FOLLOW US

ફિનલેન્ડ શા માટે 'સુખનું સરનામું ?'

Updated: Mar 14th, 2023


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ફિનલેન્ડમાં ફિલસૂફી છે કે, તમારું સુખ બીજા પર આધારીત રહેવું જોઇએ નહીં અને જેનો મુખ્ય આધાર છે અન્ય સાથે સરખામણીથી દૂર રહેવું

- 20 માર્ચ 

- ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ 

બગિયાં બગિયાં બાલક ભાગે, તિતલી ફિર ભી હાથ ના લાગે. 

ઈસ પગલે કો કૌન બતાયે, 

ઢૂંઢ રહા હૈ જો તૂ જગ મેં, 

કોઇ જો પાએ, મન મેં હી પાએ.

દૂર સે હી સાગર  જિસે હર કોઇ માને, પાની હૈ વો યા રેત હૈ યે કૌન જાને. જૈસે કે દિન સે રૈન અલગ હૈ, 

પર યે જે દેખે વો નૈન અલગ હૈ, 

ચૈન હૈ અપના સુખ હૈ પરાયે.

-જાવેદ અખ્તર

'સુ ખ' આ બે શબ્દોની તલાશમાં પ્રત્યેક વ્યક્તિ પોતાનું સઘળું જીવન ખર્ચી નાખતી હોય છે. નવલકથાકાર માર્સેલ પ્રાઉસ્ટે કહ્યું છે કે, 'સુખ એ સૂરજ અને મૃત્યુ જેવું છે, તેની સામે તાક્યા કરો ત્યાં જ તે અદ્રશ્ય થઇ જાય છે. આપણે દુઃખી હોઇએ છીએ તે યાદ રહે છે, ગુસ્સે થયા હોઇએ, હતાશ થયા હોઇએ તે યાદ રહે છે. માત્ર સુખ સમાપ્ત થાય છે ત્યારે જ સુખનો અનુભવ એક યાદદાસ્ત બની જાય છે.' માર્સેલ પ્રાઉસ્ટની આ જ વાત ઉર્દુ કવિએ તેમની કવિતા દ્વારા વર્ણવતાં લખ્યું છે કે, 'જિન દિનો મેં રૂપ કી રૂબાઇયાં લિખી ગઇ મૈં બહુત પરેશાન થા. ઉન દિનોં મેરા એક પ્રેમ ચલ રહા થા ઔર માશુક સે મેરા સંબંધ ઉખડા-ઉખડા થા ઔર બહુત ઝટકે ઔર ઝકોલે ઔર હિચકોલે ખાને ઔર ખિલાનેવાલી અવસ્થા પૈદ કિએ હુએ થા. મેં ટુકડે ટુકડે હો રહા થા. લેકિન જિતના ખોતા જા રહા થા, ઉતના હી અપને આપ કો પા રહા થા. થોડે શબ્દો મેં યૂં હી કહુંગા કિ ઈસ રૂબાઇયાં મેરે હૃદય કે ભૂકંપ કી દેન હૈ યા એક મિટા દેને વાલી પરીક્ષા યા આજમાઇશ સે બાલબાલ બચ જાને કી મિસાલે હૈં.' ગોરખપુરી ખૂબ જ ટૂંકા શબ્દોમાં મૂલ્યવાન વાત કહી ગયા. એક જબ્બર પીડામાંથી પસાર થાવ ત્યારે સર્જનનો અને સુખનો અૂત અનુભવ થાય છે. 

સુખ અને દુઃખ વિશેના આપણા ખ્યાલો કેવા પલટતા હોય છે, પરિસ્થિતિ તેમાં ઘણો મહત્ત્વનો ભાગ ભજવતી હોય છે. માનવીનું મન કેવું અકળ હોય છે, એ સમજવા માટે મુલ્લા નસરુદ્દીનની વાર્તા સમજવી પડે.એક વાર મુલ્લા નસરુદ્દીને એક માણસને રસ્તાની બાજુમાં નિરાશ થઈને બેઠેલો જોયો. મુલ્લા તેની પાસે ગયા અને પૂછપરછ કરી. પેલા માણસે ગંભીર ચહેરે મુલ્લા સામે જોયું અને કહ્યું, 'ભાઈ, આ જીવન માત્ર એક બોજો છે. મારી પાસે પૂરતા પૈસા છે, પરંતુ જીવનમાં મને ક્યાંય સુખ દેખાતું નથી. કોઈ વાતમાં મને રસ પડતો નથી. પ્રવાસે નીકળ્યો છું, એટલા માટે કે, કદાચ મને રસ પડે. પરંતુ હજુ સુધી મને રસ પડે એવું કશું દેખાતું નથી.' પ્રવાસીની વાત સાંભળ્યા બાદ કશું જ બોલ્યા વિના મુલ્લા નસરુદ્દીને તે પ્રવાસીની બાજુમાં પડેલો તેનો થેલો ઉપાડીને દોડવા માંડયું. રસ્તો તેમનો જાણીતો હતો એટલે સસલા જેવી ઝડપે દોડીને મુલ્લા થોડી વારમાં તો ક્યાંના ક્યાં નીકળી ગયા. ખૂબ દૂર જઈને રસ્તાના એક વળાંક પાસે મુલ્લા અટક્યા. પેલો થેલો રસ્તા ઉપર મૂક્યો અને પોતે બાજુમાં કોઈક આડશ પાછળ સંતાઈ ગયા. થોડી વાર પછી પેલો પ્રવાસી દોડતો પાછળ આવી પહોંચ્યો. સસલા પાછળ દોડતા કૂતરાની જેમ એ દોડતો હતો. થાકી ગયો હતો. હાંફતો હતો. પણ દૂરથી રસ્તા પર પડેલો પોતાનો થેલો જોતાં જ તે આનંદથી ઊછળી પડયો. ચિચિયારીઓ કરવા લાગ્યો અને થેલા પાસે પહોંચવા માટે વધારે ઝડપથી દોડવા લાગ્યો. આડાશ પાછળ છુપાઈ રહેલા મુલ્લાના હોઠ પર સ્મિત આવી ગયું, હવે એને સુખ દેખાયું! આ નાનકડી કથા માનવીના મનની ઘણી અટપટી અને ઊંડી વાતો રજૂ કરે છે. આ વાર્તા પરથી એ પણ બોધ મળે છે કે, સુખની વ્યાખ્યા માત્ર માણસ પર નિર્ભર છે. આ વ્યાખ્યા દરેક માણસે જુદી હોવાની જ. 

