- સેલિબ્રેશન-ચિંતન બુચ
- પતિ-પત્ની વચ્ચે શારીરિક આકર્ષણ જ્યારે પૂરું થાય ત્યાંથી સો ટચના સોના જેવા પ્રેમની શરૂઆત થતી હોય છે.
- 20 સપ્ટેમ્બર
- વાઇફ એપ્રિશિયેશન ડે
પ્રેમ-રિસામણા-લાડ-ગુસ્સો-આજીવન દોસ્ત-રોષ ઉતારવા માટે પન્ચિંગ બેગ-માથું મૂકીને રડી શકાય તેવું ઓશિકું-વિશ્વની શ્રેષ્ઠ શેફ-પોતાની ઓળખ અને તમામ શોખને એક જ ઝાટકે ત્યજી શકવાની તાકાત ધરાવવી...આ તમામ લાક્ષણિક્તાને વર્ણવવા માટે કોઇ એક જ શબ્દ એટલે પત્ની. કોઇ પણ પુરુષ બાહુબલી જેવી શારીરિકક તાકાત ભલે ધરાવતો હોય તેમ છતાં તેને જીવનના દરેક તબક્કે 'માનસિક ઓક્સિજન' માટે સ્ત્રીની હૂંફની જરૂર પડે છે. પુરુષને આ હૂંફનું અવિરત્ ઝરણું બાળપણમાં માતા જ્યારે પુખ્તવયમાં પહોંચ્યા બાદ પત્નીપાસેથી મળતું જ રહે છે. જીવનસંગિની-અર્ધાંગિની-બેટરહાફની વાત કરવા પાછળનો આશય એ છે કે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા રવિવારને 'વાઇફ એપ્રિશિયેશન ડે' તરીકે ઉજવવામાં આવે છે.
એક પત્ની પાસેથી 'ભોજનેષુ માતા, કરણેષુ દાસી, કાર્યેષુ મંત્રી, શયનેષુ રંભા...'ની અપેક્ષા તો રાખવામાં આવે છે. પરંતુ કમનસીબે એક પુરુષ માટે આવા કોઇ જ માપદંડ નક્કી કરવામાં આવ્યા નથી. આ સ્થિતિઓ સદીઓ પુરાણી છે. મહાભારતમાં યુધિષ્ઠિરે પત્ની દ્રોપદી પર જુગટું ખેલતી વખતે તેને પૂછવા માટે તસદી પણ લીધી નહોતી. સીતામાતાને જ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડયું હતું. આપણા દેશના સંદર્ભમાં જ વાત આગળ ધપાવીએ તો એક પત્ની લગ્નની વેદીમાં સપ્તપદીના ફેરા પૂર્ણ થતાં જ જાણે એક નવો જન્મ લે છે. આ નવા જન્મમાં તેની ઓળખ નવી હોય છે અને મોટભાગના કિસ્સામાં તેને જૂના શોખને પણ તિલાંજલિ આપવી પડે છે. એક પત્ની વર્કિંગ લેડી કેમ ન હોય પણ તેની 'ડયુટી' નો સમય વહેલી સવારથી શરૂ થતો હોય છે. આ દરમિયાન તેની પાસેથી ઘર-પતિ-બાળકો ઉપરાંત દરેક સામાજીક વ્યવહાર યોગ્ય રીતે પૂરા કરવાની પણ અપેક્ષા રાખવામાં આવે છે.
જ્હોન ગ્રેના એક ખૂબ જ જાણીતા પુસ્તક 'મેન આર ફ્રોમ માર્સ, વિમેન આર ફ્રોમ વિનસ'ની ટેગલાઇનમાં જ દાંપત્યજીવનનો સાર આવી જાય છે કે, 'ના તમે તેમની સાથે રહી શકો, ના તમે તેમના વિના રહી શકો!' વિજ્ઞાન આજે ચંદ્રથી માંડીને પૃથ્વીના પેટાળ સુધી પહોંચી ચૂક્યું છે પરંતુ મનોવિજ્ઞાાન હજુપણ પતિ-પત્નીના સંબંધને સમિકરણને સંપૂર્ણપણે સમજી શક્યું નથી.હા, એક વાત નિશ્ચિત છે કે દામ્પત્યજીવન પ્રેમ-આદર-વિશ્વાસ-સમજણના ચાર સ્તંભ પર ખડું હોય છે. કમનસીબે મોટાભાગના પુરુષની નજરે પત્ની એટલે પોતાની 'ઇચ્છાપૂત'નો એક સ્ત્રોત .
