- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ચીકીનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો કે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં તેને લઇને મતમતાંતર પ્રવર્તે છે
કટ્ટમ કટ્ટી કટોકટી... ઉંધી ચત્તી કટોકટી... રંગીલો સંસાર ગગનમાં, રંગીલો સંસાર..
કોઇ લાલ વાદળી પીળો, કોઇ શ્વેત કેસરી નીલો, કોઇ સ્થિર, કોઇ અસ્થિર ને કોઇ હઠીલો.. પતંગનો પરિવાર જગતમાં, પતંગનો પરિવાર...
કોઇ ફસ્કી જાય, ને કોઇ રડે, કોઇ ચડે એવો પડે ને, કોઇ ગોથા ખાય કોઇ લડે..
પટ્ટાદાર, જાનદાર, મંગુદાર..આંકેદાર.. ચોકડીદાર.. કાગળ જેવી કાયામાં પણ માયાનો નહીં પાર...
કોઇ કોઇને ખેંચી કાપે, કોઇની ઢીલ કોઇને સંતાપે, કોઇ કપાતું આપોઆપે, કોઇ કપાતું કોઇના પાપે
કોઇ પતંગ પંડે પટકાતો ઊદ્દી, ખેંશિયો, પાવલો, અડધિયો, પોણિયો, આખિયો,
આ રંગીન જન્મ-મરણની દુનિયાનો કોઇ ન પામ્યું પાર, પતંગનો પરિવાર..
- અવિનાશ વ્યાસ
ભા રતભરમાં પતંગનું આવું પર્વ મનાવતી જાતિ તો ગુજરાતી જ છે. દિવાળી, ધૂળેટી અને ઉત્તરાયણ આ તહેવારો અંદર રહેલા બાળકને જીવંત રાખે છે, બશર્તે તેને માણતા આવડતું હોય તો. ઉત્તરાયણની અન્ય એક ખાસિયત એ છે કે આ તહેવાર કોઇ દેવી-દેવતાને સમર્પિત નથી. આ તહેવાર મનુષ્યની ભીતર શ્વસતા આનંદી યુવાન-નટખટી બાળકને સમર્પિત છે, તેની ઉજવણી થોડા કલાકો માટે આપણને હળવા બનાવી દે છે. દિવસભર દોરીની ખેંચખેંચ કર્યા પછી બાવડા ભલે દુખતા હોય પણ દર્દ થતું નથી, થાક હોય છે તેનો અહેસાસ નથી. આ તહેવારનો નશો જ એવો હોય છે કે રાત્રે પથારીમાં પડતા જ દિવસભર લડાવેલા એક-એક પેચની રીલ આંખ સામેથી જાણે પસાર થાય છે. પતંગથી પેચ લડાવવામાં એવો રોમાંચ મળે કે તેની તોલે પ્લેસ્ટેશનની ગેમ પણ આવે નહીં. ઉત્તરાયણના આ પર્વમાં માત્ર પતંગ જ નહીં સ્વાદપ્રેમીઓની સ્વાદેન્દ્રિયોને તૃપ્તિ પણ જાણે ગગન સ્પર્શે છે. ઊંધિયું-જલેબી, સાત ધાનનો ખીચડો, ઉપર ઘી લાડુ, મમરાના લાડુ અને ચીકીનો સ્વાદ માણ્યા વિના ઉત્તરાયણનો તહેવાર અધૂરો જ લાગે. કાળા-ધોળા તલ કે શિંગ-દાળિયા-મેવા મઢેલી ચીકી!જાણે આભના મઢેલી લહેરાતી સાડીનો પાલવ. હવે આ ચીકીનો જન્મ સૌરાષ્ટ્રમાં થયો કે મહારાષ્ટ્રના મહાબળેશ્વરમાં તેને લઇને મતમતાંતર પ્રવર્તે છે. સૌ પ્રથમ કાઠિયાવાડમાં ચીકીના ઈતિહાસની વાત કરીએ. ૧૮મી સદીના મધ્ય ભાગમાં કાઠિયાવાડમાં ડફેરોનો ત્રાસ હતો. ડફેરો ગામમાં આવીને લૂંટફાટ કરતા. પરેશાન પ્રજાએ આ સમસ્યાના નિરાકરણ માટે રાજા-મહારાજા સમક્ષ રજૂઆત કરી. ડફેરો જ્યાં હુમલો કરતાં ત્યાં સેના બંદોબસ્ત રાખવાનો નિર્ણય લેવાયો. આ સૈનિકો રાઉન્ડ ધ ક્લૉક પહેરો ભરતા. સતત બંદોબસ્તમાં રહેતા આ સૈનિકોને ખાદ્ય સામગ્રી પહોંચાડવી કેમ એ સમસ્યા સર્જાઇ. આ પ્રશ્નના નિરાકરણ માટે મહારાજાઓએ ચર્ચા વિચારણા કરી, જેમાં વિચારણામાં આયુર્વેદાચાર્યોને પણ સાથે રાખવામાં આવ્યા જેથી સૈનિકોના સ્વાસ્થ્યને પણ ધ્યાનમાં રાખી શકાય. એ વિચારણા દરમ્યાન એનર્જીઆપનારા ગોળની પણ વાત થઈ અને થોડું ખાવાથી પણ પેટ ભરાઈ ગયાની તૃપ્તિ આપી શકે એવા મગફળીના દાણાની પણ વાત થઈ. આ બન્ને વાનગીઓના સરવાળાના ફળસ્વરૂપે સૌથી પહેલાં તો માત્ર ગોળના ભીલા અને મગફળી આખી મોકલવામાં આવતી હતી. આ પછી એમાં સુધારો કરવાના હેતુથી પહેલાં મગફળીના દાણાના ગોળના લાડુ બનાવવામાં આવ્યા. અલબત્ત, આ લાડુ પણ જાડા થઈ જતા હોવાથી ચાવવામાં તકલીફ પડવા લાગી. જેના કારણે થાળીમાં એને ઢાળીને સુખડીની જેમ ચકતાં બનાવવામાં આવ્યાં અને આમ ચીકીનો જન્મ થયો.
