Get The App

બિરહમાં બાઢ લાયો! રે આજ અષાઢ આયો!

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
બિરહમાં બાઢ લાયો! રે આજ અષાઢ આયો! 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- વરસાદ બાદ માટીમાંથી આવતી સુગંધ એક નવો જોશ-ઉત્સાહનું સંચાર કરીને જાય છે

- 29 જુલાઇ 

- વરસાદ દિવસ 

ગુ જરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. આકાશ વરસી રહ્યું ત્યારે પહેલા પલળવાની અને કોરા થયા પછી એક હાથમાં ગરમાગરમ ચાનો કપ, બીજા હાથમાં મનગમતું પુસ્તક સાથે દાળવડાની ડિશ લઇને પલંગ પર પહોળા થવાની કેવી મજા આવે. સાચ્ચે ચોમાસું પોતાની સાથે પ્રમાદ પણ ખેંચતું લાવે છે.  આવા માહોલમાં ઓફિસ જવાનું ખૂબ જ આકરું લાગે અને એટલે જ વેણીભાઇ પુરોહિતે તેમની કવિતા દ્વારા જાણે દરેકના મનની વાત કરી છે કે, 'આજ નથી જાવું બસ કોઇનાય કામ પર, અલ્યા ધીંગા વરસાદ!તારા નામ પર...'  એકમાત્ર વરસાદ એવી તુ છે જેની સૌથી વધુ આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે. વરસાદ પર ખૂબ ઓછા શ્રેષ્ઠ નિબંધો કે આરપાર ભીંજવી જાય તેવી કવિતાઓ અંગ્રેજીમાં જોવા મળશે. બલ્કે, અંગ્રેજીમાં એક કવિતાના તો શબ્દો જ એવા છે કે, 'રેઇન, રેઇન ગો અવે...કમ અગેઇન અનધર ડે. ડેડી વોન્ટ્સ ટુ પ્લે...' જેની સામે આપણું બાળકાવ્ય છે કે, 'આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક...'  આ પાછળનું કારણ એવું પણ છે કે અંગ્રેજો માટે વરસાદ જાણે એક સામાન્ય બાબત બની ગઇ હોવાથી 'ઘર કી મૂર્ગી દાલ બરાબર' જેવી તેની કિંમત છે. જેની સામે આપણા માટે વરસાદ એટલે એક મોંઘેરો મહેમાન છે. વરસાદ બાદ માટીમાંથી આવતી સુગંધ એક નવો જોશ-ઉત્સાહનું સંચાર કરીને જાય છે. ભીની માટીની સુગંધને તોલે વિશ્વનું કોઇ પર્ફયૂમ આવી શકે નહીં. આપણા સાહિત્યમાં પણ અન્ય કોઇ ઋતુ કરતાં વરસાદ માટે સૌથી વધુ કવિતા લખાઇ હશે. વરસાદની મોસમનો નશો જ એવો છે કે આ ઋતુમાં અનેક લોકો પાર્ટટાઇમ કવિ બની જતા હોય છે. એનીવે' ઝ આજે આપણે વરસાદી મોસમમાં ગુજરાતના કેટલાક જાણ્યા-અજાણ્યા વર્ષા કાવ્યના વિશ્વમાં છબછબીયાં કરી લઇએ....

***

અંધારી આ રજની સજની, મેઘબિહામણી રે, વારે વારે દરશન દઈ, ચોંકવે દામણી રેત. ધો ધો ધો ધો, ઉદક પડતું, પહાણ ઉપેર ભારી, દેખી સંધું ક્યમ ન ટટળું નાથ સારુ હું નારી ? આ તોફાને, ખૂબ કરી કળા, ડુંગરે નાચતા રે. 'ટેહુ' 'ટેહુ', વદી હરખમાં, મોર તે વૃંદમાં રેત, દેખી દાઝું ઊંચકી તન ના, જંગી વિલાસ કીધો, માદા પેરે, ઝીલી સુરસ મેં, હાય રે ના જ પીધો !....

