દેશની પ્રથમ ચૂંટણી અને 28 લાખ 'લાપતા લેડિઝ...'
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- પુરુષ સાથે મહિલાને પણ મતાધિકાર આપવાનો ભારતનો નિર્ણય લોકશાહી દેશના ઈતિહાસમાં ક્રાંતિકારો ગણવામાં આવ્યો હતો
- 15 ઓગસ્ટ
- સ્વતંત્રતા દિવસ
જે દિવસની અમે રાહ જોતા હતા તે તું છે, આવ.
જેની ઉષાનો પાલવ દૂધમલ શહીદો તણા
પવિત્ર રક્તથી થયો રંજિત, તે તું છે, આવ.
જેની પ્રભાત-લહરી મહીં અમ સ્વપ્નભરી
આશાઓની ખુશ્બો જઈ વસી છે, તે તું જ...આવ.
આવ હે સુદિન અમ મુક્તિ તણા !
- ઉમાશંકર જોશી
ગ ણતરીના દિવસોમાં આપણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીશું. સ્વતંત્રતા મળ્યા બાદ સૌથી મોટો પડકાર હોય તો તે લોકસભાની સૌપ્રથમ ચૂંટણી યોજવાનો હતો. યુરોપિયન અને અમેરિકન દેશોમાં મતાધિકાર મેળવવા માટે મહિલાઓ, શ્રમિકો, સ્થળાંતરકર્તાઓએ વર્ષો સુધી સંઘર્ષ કરવો પડયો હતો, કેટલાકે બલિદાન પણ આપવું પડયું હતું. પરંતુ આપણો દેશ આઝાદ થયો ત્યારે ૨૧ વર્ષથી વધુ વયના તમામ પુરુષ અને મહિલા બંનેને મતાધિકાર મળ્યો હતો. પુરુષ સાથે મહિલાને પણ મતાધિકાર આપવાનો ભારતનો નિર્ણય લોકશાહી દેશના ઈતિહાસમાં ક્રાંતિકારો ગણવામાં આવ્યો હતો.
ભારતીય મહિલાઓને મતાધિકાર આપવાના મહત્ત્વ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરે વધારે ભાર આપ્યો હતો. ડૉ. આંબેડકર માનતા હતા કે, મહિલાઓને મતાધિકારથી વંચિત રાખવી એ ભેદભાવનું એક સ્વરૂપ છે અને મહિલાઓને લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવાની સમાન તક આપવી જોઈએ. ડૉ. આંબેડકરનું વિખ્યાત વાક્ય છે કે 'હું સમાજની પ્રગતિને મહિલાઓ કરેલી પ્રગતિથી માપું છું.'
ભારત દેશને આઝાદી મળ્યા બાદ દેશમાં પ્રથમ વખત જ ચૂંટણી યોજવાનું નક્કી થયું ત્યારે તેના માટે તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ ચૂંટણી કમિશ્નર તરીકે પશ્ચિમ બંગાળના ચીફ સેક્રેટરી સુકુમાર સેન પર પસંદગી ઉતારી હતી. તેઓ ઈન્ડિયન સિવિલ સવસનાં એકમાત્ર અધિકારી હતાં. નહેરુ વહેલામાં વહેલી તકે ચૂંટણી યોજવા માગતા હતા. પણ દુરંદેશી ધરાવતા સુકમાર સેને તેમના આ પ્રસ્તાવને ફગાવતા નહેરૂને કહ્યું કે, 'દેશમાં ચૂંટણી યોજવી અત્યંત પડકારરૂપ છે. તેની તૈયારી માટે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો સમય જોઈએ, તો જ શક્ય છે...' સુકુમારે રજૂ કરેલા આ વિચારને નહેરુએ કોઇ આનાકાની વિના સ્વીકારી પણ લીધો, તેમણે સુકુમાર સેનને જ બદલી કાઢ્યા નહીં!
સુકુમાર સેને દરેક રાજ્ય દીઠ ચૂંટણી કમિશ્નરોની નિમણૂંક કરી હતી. દરેક રાજ્યોની મુલાકાત લઇ અને વસતીપત્રક તથા મતદાર યાદી બનાવવાની જવાબદારી તેમને સોંપી હતી. આઝાદી અગાઉ દેશની વસતીની કોઈ ગણના થઈ ન હતી. અલગ-અલગ રાજાનાં રજવાડાઓ હોવાથી તેની એક સામાન્ય ગણતરી કરવાની જરૂર હતી. ત્યારબાદ સૌથી મોટો પડકાર સામે એવો આવ્યો કે દેશમાં ૮૫ ટકા લોકો નિરક્ષર હતાં. તેઓ લખી વાંચી શકતા નહોતા. તેવા લોકો મત આપવા જાય ત્યારે, ઉમેદવારનું લખેલું નામ વાંચી નહીં શકે તો મત કેવી રીતે આપે ? આ મોટો પ્રશ્ન હતો.
