- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ભગતસિંહના ક્રાંતિ વિચારોના થોડા અંશ આપણે પણ જાણીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ...
- 23 માર્ચ
- શહીદ દિવસ
૨૩ માર્ચ ૧૯૩૧ના ભગત સિંહ, સુખદેવ થાપર, શિવરામ રાજગુરુ એમ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ત્રણ મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. ભારતના ક્રાંતિપુંજ અને ક્રાંતિકારી ચળવળના સર્વોચ્ચ પ્રતીકમાંને એક ભગતસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે તેઓ માત્ર ૨૩ વર્ષના હતા. આજે સરદાર ભગતસિંહ આપણી વચ્ચે નથી, પરંતુ સરદાર ભગતસિંહના વિચારો આપણી વચ્ચે છે. આજે પણ આ વિચારો એટલા જ પ્રાસંગિક છે. ભગતસિંહના ક્રાંતિ વિચારોના થોડા અંશ આપણે પણ જાણીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ...
***
કાયદાની પવિત્રતા ત્યાં સુધી રાખી શકાય છે કે જ્યાં સુધી તેઓ પ્રજાની ભાવનાઓ પ્રગટ કરે છે. જ્યારે તે શોષણકારી સમૂહના હાથોમાંનું એક રમકડું બની જાય છે, ત્યારે પોતાની પવિત્રતા અને મહત્વ ખોઈ નાખે છે. ન્યાય પ્રદાન કરવા માટે મૂળ વાત એ છે કે દરેક પ્રકારના લાભ અથવા હિતનો ખાત્મો હોવો જોઈએ. જેવું કાયદો સામાજીક જરૂરિયાતો પૂરી કરવાનું બંધ કરી દે છે, તેવું જ જુલમ અને અન્યાય વધારવાનું હથિયાર બની જાય છે. આવા કાયદા જારી રાખવા સામુહીક હિતો પર વિશેષ હિતોની દંભપૂર્ણ જબરદસ્તી સિવાય કંઈ જ નથી.
***
ભારત વર્ષની દશા હાલ ઘણી દયાજનક છે. એક ધર્મના અનુયાયી બીજા ધર્મના અનુયાયીઓના કટ્ટર દુશ્મન છે. હવે તો એક ધર્મનું હોવું જ બીજા ધર્મના કટ્ટર શત્રુ હોવું છે...આવી સ્થિતિમાં હિંદુસ્તાનનું ભવિષ્ય ઘણું અંધકારમય નજરે પડે છે. આ 'ધર્મો'એ ભારતનું ઘણું અહિત કરી નાખ્યું છે. અને હજી પણ ખબર પડતી નથી કે આ ધાર્મિક હુલ્લડો ભારતવર્ષનો પીછો ક્યારે છોડશે? આ હુલ્લડોએ સંસારની નજરોમાં ભારતને બદનામ કર્યું છે. અને આપણે જોયું છે આ અંધવિશ્વાસના વહેણમાં બધાં જ વહી જાય છે.
***
ભારત સામ્રાજ્યવાદના બોજ તળે પિસાઈ રહ્યું છે. તેમાં કરોડો લોકો આજે અજ્ઞાનતા અને ગરીબીનો શિકાર થઈ રહ્યાં છે. ભારતની ઘણી મોટી જનસંખ્યા જે મજૂરો અને ખેડૂતોની છે, તેમને વિદેશી દબાણ અને આર્થિક લૂંટે હરાવી દીધા છે. ભારતના મહેનતુ વર્ગની પરિસ્થિતિ આજે ઘણી ગંભીર છે. તેમની સામે બેવડો ખતરો છે-વિદેશી મૂડીવાદના છેતરપિંડી ભર્યા હુમલા અને બીજી તરફ ભારતીય મૂડીવાદને વિશ્વાસઘાતપૂર્ણ હુમલા. ભારતીય મૂડીવાદ વિદેશી મૂડી સાથે દરરોજ ઘણાં ગઠજોડ કરી રહ્યો છે.
***
ક્રાંતિથી અમારો અભિપ્રાય છે- અન્યાય પર આધારીત પ્રવર્તમાન સમાજ વ્યવસ્થામાં ધરખમ પરિવર્તન. સમાજનું મુખ્ય અંગ હોવા છતાં પણ આજે મજૂરો ને પ્રાથમિક અધિકારથી વંચિત રાખવામાં આવે છે અને તેમની મહેનતની કમાણીનું તમામ ધન મૂડીપતિઓ હડપ કરી જાય છે. બીજી તરફ અન્નદાતા ખેડૂત આજે પોતાના પરિવાર સહીત દાણા-દાણા માટે મોહતાજ છે. દુનિયાભરના બજારોમાં કપડાં ઉપલબ્ધ કરાવનારા વણકર પોતના અને પોતાના બાળકોને તન ઢાંકવા માટે પણ કપડાં મેળવી રહ્યાં નથી. સુંદર મહેલોનું નિર્માણ કરનારા, લોહાર તથા અન્ય સ્વયં ગંદી ઝૂંપડીઓમાં રહીને પોતાની જીવનલીલા સમાપ્ત કરે છે. તેનાથી વિપરીત સમાજના શોષક મૂડીપતિઓ નાની-નાની વાતો પર રૂપિયાનું આંધણ કરે છે. આ ભયાનક અસમાનતા અને જબરદસ્તીથી લાદવામાં આવેલા ભેદભાવ દુનિયાને એક ઘણી ભયાનક ઉથલ-પાથલ તરફ લઈ જઈ રહ્યાં છે.
