Get The App

મોબાઇલ ફોનના સ્ક્રીનમાં ટોયલેટ ફ્લશ કરતાં પણ 20 ગણા વધુ બેક્ટેરિયા!

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
મોબાઇલ ફોનના સ્ક્રીનમાં ટોયલેટ ફ્લશ કરતાં પણ 20 ગણા વધુ બેક્ટેરિયા! 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- મોબાઇલ ફોન વગર એક મિનિટ પણ ચાલી ન શકતું હોય તો તમે નોમોફોબિયાના શિકાર બની ચૂક્યા છો

- 17 મે

- ટેલિકોમ્યુનિકેશન ડે

'હે લ્લો વિજાપુરથી વિનોદ વાત કરું છું. વાંધો ન હોય તો, તમારી બાજુમાંથી અશોકભાઇને બોલાવી આપશો...પાંચ મિનિટ રહીને વળતો કોલ કરું છું...'

પાત્ર અને સ્થળના નામ ભલે બદલાય પણ આજથી ૩ દાયકા અગાઉ આ પ્રકારના સંવાદ આપણા જીવનનો હિસ્સો હતા. આ એવો સમય હતો જ્યારે લેન્ડલાઇન ફોન ઘરના મોંઘેરા-મહત્વના સદસ્ય તરીકેનું સ્થાન ધરાવતા હતા. એટલું જ નહીં જેના ઘરમાં લેન્ડલાઇન ફોન હોય તેનો શેરી-સોસાયટીમાં પણ વટ રહેતો. લેન્ડલાઇન ફોનના યુગનો અસ્ત અને મોબાઇલ ફોનનો સૂર્યોદય થવાનો હતો તેના મધ્ય અરસામાં કોમ્યુનિકેશન માટે પેજરે પણ દબદબો ભોગવ્યો હતો. પેજર વર્ષ ૧૯૯૫માં ભારતમાં લોન્ચ થયું. આ ઉપકરણથી સંચારમાં ખૂબ જરૂરી ગતિશીલતા જોવા મળી ખાસ કરીને ઉદ્યોગો માટે. મોટોરોલા બજારમાં લગભગ ૮૦ શેર ટકા સાથે મુખ્ય ખેલાડી હતી. અન્ય કંપનીઓ મોબિલિંક, બીપીએલ, ઉષા માર્ટિન ટેલિકોમ અને સરળ કોલ સમાવેશ થાય છે. પેજર સામાન્ય રીતે બેલ્ટ પર પહેરતા હતા અથવા ખીસ્સામાં.૧૯૯૮માં તેના યઝર લગભગ ૨ મિલિયન સુધી પહોંચ્યા હતા. પરંતુ પેજરની ઇનિંગ્સ વધુ લાંબી ચાલી નહીં. 

વર્ષો અગાઉનો ડાયલ કરવો પડે તેવો ફોન હોય કે આજના સમયનો હથેળીમાં સમાઇ જાય તેવો ટચૂકડો ફોન એમ ઉત્તર ુધુ્રવ-દક્ષિણ ધુ્રવ જેવા વિપરિત કાળખંડ જેવું આમૂલ પરિવર્તન આવી ગયું છે.   ફોન નામનું ટચૂકડું સાધન આપણા જીવનનો મસમોટો હિસ્સો બની ચૂક્યું છે. આજે અનેક લોકો આંખ ઉઘાડતાં જ  મોબાઇલ પર નજર કરીને પોતાના દિવસની શરૂઆત કરે છે. બહાર નીકળતી વખતે બોયફ્રેન્ડ તેની ગર્લફ્રેન્ડનો,  પતિ તેની પત્નીનો કે માતા-પિતા સંતાનનો હાથ પકડે ન પકડે એ તેના હાથમાં એક પળ માટે પણ મોબાઇલને અળગો કરતો નથી.

૧૭ મે, ૧૯૬૯ ના રોજ, ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરી વિશ્વ દૂરસંચાર દિવસ પ્રથમ મનાવવામાં આવ્યો હતો, જે મૂળરૂપે આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ યુનિયન તરીકે ઓળખાતું હતું. ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના ૧૭ મે, ૧૮૬૫ના રોજ પેરિસમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેલિગ્રાફ કન્વેન્શન પર હસ્તાક્ષર કરીને કરવામાં આવ્યા હતા. તેણે ૧૯૩૨માં તેનું નામ બદલીને ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન રાખ્યું હતું યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા માર્ચ ૨૦૦૬ના ઠરાવમાં તારીખ ૧૭ મેને વિશ્વ માહિતી સમાજ દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો હતો. મોબાઇલ ફોનનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો હતો? સીમ કાર્ડના ખૂણાનો ભાગ શા માટે કપાયેલો હોય છે ? મોબાઇલના ચાર્જિંગ માટે યુરિન ટેક્નોલોજી શું છે? જેવી વિવિધ જાણી અજાણી બાબતો અંગે ચર્ચા કરીશું...