કહેવામાં આવે છે કે, ' તમારી પત્નીને વિધવા બનતા શિખવાડો'. કેમકે, ઘણા કિસ્સાઓમાં પતિની વિદાય બાદ પત્નીને બેંક એકાઉન્ટ ક્યાં છે તેનો ખ્યાલ સુદ્ધા હોતો નથી. જોકે, હવે સમયનો તકાજો છે કે પત્નીએ પણ પતિને વિધુર બનતા શિખવાડવું જોઇએ. જેથી પત્ની લાંબા સમય માટે બહારગામ જાય કે વૃદ્ધાવસ્થામાં વિદાય લે ત્યારે એક કપ ચા પીવા માટે પુત્રવધુ કે પુત્રી સમક્ષ ઓશિયાળા બનીને આજીજી કરવી પડે નહીં. ઘણા પતિઓ તો ટૂથપેસ્ટથી લઇને ટોેવેલ સુધી પત્ની પર જ નિર્ભર રહેતા હોય છે. આ સ્થિતિમાં પત્ની થોડા દિવસ માટે બહાર જાય ત્યારે એ તેનો પ્રેમ ઓછો અને 'સેવા'ને વધારે 'મિસ' કરે છે.
પતિ-પત્ની વચ્ચે શારીરિક આકર્ષણ જ્યારે પૂરું થાય ત્યાંથી સો ટચના સોના જેવા પ્રેમની શરૂઆત થતી હોય છે.હા, દાંપત્યજીવન ગમે તેટલું પુરાણું કેમ ના થાય બંને વચ્ચેની મિત્રતા જારી રહે અને એકમેકની ટિખળ કરવાનું ભૂલવામાં આવે નહીં તો આખરી ઘડી આવે ત્યારે સંતોષપૂર્વક જીવનમંચમાંથી 'એક્ઝિટ' લઇ શકાય છે.
કેટલીક બાબતો આપણા જીવનનો એ રીતે હિસ્સો બની જાય છે કે આપણે તેને 'ટેકન ફોર ગ્રાન્ટેડ' તરીકે લેવાનું શરૂ કરી દઇએ છીએ. પતિ-પત્નીના સંબંધનું પણ કંઇક આવું જ છે. હવે રવિવારે રજાના દિવસે 'વાઇફ એપ્રિશિયેશન ડે' છે તો ત્યારે હોટેલમાં જવાને બદલે બ્રેકફાસ્ટથી લઇને ડિનર સુધી પોતાના હાથે તૈયાર કરવાની જવાબદારી પતિ લઇ લે અને પત્નીના હાથમાં ટીવી રિમોર્ટ આપવાની મસ્તમજ્જાની સરપ્રાઇઝ આપી જ દે તો કેવું રહેશે....
***
'યદી ઇશ્વર મેં વિશ્વાસ ન હો, ઉસસે કુછ ફલ કી આસ ન હો, તો અરે નાસ્તિકો! ઘર બૈઠેં, સાકાર બ્રહ્મ કો પહચાનો! પત્ની કો પરમેશ્વર માનો! વે અન્નપૂર્ણા જગ -જનની, માયા હૈ, ઉનક અપનાઓ! વે શિવા, ભવાની, ચંડી હૈ, તુમ ભક્તિ કરો, કુછ ભય ખાઓ! પત્ની-અર્ચન, પત્નીચર્યા ,
પત્ની-વ્રત શાસ્ત્ર પઢતે જાઓ. અબ કૃષ્ણચંદ્ર કે દિન બીતે, રાધા કે દિન બઢતી કે હૈં !તુમ ઉનસે પહલે ઉઠા કરો, ઉઠતે હી ચાય તયાર કરો. ઉનકે કમરે કે કભી અચાનક ખોલા નહીં કિવાડ કરો. ઉનકી પસંદ કે કાર્ય કરો, ઉનકી રુચિયોં કો પહચાનો. ઉનકી ભૌંહે કો સિગ્નલ સમજો, વે ચઢીં તો ખૈર નહીં..મિત્રોં સે જબ વહ બાત કરેં, બેહતર હૈ તબ મત સુના કરો. તુમ દૂર અકેલે ખડે-ખડે બિજલી કે ખંબે ગિના કરો. તુમ સમજો ઉન્હે ડિફેન્સ એક્ટ, કબ પતા નહીં ક્યા કર બૈઠેં? વે ભારત કી સરકાર, નહીં ઉનસે સત્યાગ્રહ કિયો કરો. છહ બજને કે પહેલે સી હી, ઉનકા કરફ્યૂ લગ જાતા હૈ. બસ જરા-સી હુઇ ચૂક કી જટ સે હી ઓર્ડિનન્સ બન જાતા હૈ. વે અલ્ટિમેટમ દિએ બિના હી યુદ્ધ શુરુ કર દેતી હૈ, ઉનકે અપની હિટલર સમજો, ચર્ચિલ -સા ડિક્ટેટર જાનો, પત્ની કો પરમેશ્વર માનો!'
- ગોપાલપ્રસાદ વ્યાસ


