- સેલિબ્રેશન-ચિંતન બુચ
- અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરવાના હતા તેના એક વર્ષ અગાઉથી જ સરદાર પટેલે ભારતના વહીવટી માળખાને કેવી રીતે મજબૂત બનાવવું તેની તૈયારી આરંભી દીધી હતી.
- 21 એપ્રિલ
- સિવિલ સર્વિસ ડે
પ્રી લિમ્સ પરીક્ષામાં કુલ ઉમેદવાર ૯.૩૭ લાખ અને તેમાંથી પાસ થયા ૧૪૧૬૧.મતલબ કે, પાસ થનારાનું પ્રમાણ માત્ર ૧.૫૧ ટકા. મેઇન્સમાં ૧૪૧૬૧માંથી પાસ થનારાની સંખ્યા ૨૭૩૬. હવે આ પૈકી ઈન્ટરવ્યૂમાં પાસ થનારાની સંખ્યા ૯૫૮. આ સ્થિતિએ જોવામાં આવે તો પ્રીલિમ્સથી લઇને ઈન્ટરવ્યૂમાં પાસ થનારાની સંખ્યા માત્ર ૦.૧૦ ટકા. એટલે કે, ૯૭૯માંથી માત્ર ૧ ઉમેદવારને સફળતા. અહીં આપણે વાત કરી રહ્યા છીએ દેશની સૌથી મુશ્કેલ ગણાતી એવી યુનિયન પબ્લિક સર્વિસ એક્ઝામિનેશન એટલે કે યુપીએસસની. આ પરીક્ષા થકી જ આપણને આઇ.એ.એસ., આઇ.પી.એસ, આઇ.એફ.એસ. જેવા સનદી અધિકારીઓ મળે છે. હાલ દેશમાં ૫૫૭૭ આઇ.એ.એસ., ૪૫૯૪ આઇ.પી.એસ. અને ૨૧૬૪ જેટલા આઇ.એફ.એસ. ફરજ બજાવી રહ્યા છે. અલબત્ત, આપણા દેશને સ્વતંત્રતા મળી ત્યારે અંગ્રેજો અને બ્યુરોક્રસી વિરુદ્ધનું વાતાવરણ હતું. દેશમાં અંગ્રેજો દ્વારા રચાયેલી અને તે સમયે 'ઇંમ્પિરિયલ સિવિલ સર્વિસ (આઇ.સી.એસ.), ઇમ્પિરિયલ પોલીસ (આઇ.પી.) જેવા નામે ઓળખાતી અખિલ ભારતીય સેવાઓનો છેદ ઉડાવી દેવાનો ગણગણાટ વધવા લાગ્યો હતો. પરંતુ દેશના વિકાસ માટે સરદાર વલ્લભભાઇ પટેલે અખિલ ભારતીય સેવાઓને સંવિધાનનું રક્ષણ અપાવ્યું !
અંગ્રેજો ભારતમાંથી ઉચાળા ભરવાના હતા તેના એક વર્ષ અગાઉથી જ સરદાર પટેલે ભારતના વહીવટી માળખાને કેવી રીતે મજબૂત બનાવવું તેની તૈયારી આરંભી દીધી હતી. સ્વદેશી ભારતીય વહીવટી સેવા સ્થાપવા માટે ૧૯૪૬માં વિવિધ પ્રાંતોના વડા સાથે મીટિંગો કરી તેમનો મત જાણ્યો હતો. તેઓ એક વાતથી પ્રારંભથી જ સ્પષ્ટ હતા કે સ્વતંત્ર ભારતને કહ્યાગરી બ્યુરોક્રસી- ન્યાયતંત્રની જરૂર નથી.
ભારતનું નવુ સંવિધાન રચવા માટે 'સંવિધાન સભા' રચવામાં આવી. ડ્રાફ્ટિંગ કમિટિ દ્વારા તૈયાર કરવામાં આવેલ મૂળ સંવિધાનમાં 'અખિલ ભારતીય સેવાઓ'નો કોઇ ઉલ્લેખ ન હતો ! એ વખતે સરદાર વલ્લભભાઇ પટેલે દૂરંદેશીથી તેની ઉપયોગીતા જોઇ અને સમગ્ર દેશ ચલાવવા માટે આવા વહીવટી કુનેહપૂર્વક કાર્ય કરી શકે તેવા અધિકારીઓ કરોડરજ્જુ સમાન બની રહેશે તેવો તેમનો સ્પષ્ટ મત હતો. તેમણે સંવિધાન સભાના સભ્યોને સમજાવ્યું કે આ પ્રકારની સેવાઓની રચના કરવામાં આવશે તો તેની ભરતીપ્રક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા કરાશે. કેન્દ્ર સરકાર પાસેથી તાલીમ લીધા બાદ આ અધિકારીઓને વિવિધ રાજ્યોમાં સોંપવામાં આવશે જેથી પ્રત્યેક રાજ્યના પ્રશાસનમાં એકરૂપતા આવશે ! વિવિધ રાજ્ય સરકારોના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા સ્તરે કાર્ય કર્યા બાદ તેમને ડેપ્યુટેશન (પ્રતિનિયુક્તિ) દ્વારા કેન્દ્ર સરકારમાં પણ કાર્ય કરવાની તક આપવામાં આવશે ! કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં નીતિ કે યોજનાઓનું ઘડતરમાં પણ તેમની ભૂમિકા મહત્વની રહેશે.
