Get The App

'જિંગલ બેલ... જિંગલ બેલ' આ ગીતને ક્રિસમસ સાથે કોઇ કનેક્શન જ નહોતું !

Updated: Dec 23rd, 2025

GS TEAM

Google News
Google News
'જિંગલ બેલ... જિંગલ બેલ' આ ગીતને ક્રિસમસ સાથે કોઇ કનેક્શન જ નહોતું ! 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- જેમ્સ પિયરપોન્ટે આ ગીતને ઓર્ડવે નામના મ્યુઝિકલ ગૂ્રપ માટે લખેલું હતું. ઈ.સ. ૧૮૫૭માં આ ગીત પ્રથમવાર પ્રસ્તુત કરાયું હતું. 

- 25 ડિસેમ્બર 

ક્રિસમસ ડે 

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ધમાકેદાર, રંગબેરંગી ઉજવણીનો 'ફેસ્ટિવ મૂડ' છવાઇ ચૂક્યો છે. ક્રિસમસનું નામ પડે એટલે આપણા ભારત દેશમાં પણ પહેલુ શું યાદ આવે? ઈસુ ખ્રિસ્તનો શાંતિમય ચહેરો, કે પછી લાલ-સફેદ વસ્ત્રો અને ફૂમતાવાળી ટોપીમાં સજ્જ સાન્તાક્લોઝનો સ્મિત સાથેનો ચહેરો,  ક્રિસ્મસ ટ્રી...અને સ્વાદના શોખીન હોય તો કેક અને પેસ્ટ્રી. આ સિવાય પણ અન્ય એક બાબત એટલે 'જિંગલ બેલ...'નું ગીત. સાન્તા ક્લોઝ, ક્રિસમસ ટ્રી અને 'જિંગલ બેલ' ગીત  વિના ક્રિસમસની ઉજવણીની કલ્પના પણ થઇ શકે નહીં. મજ્જાની વાત એ છે કે, 'જિંગલ બેલ'ને ક્રિસમસ ગીત ગણવું કે કેમ તેને લઇને મતમતાંતર પ્રવર્તે છે. કેટલાક ઈતિહાસકારોના મતે 'જિંગલ બેલ' હકીકતમાં એક થેન્ક્સ ગિવિંગ ગીત છે. જેને ૧૮૫૦માં જેમ્સ પિયરપોન્ટે 'વન હોર્સ ઓપન સ્લેઇ' નામથી લખેલું હતું. બાય ધ વે, જેમ્સ પિયરપોન્ટના મોટા બહેન જુલિયટે કરોડપતિ એવા જુનિયર સ્પેન્સર મોર્ગન સાથે લગ્ન કરેલા હતા અને તેમના સૌથી મોટા પુત્ર જોન પિયરપન્ટ મોર્ગન એટલે વૈશ્વિક બેન્કિંગમાં સૌથી મોટું નામ, જેને આપણે જેપી મોર્ગન તરીકે ઓળખીએ છીએ. આમ, જિંગલ બેલ્સના રચયિતા એ બેન્કિંગના બાદશાહ એવા જેપી મોર્ગનના મામા થાય . 

હવે મૂળ વાત પર પાછા આવીએ... જેમ્સ પિયરપોન્ટે આ ગીતને ઓર્ડવે નામના મ્યુઝિકલ ગૂ્રપ માટે લખેલું હતું. ઈ.સ. ૧૮૫૭માં આ ગીત પ્રથમવાર પ્રસ્તુત કરાયું હતું. પિયરપોન્ટ એ વખતે જ્યોર્જિયાના સવાનામાં મ્યુઝિક ડિરેક્ટર હતા. તેમના મૃત્યુના ૩ વર્ષ અગાઉ એટલે કે ૧૮૯૦ સુધીમાં આ ગીત ક્રિસમસનું લોકપ્રિય ગીત બની ચૂક્યું હતું. આ ગીત રીલિઝ થયાના બે વર્ષમાં તેનું નામ બદલીને 'જિંગલ બેલ્સ' કરી દેવામાં આવ્યું હતું. 'જિંગલ બેલ...'ના મૂળ શબ્દો કંઇક આવા હતા,

Dashing through the snow,

In a one-horse open sleigh,

O'er the fields we go,

Laughing all the way;

Bells on bobtails ring,

Making spirits bright;

What fun it is to ride and sing

A sleighing song tonight! 

Jingle, bells! Jingle, bells!

Jingle all the way!

Oh! what fun it is to ride

In a one-horse open sleigh!

