Get The App

મચ્છર કેટલાકને વધુ કરડે છે, તો કેટલાકને નહીં... આવું કેમ?

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
મચ્છર કેટલાકને વધુ કરડે છે, તો કેટલાકને નહીં... આવું કેમ? 1 - image

- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ગર્ભવતી મહિલાઓને મચ્છર એટલા માટે પણ વધારે કરડે છે કેમકે તેમના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે બને છે. માત્ર માદા મચ્છર જ આપણને કરડે છે

'અ મે તમને નોકરીએ રાખવા માગીએ છીએ, તમારું કામ ખાલી એક રૂમમાં મચ્છરો સાથે એક રૂમમાં રહેવાનું છે. એક મચ્છર કરડશે તો અમે તને ૫૦ પૈસા આપીશું....' વાત માન્યામાં આવે નહીં પણ આ પ્રકારે નોકરીની ઓફર કરનારા હતા  ડૉ. રોનાલ્ડ રોસ અને તે સ્વીકારનારા હતા હુસૈન નામની વ્યક્તિ. શા માટે ડૉ.  રોનાલ્ડ રોસને કોઇ વ્યક્તિને મચ્છર કરડે તેનાથી તેમને શું લાભ થતો હતો? વાત એમ છે કે,ડૉ.  રોનાલ્ડ રોસ ઇન્ડિયન મેડિકલ સવસ હેઠળ પોતાની સેવા આપવા માટે આવ્યા હતા અને ૧૮૮૩માં તેમનું પ્રથમ પોસ્ટિંગ બેંગલોરમાં થયું ત્યારે એક વાત તેમના ધ્યાનમાં આવી. બેંગલોરમાં અન્ય લોકોના બંગલા કરતાં તેમના બંગલામાં વધારે મચ્છર થતાં . જેની તેમણે તપાસ કરી તો ધ્યાનમાં આવ્યું કે, તેમના બંગલાની બહાર પાણી ભરાયેલું હતું અને તેના પર મચ્છરોએ અડ્ડો જમાવ્યો હતો. જેમાં તેમને મચ્છરના લારવા પણ મળી આવ્યા હતા.  તેમણે આ પાણીનો નિકાલ કર્યો અને એ સાથે જ મચ્છરનો ઉપદ્રવ પણ ઘટી ગયો. ટ્રોપિકલ મેડિસિનના પિતામહ ગણાતા પૈટ્રિક મૈનસનને તેમણે આ અંગે વાત કરી. પૈટ્રિક મૈન્સને તુરંત જ રોનાલ્ડને કહ્યું , 'તારા માટે આ બીમારી પર  સંશોધન કરવાની આ ઉમદા તક છે. ભારતમાં મચ્છરનું પ્રમાણ ખૂબ જ વધારે છે અને તેના કારણે તાવ સહિતની બીમારીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. તું આ કારણ જાણવા માટે સંશોધન કરીશ તો  તે આવનારી પેઢી માટે ખૂબ જ મદદરૂપ થશે.' તેમની વાત ડૉ. રોસે ગાંઠે બાંધી લીધી અને દિવસના કલાકો સુધી મલેરિયા પર સંશોધન કરતા. આ દરમિયાન ૧૮૯૧માં તેમની મદ્રાસમાં ટ્રાન્સફર કરવામાં આવી. ભેજવાળા વાતાવરણથી મદ્રાસમાં મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ વધારે હતો અને તેના કારણે મચ્છરજન્ય બીમારી પણ ઘરે-ઘરે જોવા મળતી. આમ, મદ્રાસમાં રહેવું તે વિદેશથી આવતા ડોક્ટર માટે જાણે 'પનિશમેન્ટ ટ્રાન્સફર' સમાન ગણાતું. અધૂરામાં પૂરું દર્દીઓની સંખ્યા એટલી વધારે કે ડૉક્ટરને ફૂરસદની બે ઘડી પણ મળે નહીં.પરંતુ ડૉ. રોસને મચ્છરની બીમારી પર સંશોધન માટે જાણે દોડવું હતું અને ઢાળ મળ્યો તેવી મનગમતી સ્થિતિ સર્જાઇ. આ દરમિયાન  ડૉ.  રોનાલ્ડ રોસને એક ટેલિગ્રમ આવ્યો કે, 'તમારી રાજસ્થાનમાંટ્રાન્સફર કરવામાં આવે છે....'  અન્ય કોઇ ડોક્ટર હોત તો આ સમાચાર મળતાં  જ 'હાશ, મદ્રાસ અને મચ્છરથી મુક્તિ મળી' તેવા વિચાર સાથે ઉજવણી કરત. પરંતુ ડૉ. રોસ અલગ માટીના હતા. તેમણે મદ્રાસથી ટ્રાન્સફર કરવા સામે વાંધો ઉઠાવ્યો. ઈન્ડિયન મેડિકલ સવસે ટ્રાન્સફર અટકાવવાથી ઈન્કાર કર્યો તો તેમણે એવું સૂચન કર્યું કે, 'તમારે મારી ટ્રાન્સફર કરવી જ હોય તો દક્ષિણ ભારતમાં ક્યાંય પણ કરો. એ પણ શક્ય ન હોય તો હું રાજીનામું આપવા તૈયાર છું. ' ડૉ.  રોસની આ વિનંતી સ્વીકારી લેવાઇ અને તેમની ટ્રાન્સફર ઉટીમાં કરવામાં આવી. ઉટીમાં તેમની મુલાકાત હુસૈન ખાન નામની વ્યક્તિ સાથે થઇ, જેના ઘર પાસે ખૂબ જ મચ્છર હતા અને તેઓ વારંવાર તાવમાં પટકાતા રહેતા. તેમણે હુસૈનને એક વિચિત્ર નોકરી આપી. વિચિત્ર એટલા માટે કે આ નોકરીમાં હુસૈનને માત્ર મચ્છરનો ડંખ  સામનો કરવાનો હતો. એક મચ્છર કરડે તો હુસૈનને ડૉ. રોસ ૫૦ પૈસા આપતા. વિવિધ ૨૦ પ્રકારના મચ્છર હુસૈનને કરડયા અને જેના પરથી છેવટે ડૉ.  રોસ સંશોધન બાદ એ તારણ પર આવ્યા કે એનાફિલીઝ જાતિનો મચ્છર પોતાની અંદર મલેરિયાના વાહક સાથે ફરતો હોય છે. ડિસેમ્બર ૧૮૯૭માં તેમનું રીસર્ચ પેપર બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થયું.તેમણે કરેલા આ સંશોધનને આપણે મેલેરિયા તરીકે ઓળખીએ છીએ. ૧૯૦૨ ના વર્ષમાં તેમને મલેરિયા પરની શોધ બદલ નોબલ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મેલેરિયા મચ્છરથી થાય છે તેવી શોધ કરવા બદલ દર વર્ષે ૨૦ ઓગસ્ટની ઉજવણી 'મચ્છર દિવસ' તરીકે કરવામાં આવે છે. 

