Get The App

પપ્પા : 'હીરો' હૈ સદા કે લીએ...

- સેલિબ્રેશન- ચિંતન બુચ

- 21 જૂન, ફાધર્સ ડે .

Updated: Jun 16th, 2020

GS TEAM

Google News
Google News
પપ્પા : 'હીરો' હૈ સદા કે લીએ... 1 - image


મારા વ્હાલા સંતાન,

'જી સકી કોખ સે જન્મ હોતા-વોહ માં, જીસ કે પેટ પર ખેલને મેં મઝા આતા-વોહ પિતા, જો ધારણ કરતી-વોહ માં, જો સિંચન કરતા વોહ-પિતા, જીસ કે સ્તન સે દૂધ પિયા જાતા-વોહ  માં, જીસ કી મૂંછે ચુભને પર ભી ખેલને મેં મઝા આતા-વોહ પિતા, જો ઉંગલી પકડકર ચલના શિખાતી-વોહ માં, જો કંધે પે લેકે દૌડના શિખાતા-વોહ પિતા, જો વ્યાકુલ હોકી-વોહ માં, જો સંયમ શિખાતા વોહ પિતા...'

મહારાષ્ટ્રના કવિ વિશ્વધર દેશમુખે મરાઠીમાં લખેલી આ કવિતાનો અંશ છે. બેટા, તને થઇ રહ્યું હશે કે આજે પપ્પાએ અચાનક કેમ કવિતાની પંક્તિઓ લખી? આ તો ટીવીમાં પિતા અને સંતાન વચ્ચેનો લાગણી-પ્રેમ દર્શાવતી જાહેરખબરોનું પ્રમાણ વધવા લાગ્યું અને ત્યારે તપાસ કરતાં માલૂમ પડયું કે  ૨૧ જૂને 'ફાધર્સ ડે' છે. ફાધર્સ ડે આવી જ રહ્યો છે ત્યારે થયું કે ચાલ, તારી સાથેના જૂના સંસ્મરણો તાજા કરી લઉં. મને હજુ પણ એ દિવસ યાદ છે જ્યારે હું અને તારા મમ્મી ગાયનેક ડોક્ટર પાસે ગયા ત્યારે તેમણે સ્મિત સાથે કહ્યું હતું, 'અભિનંદન...તમે  મમ્મી-પપ્પા બનવાના છો...'એ વખતે તારા મમ્મી સાથે મેં પણ સગર્ભાવસ્થા ધારણ કરી લીધી હતી. તું ગર્ભમાં હતો ત્યારે તારા મમ્મી અને તને કઇ રીતે તન માટે જ નહીં મન માટે પણ પૌષ્ટિક ખોરાક મળે તેનું ધ્યાન રાખવું જ એ સમયગાળામાં મારા જીવનનો એકમાત્ર હેતુ હતો. મનના ખોરાકમાં  ધાર્મિક પુસ્તકો જ નહીં જેમણે માનવજાત માટે પોતાનું જીવન હોમી દીધું હોય તેવા મહાપુરુષોની ગાથા પણ રાતોને રાતો સુધી તારા મમ્મીના માધ્યમથી તને સંભળાવી છે. 

આખરે ૯ મહિનાના ગાળા બાદ એ ઘડી આવી જ પહોંચી જ્યારે મમ્મી લેબરરૂમમાં હતી અને હું તેની બહાર ઉચાટ-ચિંતા સાથે આંટાફેરા કરી રહ્યો હતો. એ સમયે માનસિક રીતે હું પણ તમારી સાથે લેબર રૂમમાં જ હતો. અચાનક જ સફેદ વસ્ત્રમાં સજ્જ નર્સે લેબર રૂમનો દરવાજો ખોલ્યો. એ વખતે નર્સમાં મને દૂત દેખાઇ રહ્યા હતા જે મને તારા સ્વરૂપની શ્રેષ્ઠ ભેંટ આપવા આવ્યા હોય. તને હાથમાં લીધાની ક્ષણ ક્યારેય ભૂલી શકું નહીં. જીવનમાં આવી ક્ષણોને જ કદાચ મોક્ષની અનુભૂતિ સમાન ગણવામાં આવતી હશે. બસ,પછી તો મારું જીવન જ તારા પૂરતું કેન્દ્રિત થઇ ગયું હતું.  સમય વીતતો ગયો... હું ઓફિસથી આવું ત્યારે તારા મમ્મી મને હરખ સાથે સમાચાર આપે કે, 'તને બેસતા આવડયું...', 'તારા મોઢેથી પહેલી વખત શબ્દો બહાર આવ્યા...', 'તે આજે પ્રથમવાર કોઇની મદદ વિના જ ચાર પગલા માંડયા...' 