''જિંગલ બેલ્સ'' સૌપ્રથમ ૩૦ ઓક્ટોબર, ૧૮૮૯ ના રોજ બેન્જોઇસ્ટ વિલ લાયલ દ્વારા  એડિસન સિલિન્ડર પર રેકોર્ડ કરવામાં આવ્યું હતું , પરંતુ તેની કોઈ હયાત નકલો અસ્તિત્વમાં હોવાનું જાણીતું નથી. સૌથી પહેલું હયાત વોકલ રેકોર્ડિંગ ૧૮૯૮ માં એડિસન મેલ ક્વાર્ટેટ દ્વારા બનાવવામાં આવ્યું હતું, તે પણ એડિસન સિલિન્ડર (અને ૧૮૯૮ કોલંબિયા બ્રાઉન વેક્સ ૪૦૯૦) પર, ''સ્લેહ રાઇડ પાર્ટી'' શીર્ષકવાળા 'ક્રિસમસ' મેડલીના ભાગ રૂપે. હેડન ક્વાર્ટેટ દ્વારા ૧૯૦૧ માં રેકોર્ડ કરાયેલ સ્લેહ રાઇડ પાર્ટી નામનું એક સંસ્કરણ છે.૧૯૩૫માં, બેની ગુડમેન અને તેમના ઓર્કેસ્ટ્રાએ ''જિંગલ બેલ્સ''ના સ્વિંગ અથવા મોટા બેન્ડ રેકોર્ડિંગ સાથે ચાર્ટમાં ૧૮મા ક્રમે પહોંચ્યા હતા.હવે નવા સંસ્કરણમાં શબ્દો 'જિંગલ બેલ્સ જિંગલ બેલ્સ, જિંગલ ઓલ ધ વે, સાન્તા ક્લોઝ ઈઝ કમિંગ ઓલ ધ વે, સાન્તા ક્લોઝ ઈઝ કમિંગ એરાઉન્ડ ડ્રાઇવિંગ ઓન એ સ્લાઇ...' હવે જે રીતે જિંગલ બેલના ગીતને ક્રિસમસ સાથે શરૂઆતમાં કોઇ નાતો નહોતો તેવું જ કંઇક સાન્તા ક્લોઝનું છે. સત્તાવાર રીતે 'સાન્તા ધ ક્લોઝ'ના પાત્રને ખ્રિસ્તી ધર્મ કે બાઇબલ કે ચર્ચ સાથે નહાવાનિચોવવાનો સીધો સંબંધ નથી. સાન્તાક્લોઝ તો અચાનક આવેલ આઉટસાઇડર કેરેકટર છે! એવું ય મનાય છે કે અમેરિકામાં આવેલા ડચ ખલાસીઓ સેઇન્ટ નિકોલસ જેવા 'સિન્ટર ક્લાસ' નામે ઓળખતા. જે લાલ રંગના ચોપડામાં બાળકોના આખા વરસના તોફાનો નોંધી જે ડાહ્યાડમરા હોય એને નાતાલમાં ભેટ આપતા સારા વર્તન માટે ! એમાંથી અપભ્રંશ થતાં સાન્તાક્લોસ નામ બન્યું. લોકોને વ્હાલી વ્યકિતઓને મળવા, જમાડવા કે ભેટ આપવા માટે બહાનું જોઇતું હોય છે.૧૮૨૧ની સાલમાં વિલિયમ ગિલીએ એક કવિતામાં - સાન્તાક્લોઝના વાહનરૂપે રેન્ડિયર (હરણ જેવું હિમપ્રદેશનું સુંદર શિંગડાવાળું પ્રાણી) હોવાની કલ્પના કરી. બસ, તેના ઉપરથી સાન્તા ક્લોઝ ચલણમાં આવવા લાગ્યા. 

સાન્તા ક્લોઝનો મૂળ હેતુ બાળકની ઈચ્છા પૂરી કરવાનો હોય છે. તમે સાન્તા ક્લોઝની વેષભૂષા વિના કોઈ બાળકના ચહેરા પર સ્મિત  લાવીને તમે પણ એવો જોય ઓફ ગિવિંગ અનુભવો તો સાચું મેરી ક્રિસ્મસ કે હેપી દિવાળી કે ઈદ મુબારક છે.નિદા ફાઝલીનો આ અંગેનો મસ્ત શેર છે કે, 'ઘર સે મસ્જિદ હૈ બહૂત દૂર, ચલો  યું કર લે કિસી રોતે હુએ બચ્ચે કો હસાયા જાએ...'