હવે એક વાત આપણે અનુભવી હશે કે ઘણી વ્યક્તિને ખૂબ જ મચ્છર કરડે છે જ્યારે કેટલીક વ્યક્તિને કરડતાં જ નથી.યુનિવસટી ઓફ ફ્લોરિડાના પ્રોફેસર જોનાથન ડે દ્વારા કરવામાં આવેલા સંશોધન અનુસાર તેના માટે નજર-સુગંધ એમ બે કારણ જવાબદાર છે. સૌપ્રથમ વાત નજરની. ખાસ કરીને સાંજના સમયે અજવાળું ઓછું થઇ જાય છે અને અંધારું વધે તેમ મચ્છરોની દ્રષ્ટિ વધુ સારી થાય છે. મચ્છર માણસોને તેમના રંગને આધારે શોધી કાઢે છે. જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ બાયોલોજીના રિસર્સ પ્રમાણે મચ્છર ઘાટા રંગ તરફ વધુ આકષત થાય છે. તમે કાળો, નેવી બ્લ્યૂ, બ્રાઉન કે લાલ કલરના કપડાં પહેરો તો મચ્છક તમને સરળતાથી શોધી લે છે અને તમને કરડે છે. હવે વાત સ્મેલ એટલે કે ગંધની.

 મચ્છરની એ પણ ખાસિયત હોય છે કે તે કાર્બન ડાયોક્સાઇડને દૂરથી સુંઘી શકે છે. માદા મચ્છર પાસે એવા 'સેન્સિંગ ઓર્ગન્સદ હોય છે જેની ગંધ તેઓ ઓળખી લે છે. આપણે શ્વાસ છોડીએ છીએ ત્યારે સીઓટુ બહાર કાઢીએ છીએ. કોઇ વ્યક્તિના શરીરમાં ગેસ ઓછી બને છે તો કોઇ વ્યક્તિમાં વધુ. આ બાબત વ્યક્તિના મેટાબોલિક રેટ પર આધાર રાખે છે. જે વ્યક્તિના શરીરમાં ગેસ વધુ બને છે તેને મચ્છર વધારે કરડે છે કેમકે તેની તરફ તેઓ આકષત થાય છે. ગર્ભવતી મહિલાઓને મચ્છર એટલા માટે પણ વધારે કરડે છે કેમકે તેમના શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે બને છે. માત્ર માદા મચ્છર જ આપણને કરડે છે. તે પાછળનું કારણ એવું છે કે તેમને એગ ફટલિટી માટે આપણા લોહીની જરૂર પડે છે. મચ્છરોની ૩૭૦૦થી વધુ પ્રજાતિઓ છે અને તેમનું આયુષ્ય બે થી ચાર સપ્તાહનું હોય છે. બાય ધ વે, હાલ વિશ્વમાં એકમાત્ર દેશ જે મચ્છરમુક્ત હોય તો તે આઇસલેન્ડ છે....