મોબાઇલ ફોન આજકાલનો નહીં ૫૨ વર્ષ૨થી પણ વધુ પુરાણો છે. સૌપ્રથમ મોબાઇલ ફોન મોટોરોલાના એન્જિનિયર માર્ટિન કૂપર દ્વારા બનાવાયો હતો. મોબાઇલથી સૌપ્રથમ ફોન કર્યા બાદ તેમનાા શબ્દ હતા, 'શું તમે જાણો છો હું ક્યાંથી વાત કરી રહ્યો છું ?' ૧૯૯૭માં લોન્ચ થયેલા એરિક્સન જીએસ૮૮ પેનલોપ મોડેલને સૌપ્રથમ સ્માર્ટ ફોન કહેવામાં આવે છે. જેમાં ફેક્સ, ટેલેક્સ જેવા ફિચર્સ સામેલ હતા. આજે મોબાઇલ ફોન માટે એક ઢૂંઢોગે હજાર મિલેંગે જેવા વિકલ્પો છે. પરંતુ બેસ્ટ સેલિંગનો રેકોર્ડ આજે પણ નોકિયા ૧૧૦૦ને નામે છે. આ ફોનના ૨૫૦ મિલિયનથી વધુ યુનિટનું વેચાણ થયેલું છે. 

આજે ધાર્મિક સ્થાન, ભોજનનું ટેબલ, ઓફિસ ડેસ્ક, મલ્ટિપ્લેક્સ હોય કે શૌચાલય મોબાઇલ ફોન મોટાભાગના લોકોની સાથે જ હોય છે. પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે મોબાઇલ ફોનના સ્ક્રીનમાં ટોયલેટ ફ્લશ કરતાં ૨૦ થી ૩૦ ગણા વધુ બેક્ટેરિયા હોય છે. વાત ટોયલેટની જ થઇ રહી છે તો હવે આપણા સંશોધકો યુરિન દ્વારા મોબાઇલ ચાર્જ કરવા માટે સંશોધન કરી રહ્યા છે. તેમના અભ્યાસ પ્રમાણે બે લીટર યુરિનથી ૩૦ થી ૪૦ મિલિવોટ્સ એનર્જી પ્રોડયુસ કરી શકે છે. મોબાઇલ ચાર્જિંગની દિવસમાં ઓછામાં ઓછી ૧-૨ વાર જરૂર ૨પડે તે સ્વાભાવિક પણ છે. કેમકે, મોટાભાગની વ્યક્તિ દિવસમાં સરેરાશ ૧૫૦ વખત મોબાઇલ ફોન ચેક કરતી હોવાનું એક સર્વેક્ષણમાં સામે આવ્યું છે. મોબાઇલ ફોનને વધુ પડતો જોવાની આદત હોય તો તેને નોમોફોબિયા કહેવાય છે. આ સમસ્યા ધરાવતી વ્યક્તિ મોબાઇલ લીધા વગર બહાર પણ નીકળી શકતી નથી. આ સિવાય રિંગઝાઇટી નામની માનસિક સમસ્યા લોકોમાં જોવા મળે છે. જેમાં વ્યક્તિને સતત મોબાઇલની રિંગના ભણકારા વાગે છે. ફબિંગની સમસ્યા પણ આપણી આસપાસ જોઇએ છીએ. જેમાં વ્યક્તિ મોબાઇલમાં એટલી 

ખોવાઇ જાય છે કે આસપાસ શું ચાલે છે તેનું ભાન રહેતું નથી. મોબાઇલનું વ્યસન ઘરે-ઘરે છે અને તેને ફેંકવાનું કહેવામાં આવે તો? હા, ફિનલેન્ડમાં દર વર્ષે મોબાઇલ ફોન ફેંકવાની સ્પર્ધા યોજાય છે. જે વ્યક્તિ સૌથી દૂરના અંતરે મોબાઇલ ફેંકી શકે તેને વિજેતા જાહેર કરાય છે. 

કોઇ એમ કહે કે તમારા મોબાઇલમાં કઇ કંપનીનું સબસ્ક્રાઇબર આઇડેન્ટી મોડયુલ છે તો તમે માથું ખંજવાળવા લાગો તે સ્વાાભાવિક છે. પરંતુ સબસ્ક્રાઇબર આઇડેન્ટી મોડયુલ એટલે સીમ કાર્ડ. સૌપ્રથમ સીમ કાર્ડ ૧૯૯૧માં મ્યુનિકમાં બનાવવામાં આવ્યું હતું. સીમ કાર્ડ સાઇડમાંથી થોડા કપાયેલા જોવા મળશે અને તે પાછળનું કારણ રસપ્રદ છે. અગાઉ ટેલિકોમ કંપનીઓના સીમ કાર્ડ  આ રીતે કપાયેલા નહોતા આવતા. પરંતુ ચોરસ સીમ કાર્ડને મોબાઇલની અંદરથી કાઢવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડતો હતો. આ ફરિયાદો મળ્યા બાદ સીમ કાર્ડને એક તરફથી સહેજ કાપવાનો નિર્ણય લેવાયો. 

Tags :