Get The App

પ્રજાસત્તાક દિવસ : પાકિસ્તાનના નેતા પણ ભારતના 'અતિથિ' બની ચૂક્યા છે!

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
પ્રજાસત્તાક દિવસ : પાકિસ્તાનના નેતા પણ ભારતના 'અતિથિ' બની ચૂક્યા છે! 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- પ્રજાસત્તાક પર્વમાં કયા દેશના વડાને નિમંત્રણ આપવું તે નક્કી કરવાની પ્રક્રિયા જુલાઇ મહિનાથી જ શરૂ થઇ જતી હોય છે

- 26 જાન્યુઆરી

- પ્રજાસત્તાક દિવસ

૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસ એટલે કે બ્રિટીશ આધિપત્યમાંથી આપણે કાયમી મુક્ત થયા અને વાસ્તવિક અર્થમાં સ્વરાજ માટે પગભેર એવું સ્વતંત્ર થયું એનો ઉત્સવ આપણે ઉજવવા જઇ રહ્યા છીએ.આપણા દેશને સ્વતંત્રતા ૧૫ ઓગસ્ટમાં મળી અને આપણા દેશનું બંધારણ બંધારણસભામાં ૨૬ નવેમ્બર ૧૯૪૯ના પસાર થયું, તો પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ૨૬ જાન્યુઆરીના જ શા માટે તેવો સવાલ થવો સ્વાભાવિક છે. વાત એમ છે કે, ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું લાહોરમાં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ સુધી ડોમેનિયન સ્ટેટસનો હોદ્દો આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. ૨૬ જાન્યુઆરીના દિવસે અંગ્રેજોએ દેશની આઝાદી માટે કોઇ જ પગલા ન ભરતા દેશમાં પૂર્ણ સ્વરાજનો નારો ગુંજી ઉઠયો હતો. પૂર્ણ સ્વરાજની માંગ સાથે દેશમાં રાષ્ટ્રભકિતની લહેર ઉભી થઇ હતી. આથી લાહોર અધિવેશન મુજબ ૨૬ મી જાન્યુઆરીને દર વર્ષે પૂર્ણ સ્વરાજ દિવસ તરીકે ઉજવવાનું નકકી કરવામાં આવ્યું હતું. જયાં સુધી દેશને ઇસ ૧૯૪૭માં આઝાદી ના મળી ત્યાં સુધી ૨૬ મી જાન્યુઆરી પૂર્ણ સ્વરાજ દિન એટલે કે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાતો રહ્યો હતો.સ્વતંત્રતા મળી ત્યારબાદ ૨૬ જાન્યુઆરી લોકમાનસમાંથી વિસરાઇ જાય નહીં તેના માટે આ દિવસથી બંધારણને અમલમાં લાવી અને તેની ઉજવણી 'પ્રજાસત્તાક દિવસ' તરીકે કરવાનો  નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, આ દિવસે આપણા દેશમાં લોકશાહીનો સત્તાવાર રીતે જન્મ થયો હતો. ભારતીય બંધારણ સભાની પહેલી બેઠક ૯ ડિસેમ્બર ઇસ ૧૯૪૬માં મળી હતી. ૧૯૪૭માં ૧૫ મી ઓગસ્ટના દેશને આઝાદી મળી પરંતુ દેશ પાસે પોતાનું બંધારણ નહોતું. એક રીતે