આ સમસ્યાના નિરાકરણ માટે ચૂંટણીમાં દરેક ઉમેદવારોને ચૂંટણી ચિન્હો ફાળવવામાં આવ્યા હતાં. જેના આધારે નિરક્ષર મતદાર પણ પોતાના પસંદગીનાં ઉમેદવારને મત આપી શકે. બોગસ મતદાન રોકવા ખાસ પ્રકારની સ્યાહી બનાવવામાં આવી હતી. જેનું નિશાન આંગળી ઉપર ૮ દિવસ સુધી રહે છે. જેના કારણે એક વ્યક્તિ એક જ વેળા મતદાન કરી શકે, તેવી વ્યવસ્થા કરી હતી. ચૂંટણીના ચિહ્ન અને ખાસ પ્રકારની સ્યાહી આજે પણ ચૂંટણી વ્યવસ્થાનો ભાગ છે, તેના પરથી જ સુકુમાર સેનની દૂરંદેશીનો અંદાજ મેળવી શકાય છે.
પ્રથમ ચૂંટણી વખતે દેશની કુલ વસતી ૩૬ કરોડની હતી. જેમાં મતદારોની કુલ સંખ્યા ૧૭.૫૦ કરોડ હતી. જૈ પૈકી પુરુષ મતદારની સંખ્યા ૯.૫૦ કરોડ અને સ્ત્રી મતદાર ૮.૦ કરોડ હતી. પ્રથમ ચૂંટણી માટે મતદારોની યાદી તૈયાર કરવા અંગે 'ઈન્ડિયા આફટર ગાંધી' નામના પોતાના પુસ્તકમાં રામચંદ્ર ગુહાએ લખ્યું છે, 'સરકારી કર્મચારીઓએ મતદારો સુધી પહોંચવા માટે સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવો પડયો હતો. ક્યારેક તેમણે નદી પાર કરવી પડી હતી તો ક્યારેક પહાડો, ખીણો અને જંગલોમાંથી પસાર થઈને મતદાન કેન્દ્રો સુધી પહોંચવું પડયું હતું. બીજી સમસ્યા સામાજિક હતી. ઉત્તર ભારતની ઘણી મહિલાઓનાં ખરા નામ મતદાર યાદીમાં નોંધવામાં આવ્યાં નહોતા. ગામડાંમાં મતદાન નોંધણી અભિયાન શરૂ કરવામાં આવ્યું ત્યારે સ્ત્રીઓનાં નામ ફલાણાની વહુ કે ઢીંકણાની પત્ની, પુત્રી, માતા અને બહેન તરીકે નોંધવામાં આવ્યાં હતાં.'
આ પાછળનું કારણ એવું હતું કે, આપણે આઝાદ થયા ત્યારે આપણા સમાજમાં મહિલાઓ પર ઘણાં નિયંત્રણો હતાં. રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ઉત્તર પ્રદેશમાં મહિલાઓને અજાણ્યા લોકો સાથે
વાત કરવાની મનાઈ હતી. આ ઉપરાંત ગામડાંમાં મહિલાઓને તેમના ઘરના પુરુષના નામથી ઓળખવામાં આવતી હતી. એ તત્કાલીન પિતૃસત્તાક માનસિકતાનું પ્રતીક હતું.
મતદાર યાદીઓ તૈયાર થયા બાદ સ્ત્રીઓના અલગ નામનો મુદ્દો વડા ચૂંટણી કમિશનર સુકુમાર સેનના કાને પડયો હતો. નિયમપાલનના કડક આગ્રહી સુકુમાર સેને એવાં નામોની યાદી ફગાવી દીધી હતી. જેના માટે સુકુમારને એવો ડર હતો કે એક વખત આવાં નામોનો સમાવેશ મતદાર યાદીમાં કરવામાં આવશે તો પછી તે કાયમ માટે ઘૂસેલાં રહેશે. લોકસભાની પ્રથમ ચૂંટણીમાં ૮ કરોડ મહિલાઓ મતદાન માટે લાયક હતી. પરંતુ સુકુમાર સેનના નિર્ણયને લીધે ૨૮ લાખ મહિલાઓ મતાધિકારને પાત્ર હોવા છતાં મતદાન કરી શકી નહોતી.
દેશની પ્રથમ અને સૌથી પડકારજનક ચૂંટણી યોજવા ઉપરાંત વિવિધ ઐતિહાસિક નિર્ણય લેનારા સુકુમાર સેનના જીવન પરથી બાયોપિક બનાવવાની પણ જાહેરાત તાજેતરમાં કરવામાં આવી છે. બાય ધ વે, જેમ ઘરની મુખ્ય કમાઉ વ્યક્તિ ઝબકીને એવા વિચાર સાથે જાગી જાય છે કે, 'મારા પર ઘરની જવાબદારી છે, કામ પર તો જવું જ પડશે. ' તેવી જ રીતે આપણા જનપ્રતિનિધિ પણ એવા પહેલા વિચાર સાથે જાગી જાય કે મારે દરેક નાગરિકના ઉત્કર્ષ માટે કામ કરવાનું છે તો આપણો દેશ વધુને વધુ નવા શિખર સર કરતો રહેશે....