આજે 'સુખ'ની વાત એટલા માટે કેમ કે ૨૦ માર્ચની ઉજવણી 'ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ' તરીકે કરવામાં આવે છે. આ જ દિવસે યુનાઇટેડ નેશન્સ દ્વારા વર્લ્ડ હેપ્પીનેસ રીપોર્ટ પણ જારી કરવામાં આવતો હોય છે. આ રીપોર્ટમાં વિશ્વના સૌથી સુખી દેશની  યાદી હોય અને છેલ્લા પાંચ વર્ષથી તેમાં એક સમાનતા જોવા મળે છે. આ સમાનતા એ છે કે તેમાં ફિનલેન્ડ જ વિશ્વના સૌથી સુખી દેશમાં ટોચનું સ્થાન મેળવે છે. આખરે એવું તે શું કારણ છે કે ફિનલેન્ડ દર વર્ષે સૌથી સુખી દેશમાં મોખરાનું સ્થાન મેળવતું આવે છે તેના કારણની વાત થઇ જાય. 

ફિનલેન્ડની ફિન્નિશ ભાષામાં એક જૂની કવિતા છે કે, 'કેલી ઓન્ની ઓન, સે ઓન્નેન કાટકેકૂન' જેનો અર્થ થાય છે કે 'તમારી સરખામણી બીજા સાથે ના કરો. બીજાના સુખે તમે દુઃખી ના થાવ.' સફળતા પ્રાપ્ત કરવા કરતાં તમને શેમાં ખુશી મળે છે તેના ઉપર ધ્યાન કેન્દ્રીત કરો. તમારું સુખ બીજા પર આધારીત રહેવું જોઇએ નહીં અને જેનો મુખ્ય આધાર છે અન્ય સાથે સરખામણીથી દૂર રહેવું. આપણા મોટાભાગના દુઃખનું કારણ અન્ય સાથે સરખામણી. જીવનના કેટલાક ધ્યેય એવા હોય છે કે જેની પાછળ આયખું ખર્ચ્યા બાદ છેલ્લે ખબર પડે છે 

કે મૃગજળની પાછળ દોટ લગાવી હતી. જીવનની આ દોડમાં પ્રકૃત્તિ સાથે રહેવાનું પણ ભૂલી ગયા છે. બીજી તરફ ફિનલેન્ડમાં ૮૭ ટકા લોકો પ્રકૃતિ સાથે તાદાત્મ્ય કેળવવાનું વધારે પસંદ કરે છે. ફિનલેન્ડમાં સપ્તાહમાં માત્ર ચાર દિવસ કામ અને બાકી રજા હોય છે. એટલું જ નહીં ત્યાં ઉનાળાનું પણ વિશેષ મહત્ત્વ હોય છે અને જેના કારણે એ વખતે બે દિવસ માટે નેશનલ હોલિડે જાહેર કરવામાં આવે છે. જેનાથી લોકો વધુ સમય પ્રકૃતિ સાથે વીતાવી શકે. ઓફિસમાં કામનો સમય સવારે ૮ થી સાંજે પાંચ હોય છે. આ દરમિયાન બે કલાકનો લંચ બ્રેક આપવામાં આવે છે. એક અભ્યાસ  ર્કમાણે જેમ પારસ્પરિક વિશ્વાસ હોય ત્યાં ખુશીનું પ્રમાણ વધારે જોવા મળે છે. રીડર્સ ડાઇજેસ્ટ દ્વારા 'લોસ્ટ વોલેટ' સર્વેક્ષણ કરાયું હતું. જેમાં વિશ્વના ૧૯૨ શહેરમાં રસ્તા પર પાકિટ મૂકવામાં આવ્યું હતું. આ પછી કઇ વ્યક્તિ પાકિટ માટે તેના મૂળ માલિક સુધી પહોંચવા પ્રયાસ કરે છે તે ચકાસવામાં આવ્યું હતું. ફિનલેન્ડના હેલસિન્કી શહેરમાં ૧૨માંથી સૌથી વધુ ૧૧ વ્યક્તિએ પાકિટ પરત કર્યું હતું. મુંબઇમાં ૧૨માંથી ૯, અમેરિકાના ન્યૂયાર્ર્ક-હંગેરીના બુડાપેસ્ટમાં ૧૨માંથી ૮, મોસ્કોના ૧૨માંથી ૭ વ્યક્તિ દ્વારા પાકિટ પરત કરવા તેના મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો.

