેલ્યુલર પેથોલોજી ના પુસ્તક સાથે આધુનિક પેથોલોજી ના શાસ્ત્રનો પાયો નાખ્યો હતો. હાર્ટ એટેકના લક્ષણો તેમજ તેનું નિદાન કઈ રીતે કરવું તેનું સૌપ્રથમ વર્ણન શિકાગોના ફિઝિશિયન જેમ્સ હેરિક ને જાય છે. હાર્ટએટેક ના નિદાન માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ મશિનનો? ઉપયોગ તેમના દ્વારા જ શરૂ કરાયો હતો.
કોરોનરી એન્જિયોગ્રાફીનું સંશોધન કરવાનું શ્રેય અમેરિકાના મેસન્સ સોન્સ ને જાય છે. તેમણે ૧૯૬૨માં કરેલા આ સંશોધન બાદ જ બાયપાસ ઓપરેશન અને એન્જિયોપ્લાસ્ટી શક્યા થયા હતા.
રસપ્રદ રીતે ઇ.સ. ૧૫૮૦ સુધી એમ માનવામાં આવતું કે કાળજું ખોરાકમાંથી લોહી બનાવે છે અને ત્યારબાદ લોહી ઇંધણ તરીકે બળે છે અને શરીર ને ચલાવે છે.
પરંતુ ઇ.સ. ૧૫૯૮માં કેમ્બ્રિજ માંથી તબીબી શિક્ષણ મેળવનારા ઇંગ્લેન્ડ ના ડૉ. વિલિયમ આ વિચારસરણી થી વિરૂદ્ધ હતા. તેમણે પ્રાણીઓ અને મૃત માનવી દેહો ઉપર અનેક વિચ્છેદન કરી એવો સિદ્ધાંત મૂક્યો કે, લોહી શરીરની અંદર ભ્રમણ કરે છે તેમજ હૃદય લોહીના ભ્રમણમાં પમ્પ નું કામ કરે છે. લોહી નો જથ્થો મર્યાદિત છે અને એ જ લોહી વારંવાર શરીરમાં ભ્રમણ કરે છે તેવું સૌપ્રથમ તારણ વિલિયમ હાર્વી દ્વારા કાઢવામાં આવ્યું હતું. તેમણે પોતાના સિદ્ધાંતો ને સમજાવવા ઈ. સ. ૧૬૨૮માં An Anatomical Study of the Motion of the Heart and of the blood in Animals પુસ્તક લખ્યું હતું.જોકે, એ વખતે તેમના સિદ્ધાંત ને સ્વિકારવામાં આવ્યો નહોતો. ઈ. સ. ૧૬૫૭માં તેમના સિદ્ધાંતોનો સમગ્ર વિશ્વ દ્વારા સ્વિકાર થયો ત્યારે તેમનું અવસાન થઈ ગયું હતું.
બ્લડ પ્રેશર માપવાનો સૌપ્રથમ શાસ્ત્રોક્ત પ્રયોગ કરવાનો શ્રેય રેવરેન્ડ સ્ટિફન હેલ્સ ને જાય છે. પ્રાણીઓના ડોકટર હોવા ને નાતે તેમને પ્રાણીઓ માં લોહી નું દબાણ વિશે જાણવા કુતૂહલ હતું. જેના ભાગરૂપે ૧૭૧૪માં સ્ટિફન હેલ્સે એક ઘોડાની ધમની માં પિત્તળ ની નળી નાખી, તેને એક ઊભી કાચની નળી ને જોડી. કાચ ની નળી માં લોહી ઉપર નીચે જતું હતું. જેના પરથી તેઓ એવા તારણ પર આવ્યા કે આ લોહીના દબાણ ને લીધે થાય છે. પણ આ પ્રયોગ માં ઘોડા એ જીવ ગુમાવ્યો અને સ્ટિફન હેલ્સે ત્યારબાદ ફરી આવું કોઈ સાહસ ન કરવાનો નિર્ણય લીધો. આ પછી ૧૮૫૭માં એટીન જુલ્સ મારી એ શરીર ને ઈજા પહોચાડયા વિના લોહી નું દબાણ માપવાની પદ્ધતિ શોધી કાઢી.
ધમનીમાં કેથેટર નાખી શકાય તેની શોધ વર્નર ફોર્સમેન દ્વારા કરાઇ હતી . તેમણે ૧૯૨૯માં પોતાના હૃદયમાં ડાબા હાથની નસ દ્વારા કેથેટર પસાર કરી કેથેટર દ્વારા દવા ધકેલી તેના એકસ રે પાડયા.આવા જોખમી સાહસ બદલ તેમને નોકરી પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા. જોકે, ૧૯૫૬માં આ શોધ માટે તેમને નોબલ પારિતોષિક એનાયત કરાયો હતો.
સૌ પ્રથમ એન્જિયોપ્લાસ્ટી એન્ડ્યાસ ગુ્રન્ઝિગ દ્વારા કરાઇ હતી. ગ્રુન્ઝિગ દ્વારા એવો વિચાર રજૂ કરાયો કે કેથેટર ની આગળ બલૂન લગાવી હૃદયની બંધ અથવા સાંકડી નળીઓ પહોળી કરવાની કોશિશ કરવી જોઈએ. તેમણે ૧૯૭૫માં બે માર્ગ વાળી નળી બનાવી અને તેના છેડે બલૂન લગાવ્યું. આ શોધ હૃદયરોગની સારવાર ક્રાંતિ સમાન પુરવાર થઈ.


