- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 19 નવેમ્બર
- આંતરરાષ્ટ્રીય
- પુરુષ દિવસ
- યુકે, યુએસ, કેનેડા જેવા વિકસિત દેશોમાં ઘરેલુ હિંસાનો કાયદો જેન્ડર ન્યુટ્રલ છે, યાને કે તેમાં સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ કરવામાં આવતો નથી
'મૈં પુરુષ હૂં, વિધાતા કી હૂં રચના, મૈં નારી કા અભિમાન હૂં, હાં મૈં એક પુરુષ હૂં. મન કી બાત મન મેં રખ, ઉપર સે હરદમ ખુશમિજાજ હૂં, માં કી મમતા, પિતા કા સ્વાભિમાન હૂં...મૈં જીવન મેં આયા જબસે ઉપેક્ષા કે બોજ સે લદા હરદમ, પિતા કે ફટે જૂતે સે લેકર બહન કી શાદી કે સપનોં કા આધાર હૂં, મૈં ઉમ્મીદોં કા પહાડ હૂં...થકાન હો ગઇ તો ક્યા, પાંવ રુક ગએ તો તો ક્યા, મુજકો ચલના હૈ હરદમ...રો મૈં સકતા નહીં, કહ મૈં સકતા નહીં, ડર અપના યહ મૈં સહ સકતા નહીં, ઉપર સે બહુત અભિમાની, પર અંદર સે નિપટ અસહાય હૂં, મૈં પરિવાર કા એતબાર હૂં...પત્ની કી ઈચ્છા, માં કે સપને, બચ્ચોં કી ખ્વાહિશેં, પિતા કે ગુસ્સે કા શિકાર હૂં...આદર દેતા મૈં હરદમ, પ્યાર લુંટાતા હૂં હર ઈક કદમ, ફિર ભી કુછ હૈવાનોં કે કારણ મૈં નફરત કા શિકાર હૂં....'
૧૯ નવેમ્બરના 'આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ'ની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે પુરુષના મનમાં ચાલતા ધમાસાણને વ્યક્ત કરતી આ વાયરલ કવિતાના અંશ છે. યસ્સ, બરાબર વાંચ્યું 'આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ'... વિવિધ દિવસની ઉજવણીના નકશામાં એક તરફ 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' કોઇ વિશાળ દેશ છે તો તેની સામે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ બિલોરી કાચ લઇને જોવો પડે તેવો કોઇ ટચૂકડું સ્થાન ધરાવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ૮ માર્ચે મનાવાય છે, કારણ કે તેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે, પણ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી નથી. તેથી પુરુષ દિવસને મહિલા દિનની જેમ ગંભીરતાથી નથી મનાવાતો. એક ઘરમાં મા અને પત્ની એવા બે ચીઅરલીડર વચ્ચે ગમગીન થઈને પીસાતા મર્દની વ્યથા ભાગ્યે જ રજૂ થાય છે! પુરુષને બહુ રડવું ફાવતું નથી. બધાની અપેક્ષા પૂરી કરવાની દોડધામમાં મર્દને દર્દ થતું એટલે દેખાતું કે એના આંસુ આંખને બદલે દિલમાં છૂપાઈ જાય છે. જે દેખાય નહિ, એ પણ હોઈ શકે છે. ભલે ઘણા પુરુષ વિકૃત, બળાત્કારી, હિંસક, લંપટ, છેતરપિંડી કરનારો, ઘરમાં મારામારી કરનારો, છેડતી કરનારો, વ્યસન રાખનારો કરનારો એમ બધું જ હશે, પણ દરેક પુરુષો આવા નથી હોતા. પર્ફૂયૂમ કે બ્રાન્ડેડ કપડાં વિના ચાલે જ નહીં તેમ કહીને કોલેજ જતા પુરુષને ખભે જ્યારે જવાબદારીનો બોજ આવે છે ત્યારે લૂક્સ નામનો શબ્દ જ તેની ડિક્સનેરીમાંથી ગાયબ થઇ જાય છે. સ્ત્રીઓના મોંઢે ઘણીવાર એવા શબ્દો સાંભળવા મળશે કે 'અમારે તો ઘરના કેટલા કામ..બધી જ જવાબદારી મારા માથે...' પરંતુ પુરુષના મોંઢે તે કેટલા મોરચે લડતો હોય છે તેવા શબ્દો સાંભળવા નહીં મળે. બાળક જન્મે ત્યારે તે પણ તેની સાથે સમય વિતાવવા માગે છે. પરંતુ તમામ ઈચ્છાઓ એ એક ઝાટકે એવા વિચારે પૂર્ણવિરામ લગાવી દે છે કે 'હવે મારે વધુ કામ કરવું પડશે...' બાળકના મોંઢેથી પહેલા બોલાયેલો શબ્દ, પા પા પગલી માંડવી કે સ્કૂલમાં તેનો કોઇ કાર્યક્રમ હોય એ દરેકને તે ઘણીવાર ગુમાવી દે છે પણ ફરિયાદ કરતો નથી. દિવસે ઓફિસ જતી વખતે ફોનમાં 'જી સર' કરતો પુરુષ સાંજે ઘરે આવે ત્યારે પત્ની-બાળકોનું કલ્પવૃક્ષ બની જાય છે. રાત્રે પુરુષ ટીવી જોતો હોય તેમ લાગે પણ તેના મગજમાં આ મહિને વધુ ખર્ચ થયો છે તો ઈએમઆઇ કેવી રીતે ભરવું, ઓફિસ પોલિટિક્સનો શું ઉકેલ લાવવો જેવા જાત-જાતના વિચાર તેને ઘેરાયેલા હોય છે. પુરુષને પથ્થરદિલ સમજવામાં આવી રહ્યા છે. પણ વિશ્વભરના કાર્ડિયોલોજીસ્ટ મળીને કહેશે કે પુરુષોને હૃદય હોય છે, અને વિવિધ પ્રકારના પ્રેશર ઝીલી ઝીલીને નબળું થઈ જાય છે.