- નર્મદાશંકર

વર્ષાની રૂમઝૂમતી રાત રંગભીની. એવી  વ્હાલપની  વાત રંગભીની. આકાશે વીજ ઘૂમે,  હૈયામાં પ્રીત ઝૂમે,છંટાતી સ્વપ્નની બિછાત રંગભીની. વર્ષાની રૂમઝૂમતી  રાત  રંગભીની.બાજે  અજસ્ત્રધાર,  વીણા  સહસ્ત્રતાર  સ્મૃતિના ઝંકાર આંખે લુવે રંગભીની....

-ઉમાશંકર જોશી 

હવે  પહેલો વરસાદ અને બીજો વરસાદ અને છેલ્લો વરસાદ, એવું કાંઈ નહીં ! હવે માટીની  ગંધ અને  ભીનો  સંબંધ  અને મઘમઘતો સાદ, એવું કાંઈ નહીં ! સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં, સાવ કોરી અગાસી  અને તે ય  બારમાસી,  હવે જળમાં ગણો તો ઝળઝળિયાં ! ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉઘાડ પછી ફરફરતી યાદ,એવું કાંઈ નહીં !...કોઈ  ઝૂકી  ઝરુખે  સાવ  કજળેલા  મુખે   વાટ   જોતું  નથી, કોઈ  ભીની  હવાથી   શ્વાસ  ઘૂંટીને   સાનભાન  ખોતું  નથી. કોઈના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમે રોમે સંવાદ, એવું કાંઈ નહીં !

***

અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે, ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ, બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.

-ભગવતીકુમાર શર્મા

રે આજ અષાઢ આયો, મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો ! દૂર દખ્ખણ મીટ માંડીને,   મોરલે નાખી ટહેલ,વાદળી સાગરસેજ છાંડીને, વરસી હેતની હેલ, એમાં મન ભરીને મતવાલો મોર ન્હાયો ! મેઘવીણાને કોમલ તારે મેલ્યાં વીજલ નૂર,મેહુલાએ ત્યાં જલની ધારે, રેલ્યા મલ્હારસૂર, એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો ! જનમાં વનમાં અષાઢ મ્હાલ્યો, સંસાર મ્હાલ્યો સંગ....આપણે રે પ્રિય, સામસામે તીર,ક્યારેય નહીં મિલાપ, ગાશે જીવનજમુનાનાં નીર,  વિરહનો જ વિલાપ ?   બિરહમાં બાઢ લાયો ! રે આજ અષાઢ આયો !

-નિરંજન ભગત

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે, હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે. ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે, અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે.  નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે, દરિયા ઉભા ફાટયા રે વરસાદ ભીંજવે, ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટયા રે વરસાદ ભીંજવે, ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટયા રે વરસાદ ભીંજવે. 

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે, નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે.  બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે, લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. 

-રમેશ પારેખ

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઇએ,ઝાંઝવા હો કે દરિયાવ, તરસતાં જઇએ. મોતના દેશથી કહે છે કે બધાં ભડકે છે, કૈં નથી કામ, છતાં ચાલ, અમસ્તાં જઇએ...સાવ નિર્જન છે આ વેરાન, બીજું શું કરીએ,બાંધીએ એક નગર, ને જરા વસતાં જઇએ. તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા,રાગ છેડયો છે રુદનનો, છતાં હસતાં જઇએ.

-હરિન્દ્ર દવે

ડૂબવાનું હોય જાણે કે જગત, એટલો વરસાદ વરસે છે સખત. બારણાં, બારી બધું વરસાદનું,ને ઉપર વરસાદની એકાદ છત. જળ ભલે આપે મને વરસાદ તું-લે, ઉમેરી અશ્રુ આપું છું પરત. હોય કોરું તોય હું તરબોળ છું,યાદમાં એવું બધું તો હસ્તગત....

-રવિન્દ્ર પારેખ