***
એક નવો સવાલ પેદા થયો છે. શું ઘમંડમાં રાચી રહ્યો હોવાને કારણે મેં સર્વશક્તિમાન, સર્વવ્યાપી ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે? આવા પ્રકારના સવાલનો સામનો મારે કરવો પડશે તેવું મેં કદીપણ વિચાર્યું નહોતું. પરંતુ કેટલાક મિત્રો સાથેની ચર્ચામાં મને એવા સંકેત મળ્યા કે મેં ઈશ્વરના અસ્તિત્વને નકાર્યું છે અને મારી વાતોમાં મહદ્અંશે ઘમંડના અંશ જોવા મળ્યા હતા, જેણે મારા અવિશ્વાસને વધુ મજબૂત કર્યો છે. આ સમસ્યા ખૂબ જ ગંભીર છે. હું આ માનવીય લક્ષણોથી પર હોવાનો દાવો નથી કરતો. હું માત્ર એક સામાન્ય વ્યક્તિ છું. મારામાં અનેક નબળાઇઓ છે અને ઘમંડ તેનો જ એક ભાગ છે. મારામાં એટલું જ ઘમંડ છે જેટલું અન્ય કોઇ લોકપ્રિય પંથથી વિપરિત પંથ પર હોવું જોઇએ. પરંતુ તે વ્યક્તિગત નથી. એવું પણ બને કે અમારા આ પંથમાં અભિમાનને માન્ય હોય અને તેને ઘમંડ સમજવામાં આવતું ના હોય.
***
નાસ્તિક્તા અંગે અભ્યાસ અને તેના અંગે પૂરતો વિચાર કર્યા બાદ હું ઈશ્વરના અસ્તિત્વ સામે અવિશ્વાસ કરવા લાગ્યો છું. અહીં હું તે વાત સ્પષ્ટ કરી દઉં કે નાસ્તિક્તા સ્વીકારવા માટે મારું ઘમંડ તો જવાબદાર નથી જ. દિલ્હી બોમ્બ અને લાહોર ષડયંત્ર બાદ મને મળેલી લોકપ્રિયતા બાદ મારામાં ઘમંડ આવી ગયું છે, જેના કારણે જ મેં નાસ્તિક્તા અપનાવી છે તેવું મારા મિત્રો માની રહ્યા છે.
મારા મિત્રોનું આ અનુમાન તદ્દન ખોટું છે. હું જ્યારે અપરિપક્વ યુવા હતો ત્યારથી જ ઈશ્વર પર વિશ્વાસ કરવાનું મૂકી દીધું છે અને મારા મિત્રો તેના અંગે જાણતા પણ નથી. મારા દાદા રૂઢિચુસ્ત આર્યસમાજી હતા. એક આર્યસમાજી બધું જ હોઇ શકે છે પણ ક્યારેય નાસ્તિક હોઇ શકતો નથી. મારા પિતા મારી પાસે દરરોજ પ્રાર્થના કરવાની અપેક્ષા રાખતા હતા. બાળપણના એ સમયમાં ધર્મની પૌરાણિક કથાઓ-સિદ્ધાંતો પર વિશ્વાસ કરતો નહોતો. પરંતુ મને ઈશ્વરના અસ્તિત્વ પર વિશ્વાસ હતો. પરંતુ વર્ષ ૧૯૨૬ના અંત સુધીમાં મને વિશ્વાસ પડી ચૂક્યો હતો કે કોઈ સર્વશક્તિમાન, સર્વોપરી તત્ત્વ કે જેણે બ્રહ્માંડની રચના કરી, નિર્દેશન કર્યું, નિયમન કરી રહ્યો છે, તે માન્યતા આધારહીન છે. ખૂબ જ વિચાર કર્યા બાદ મેં નિર્ણય લીધો કે હું પોતાને ઈશ્વર પર વિશ્વાસ કરવા અને પ્રાર્થના કરવા માટે ફરજ પાડી શકું નહીં. આ પરીક્ષામાં હું સફળ પણ થયો. 