સરદાર પટેલનું સ્પષ્ટપણે માનવું હતું કે આ દેશમાં મોટાપાયે નિરક્ષરતા, ગરીબી, જાગૃતિનો અભાવ હોવાથી ચૂંટણી કાસ્ટ, કમ્યુનિટી, ધર્મ, મનીપાવર, મસલપાવરથી પ્રભાવિત થઇ શકે છે. આવી રીતે ચૂંટાઇને આવેલ મંત્રી જે તે અધિકારીને પોતાના હિત સાધવા માટે ખોટું કરવા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવે તો નવાઇ નહિ ! આવા સંજોગોમાં સિવિલ સર્વિસને પ્રોટેકશન આપવું તેમને ખૂબ જરૂરી લાગ્યું. કોઇ સરકારી અધિકારી ખોટું કરવા તૈયાર ન થાય તો તેને નોકરીમાંથી કાઢી મૂકે તો ? આથી તેમણે સનદી સેવાઓની ભરતી, સેવા શરતો અને બરતરફી રાજકીય હસ્તક્ષેત્રથી મુક્ત રાખવા સંવિધાનમાં અનુચ્છેદ ૩૦૯, ૩૧૦, ૩૧૧ ઉમેરી તમામ સરકારી કર્મચારીઓને રક્ષણ પણ પ્રદાન કર્યું ! રાજકીય સત્તા સામે સંવિધાનિક અંકુશ ઊભો કર્યો. આમ, સરદાર પટેલે અખિલ ભારતીય સેવાઓની ડુબતી નૌકાને બચાવી.આ જ કારણે સરદાર પટેલને 'દેશના મુલ્કી અધિકારીઓના આરાધ્યદેવ' ગણવામાં આવે છે.
સરદાર પટેલે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુને ૨૭ એપ્રિલ, ૧૯૪૮ના રોજ લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું હતું કે, 'કાર્યદક્ષ, શિસ્તબદ્ધ અને સંતોષી અધિકારીઓ તેમના મહેનતભર્યા અને વફાદાર કામના પરિણામે પોતાના ભાવિ અંગે નિશ્ચિતતા હોય એ હકીકત, આપખુદ શાસન કરતાંય વધુ તો લોકશાહીમાં મજબૂત વહીવટની પૂર્વશરત બની રહે છે એ વાત પર મારે ભાર મૂકવાની ભાગ્યે જ જરૂર હોય. આ અધિકારીઓ પક્ષથી અલિપ્ત રહેવા જોઈએ અને તેમની ભરતી, શિસ્ત કે અંકુશની બાબતમાં રાજકીય ગણતરીઓને સદંતર નાબૂદ ન કરી શકાય તો પણ તે ઓછામાં ઓછો ભાગ ભજવે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ.'
દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર પટેલે ૨૧ એપ્રિલ, ૧૯૪૭ના ભારતીય સનદી સેવાની પ્રથમ બેચના ઓફિસર્સ સમક્ષ કરેલા વ્યાખ્યાનના મુદ્દા આજે પણ યથાર્થ છે. તેમણે કહ્યું હતું કે, 'શાસન-પ્રશાસનમાં સંબંધિતોની ગરિમા જળવાય, નિા સચવાય અને પ્રજા પ્રત્યે સહાનુભૂતિ દાખવીને જનહિતના પ્રશ્નો ત્વરાથી તથા ભ્રષ્ટાચાર આચર્યા વિના ઉકેલાય એ દિશામાં બ્યુરોક્રસી કાર્યરત રહે. બ્યુરોક્રસી પ્રજા પ્રત્યે સંવેદના ધરાવતી હોય અને રાજકીય પક્ષાપક્ષીથી પર રહે. તમે કોઈ અનપેક્ષિત લાભ ખાટીને કોઈની તરફેણમાં નિર્ણય નહીં કરતા. બ્યુરોક્રસી એના રાજકીય શાસકોની કહ્યાગરી ન થાય અને તટસ્થપણે નિર્ણયો લેનારી બની રહે.'