કહેવામાં આવે તો આઝાદી કરતાં ય સંવૈધાનિક વ્યવસ્થાનું મૂલ્ય અનેરું છે. કેમકે તેના વિના સ્વતંત્રતા જ ટકે એમ નહોતી. વધુમાં વધુ ભારત કેટલાક મોટા રજવાડાઓનું યુનિયન બનત સોવિયેટ સંઘની જેમ પણ એક આગવો દેશ નહિ ! જેના કારણે જ 'ટ્રાન્સફર ઓફ પાવર'માં ૧૯૪૭થી ૧૯૫૦ના ત્રણ વર્ષ વીત્યા. એક ઘર બદલવું હોય તો ય કેટલી વાર લાગે. એક બેન્ક એકાઉન્ટ બીજે ટ્રાન્સફર કરવું હોય તો ય અનેક કાગળીયા કરવાના થાય. આ તો નવેસરથી દેશ બનાવવાનો હતો. એટલે તત્કાલીન પ્રજાનો વિશ્વાસ ધરાવતા નેતાઓએ ધીરજ ને કુનેહથી કામ લીધું.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને ત્યારબાદ તેઓએ દિલ્હીના ઇરવિન સ્ટેડિયમ (હાલનું મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ)ખાતે સવારે ૧૦:૧૮ કલાકે સૌપ્રથમ વખત તિરંગો ફરકાવીને ભારતીય ગણતંત્રના જન્મની ઐતિહાસિક ઘોષણા કરી હતી. હાલ ગણતંત્ર દિવસની પરેડ સવારના સમયે યોજાય છે પરંતુ પહેલી પરેડ સાંજના સમયે નીકળી હતી. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બપોરે ૨:૩૦ કલાકે રાજેન્દ્ર પ્રસાદ બગીમાં સવાર થઈને રાષ્ટ્રપતિ ભવનથી નીકળ્યા હતા. રાષ્ટ્રપતિ જે બગીમાં સવાર થયા હતા તે એ સમયે જ ૩૫ વર્ષ પુરાણી હતી. ૬ ઓસ્ટ્રેલિયન ઘોડાઓ તે બગીને ખેંચી રહ્યા હતા. પરેડ સ્થળે રાષ્ટ્રપતિને સાંજના સમયે ૨૧ તોપોની સલામી આપવામાં આવી હતી. પહેલી પરેડમાં ૩ હજાર જવાનો અને ૧૦૦ વિમાનો સામેલ થયા હતા. એ વખતે રાજેન્દ્ર પ્રસાદે તેમના વક્તવ્યમાં કહ્યું હતું કે,  ગણતંત્રનો ઉદ્દેશ છે કે તે પોતાના ન્યાય, સ્વતંત્રતા અને સન્માન પ્રાપ્ત કરાવે તેમ જ તેના વિશાળ પ્રદેશોમાં વસવાટ કરતા વિવિધ આચાર-વિચારવાળા લોકોમાં ભાઈચારાની ભાવના વધારે. આપણે તમામ દેશો સાથે મિત્રભાવથી રહેવા ઈચ્છીએ છીએ. 'પણ ઉદ્દેશ છે કે આપણે આપણા દેશમાં સર્વોમુખી પ્રગતિ કરીએ. રોગ, દરિદ્રતા અને અજ્ઞાાનતાની નાબૂદી આપણો ઉદ્દેશ અને કાર્યક્રમ છે. આપણે સૌ એ બાબતને લઈ ઉત્સુક અને ચિંતિત છીએ કે આપણા ઘણા પીડિત ભાઈઓને અનેક યાતનાઓ અને મુશ્કેલીઓ સહન કરવી પડી છે તેમ જ સહન કરી રહ્યા છે, તેમનુ પુન:વસન કરવામાં આવે અને કામ પર લાગી જઈએ. જે લોકો જીવનની આ દોડમાં પાછળ રહી ગયા છે તેને અન્યોની સમકક્ષ લાવવા માટે વિશેષ પગલાં ભરવાની આવશ્યકતા છે અને વ્યાજબી પણ છે.'