બીજી તરફ મહાબળેશ્વરમાં ચીકીના જન્મ પાછળ રેલવે કનેક્શન છે. વાત એમ છે કે, ૧૮૮૦ના દાયકામાં બોમ્બે અને લોનાવલાના દુર્ગમ પશ્ચિમ ઘાટ પર રેલવે ેટ્રેક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ચઢાણ વાળો માર્ગ એટલે શ્રમિકો થોડું કામ કર્યા બાદ તુરંત જ થાકી જતા. રેલવે ટ્રેકની કામગીરી ઝડપથી પૂરી કરવા ઉપરી અધિકારીઓનું દબાણ વધી રહ્યું હતું અને શ્રમિકોના ઝડપથી થાકવાની સમસ્યાનું નિરાકરણ થઇ રહ્યું નહોતું. આ સમસ્યાની જાણ મીઠાઇના એક સ્થાનિક વેપારીને થઇ. તેણે રેલવે ટ્રેકની કામગીરીમાં સંકળાયેલા લોકો માટે એક એનર્જી સ્નેક બનાવવાનું શરૂ કર્યું. આ વાનગી ખાધા બાદ શ્રમિકો ઊર્જા સાથે કામ કરતા અને તે ચીકી તરીકે આજે પણ ઓળખીએ છીએ. શ્રમિકો માટે આ એનર્જી સ્નેક બનાવનારા વેપારીનું નામ એટલે મગનલાલ અગ્રવાલ. મગનલાલે શિંગ અને ઘીનો ઉપયોગ કરીને આ હાઇ કેલેરી સ્નેક બનાવેલી અને એ વખતે તેમણે ગુડ દાની એવું નામ આપેલું.આ વાનગી લોકપ્રિય ખૂબ જ થઇ રહી હતી પણ તેનું નામ બોલવામાં અટપટું હતું. જેના કારણે આગળ જતાં તેનું નામ બદલીને ગુડ દાનીમાંથી ચીકી કરાયું. આજે ચીકી વિવિધ પ્રાંતમાં અલગ-અલગ નામે મળે છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં તેને લાય અથવા લાઈ કહેવામાં આવે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં તેને ગજક અથવા મરૃંડા તરીકે પણ
ઓળખવામાં આવે છે. બાંગ્લાદેશ , પશ્ચિમ બંગાળ અને અન્ય બંગાળી બોલતા પ્રદેશોમાં તેને ગુર બદામ તરીકે, દક્ષિણ ભારતીય રાજ્યો તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પલ્લી પટ્ટી, તમિલનાડુમાં કડલાઈ મિટ્ટાઈ, કર્ણાટકમાં કડાલે મિટ્ટાઇ તરીકે ઓળખાય છે. ચીકીનું આયુર્વેદિક અને આર્થિક પાસું પણ છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સીઝનલ વરાઇટી ખાવી સ્વાસ્થ્ય માટે લાભદાયી છે. મગફળી અને ગોળ બન્ને શિયાળુ ઉત્પાદન છે. સમય જતાં તેમાં તલ અને દાળિયાની ચીકી પણ ઉમેરાઇ. આર્થિક પાસાંની વાત કરીએ તો શિયાળામાં ગોળ અને મગફળી બન્ને નવાં બનતાં હોય એટલે ભાવમાં સસ્તાં પણ હોય. દાણાની ખપત વધે તો ઊગતો પાક પણ ઝડપથી બજારમાં વેચાતો જાય.
ચીકી હવે બારે માસ મળે છે એટલું જ નહીં જ્યોર્તિલિંગ સોમનાથ અને શક્તિપીઠ અંબાજીમાં હવે પ્રસાદ તરીકે ચીકી ધરાવવામાં આવે છે. ઉત્તરાયણનો તહેવાર માત્ર મોજ નહીં ઘણા બધા 'લાઇફ લેસન્સ' પણ શિખવી જાય છે. જેમકે ગમે તેવો સુંદર-મોંઘોદાટ પતંગ હોય પણ તે દુકાનમાં કે ધાબામાં પડયો રહે ત્યાં સુધી પતંગ કેવો? ઉડવાથી ડરતા જ રહેશો, તો ય ધાબામાં પડયા પડયા ફેંકાઇ જશો. પતંગનું પતંગપણું ત્યારે જ સાર્થક થયું કહેવાય જ્યારે તે વહેતા વાયરા સામે છાતીએ બાથ ભીડીને ઉડાન ભરે, આકાશમાં મુક્તપણે લહેરાય....