'વિશ્વાસ' મુશ્કેલ પરિસ્થિતિને સરળ બનાવે છે, એટલું જ નહીં એ તેને સુખદ પણ બનાવી શકે છે. ઈશ્વરમાં મનુષ્ય ખૂબ જ મજબૂત આશ્વાસન અને સમર્થન મેળવી શકે છે. તેના વગર મનુષ્યે પોતાના પર નિર્ભર થવું પડે છે. તોફાની પવન સામે ટકી રહેવું તે બાળકોનો ખેલ નથી. આવી વિકટ સ્થિતિમાં ઘમંડ હોય તો તે પણ ગાયબ થઇ જાય છે. આવી સ્થિતિમાં મનુષ્ય સામાન્ય માન્યતાથી વિપરિત જવાનું સાહસ કરતો નથી. જો તે એમ કરે છે તો આપણે એવો નિષ્કર્ષ કાઢવો જોઇએ કે તેનામાં ઘમંડ ઉપરાંત અન્ય તાકાત પણ છે. મૃત્યુ બાદ ઈશ્વરમાં આસ્થા ધરાવતો હિંદુ એવી આશા રાખે છે કે તે રાજાના રૂપે પુન:જન્મ લેશે જ્યારે મુસ્લિમ-ખ્રિસ્તિઓ સ્વર્ગના સુખ ભોગવવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ આ સ્થિતિમાં મને શું આશા હશે? જે વખતે ફાંસીનો ગાળિયો મારી ફરતે હશે અને થોડી જ વારમાં જલ્લાદ દ્વારા મને લટકાવી દેવામાં આવશે ત્યારે તે જ મારી અંતિમ ક્ષણ હશે, બસ આ જ અંતિમ ક્ષણ. વધુ સારી રીતે કહીએ તો મારી આત્મા જેમ કે તત્ત્વમીમાંસા શબ્દાવલિમાં વ્યાખ્યા અપાઇ છે તેમ ત્યાં જ સમાપ્ત થઇ જશે. મેં મારું જીવન સ્વતંત્રતા માટે સમર્પિત કરેલું છે. જે દિવસે આપણે આ મનોવિજ્ઞાન સાથે મોટી સંખ્યામાં પુરુષ-મહિલાને જોઇશું, જે માનવ જાતિની સેવા અને પીડિતોને મુક્તિ ઉપરાંત અન્ય કોઇ બાબત માટે પોતાને સમર્પિત કરી શકે છે ત્યારે જ સ્વતંત્રતાના નવા યુગનો પ્રારંભ થશે.
***
હિંદુઓની માન્યતા છે કે હાલમાં જે પીડા ભોગવી રહ્યા છે એ તેમના ગયા જન્મના પાપ છે. મતલબ કે, વર્તમાનમાં ઉત્પીડન કરનારા ગયા જન્મમાં સંત હશે એટલે જ તેઓ સત્તાનો સ્વાદ માણી રહ્યા છે. હું પૂછું છું કે જ્યારે કોઇ પાપ કે અપરાધ કરે છે ત્યારે તમારો સર્વશક્તિમાન ઈશ્વર તેને કેમ રોકતો નથી...તે યુદ્ધ કરનારા સમ્રાટને કેમ મારતો નથી....તેની અંદર યુદ્ધ કરવાનું જનૂન જ કેમ ખતમ કરી દેતો નથી...તે ભારતને આઝાદ કરવા બ્રિટિશરોના મગજમાં એક ખાસ ભાવના કેમ પેદા કરતા નથી...તે મૂડીવાદીઓને સેવા કરવા કેમ પ્રેરતા નથી...એક દેશ બીજા દેશનું શોષણ કરે છે ત્યારે ઈશ્વર ક્યાં છે... શું તે માનવજાતિના સંકટનો આનંદ લઇ રહ્યા છે ? દુનિયામાં ગરીબ હોવું એ મોટામાં મોટું પાપ, એક શાપ, એક દંડ છે. એ સૂચવે છે કે ઈશ્વરે આપેલો ગરીબીનો દંડ માણસને કાં તો વધારે ને વધારે ગુના કરવા પ્રેરે અથવા તો તેને ગરીબ અને અભણ રાખે. એક મિત્રે મારી નાસ્તિક્તા અંગે જાણતાં જ કહ્યું કે હું મારા અંતિમ દિવસોમાં ઈશ્વરમાં વિશ્વાસ ધરાવતો થઇ જઇશ. પરંતુ મેં તેને એટલું જ કહ્યું કે જો તેમ થશે તો મારું મનોબળ તળીયે પહોંચી ગયું છે તેમ માનીશ...સ્વાર્થ માટે હું ક્યારેય પ્રાર્થના નહીં જ કરું?? (શિર્ષક પંક્તિ : ઝવેરચંદ મેઘાણી)