થોડા સમય અગાઉ રાષ્ટ્રીય મહિલા આયોગની તર્જ પર પુરુષો માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવાની માગ કરવામાં આવી હતી. માગ કરનાર વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (શભઇમ્) ના આંકડા ટાંક્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૧માં દેશભરમાં ૧,૬૪,૦૩૩ લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાંથી આત્મહત્યા કરનારા પરિણીત પુરુષોની સંખ્યા ૮૧,૦૬૩ હતી, જ્યારે ૨૮,૬૮૦ પરિણીત મહિલાઓ હતી. વર્ષ ૨૦૨૧માં લગભગ ૩૩.૨% પુરુષોએ પારિવારિક સમસ્યાઓના કારણે અને ૪.૮% પુરુષોએ લગ્ન સંબંધિત સમસ્યાઓને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ડુ યુ નો? આપણે ત્યાં એ પ્રકારના કાયદા છે કે પુરુષ કમાતો ના હોય ને સ્ત્રી કમાતી હોય તો પણ પુરુષ પર જ ભરણપોષણની જવાબદારી આવી જાય ! સ્ત્રીને બેઠેબેઠે એના સ્ત્રીધન ઉપરાંત પૂર્વ પતિની આવકનો હિસ્સો મળ્યા કરે. સિવાય કે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સના એગ્રીમેન્ટમાં રાજીખુશીથી છૂટા થવાનું અને કોઈ ભવિષ્યમાં આવા એલીમની બાબતે ડિમાન્ડ ના કરવાનું લેખિતમાં વિધિસર બેઉ પક્ષનું લખાણ હોય. પુરુષ દિવ્યાંગ હોય કે અન્ય લોન કે ઘરના સ્વજનોની આર્થિક જવાબદારી ઉઠાવતો હોય ત્યારે એને થોડીઘણી રાહત મળે, બાકી ડિવોર્સના દાયકાઓ બાદ પણ સ્ત્રી એને ભરણપોષણ માટે કોર્ટના પગથિયાં ચડાવી શકે. સિવાય કે એ પોતે બીજે સેટ થઇ ચૂકી હોય ( અમુક કિસ્સામાં તો એમ છતાં પણ આગલા પતિની એલીમની તણી એ તેણી હકદાર રહે!) બરાબર છે, પુરુષપ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીઓને ભરપૂર અન્યાય થયો છે ને હજુ થતો રહે છે,
શોષણ કે બળાત્કાર છેતરપિંડી કરનારા પુરુષો ઘણા બધા છે ને હેડલાઈનમાં ચમકે છે, એટલે એમાં અપરાધોનું ઠીકરું વગર વાંકે જે શાંત અને સહનશીલ કે લાગણીભર્યા છે એવા પુરુષો પર ફોડી દેવું એ ક્યાંનો ન્યાય ?
યુકે, યુએસ, કેનેડા જેવા વિકસિત દેશોમાં ઘરેલુ હિંસાનો કાયદો જેન્ડર ન્યુટ્રલ છે, યાને કે તેમાં સ્ત્રી-પુરુષ વચ્ચે ભેદભાવ કરવામાં આવતો નથી. જ્યારે ભારતમાં તે ચોક્કસ છે. એટલે કે માત્ર મહિલાઓ માટે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસે પણ આ મુદ્દાનો સામનો કરવા માટે કોઈ ચોક્કસ કાયદો નથી. પત્ની માટે ઘરેલુ હિંસાનો કાયદો છે, પરંતુ પતિ માટે આજ સુધી એવો કોઈ કાયદો બન્યો નથી. ઘરેલુ હિંસા સંરક્ષણ કાયદો માત્ર પત્ની માટે છે પતિ માટે નહીં.ખુદ અદાલતોના ન્યાયાધીશો કહે છે કે ઘણી બળાત્કારની ફરિયાદો માત્ર પરેશાન કરી પૈસા પડાવવા કે વેર વાળીને ઈમેજ ઈજ્જત ધૂળધાણી કરવા માટે જ હોય છે !