પ્રજાસત્તાક દિવસે યોજવામાં આવતી પરેડનું એક આગવું મહત્વ હોય છે. આર્થિક-વ્યૂહાત્મક-રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને આ પરેડમાં મુખ્ય અતિથિ કોણ બનશે તે નક્કી કરવામાં આવતું હોય છે.જેમાં આ વખતે દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ નહીં પણ યુરોપિયન યુનિયનનાં પ્રમુખ ઉર્ઝુલા વોન ડેર લિયેન અને યુરોપિયન કાઉન્સિલના એન્ટોનિયો કોસ્ટાને આમંત્રિત કરાયા છે. પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં કોઇ મહાનુભાવની ઉપસ્થિતિ જ ના હોય તેવું ૧૯૫૨, ૧૯૫૩, ૧૯૬૬ અને છેલ્લે ૨૦૨૧મા વર્ષમાં બન્યું હતું. પ્રજાસત્તાક પર્વમાં કયા દેશના વડાને નિમંત્રણ આપવું તે નક્કી કરવાની પ્રક્રિયા જુલાઇ મહિનાથી જ શરૂ થઇ જતી હોય છે. વિદેશ મંત્રાલયને આ પસંદ કરાયેલા મહાનુભાવના નામ માટે વડાપ્રધાનની અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે. આ પછી જે દેશના વડાને નિમંત્રિત કરવાના હોય તેઓ પ્રજાસત્તાક પર્વ વખતે ઉપસ્થિત રહી શકશે કે કેમ તે જાણવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ  તે દેશના વડાને પ્રજાસત્તાક પર્વ વખતે ભારતના અતિથિ બનવા માટે સત્તાવાર આમંત્રણ અપાય છે. હવે  બંને દેશના ચીફ ઓફ પ્રોટોકોલ દ્વારા કાર્યક્રમને આખરી ઓપ અપાય છે, જેમાં સલામતી-રોકાણ-તબીબી જરૂરિયાતો  પર ચર્ચા થાય છે. આપણા દેશના પ્રોટોકલ પ્રમાણે જે-તે દેશના વડાને પ્રજાસત્તાક પર્વનો કાર્યક્રમ સંપૂર્ણ પૂરો  થાય નહીં ત્યાં સુધી ફરજીયાત ઉપસ્થિત રહેવું પડે છે.  ૧૯૫૦માં સૌપ્રથમ પ્રજાસત્તાક પર્વ વખતે ઇન્ડોનેશિયાના તત્કાલીન રાષ્ટ્રપતિ સુકાર્નો સૌપ્રથમ અતિથિ હતા. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમના પ્રતિનિધિઓ સૌથી વધુ પાંચ વખત પ્રજાસત્તાક પર્વ વખતે દેશના અતિથિ બન્યા છે. હાલ ૯૪ વર્ષની ઉંમરના ક્વિન એલિઝાબેથ ૧૯૫૯માં જ્યારે ૧૯૬૪માં લોર્ડ લુઇ માઉન્ટબેટ્ટન દેશના અતિથિ બન્યા હતા.ખંડ પ્રમાણે જોવામાં આવે તો એશિયામાંથી ૩૮૭, યુરોપમાંથી ૨૬, આફ્રિકામાંથી ૧૨, અમેરિકામાંથી ૮, ઓસેનિયામાંથી ૧ મહાનુભાવ પ્રજાસત્તાક દિવસના ભારતના અતિથિ રહી ચૂક્યા છે. બાય ધ વે, એશિયામાંથી ઉપસ્થિત રહેલા અતિથિમાં બે વખત પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. ૧૯૫૫માં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ અને ૧૯૬૫માં પાકિસ્તાનના અન્ન-કૃષિ મંત્રી રાણા પ્રજાસત્તાક દિવસના ભારતના અતિથિ હતા. જેમાં રાણા અબ્દુલ હમીદ ભારતનું આતિથ્ય માણ્યાના સાતમા મહિને જ પાકિસ્તાને આપણી સામે યુદ્ધ છેડી દીધું હતું. ચીનમાંથી  યે જીઆનયિંગ ૧૯૫૮ના વર્ષમાં ઉપસ્થિત રહ્યા હતા.