ફિનલેન્ડમાં બાળકોને શાળામાં નૈતિક્તાની સાથે જ અજાણી વ્યક્તિ પણ રસ્તામાં મળે તો તેને સ્મિત આપવાનું ખાસ શીખવવામાં આવે છે. ફિનલેન્ડમાં બાળક જન્મવાનું હોય ત્યારે માતા-પિતા બંનેને 'સ્ટેટ સ્પોન્સર્ડ પેટરનિટી લીવ'  મળે છે. બાળક ૬ વર્ષનું થાય ત્યાં સુધી તેને સ્કૂલ જવાની પણ જરૂર નથી. અલબત્ત, કોઇ માતા-પિતા તેમના બાળકને ૬ વર્ષ કરતાં વહેલી ઉંમરે શિક્ષણ શરૂ કરાવવા માગે તો તેમના માટે 'અરલી ચાઇલ્ડહૂડ એજ્યુકેશન એન્ડ કેર'  સિસ્ટમ છે. જેમાં બાળકને રમત-રમતમાં કેવી રીતે શિક્ષણ મળી શકે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ ફિનલેન્ડના ૮૦% બાળકો અભ્યાસ કરે છે. બાળક ૭ વર્ષનું થાય ત્યારે ફિનલેન્ડમાં બાળકના શિક્ષણને એલિમેન્ટરી અને જુનિયર એમ બે વિભાગમાં વહેંચવામાં આવતું નથી. જેના સ્થાને આગામી ૯ વર્ષ બાળક અભ્યાસ કરે ત્યાં એક જ માળખું હોય છે અને તેમાં વર્ષના ૧૯૦ શૈક્ષણિક દિવસ હોય છે. બાળક કઇ રીતે ઉમદા નાગરિક બની શકે તે પણ કોર્સનો એક ભાગ હોય છે.

 આ ઉપરાંત વ્યવહારિક જીવનમાં જે બાબત વધારે કામ આવવાની છે તેનાથી પણ તેમને સજ્જ કરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષણ વખતે બાળકોની પરીક્ષા લેવામાં આવતી નથી. દરેક બાળકને તેમના શિક્ષક દ્વારા ગ્રેડ આપવામાં આવે છે. અપર સેકેન્ડરી સ્કૂલ બાદ નેશનલ મેટ્રિક્યુલેશન એક્ઝામ લેવામાં આવે છે અને તે પણ મરજીયાત હોય છે. પ્રત્યેક શિક્ષક માટે માસ્ટર્સ ડિગ્રી ફરજીયાત હોય છે. આપણે ત્યાં મોટાભાગના બાળકોને સવારની સ્કૂલને લીધે વહેલા ઉઠવાની પળોજણનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ફિનલેન્ડમાં સ્કૂલનો સમય સવારે ૯ બાદ જ શરૂ કરવામાં આવે છે અને બપોરે મહત્તમ ૨ઃ૪૫ સુધીનો હોય છે. બાળક સ્કૂલમાં કઇ રીતે કોઇ સ્ટ્રેસ વિના અભ્યાસ કરે તે મુખ્ય હેતુ હોય છે. દિવસમાં માત્ર બે જ પીરિયડ હોય છે. બાકીના સમયમાં બાળકને વ્યાવહારિક જીવન માટે તૈયાર કરવામાં આવે છે અને રમવા માટે પણ પૂરતો સમય અપાય છે. બાળકને ખૂબ જ ઓછું હોમવર્ક આપવામાં આવે છે.

    

આપણા પાડોશી દેશ ભૂતાનમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડ્કટ કરતાં ગ્રોસ હેપ્પીનેસ ઈન્ડેક્સ પર વધારે ભાર મૂકવામાં આવે છે. જે સરકાર પ્રજાના જીવનમાં સુખ નથી લાવી શકતી તેને નિષ્ફળ ગણવામાં આવે છે. આપણે ત્યાં મધ્ય પ્રદેશ મિનિસ્ટ્રી ઓફ હેપ્પીનેસ શરૂ કરનારું પ્રથમ રાજ્ય બન્યું હતું. ઈન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ છે ત્યારે આપણે આપણા જ નહીં બીજાના જીવનમાં ખુશી લાવવાનું કારણ બનીએ...

Gujarat
Magazines