આ સમાચાર સાથે મારા આનંદનો પાર જ નહોતો રહેતો અને તેની સાથે અફસોસનું ગ્રહણ પણ લાગી જતું કે તારી આ અમૂલ્ય ક્ષણનો હું સાક્ષી કેમ ન બની શક્યો? મને પણ તારા ઉછેરની એક-એક ક્ષણના સહભાગી બનવું હતું. જેના કારણે કામમાંથી લાંબી રજા લઇ લેવાનું મન પણ થાય. પરંતુ આ વિચારને એમ માંડી વાળતો કે હું કામમાં નહીં જાઉં તો તારી દરેકે દરેક ઇચ્છાઓ કઇ રીતે પૂરી કરી શકીશ? 

તારી પ્રત્યેક ઈચ્છાઓ પૂરી થઇ શકે તેવા હેતુથી હું કામમાં પણ વધુને વધુ સમય આપવા લાગ્યો. ઘણી વાર એવું બન્યું છે જ્યારે હું રાતે મોડો આવું અને સવારે વહેલો જ ઓફિસ માટે કામમાં નીકળી જાઉં અને તને માત્ર ઉંઘતા જ જોવાનું થાય. 

 તને યાદ છે, ક્રિકેટ વર્લ્ડકપ જોઇ એકવાર તને ક્રિકેટર બનવાની ઇચ્છા થઇ હતી અને તું ક્રિકેટ કિટ લાવવાની હઠ કરતો પણ સમયના અભાવે તારી આ ઇચ્છા હું પૂરી કરી શકતો નહીં. આ દિવસોમાં હું એકવાર ઓફિસથી આવ્યો અને ઘરમાં પગ મૂકું એ સાથે જ તે મારા પર તારો નવો ટેનિસ બોલ ફેંકીને 'કેચ' એમ કહીને 'તમે નહીં પણ મમ્મીએ બોલ ખરીદી આપ્યો ' તેમ કહ્યું હતું. એ વખતે તારા ફૂટબોલને મેં ગુસ્સામાં આવીને પછાડયો હતો. મારો ગુસ્સો જોઇને તને ડર લાગ્યો હશે... પરંતુ મારો ગુસ્સો તારા , ટેનિસબોલ કે મમ્મી પર નહીં પણ મારી જાત ઉપર હતો. ઓફિસમાં એ દિવસોમાં હું ખૂબ જ દબાણમાં હતો અને કામના બોજને કારણે હું તારા માટે એક બોલ પણ ખરીદી શકતો નહોતો એ વાતનો મને મારા પર ગુસ્સો આવ્યો હતો.  એક ગીતની પંક્તિ છે ને કે, 'જબ ભી કભી પાપા મુજે જોર જોર સે જુલાતે હૈં મા, મેરી નજર ઢૂંઢે તુજે, સોચું યહી તૂં આ કે થામેગી માં...'પરંતુ આમ કરવામાં દરેક પિતાનો હેતુ તેમના બાળકને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર લાવવાનો હોય છે, જેથી તેને આવનારા સમયમાં તેને વાસ્તવિક વિશ્વનો સામનો કરવા માટે તૈયાર કરી શકે. માતા કરતા પિતા વધુ ઠપકો આપે છે પણ તેમાં એક દૂરંદેશી છૂપાયેલી હોય છે અને તેના ફળનો મધુર સ્વાદ સંતાનને વર્ષો પછી ચાખવા મળે છે.    'ફાધર્સ ડે' આવી રહ્યો છે ત્યારે તું કોઇ ભેટ નહીં લાવતો પણ ફક્ત મને ભેટી લેજે. કેમકે, પિતાને ભેટ કરતા તેના સંતાન ભેટે તેમાં વધારે તૃપ્તિ મળે છે....છેલ્લે મારી માત્ર એટલી સલાહ છે કે કોઇ પણ પરિસ્થિતિમાં હાર નહીં માનતો...પ્રત્યેક પડકારનો હસતા-હસતા સામનો કરજે...હંમેશાં શિખતો રહેજે...એવું કરજે કે એક સારી-ઉમદા વ્યક્તિ તરીકે તને હંમેશાં યાદ રાખવામાં આવે...

લી. તારો પિતા

(એક પિતાની સામાન્ય લાગણીની વાચા આપતો પત્ર.) 

Tags :